- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- આપણી જિંદગી એ છે જે અને જેવી આપણે ઘડીએ છીએ.
तुझ से किस्मत में मिरी सूरत-ए-कुपल-अबजद
था लिखा बात के बनते ही जुदा हो जाना ।
- मिर्जा गालिब
'કુ ફ્લ-એ-અબજદ' એટલે કોમ્બિનેશન લૉક. એવું તાળું જે કોઈ નંબર્સ કે સિમ્બોલ્સના કોમ્બિનેશનથી ખૂલે. ગાલિબ કહે છે કે મારી કિસ્મત આવી જ છે. વાત બની તો જાય, કેટલીય મથામણ પછી સાચું કોમ્બિનેશન મળી ય જાય, તાળું અલબત્ત ખૂલી જાય પણ ખૂલતાંની સાથે જુદાઈ. કિસ્મત શબ્દ જુદાઈના સંદર્ભમાં ગાલિબ બીજા એક શેરમાં પણ કહે છે. નથી હમારી કિસ્મત કે મિલન થાય; જો વધારે જીવતા રહ્યા તો વધારે ઇન્તઝાર. એક અન્ય શેરમાં જીવનમાં આવી પડતા દુ:ખના સંદર્ભમાં પણ ગાલિબ ફરિયાદ કરે છે કે હે ખુદા, મારી કિસ્મતમાં જો આટલું બધું દુ:ખ છે તો એને સમાવવા દિલ ભી કંઈ ઔર દિયે હોતે. એક અન્ય શેરમાં ગાલિબ એવું પણ કહે કે મહરુમી-એ-કિસ્મત એટલે કે ભાગ્યના અભાવની ફરિયાદ કોને કરીએ? અમે તો મોત માગ્યું હતું, એ ય ના મળ્યું. રાજવી કવિ કલાપીની જાણીતી ગઝલ -યાદી ભરી ત્યાં આપની-નો આખરી શેર 'કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી, છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!' લવ, મિસ્ટેક અને કિસ્મતનું એક જબરું કોમ્બિનેશન છે! પ્રિય વાંચક, આપને થતું હશે કે આજે એક દેશી શબ્દની સંહિતા છે? અને 'કિસ્મત' શબ્દ અત્યારે વળી કયા સમાચારમાં આવ્યો?
૩૫ વર્ષની ટાયલર એલિસન સ્વિફ્ટ એક અમેરિકન ટોપ મોસ્ટ ગાયક અને ગીતકાર છે. આત્મકથાત્મક ગીતો કલાત્મક રીતે રજૂ કરે છે. અત્યંત લોકપ્રિય છે. અઢળક કમાણી કરે છે. બેસ્ટ સેલિંગ મ્યુઝિશ્યન ઓફ ઓલ ટાઈમ્સ. એનું નવું આલ્બમ 'લાઈફ ઓફ આ શૉ ગર્લ' આ મહિને જ રીલીઝ થયું. એના ગીતોમાં એણે પોતાની જ વાત કહી. લોકોને લાગે કે શૉ ગર્લની લાઈફ એટલે ચોતરફ ઝાકમઝોળ અને જલસો. પણ એવું નથી. શૉ ગર્લથી શોહરતથી અંજાઈ ગયેલી એક ફેન ગર્લને સંબોધીને સ્વિફ્ટ કહે છે કે તને ખબર નથી અને ખબર પડશે પણ નહીં કે એક શૉ ગર્લની જિંદગી કેવી હોય છે. અહીં મેગ્નિફિસન્ટ લાઈફને માણવા માટે આત્માને વેચી દેવો પડે છે. હું પણ તારા જેવી જ એક ફેન ગર્લ હતી. લૂકિંગ બેક, ઈટ વોઝ કિસ્મટ. પાછું વળીને જોઉં છું તો એ કિસ્મત જ હતી. કિસ્મત?
કિસ્મટ (Kismet) ઇંગ્લિશ શબ્દ છે. મેરિયમ વેબ્સ્ટર, ઓક્સફોર્ડ, કેમ્બ્રિજ સહિત દુનિયાભરની ૨૯ ડીક્સનરીઝમાં કિસ્મટ (Kismet) શબ્દ સામેલ છે. વૈકલ્પિક ઉચ્ચાર 'કિઝમટ' પણ છે. અર્થ એ જ છે. કોઈ એક પ્રકલ્પિત શક્તિ જે આપણું ભાવિ નક્કી કરે છે. આપણું કોઈ નિયંત્રણ એની ઉપર નથી. અવશ્યમ્ભાવી. એવું જે થઈને જ રહે. ગુજરાતી લેક્સિકન અનુસાર ઇંગ્લિશ શબ્દ 'કિસ્મટ' એટલે કિસ્મત, દૈવ, ભાગ્ય, નસીબ, પ્રારબ્ધ. મૂળ તો અરબી શબ્દ 'કિસ્મા' એટલે ભાગ, હિસ્સો, અંશ. પરમાત્મા આપણને દેવા જ બેઠો છે. આપણે જેવું કર્મ કર્યું હોય તેને સપ્રમાણ આપણને જે ભાગ મળે, એ કિસ્મત. સારું ય થાય અને નઠારું ય થાય. કિસ્મત હોય તે ક્યારેક ખૂલે, ક્યારેક પલટે, તો ક્યારેક ફૂટેય ખરી. અઢારમી સદીમાં આ અરબી શબ્દ તૂર્કી થઈને યુરોપિયન ભાષામાં પહોંચ્યો. યુરોપિયન્સ પાસે પોતાના સમાનાર્થી શબ્દો ફેઇટ (Fate) અને ડેસ્ટિની (Destiny) તો હતા જ. પણ કદાચ યુરોપિયનને એશિયાના દેશોનું અગમ નિગમ અને ગૂઢ રહસ્યમયી ગેબી શક્તિનું આકર્ષણ હતું એટલે તેઓએ આ શબ્દ અપનાવી લીધો.
