Get The App

સ્ટ્રેટિજિક અલ્ટ્રુઇઝમ : ઉપાધ્યાયને આટો? ના રે ના..

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
સ્ટ્રેટિજિક અલ્ટ્રુઇઝમ : ઉપાધ્યાયને આટો? ના રે ના.. 1 - image

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- અલ્ટ્રુઇઝમ એટલે કોઈ પણ અપેક્ષા વગર અન્યને મદદ કરવી તે

मोहब्बत में अना का काम ही क्या,

जहां  र्इसार हो वहां शर्ते नहीं होती

- अज्ञात

અ મેરિકા ભારત વચ્ચે મહોબ્બત નથી. અહમ (अना) છે. પરમાર્થ (र्इसार) નથી. પોતાના સ્વાર્થને ત્યાગવાની કોઈ વાત નથી. વેપાર છે અને વેપારની ચોક્કસ શરતો છે. અમેરિકાને  હંમેશ એવું લાગ્યા કરે છે કે ભારત સાથે વેપારમાં અમેરિકાને તો નુકસાન જ છે. છેલ્લાં વીસેક વર્ષથી એ ભારતને મદદ કરે છે. સામે કાંઈ મળતું નથી. એવું એ માને છે. અલબત્ત અમેરિકા પોતે સક્ષમ છે. અમેરિકામાં ઘરનાં  છોકરાં  કાંઈ ઘંટી ચાટતા નથી. જો અમેરિકા દાન કરતુ હોય તો પણ એ વ્યૂહાત્મક હોવાનું. અમેરિકા ભારતની ટ્રેડ ડીલ સમાચારમાં છે. લોકસભામાં વિરોધ પક્ષ એને ટ્રેપ ડીલ કહે છે. એટલે એમ કે આ સોદો નથી, ફંદો છે. શશી થરૂરે લોકસભામાં ટ્રેડ ડીલની ભારે ટીકા કરી. જો કે આપણે જાણીએ છીએ કે વેપાર ધંધામાં બાંધછોડ તો થાય. કોઈ પણ દેશ આમ ઉપાધ્યાયને આટો દઈ દેવાના પક્ષમાં ન જ હોય. અમેરિકા તો નહીં જ. કશું ય મફત નથી. નો લંચ ઇઝ ફ્રી. હવે એ રશિયા પાસે સસ્તું ઓઇલ લેવાની ના પાડે છે, આપણાં કૃષિ ક્ષેત્રને ઓપન કરવા કહે છે અને કહે છે કે આપણે ભવિષ્યમાં ૫૦૦૦ કરોડ ડોલર્સનો અમેરિકન માલ ધરાર ખરીદવો પડશે. કોઈ ગાંઠનું ગોપીચંદન કરતુ નથી. સૌને બરડે ખૂજલી છે. હું તને ખંજવાળી દઉં તો તારે ય મને વાંસો વલૂરી દેવો જોઈશે. આજનો શબ્દસમૂહ સ્ટ્રેટિજિક અલ્ટ્રુઇઝમ(Strategic Altruism)  એટલે વ્યૂહાત્મક પરોપકાર. પરદુ:ખે ઉપકાર કરે, તો ય મન અભિમાનને આણે રે... અને બદલામાં ઘણું ઘણું માંગે રે..  ધંધામાં વૈષ્ણવજન કોઈ છે જ નહીં. અને એમાં કાંઈ કશું ખોટું નથી. 

ગુજરાતી લેક્સિકન અનુસાર 'સ્ટ્રેટેેટિજિક' એટલે 'વ્યૂહાત્મક' અને 'અલ્ટ્રુઇઝમ' એટલે પરોપકાર બુદ્ધિ, નિ:સ્વાર્થપણું, પરમાર્થવૃત્તિ. કોઈને માટે કાંઈ કરી છૂટવું. પણ અહીં 'પરોપકાર'ની આગળ 'વ્યૂહાત્મક' શબ્દ વિશેષણ તરીકે લાગે છે. ડાર્વિનવાદ પણ એ જ છે. અસ્તિત્વ માટે લડાઈ અને જે સક્ષમ એ જ ટકે. આમાં અન્ય માટે મારે શું કામ કાંઈ કરવું જ જોઈએ? પણ આપણે અલ્ટ્રુઇઝમ શબ્દને સમજીએ તો સમજાઈ જશે. 

