Updated: Mar 14th, 2023
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- સોશિયલ મીડિયામાં ઝેર ઓકવું, માનસિક નુકસાન પહોંચાડવું વગેરે માટે કેટલાંક નવીન શબ્દો ચલણમાં આવ્યા, તે પૈકીનો આજનો શબ્દ છે: ટ્રોમા ડમ્પિંગના ગમે તો વાત સાંભળવી નથી,કાન એ કોઈની થૂંકદાની નથી.
-ભરત વિંઝુડા
ડિ ક્સનરી. કોમ અનુસાર ડિક્સનરીમાં નવા શબ્દો ઉમેરવામાં આવે એની ચાર પૂર્વ શરતો છે. એ શબ્દ ઘણાં લોકો દ્વારા બોલાતો લખાતો હોવો જોઈએ. એ એક જેવા જ અર્થમાં હોવો જરૃરી. આમ ઘણાં બોલે પણ અર્થ જુદા હોય તો ન ચાલે. વળી એ શબ્દ ટકક્ષમ(!) હોવો જોઈએ. આઈ મીન, એ શબ્દમાં ટકી રહેવાની ક્ષમતા હોવી જોઈએ. અને છેલ્લે, સામાન્ય લોકોને ઉપયોગી બને તેવો એ શબ્દ હોવો જોઈએ. સમાચાર છે કે ડિક્સનરી. કોમે તાજેતરમાં જ ૩૧૩ નવા શબ્દો ઉમેર્યા, ૧૩૦ શબ્દોનો નવો જ અર્થ કર્યો અને ૧૧૪૦ શબ્દોનાં અર્થમાં સુધારો કર્યો. અમને મઝા એમ આવી કે આ સાથે આપણી રોટી, ભાખરી, પરાઠાં, પૂરી, ચપાટી, ઢોસા હવે ઇંગ્લિશ શબ્દો બની ગયા. વિશ્વગુરુ તો ખબર નથી પણ આપણે શાબ્દિક રીતે વિશ્વઅન્નપૂર્ણા તો બન્યા! આજનો અમે પસંદ કરેલો શબ્દ જો કે આધુનિક જીવનશૈલીનાં પ્રોબ્લેમ સંદર્ભે છે. માનવીય વર્તણૂંક, ખાસ કરીને સોશિયલ મીડિયામાં ઝેર ઓકવું, માનસિક નુકસાન પહોંચાડવું વગેરે માટે કેટલાંક નવીન શબ્દો ચલણમાં આવ્યા, તે પૈકીનો આજનો શબ્દ છે: ટ્રોમા ડમ્પિંગ (Trauma Dumping). .
ગુજરાતી લેક્સિકન અનુસાર 'ટ્રોમા' એટલે જખમ, ઇજા, માનસિક આઘાત. મોટી હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર હોય છે, જ્યાં ઇમરજન્સી સારવાર થતી હોય છે. અને 'ડમ્પિંગ' એટલે કાટમાળ, કચરો, ઇ. નાખવો કે ફેંકવો, -નો ઢગલો કરવો, નીચે ફેંકી દેવું, નાખી દેવું, ઉકરડો, ઉત્સાહ મારી નાખે તેવી જગ્યા, વિષાદ, ખિન્નતા. અર્થની યાદીમાં છેલ્લાં બે શબ્દો બરાબર ધ્યાનથી જોવા વિનંતી છે.
હવે 'ટ્રોમા' અને 'ડમ્પિંગ' બંને શબ્દો ભેગા થાય ત્યારે એનો અર્થ અલગ રીતે થાય. જેમ કે કોઈ નર કે નારી પોતાનાં આઘાતજનક કે વધુ પડતાં નકારાત્મક અનુભવો અથવા લાગણીઓનું લાંબુલચક વર્ણન કરે. વતેસરની વાત માંડીને કરે. આમ તો સારું, એ બિચારા કે બિચારીનું મન હળવું થાય. મનની વાત મનમાં રાખીને મૂંઝાવું, એનાં કરતાં બકી નાંખવું. હેં ને? પણ એવા ય લોકો હોય છે જેને રોદણાં રડવાની આદત પડી ગઈ હોય. નેગેટિવ વાતો કરે. મોંકાણની વાતો કરે. આ કકળાટ પાછો એકતરફી હોય. એ જ બોલે. ધરાર બોલે. કહ્યા બાદ એ તો હળવો કે હળવી થઈ જાય પણ પછી એ જોખમી માનસિક આઘાતનો કાટમાળ જે એ આપણે ત્યાં નાંખીને જાય તેનું શું?
