Get The App

67: અસ્પષ્ટ સંદિગ્ધ વાહિયાત

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
67: અસ્પષ્ટ સંદિગ્ધ વાહિયાત 1 - image

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- જનરેશન ઝી આંદોલન કરે છે એટલે સમાચારમાં રહે છે. પણ પહેલી વાર જનરેશન આલ્ફા સમાચારમાં છે

फूटा जो खवाब का गुब्बारा

अब फिरता हूं मैं

लंदन पैरिस न्यूर्योक एलए सानफ्रांसिस्को

दिल में मरे हैं

दर्द-ए-डिस्को

दर्द-ए-डिस्को

- जावेद अखतर

જા વેદ અખ્તર જેવા સિદ્ધહસ્ત શાયરે દર્દ-એ ડિસ્કો ગીત લખ્યું. 'દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ'- પણ તેઓએ જ લખ્યું હતું. પણ સિલસિલાબંધ ખ્વાબનો ફુગ્ગો ફૂટી ગયો અને મગર બિલાડી ખાઈ ગયો! 'એલએ સાનફ્રાન્સિસ્કો' અને 'દર્દ-એ-ડિસ્કો'-ના રદીફ કાફિયા મળ્યા પણ એનો અર્થ સમજાયો નહીં. અને આ ડિસ્કોનું દર્દ?! પણ જવા દો. આ પિષ્ટપેષણનો કોઈ અર્થ નથી. કારણ કે તેઓને કહેવામાં આવ્યું હતું કે એવું ગીત લખો કે જેનો કોઈ અર્થ જ ન હોય. ફિલ્મની સિચ્યુએશન જ કાંઈક એવી હતી.  જિંદગીમાં ઘણું અર્થહીન હોય છે. જેમ કે આજનો શબ્દ. હા,  ૬૭ શબ્દ છે અને આ શબ્દને ડિક્સનરી.કોમ દ્વારા ૨૦૨૫નો સરતાજ શબ્દ ઘોષિત કરવામાં આવ્યો છે.  ઇન્ટરનેટ બોલચાલની ભાષામાં જાણીબૂઝીને કરાતી અસ્પષ્ટ સંદિગ્ધ અભિવ્યક્તિ માટેનો આ શબ્દ છે. કશુંક અસ્પષ્ટ છે, નાસાફ છે, ગોળમોળ છે. ૬૭ શબ્દનો અર્થ એ થાય છે કે એનો કોઈ અર્થ જ થતો નથી! અને અમારે આ શબ્દનો અર્થ સમજાવતો લેખ લખવાનો છે !

૬૭ શબ્દનો કોઈ વાર અર્થ થાય છે : 'ઠીક છે', તો કોઈ વાર એનો અર્થ થાય છે : 'કદાચ આમ' અથવા 'કદાચ તેમ'. જનરેશન આલ્ફા(વર્ષ ૨૦૧૦ અને ૨૦૨૪ વચ્ચે જન્મેલી વ્યક્તિ)ને કોઈ પૂછે કે કેમ છે? અથવા એમ પૂછે કે તારી હાઈટ કેટલી? તો એ ટ્વિનએજર કે ટીનએજર છોકરો કે છોકરી મસ્તી મસ્તીમાં અગડમ બગડમ જવાબ આપે કે 'સિક્સ સેવન'.  ટીનએજર આપણે જાણીએ છીએ. ટ્વિનએજર એટલે  'બિટ્વિન ધ ચાઈલ્ડ એન્ડ ધ ટીનએજર' એટલે દસ થી બાર વર્ષનાં છોકરા છોકરીઓ, જે ચાઈલ્ડ નથી અને ટીન એજર પણ નથી. ૬૭ શબ્દ આ આલ્ફા પેઢીના છોકરાછોકરીઓ જાણીતો  કર્યો છે. શબ્દનો ઉચ્ચાર સિક્સ્ટી સેવન નથી. 'સિક્સ સેવન' શબ્દ ક્યારેક આશ્ચર્ય ચિહ્ન તો ક્યારેક જોક તરીકે અથવા તો ક્લાસ રૂમમાં 'કોલ એન્ડ રીસ્પોન્સ'માં બોલાય છે. કોલ એન્ડ રીસ્પોન્સ (હાકલ અને પ્રતિક્રિયા)માં શિક્ષક બોલે કે 'સિક્સ' અને આખો કલાસ સાગમટે બોલે 'સિક્સ સેવન'. છોકરા છોકરીઓ ટીખળી હોય છે. કોઈ પણ વિષયનો ક્લાસ હોય પણ એમાં કોઈ પણ સંદર્ભમાં 'સિક્સ' શબ્દ આવે એટલે આખો ક્લાસ સિક્સ સેવન એક સાથે બોલે જ બોલે. શિક્ષક માટે ભણાવવાનું અઘરું થઇ જાય. કેટલાંક શિક્ષક હોંશિયાર હોય. એને લાગે કે વિદ્યાર્થીઓ ધ્યાન આપી રહ્યા નથી તો પોતે જ બોલે : 'સિક્સ'. અને આખો કલાસ સાગમટે પ્રતિક્રિયા આપે કે 'સિક્સ સેવન'. આડા અવળાં ડાફોરિયા મારતા હતા એ બધા હવે ફરીથી ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરે. ડિક્સનરી.કોમ ૬૭ શબ્દને 'વર્ડ ઓફ ધ યર' જાહેર કરતા કહે છે કે આ શબ્દ ઊર્જાનો એવો પ્રસ્ફોટ છે જે સૌને તત્કાળ જોડે છે. આ એક સોશિયલ સિગ્નલ છે. આ શબ્દનો અર્થ જો જાણો તો તમે આધુનિક ટ્રેન્ડથી વાકેફ છો, એવો અર્થ થાય.  આ શબ્દનો કોઈ અર્થ થતો નથી, એ તો પછીની વાત છે. 