અલ્ટ્રુઇઝમ એટલે કોઈ પણ અપેક્ષા વગર અન્યને મદદ કરવી તે. 'કૃપા' માટે ઈંગ્લિશ ભાષામાં કાઈન્ડનેસ શબ્દ છે. અલ્ટ્રુઇઝમ એટલે કાઈન્ડનેસથી વિશેષ. ફ્રેન્ચ ફિલોસોફર ઓગસ્ટ કામ્પટ આ શબ્દ સર્જ્યો. મૂળ લેટિન શબ્દ 'ઓલ્ટર' એટલે બીજો, અન્ય. 'ઇઝમ' એટલે વાદ. 'ઇગો' એટલે હું અને 'ઇગોઇઝમ' એટલે અહંવાદ. એનાથી વિપરીત 'અલ્ટ્રુઇઝમ' એટલે પરોપકારવાદ. રક્તદાન, જરૂરિયાતમંદને આર્થિક મદદ,  મુસાફરી દરમ્યાન વરિષ્ઠ નાગરિકને પોતાની સીટ ઓફર કરવી વગેરે. તમે સોશિયલ ગુ્રપના મેમ્બર હો તો યથાશક્તિ દાન દેવું પડે. જો કે દરેક અલ્ટ્રુઇઝમ મરજિયાત હોય છે. દા.ત. ધાર્મિક સરઘસ નીકળે પછી રસ્તા પરનો કચરો એ જ ધર્મના સ્વયંસેવકો સાફ કરી નાખે, એ અલ્ટ્રુઇઝમ નથી. એ તો કરવાનું જ હતું ભાઈ! વંટોળિયો આવે અને મારી બાજુમાં રહેતા વૃદ્ધ દંપતિના આંગણામાં વૃક્ષ તૂટી પડે અને હું એ સાફ કરવામાં મદદ કરું. આમ સામાજિક જોડાણ વધે. હું સમાજ સાથે કનેક્ટેડ રહું,  એ સારી ફીલિંગ છે. પછી હું આશાવાદી બનતો જાઉં. ઠંડીમાં રાતે ફૂટપાથ પર સૂતા નાગરિકોને ધાબળાં  ઓઢાડતાં લોકોની ટીમમાં હું જોડાઉં એ માનવીય સંવેદન છે. એવું ય બને કે કોઈ પરોપકાર કરવા મારે કાંઈ બહુ પ્લાન કરવાની જરૂરત પણ ન પડે. ટ્રેનમાં જતો હોઉં અને સાથી પ્રવાસી કોઈ તકલીફમાં જણાય તો પૂછી લઉં કે હું કોઈ મદદ કરી શકું? સ્વાભાવિક છે કે અલ્ટ્રુઈઝમ કરનારના વખાણ થતા હોય છે મને તમારી તો ખબર નથી પણ મને મારા વખાણ થાય તે ગમે છે. પણ હા, અલ્ટ્રુઇઝમ પ્રવૃત્તિ છેતરપીંડી પણ હોઈ શકે. કોઈ સંસ્થા કહે કે અમે નોન-પ્રોફિટ છીએ પણ દાન એના પોતાના હોદ્દેદારોના ખિસ્સામાં જતું હોય, એમ પણ બને.  

ગીતામાં કહેલી નિષ્કામ કર્મની વાત એ અલ્ટ્રુઇઝમ. શીખ ધર્મમાં તો અલ્ટ્રુઇઝમનું મહત્વ અનન્ય છે. સત્તરમી સદીમાં શીખ ધર્મના રક્ષણ અર્થે ગુરુ ગોવિંદસિંઘ ઔરંગઝેબની મોગલ સેના સામે યુદ્ધે ચઢયા હતા. ત્યારે યુદ્ધમાં ઘાયલ સૈનિકોને શીખ ભાઈ કનૈયાલાલ પાણી પીવડાવતા, દુશ્મન સેનાના ઘાયલ સૈનિકોને પણ. શીખ સૈનિકોએ ગુરુને ફરિયાદ કરી. ગુરુએ કારણ પૂછયું તો કનૈયાલાલે કહ્યું કે મને દરેક ઘાયલ સૈનિકમાં ગુરુનો ચહેરો દેખાય છે. અને ગુરુએ કહ્યું તો માત્ર પાણી જ નહીં, દરેક ઘાયલોના મલમ પટ્ટા પણ તું કર કારણ કે ગુરુદ્વારામાં જે તું શીખ્યો, એનો તે અમલ કર્યો છે. 

અલ્ટ્રુઇઝમના વિરોધીઓ પણ છે. રશિયન અમેરિકન ફિલોસોફર આયન રેન્ડ કહે છે કે સ્વાર્થી બનો. એ સદ્ગુણ (!) છે. સ્વનો અર્થ એટલે બીજાને નુકસાન- એવો અર્થ ન જ થાય. પોતાની જિંદગી, પોતાની ખુશી, પોતાના મૂલ્યોનું સંવર્ધન દરેકની પોતાની જાત પ્રત્યેની પ્રાથમિક ફરજ છે. કોઈ અન્ય માટે કરે તો જ માણસ સારો, એવી નીતિમત્તાના ફરજિયાત ધોરણો શા માટે?  અમે માનીએ છીએ કે દરેક અલ્ટ્રુઇઝમ સ્ટ્રેટિજિક હોય છે. ફળ વિનાનું કર્મ નકામું છે. હું કોઈનું ભલું કરું તો મને આનંદ થાય એવો મારો વ્યૂહાત્મક પરમાર્થ છે. અલ્ટ્રુઇઝમ જરૂરી છે. મેં કર્યું, મેં કર્યું - એવી કાગવાણી પણ જરૂરી છે. તમે ભલે કહો કે હવે રે'વા દે, ટ્રમ્પડીનો થા મા!

શબ્દશેષ

'માનવીય પરમાર્થ જેમાં મેં કર્યું, મેં કર્યું ન હોય એ વંધ્ય કે અણઉપજાઉ હોય છે.' 

 - ફ્રેન્ચ લેખક માર્સેલ પ્રાઉસ્ટ