Get The App

મેનકીપિંગ : ઈમોશનલ મજૂરી

Updated: Aug 19th, 2025

GS TEAM

Google News
Google News
મેનકીપિંગ : ઈમોશનલ મજૂરી 1 - image

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- સગપણને નિભાવવાનું ઉર્ફે કિનકીપિંગનું કામ સહેલું નથી. કુટુંબમાં આ કામ કોઈ પણ કરી શકે પણ મોટે ભાગે એ કામ સ્ત્રીના ભાગે આવે છે

બસ, બહુ મોડું થયું છે, જાઉં હું,

બે ઘડી દુનિયાને પણ દેખાઉં હું.               

- મેગી અસનાની

આ દમ અને ઇવ અને સર્પ અને સફરજન અને પછી... સમાગમ અને પછી.... અને પછી આપણે બધાં! આદમ મેન હતો. ઇવ વૂમન હતી. આમ સરખાં પણ ભૂમિકા જુદી. એકમેકના પૂરક. 'મેનકીપિંગ' (Mankeeping) શબ્દ દેશવિદેશના અનેક પ્રિન્ટ/ઓનલાઇન મીડિયામાં તાજેતરમાં અમારી નજરે ચઢયો.  'મેન' એટલે માનવ પ્રાણી, માણસ, મનુષ્ય, મરદ, પુરુષ, પતિ, ધણી, ભાયડો. અને 'કીપિંગ' એટલે કબજો, હવાલો, દેખરેખ, નિયંત્રણ, સાચવણ. 'મેનકીપિંગ'માં પુરુષને સાચવવો પડે અને એની જવાબદારી સ્ત્રી ઉપર. પુરુષ કમાણી કરે અને સ્ત્રી ઘર સાંભળે, એવો સામાજિક ઢાંચો હતો. સ્ત્રી એટલે હોમમેકર એટલે રાતદહાડો ઢસરડો કરે પણ.. એની કોઈ નોંધ પણ ન લે. જાણે મજૂરી કરવા જ જન્મી હોય. કુન્દનિકા કાપડિયાની લેન્ડમાર્ક નવલકથા  'સાત પગલાં આકાશમાં' વાંચી છે? સ્ત્રી એટલે પતિને સેવા કરનાર, પતિના વંશને ચાલુ રાખવા માટે પુત્રને જન્મ આપનાર એક ઓજાર. સતીની પવિત્રતા માટે અનેક નિયમો, પ્રતિબંધો. પણ હવે પેઢી બદલાઈ. સ્ત્રી સ્વતંત્ર થઈ. અત્યારે તો જનરેશન ઝેડ. પણ સાહેબ, આજનો શબ્દ સૂચવે છે કે શારીરિક મજૂરી કદાચ ઘટી હશે પણ માનસિક મજૂરી હજી એની એ જ છે.

કુટુંબમાં બધાને જોડેલા રાખવા, રાજી રાખવા માટે કિનકીપિંગ (Kinkeeping) એવો શબ્દ સને ૧૯૫૦થી ચલણમાં છે. 'કિન' એટલે સગાસંબંધીઓ, જેની સાથે લોહીનું સગપણ હોય તે. સગપણને નિભાવવાનું ઉર્ફે કિનકીપિંગનું કામ સહેલું નથી. કુટુંબમાં આ કામ કોઈ પણ કરી શકે પણ મોટે ભાગે એ કામ સ્ત્રીના ભાગે આવે છે. એના જ ભાગ્યમાં કિનકીપિંગ લખ્યું છે. આજનો શબ્દ 'મેનકીપિંગ' આ કિનકીપિંગ પરથી જ આવ્યો છે. સ્ટેનફોર્ડ રિસર્ચર એન્જેલિકા ફેરારા આ શબ્દની વ્યાખ્યા કરતા કહે છે કે પુરુષનું માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય જળવાય, એ માટે સ્ત્રીએ જે અવેતન ઈમોશનલ લેબર (ભાવાત્મક મજૂરી) કરવી પડે છે એ છે મેનકીપિંગ. સ્માર્ટફોન અને સોશિયલ મીડિયામાં કનેક્ટેડ રહેતા પુરુષો પાસે રીઅલ લાઈફમાં મિત્રો આજકાલ નહીંવત હોય છે. એ કામ તો કરે છે પણ ઓફિસમાં કાંઈ ડખો થયો કે બોલચાલ થઇ તો એ વાત ઘરે લઈને આવે છે. મોઢું પડી ગયું હોય છે. હૈયાવરાળ ક્યાં કાઢવી? સ્ત્રી અંતર્જ્ઞાની હોય છે. ભગવદ્ગોમંડલ અનુસાર 'અંતર્જ્ઞાની' એટલે હૈયા ઉકેલતવાળું. હૈયાની વાત હોય તો સ્ત્રી પાસે સમજ છે અને ઉકેલ પણ છે. પણ પછી રોજ રોજ આ જ કામ કરવાનું? આ ઈમોશનલ અત્યાચાર તો નથી પણ હા, ઈમોશનલ ગદ્ધાવૈતરું જરૂર છે. સ્ત્રી પછી આ રોજ રોજના ઈમોશનલ મજૂરીથી કંટાળે નહીં તો શું થાય? પુરુષના પ્રોબ્લેમ રોજ સાંભળવાના અને રોજ એનો ઉકેલ પણ આપવાનો. લગ્ન પહેલાં, દરમ્યાન કે તે પછી, પુરુષના સગાઓની બર્થડે વિશ કરવાનું યાદ કરાવવું, અગત્યના સામાજિક પ્રસંગોમાં હાજરી આપવા યાદ કરાવવું, પ્રસંગે ભાયડાને તૈયાર કરવો, લઇ જવો અને ત્યાં જઈને બોલવામાં કાંઈ બફાટ ન કરી નાંખે, એનું ય ટેન્સન. સ્ત્રીના પોતાના પ્રોબ્લેમ્સની વાત તો સાવ બાજુ પર રહી જાય. સ્ટેનફોર્ડ સ્ટડી એમ કહે છે કે દર પાંચ પુરુષે એક પુરુષ એવો હોય છે, જેનો કોઈ જીગરી દોસ્ત જ હોતો નથી. એટલે પોતાની અંગત વાત પછી એ કોની સાથે શેર કરે? એટલે પછી પોતાનાં દુથખડા રોજ રોજ પોતાની પત્ની કે ગર્લફ્રેન્ડ સાથે શેર કરે. પૂઅર વૂમનિયા!