૬૭ શબ્દનું મૂળ મ્યુઝિકલ છે. અમેરિકન રેપર સ્ક્રિલઆનું ડ્રિલ રેપ સોન્ગ 'ડૂટ ડૂટ ( ૬ ૭)'માં શબ્દ ૬૭નું ઘણી વાર પુનરાવર્તન થાય છે. આમ પણ રેપ સોન્ગના શબ્દો તો અર્થ વિનાના જ હોવાના. કોઈકે કહ્યું કે આ ગીતનો ગાનાર ફિલાડેલ્ફિયાના ૬૭માં સ્ટ્રીટમાં રહે છે એટલે એ ૬૭ વારંવાર બોલ બોલ કરે છે. આ શબ્દ ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક ઉપર વાઇરલ થઇ ગયો. ઈન્ટરનેટ ઉપર મીમ બનવા લાગી. એમાં કોઈએ ૬ ફૂટ ૭ ઇંચ ઊંચા બાસ્કેટબોલ સ્ટાર લા મેલો બૉલની મીમ બનાવીને અપલોડ કરી, જે વાઇરલ થઇ ગઈ. શબ્દ એમ પ્રચલિત થયો. આમ પણ સિક્સ સેવન બોલવામાં લયબદ્ધ છે એટલે જીભે ઝટ ચઢી જાય છે.  ૬૭ નવો શબ્દ છે પણ ઇંગ્લિશ ભાષામાં 'એટ સિક્સિઝ એન્ડ સેવન્સ' એવો જૂનો મુહાવરો પણ છે; જેનો અર્થ થાય છે અવ્યવસ્થા, ગરબડ, ટોટલ કન્ફ્યુઝનની સ્થતિ. ઇંગ્લિશ સાહિત્યના પિતામહ ગણાતા જ્યોફ્રી ચોસરે સને ૧૩૮૫માં પોતાની એક કવિતામાં જૂગટું રમવાના પાસાની એક રમતના સંદર્ભે એટ સિક્સિઝ એન્ડ સેવન્સ શબ્દો પહેલી વાર લખ્યા હતા. જુગાર રમવાથી જે બરબાદી થાય છે અને સઘળું અસ્તવ્યસ્ત થઇ જાય છે, એ સંદર્ભમાં આ મુહાવરો સર્જાયો હતો. કોઈ જાણકાર મેનેજર અચાનક નોકરી છોડી દે તો આખો પ્રોજેક્ટ એટ સિક્સિઝ એન્ડ સેવન્સ થઇ જશે, એવું કહી શકાય.  ટૂંકી વાર્તાના પ્રિય લેખક ઓ. હેન્રીના મૃત્યુ બાદ સને ૧૯૧૧માં તેઓની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયો, એનું શીર્ષક 'સિક્સિઝ એન્ડ સેવન્સ' હતું. ચમત્કારિક અંત જેનો ટ્રેડમાર્ક છે એવી ઓ. હેન્રીની ટૂંકી વાર્તાઓના પુસ્તકનું આ શીર્ષક સર્વ રીતે ઉચિત જ છે. કન્ફ્યુઝનનો અંત ચમત્કારિક હોય તો જલસો થઈ જાય! 

જનરેશન ઝી આંદોલન કરે છે એટલે સમાચારમાં રહે છે. પણ પહેલી વાર જનરેશન આલ્ફા સમાચારમાં છે. અમને લાગે છે કે જનરેશન ઝી હવે બુઢ્ઢી થઇ ગઈ છે!  જમાનો એઆઈનો છે. આજે સઘળું કામ ચેટજીપીટી કે અન્ય એઆઈ પ્લેટફોર્મ પળમાં કરી દે છે. આખી પેઢીના મગજનું પ્રોગ્રામિંગ થઇ ગયું છે. મગજ કસવાની જરૂર હવે નથી. કોઈ મગજમારી જ નહીં. 'બુદ્ધિજીવી' શબ્દ જ લુપ્ત થઈ જવાનો છે એ નક્કી. આ સ્થિતિ સારી કે ખરાબ? એની ચર્ચા અસ્થાને છે. પ્રિય વાંચક, શું આપને મારી વાત અસ્પષ્ટ, સંદિગ્ધ કે વાહિયાત લાગે છે?

શબ્દશેષ 

'સુખ અને વાહિયાત એક જ પૃથ્વીના દીકરાઓ છે અને બંને અવિભાજ્ય છે.'  - આલ્બર્ટ કામૂ