મિત્ર કવિ ભરત વિંઝુડા કાનને થૂકદાની બનાવવા ઝઝૂમતા આવા ટ્રોમા ડમ્પસ્ટર્સને ઘસીને ના પાડી દે છે. પણ એ તો કવિ છે. શક્તિશાળી છે. આપણે રહ્યા સામાન્ય માણસ. વળી ટ્રોમા ડમ્પિંગ કરનારી વ્યક્તિ મિત્ર પણ હોય, સાથી કર્મચારી પણ હોય. ના શી રીતે પડાય? અને પછી એવી ટ્ર્રોમાજનક વાતો કાન રસ્તે આપણાં મગજનો કબજો લઈ લે છે. આ ઈશ્વર પણ મોટી આઇટેમ છે. આંખો બંધ કરવા પાંપણ આપી. જીભને પણ મોઢાની દાબડીમાં પૂરવાની જોગવાઈ કરી આપી. પણ બાકીની ત્રણ જ્ઞાાનેન્દ્રિયો ઢાંકણ વિનાની છે. નથી ત્વચાને કુદરતી રીતે ઢાંકી શકાતી એટલે સ્પર્શ ગમે કે ન ગમે, ગમે તે કરી જાય. નાકનાં નસકોરાં ય ખુલ્લાં એટલે શ્વાસ સાથે દુર્ગંધ અટકાવી શકાતી નથી. એ જ રીતે ઢાંકણ વિનાનાં કાન પણ ટ્રોમા ડમ્પિંગને અટકાવી શકતા નથી. ઘણી વાર બહેરાં હોવું આશીર્વાદ છે. હમણાં સોશિયલ મીડિયા પર એક સમાચાર ફરી રહ્યા છે. એક પતિ બહેરો હોવાનું નાટક છેલ્લાં ૬૨ વર્ષોથી કરતો રહ્યો, જેથી પત્નીની બક બક ન સાંભળવી પડે! પત્નીને હવે ખબર પડી. પત્ની એટલે હવે છૂટાછેડા લેવા માંગે છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ઘણાં મેસેજની જેમ આ સમાચાર પણ અલબત્ત ફેઇક છે, તદ્દન ખોટાં છે. પણ અમને લાગે છે કે કોઈ ટ્રોમા ડમ્પિંગ કરવાની પેરવી કરે તો આ બહેરાપણાંનાં ઢોંગનો નૂસખો અજમાવવા જેવો છે. કવિ પ્રકારનાં પ્રાજ્ઞા માનવી માટે અમે અપાર સન્માન ઉપરાંત સ્નેહ પણ ધરાવીએ છીએત પરંતુ જે વ્યક્તિ કવિતાનાં રવાડે ચઢીને, નિજાનંદનાં નામે, કાંઈ પણ જોડકણાં કહીને માનસિક બળાત્કાર કરે તો? જો એવી વ્યક્તિ રસ્તે મળે અને કહે કે 'હું કવિ છું' તો કહી દેવું કે 'જો તમે કવિ હો તો હું.. હું બહેરો છું!' પોતાનાં આઘાતનાં અનુભવોની વાત ધરાર કરનાર, ન સમય જુએ, ન સંજોગ, ન તો વાતાવરણની યોગ્યતા તપાસે, બસ નકારાત્મક બક, બક, બક કર્યે જ રાખતી વ્યક્તિને કહી દેવું કે મારા કાન એ તારા ટ્ર્રોમા ડમ્પિંગ માટે નથી. મારો પીછો છોડ.
ટ્રોમા ડમ્પિંગ ખરાબ છે? બેશક ખરાબ છે. પણ એનાં જેવો એક અન્ય શબ્દ ઇંગ્લિશ ભાષામાં છે. વેન્ટિંગ (Venting),,જે ખરાબ નથી. વેન્ટિંગ એટલે હૈયાવરાળ કાઢવી. બે શબ્દોમાં ફેર છે. કોઈ મને પોતાની આપવીતી કહે તો મને ત્યારે વાંધો નથી, જ્યારે એ વ્યક્તિ મારી પોતાની હોય. મને એની કેફિયત સાંભળવા માટે સમય હોય. થોડી મારી વાત પણ એ સાંભળે. આમ સાવ વન-વે ટ્રાફિક ન હોય. અને એનું આવી વાત મને જ કહેવાનું કોઈ કારણ પણ હોય. મને ન કહે તો કોને કહે? ઉપરાંત કોઈ ઉકેલની શક્યતા પણ એમાં હોય. અને મારી ઉપર એને વિશ્વાસ હોય. વળી જ્યાં એની ભૂલ હોય ત્યાં એ વાતનોએ સ્વીકાર પણ કરે. એમ કે બધો જ વાંક સામેવાળાનો જ છે, એવું થોડું હોય? અને એ જ્યારે વાત કરે ત્યારે આમ પૂર્વા પર સંબંધ આપીને એક પછી એક લાંબી લચક વાટ આમ ઠપકાર્યે ન રાખે. આ વેન્ટિંગ છે. ટ્રોમા ડમ્પિંગ નથી. આ સિવાયનાં બાકી બધા નકરાં ટ્રોમા ડમ્પરિયાઉ છે. બેફામ સાહેબનાં શબ્દોમાં હું અમસ્તું પૂછું કે 'કેમ છો?' અને મને આખી કહાણી સંભળાવવા તત્પર,
વાતોને ઓવરશેરિંગ કરવા આતુર લોકોને હું કહું કે 'મારી પાસે તમારી સમસ્યાનો કોઈ હલ ન નથી, તમે કોઈ મનોચિકિત્સકને બતાવો'. અથવા હું એને એવું કહું કે 'કુછ તુમ્હારી કહો, કુછ હમારી ભી સુનો'. બુરા મત દેખો-સુનો-બોલોનો સંદેશ આપતા ગાંધીજીનાં ત્રણ વાંદરા હવે કહે છે કે જ્યાદા મત દેખો, જ્યાદા મત સુનો, જ્યાદા મત બોલો!
શબ્દશેષ:
'તમારા મનને અન્ય લોકો માટે કચરો નાંખવાનો ઉકરડો ન બનવા દો.'-અમેરિકન પૂર્વ કૃષિમંત્રી એઝરા ટાફ્ટ બેન્સન (૧૮૯૯-૧૯૯૪)