- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- ભારત પણ મોઝેઇક વોરફેર અપનાવી રહ્યું છે. આર્થિક રીતે એક મોટી સુરક્ષા વ્યવસ્થાની પરિપેક્ષમાં અનેક નાની વ્યવસ્થા ઊભી થઇ રહી છે
આપણે એથી જ એકે યુદ્ધ ના જીતી શક્યા,
કેમ કે આધાર રાખ્યો આપણે બસ ઢાલ પર.
- ચંદ્રેશ મકવાણા 'નારાજ'
ત લવાર પણ તો જોઈએ. અને આક્રમક પણ બનવું પડે. આમ યુદ્ધની શરૂઆત તો ઇઝરાયેલે કરી. સાથે અમેરિકાએ પણ ખુલ્લેઆમ હૂમલાખોરી કરી. ઇરાનનાં પાટનગર પર હૂમલાઓ કર્યા. ૨૮ ફેબુ્રઆરીનાં રોજ ઇરાનનાં સર્વોચ્ચ નેતા માર્યા ગયા. અને છતાં ઈરાન ટસનું મસ થતું નથી. એની પાસે તલવાર પણ છે અને એની ઢાલ તો કાંઈ અલગ જ છે. આ યુદ્ધ લાંબુ ચાલશે. ઊભય પક્ષે ખુવારી થશે. અને હા, આ યુદ્ધ જીતવું આમ સાવ રમત વાત નથી જ. ઈરાનની રણનીતિ શું છે? ઈરાન સામે ઇઝરાયેલ અને અમેરિકાનાં યુદ્ધનાં સમાચારમાંથી અમને આજનો શબ્દ મળ્યો છે. 'ધ વીક' ના એક સમાચારનું શીર્ષક હતું 'ટૂંકું વિ. લાંબુ યુદ્ધ : છાપામાર યુદ્ધ કેવી રીતે ઈરાનની મોઝેઇક ડીફેન્સ(સંરક્ષણ) સ્ટ્રેટેજી(યુદ્ધકળા)ને આકાર આપશે.' એટલું તો સમજાયું કે આ મોઝેઇક એ યુદ્ધને લગત વ્યૂહરચના છે, જે ઈરાન કરી રહ્યું છે. આપણે અલબત્ત શબ્દ 'મોઝેઇક'ની વાત કરવાની છે. ગુજરાતી લેક્સિકન અનુસાર મોઝેઇક (Mosaic) એટલે કાચ કે પથ્થરના જુદાજુદા રંગના નાના ટુકડાથી બનાવેલી રચના, આકૃતિ કે ચિત્ર, જડાવકામ. એક બીજો અર્થ પણ આપ્યો છે : મોઝિઝનું, હજરત મૂસાનું. ખ્રિસ્તી ધર્મમાં મોઝિઝ અને મુસ્લિમ ધર્મમાં મૂસા 'મેસેન્જર ઓફ ગોડ' છે, પૈગંબર છે, જેઓએ ઇજિપ્તમાં ગુલામી કરી રહેલાં ઇઝરાયલીઓને મુક્ત કરાવીને પેલેસ્ટાઇનની ધરતી પર વસાવ્યા હતા. આ અન્ય અર્થને આજના સમાચારનાં મોઝેઇક શબ્દ સાથે જો કે કોઈ સંબંધ નથી. એ વાત જુદી છે કે શબ્દના સમાચાર યુદ્ધ લગત છે, એ યુદ્ધ જે ઇઝરાયેલ અમેરિકાની મદદથી લડી રહ્યું છે. પણ અહીં ઇસ્લામ, યહૂદી કે ખ્રિસ્તી ધર્મની લડાઈ નથી. આ અલબત્ત અધર્મયુદ્ધ છે! ચીની યુદ્ધ નિષ્ણાંત સન ત્સુએ પોતાના પુસ્તક 'આર્ટ ઓફ વોર'માં લખ્યું હતું કે દરેક યુદ્ધનીતિ છળ આધારિત હોય છે. ઈરાનને ખબર હતી કે એક આવો દિવસ આવશે. એટલે છેલ્લાં બે દાયકાથી એ એવી યુદ્ધ સંબંધી આંતરમાળખાકીય વ્યવસ્થા ઘડી રહ્યું હતું કે જે એક જ સ્થળે કેન્દ્રિત નથી, એનો સાગમટો વધ કરી શકાય તેમ નથી અને એને આકાશી હૂમલાઓ કરીને હરાવી શકાય, એમ પણ નથી.