કિસ્મટ, ફેઇટ, ડેસ્ટિની, કર્મા સમાનાર્થી ઇંગ્લિશ શબ્દો છે. પણ અર્થમાં થોડો ફેર છે. 'ફેઇટ' અને 'કિસ્મટ' ફિક્સ છે. આપણા હાથમાં કશું જ નથી. કોઈ ગૂઢ શક્તિ છે જે આપણને ચલાવે છે. જ્યારે ડેસ્ટિની અને કર્મા આપણી અંગત પસંદ કે આપણાં કર્મ પર આધારિત છે. એક સજ્જનનાં બે દીકરાં. જ્યોતિષીએ ભવિષ્ય ભાખ્યું. એક અનેક ગુના કરશે અને શૂળીએ ચઢશે. બીજો ખૂબ કામ કરશે અને અનેક સંપત્તિનો માલિક બનશે. પણ ગુના કરશે એવી ભવિષ્યવાણી પછી સાવચેત થયેલાં દીકરાએ અનેક વેદ ઉપનિષદ વાંચ્યા. સત્સંગ કર્યા. દાન કર્યા. પીડ પરાઈને જાણી. પરદુ:ખે ઉપકાર કર્યા. મનમાં અભિમાન લગરીક પણ નહીં. રસ્તા પર ચાલતા એક ગરીબને એણે પોતાના પગરખા દાનમાં આપી દીધાં પણ કિસ્મતમાં હતું તે પગમાં કાંટો વાગ્યો. શૂળીનું વિઘ્ન કાંટે ગયું. બીજાને ધન દોલત મળવાની જ હતી. મળી ય ખરી. અનાયાસે. વારસો મળી ગયો. પણ પછી વ્યસનમાં એનો પગ લપસ્યો. જુગાર અને વેશ્યાગમનની લત લાગી. લક્ષ્મી ચંચળ હોય છે. ધન દોલત જતા વાર ન લાગી. મંદિરની બહાર ભીખ માંગતો થઇ ગયો. ભક્તો પાસેથી જે થોડાં ઘણાં સિક્કા મળ્યા તે મળ્યા. કિસ્મત કે ફેઇટ પર આપણો કંટ્રોલ નથી પણ ડેસ્ટિની અને કર્મા આપણાં હાથની વાત છે. ભાગ્ય અને નિયતિમાં એટલો ફેર છે.
વિખ્યાત ફિલસૂફ લેખક પૌલો કોએલ્હો પોતાની લેન્ડમાર્ક નવલકથા અલ્કેમિસ્ટમાં લખે છે કે જીવનનાં કોઈ તબક્કે જો આપણને લાગે ચોતરફથી આપણી સાથે જે થઇ રહ્યું છે એની ઉપર આપણું કોઈ નિયંત્રણ નથી અને આપણી જિંદગીનો ફેંસલો કિસ્મતના હાથમાં જતો રહ્યો છે તો એ જાણજો કે આ વાત દુનિયાનું સૌથી મહાન જૂઠ્ઠાણું છે. આપણી જિંદગી એ છે જે અને જેવી આપણે ઘડીએ છીએ. ફેઇટ અથવા કિસ્મતનો રસ્તો અલબત્ત એકમાર્ગી છે. પણ ડેસ્ટિની અથવા કર્મ એકમાર્ગી નથી. ચાલતાં ચાલતાં ચાર રસ્તા ય આવે અને ત્યારે આપણી ઉપર આધાર હોય છે કે આપણે ડાબે વળીએ કે જમણે વળીએ કે પછી આમ તેમ ડાફોડિયાં માર્યા વગર સીધે સીધા ય ચાલ્યાં જઈએ. આપણાં હાથ(!)ની વાત છે.
શબ્દ શેષ
'આપણે બધાં ગટરમાં જ છીએ. પણ આપણાં પૈકી કેટલાંક એવા છે જે આકાશના તારાઓ તરફ
જુએ છે.' - ઓસ્કાર વાઈલ્ડ


