Get The App

મેઈક ધ હોલ વર્લ્ડ કિન : સર્વ જન સ્વજન .

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
મેઈક ધ હોલ વર્લ્ડ કિન : સર્વ જન સ્વજન                       . 1 - image

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- એક અમેરિકી લેખકનાં સન્માનમાં ટપાલ ટિકિટ રશિયાએ બહાર પાડી હતી, અમેરિકા જાણી જોઈને ભૂલી ગયું! 

ગ યા અઠવાડિયે શબ્દસંહિતામાં આપણે મૂડીવાદી દેશ અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્કના મેયરપદના ઉમેદવાર ઝોહરાન મમદાનીની મફત બસ સેવા, આવાસ યોજના, ભાડા નિયંત્રણ કાયદો અને વાજબી ભાવની દુકાનના વાયદાઓની વાત વાંચી. અમને લાગે છે હવે તેઓ મફત વીજળી, મફત પાણી અને મહોલ્લા ક્લિનિકની વાત પણ કરશે. 'અફોર્ડ' એટલે પરવડવું. શહેરમાં રહેવું સૌને પોષાવું જોઈએ. મમદાનીનાં ટીકાકારો એને 'સ્નેએક ઓઇલ સેલ્સમેન' કહે છે. ખોટા સપનાં દેખાડી છેતરનારો. 'સમાજવાદ' કે 'સામ્યવાદ' શબ્દો અમેરિકા માટે અસ્પૃશ્ય છે. હવે આગળ..) 

થોડો ઝાઝો હિસાબ તો આપો,                                                                                           

ખોટો સાચો જવાબ તો આપો

બાગમાં ભાગ છે અમારો પણ

એક વાસી ગુલાબ તો આપો !                                                                                               

-અમૃત 'ઘાયલ' 

ભલભલા ચમરબંધીને સાચું કહેતા ન અચકાતા, 'આઠો જામ ખુમારી'નાં સર્જક 'ઘાયલ' સાહેબે ઉપરોક્ત મુક્તક તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને મોઢા પર સંભળાવ્યું હતું. સ્વતંત્ર ભારતના સૌરાષ્ટ્ર રાજ્યને અન્યાય થઈ રહ્યો છે એની સામે, શાયરની આ તડ અને ફડ રજૂઆત હતી. નહેરુ સમાજવાદી હતા. ક્રાંતિકારી નહીં પણ વિકાસવાદી સમાજવાદ હતો એ. સામાજિક ન્યાય અને સમાનતાની વાત હતી એમાં, તો ઔદ્યોગિક વિકાસ ઉપર પણ ભાર હતો. ત્યારે ખાનગી અને જાહેર ક્ષેત્રની મિક્સ્ડ ઈકોનોમી હતી. અત્યારે ભારતની અર્થવ્યવસ્થા મુક્ત અને ઉદારવાદી છે. જે નેહરુવિયન સમાજવાદને આપણે પાછળ છોડી દીધો, આજે ઝોહરાન મમદાની એની જ વાત કરે છે. સાધનોની પેદાશ, સર્જન, વહેંચણી અને વિનિમય પર સમગ્ર સમાજની સામૂહિક માલિકી અને પ્રભુત્ત્વનું હોવું વગેરે. 

આજનો શબ્દ સમૂહ છે : મેઇક ધ હોલ વર્લ્ડ કિન (સ્ચંી ારી ુર્રની ર્ુનિગ ંૈહ). વિલિયમ શેક્સપીયરે પોતાના નાટક 'ટ્રોઇલસ એન્ડ ક્રેસિડા'માં પહેલી વાર ઉપયોગ કર્યો. માનવસહજ સહિયારા અનુભવો, લાગણીઓ, અરે.. નિર્બળતાઓ પણ સાવ અલગ પૃષ્ઠભૂમિનાં વિધવિધ લોકોને જોડે છે. 'કિન' એટલે સ્વજન, પરિજન, વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું લોહીનું સગપણ. એકબીજાનું દુ:ખદર્દ  વહેંચવું તે. પણ આજની સ્થિતિ એવી નથી. 'બિઝનેસ ટૂડે' અનુસાર ગત અઠવાડિયે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ભારત દેશમાં ધીરે ધીરે ગરીબ વધતાં જાય છે અને થોડાં ધનવાન લોકોનાં હાથમાં સંપત્તિનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. આ અમીર ગરીબનો ભેદ ભેદી છે. એકને ગોળ અને એકને ખોળ-ની નીતિ અનીતિ છે. આપણે અલબત્ત વસુધૈવ કુટુંબકમની વાત કહીએ છીએ. આજનો મુહાવરો એ જ અર્થમાં વિશ્વના તમામ લોકો સ્વજન છે-નો ભાવ વ્યક્ત કરે છે.  