ઈરાનની ટકી રહેવાની ક્ષમતા જબરજસ્ત છે. જે રીતે મોઝેઇક એટલે જુદા જુદા રંગનાં આકારનાં અલગ ટૂકડાઓથી બનેલી હોય છે પણ એ ભેગી થાય તો એ કલાકૃતિ એક સુંદર આકાર ધારણ કરે છે, એ જ રીતે મોઝેઇક રણનીતિ નાના નાના અનેક ભાગમાં વિકેન્દ્રિત થયેલી છે. દરેક એકમ અલગ અલગ સ્થાન ઉપર છે અને પોતે સ્વયં નિર્ણય લેવા સ્વતંત્ર છે. એકને મારો તો બીજા તો ઊભા જ હોય. હથિયાર તરીકે ડ્રોન માનવરહિત હોય અને ફાઈટર વિમાન કરતા ઘણાં સસ્તા હોય. એક ડ્રોનને નષ્ટ કરવા અનેકગણી મોંઘી મિસાઇલ છોડાવી પડે. ઈરાન દેશની ત્રણ તરફ પહાડ છે અને એક તરફ દરિયો છે. જમીન ખાડાટેકરાવાળી છે. હાલમાં ઈરાન ૩૧ સ્વાયત્ત યુનિટ્સથી ડીએમડી (ડિસેન્ટ્રલાઇઝડ મોઝેઇક ડીફેન્સ) એક્ટિવેટ કરી ચૂકયું છે. આમાં આકાશી હૂમલા કરી કરીને અમેરિકા થાકી જવાનું છે. અલબત્ત આપણે તો શબ્દની જ વાત કરવાની છે. મોઝેઇક મૂળ ગ્રીક શબ્દ મ્યુસસ (સ્ેજીજ) પરથી આવ્યો છે. 'મ્યુસ'એટલે કલાની દેવી. કુલ ૯ મ્યુસસ. ઇતિહાસ, કવિતા, ગીત, ભજન, સંગીત અને સમૂહગાન, નૃત્ય, શોકાન્તિક ગીત, હાસ્યકવિતા, ખગોળ અને જ્યોતિષવિદ્યાની દેવીઓ. મ્યુસસનું મંદિર એટલે 'મ્યુઝેઈન'. લેટિનમાં મ્યુઝેઈન એટલે મ્યુસની કલા. જ્યારે ઇટાલિયન અને ફ્રેન્ચ થઈને ઇંગ્લિશ ભાષામાં આ શબ્દ આવ્યો ત્યારે એ પથ્થર કે કાચના વિવિધ રંગ અને આકારના અનેક ટૂકડાઓથી બનેલી એકરૂપ કલાકૃતિ તરીકે એનો અર્થ જાણીતો થયો. આધુનિક અલંકારિક કે પ્રતિકાત્મક અર્થમાં 'મોઝેઇક' એટલે વિવિધ ભાગોનું એકરૂપી જોડાણ. જ્યારે આ અર્થમાં યુદ્ધનીતિ વિશે કહેવાનું હોય તો નાના વિકેન્દ્રિત આત્મનિર્ભર એકમોની ફ્લેક્સિબલ વ્યવસ્થા. એક નષ્ટ થાય તો પલટવાર કરવા અન્ય સ્થળેથી અલગ વ્યવસ્થા. આમ દરેક એકમની હસ્તી અલગ પણ વિચારધારા એક અને લક્ષ્ય પણ એક. આ છે મોઝેઇક વોરની રણનીતિ. દરેક એકમ સ્વયં પર્યાપ્ત. નિર્ણય લેવા કોઈને પૂછવાનું નથી. એટલે કયું એકમ ક્યારે શું પરાક્રમ કરશે?- એનો દુશ્મનને અંદાજ મળવો મુશ્કેલ છે.
ભારત પણ મોઝેઇક વોરફેર અપનાવી રહ્યું છે. આર્થિક રીતે એક મોટી સુરક્ષા વ્યવસ્થાની પરિપેક્ષમાં અનેક નાની વ્યવસ્થા ઊભી થઇ રહી છે. એક દરિયાઈ જહાજ કે એક ફાઈટર જેટને સરખામણીમાં એક ડ્રોન નષ્ટ થાય તો ઝાઝો ફેર પડતો નથી. દુશ્મનોનાં જથ્થાબંધ ડ્રોન એટેક સામે ભારત પાસે હાઈ પાવર માઇક્રોવેવ ડાયરેક્ટેડ એનર્જિ વેપન્સ છે. સેન્સર ડેટાનો પણ એઆઈની મદદથી રીઅલ ટાઈમ ઉપયોગ થઇ રહ્યો છે. આ જરૂરી છે. હવે યુદ્ધ સરહદ પર જ થાય એ જરૂરી નથી. હૂમલાઓ દેશમાં ગમે ત્યાં થાય. એટલે પ્રતિકાર અને પ્રતિવારની વ્યવસ્થા પણ મોઝેઇક હોવી જરૂરી છે. ઝડપ, અનુકૂલનશીલતા અને પ્રયુક્તિ એ મોઝેઇકની વિશિષ્ટતા છે. માથું પડે તો ય ધડ લડતું રહે એ મોઝેઇક યુદ્ધનીતિ છે.
શબ્દ ભલે યુદ્ધ સંદર્ભે આવ્યો પણ આ શબ્દ કલા અને ફિલસૂફી પણ સમજાવે છે. આપણું જીવન બહુઆયામી હોય છે. અનેક એકમો. આપણી કારકિર્દી, શોખ, સંબંધ, સ્વપ્ન, આરોગ્ય અને સાથે આપણી ચિંતા અને નિષ્ફળતાઓ પણ. ક્યારેક ભાંગતૂટ પણ થાય. એ અનુભવ પણ આપણી જીવન મોઝેઇકમાં એક અલગ ટેક્સચર ઉમેરે છે, ગહનતા સર્જે છે. તૂટ એ ત્રુટિ નથી, બ્યુટી છે.
શબ્દશેષ :
''આપણે મોઝેઇક છીએ. પ્રકાશ, પ્રેમ, ઇતિહાસ અને તારાના ટૂકડાં. એકબીજા સાથે જોડાયેલા છીએ. જાદૂથી અને સંગીતથી અને શબ્દોથી.''
- લેખિકા કવયિત્રી
અનીતા ક્રિઝાન