સ્ત્રી પછી પુરુષની ઈમોશનલ હાઉસકીપર થઇ જાય. થવું પડે. પતિ કે બોયફ્રેન્ડની મૂડ મેનેજર! થેરાપિસ્ટ અને ઇવેન્ટ પ્લાનર પણ. અને આ તો પાછી ૨૪ ઠ ૭ ડયૂટી. એણે આ જ કરવાનું.  આ જ કર્યા કરવાનું.  થાકી જવાય. આટલું આટલું કરે પણ આભાર માનવાનું  તો જવા દો, પુરુષ એની નોંધ પણ ન લે. સ્ત્રીને લાગે કે જાણે એનું પોતાનું તો કોઈ અસ્તિત્વ જ નથી, પોતાની કોઈ ઓળખાણ જ નથી. અને પછી શું થાય? પ્રસન્ન દાંપત્ય જીવનમાં પ્રોબ્લેમ થાય અથવા ડેટિંગમાં ડખો થાય. અને પછી કવિ શ્રી અનિલ જોષીના શબ્દોમાં .. હું તો નીકળી ગઈ મારી તલાશમાં, સાત પગલાં આકાશમાં.. થઈ જાય. 

આ પ્રેમ પણ અઘરો દાખલો છે. કમરનાં દુ:ખાવા જેવો. એક્સ-રેમાં ન દેખાય પણ એ હોય તો ખરો. શું કરવું? કહી દેવું. જો તમે સ્ત્રી હો તો પુરુષ સામે આરોપ મૂક્યા વિના સલૂકાઇથી પોતાની મુશ્કેલી કહી દેવી. હા, મેં ભૂતકાળમાં કહ્યું હતું કે તું કાંઈ પણ કરે તો પણ હું તને પ્રેમ કરતી રહીશ પણ એટલે તારે આમ તારા દુ:ખડાં જ રડયા કરવાની જરૂર નથી. સંબંધમાં સમતુલા જાળવવાની અગત્યતા એને સમજાવવી. બસ, હવે નહીં. બાઉન્ડરી સમજાવી દેવી. પુરુષને પુરુષ મિત્રોની મહત્તા સમજાવવી. બ્રોમાન્સ (બ્રધર+રોમાન્સ), યૂ સી! અને જો તમે પુરુષ હો તો સમજી લેવું કે આમ રોજ રોજ પોતાના ટેન્સન સ્ત્રી ઉપર લટકાવી દેવાની વાત ઠીક નથી. એ કાંઈ તમારી થેરપિસ્ટ નથી. તમારી ઈમોશનલ હેલ્થ માટે સ્ત્રી જવાબદાર નથી. અને હે ભાયડાઓ, ભાઈબંધ શોધો. સંખ્યામાં ઝાઝા ન હોય તો ચાલશે. રાજેશ વ્યાસ 'મિસ્કીન' તો કહે જ છે કે ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે, જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે. તમારી વ્યથા તમારા એ સ-રસ મિત્રને કહો. બધો ઈમોશનલ લોડ સ્ત્રી પર લાદવાની જરૂર નથી. ઇતિ.  

શબ્દ શેષ

'તમે કાયમ હાથવગા કે હૈયાવગા હો તો તમારી કોઈ વેલ્યૂ જ ન રહે.' 

- ઇવની આત્મકથામાંથી