આજે ન્યૂયોર્ક શહેરમાં સંપત્તિની સમાન વહેંચણીની વાત કરતા મમદાનીની વાત આ પહેલાં ટૂંકી વાર્તાના ઉત્કૃષ્ટ સર્જક ઓ. હેન્રીએ કહી હતી. ન્યૂયોર્ક શહેર અને એમાં વસતા સામાન્ય બાસીંદાઓ વિષે અનેક ટૂંકી વાર્તાઓ પૈકી વર્ષ ૧૯૦૪માં લખાયેલી એક વાર્તાનું શીર્ષક છે: મેઇક ધ હોલ વર્લ્ડ કિન! એક યુવાન ચોર ચોરી કરવાના ઇરાદે અડધી રાતે એક એક્લવાયા આધેડનાં ઘરમાં ઘૂસે છે, પિસ્તોલ દેખાડી હેન્ડઝ અપ-નો આદેશ કરે છે. આધેડ વયનો ઘર માલિક હાથ ઊંચો કરી શકતો નથી કારણ કે એનું સંધિવાનું દર્દ અનહદ છે. ચોરને પણ સંધિવા થયો હતો. બંને દર્દના ઇલાજની વાતો પર ચઢી જાય છે. 'સ્નેએક ઓઇલ'નો ઉલ્લેખ પણ થાય છે. ચોર કહે છે કે સ્નેએક ઓઇલ તો મેં એટલી બધી ક્વોન્ટિટીમાં ઉપયોગ કર્યો હતો કે એ ઓઇલ કાઢવા માટે મારી નાખવામાં આવેલા રેટલ સ્નેએક્સને એક પછી એક લાઇનમાં રાખીએ તો દૂર શનિના ગ્રહ સુધી આઠ વાર પહોંચે. પણ કોઈ ફાયદો નહોતો થયો. પછી તેઓ બીજી અનેક કહેવાતી અકસીર દર્દ નિવારક દવાઓની ચર્ચા કરે છે. અંતે મકાન માલિક ચોરને ચોરી કરી લેવા કહે છે પણ ચોર સવિનય ઈન્કાર કરે છે. કારણ કે તેઓ હમદર્દ(!) છે. બંને નક્કી કરે છે કે ચાલો, બહાર જઈએ અને સાથે દારૂ પીએ. યુવાન ચોર  પ્રૌઢ મકાનમાલિકને શર્ટ પહેરવામાં મદદ કરે છે. બંને બહાર જતાં હોય છે ત્યાં મકાન માલિકને યાદ આવે છે કે પોતાનું મનીપર્સ તો ડ્રેસિંગ ટેબલ પર જ રહી ગયું. ચોર કહે છે કે જરૂર નથી, પૈસા હું ચૂકવી દઇશ! ચોર અને ઘરમાલિક બંનેને, દવાઓથી સંધિવાનાં દર્દમાં કોઈ ફાયદો નહોતો થયો પણ પોતાની બીમારીની વાત શે'ર કરી અને એક સ્વજન મળ્યાની અનુભૂતિ થઈ. સાચો સમાજવાદ આ છે! 

ઓ. હેન્રીએ નાના માણસો જેમ કે સેલ્સમેન, શોપગર્લ, કલાકાર, બેકાર કે ઘરવિહોણાં લોકોની વાર્તા લખી હતી. શાસન પ્રણાલિ પ્રત્યે આ બગાવત નહોતી. સેન્સ ઓફ હ્યુમર હતું. અમેરિકા જેવા મૂડીવાદી દેશનાં શાસકો લાગ્યું કે જે લેખકો કે કલાકારો સામાન્ય માણસની વાત કરે છે, એ સામ્યવાદી છે. ચાર્લી ચેપ્લિનની કોમેડી ફિલ્મમાં પણ સામાન્ય માણસની વાત હતી. અમેરિકી સરકારને લાગ્યું હતું કે આ તો સામ્યવાદની વાત. સામ્યવાદની અભિવ્યક્તિની વાત માત્રથી અમેરિકી સરકાર ડરી ગઈ હતી. સને ૧૯૫૨માં પોતાની ફિલ્મ 'લાઈમ લાઇટ'નાં પ્રીમિયર શૉમાં હાજરી આપવા ચાર્લી ચેપ્લિન લંડન ગયા. ગયા એ ગયા. અમેરિકાએ પાછા આવવા જ ન દીધા. પોતાનું બાકીનું જીવન તેઓએ સ્વિટ્ઝરલેન્ડમાં વીતાવવું પડયું હતું. ઓ. હેન્ર્રીનાં જન્મશતાબ્દી વર્ષ ૧૯૬૨ની ઉજવણી રશિયામાં થઈ હતી પણ અમેરિકા થઈ નહોતી. એક અમેરિકી લેખકનાં સન્માનમાં ટપાલ ટિકિટ રશિયાએ બહાર પાડી હતી, 

અમેરિકા જાણી જોઈને ભૂલી ગયું! ઓ. હેન્રીનાં સાર્ધશતાબ્દિ વર્ષ ૨૦૧૨માં અમેરિકાએ જો કે એ ભૂલ સુધારી, ટપાલ ટિકિટ બહાર પાડી. શું અમેરિકાનાં લોકો હવે જન જન સ્વજન તરફ વળી રહ્યા છે? આજે અમેરિકાનાં ન્યૂયોર્ક શહેરમાં એક યુવાન મુસ્લિમ નેતા સામ્યવાદની વાત કરે છે. ન્યૂયોર્કના નાના માણસની એ વાત જે ઓ. હેન્રી 'મેઇક ધ હોલ વર્લ્ડ કિન' જેવી અનેક વાર્તાઓમાં આજથી સવા સો વર્ષો પહેલાં કહી ગયા હતા. 

શબ્દશેષ :

'ઓર્ડિનરી લોકો બહાર નીકળ્યા છે, એકસ્ટ્રા-ઓર્ડિનરી કરી રહ્યા છે.' -અમેરિકન લેખક નીલ શસ્ટરમેન