- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- બ્રિટિશ ઇંગ્લિશમાં તો કોઈ એવો અઘરો પ્રોબ્લેમ હોય જેનો ઉકેલ જ ન મળતો હોય તો એને 'રીઅલ બાસ્ટર્ડ' પ્રોબ્લેમ કહેવાય છે
'અ લવિદા, બાસ્ટર્ડ' -વિલિયમ શેક્સપીયર, નાટક 'ટ્રોઈલસ એન્ડ ક્રેસિડા'ના અંક ૫ દ્રશ્ય ૭માં આ સંવાદ જેને સંબોધીને બોલાય છે એ થેરસાઈટ્સ ટ્રોયના રાજાનો ગેરકાયદેસર સંતાન છે. થેરસાઇટ્સ કહે જ છે કે હા, હું બાસ્ટર્ડ છું. પણ આખી ટ્રોજન વાર અને એમાં લડતા લોકો પણ તો ગેરકાયદેસર છે. શું તેઓ બાસ્ટર્ડ નથી? આજકાલ અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વૉર ચાલે છે. યુદ્ધવિરામ માટે પાકિસ્તાન મધ્યસ્થી કરે છે પણ... આ ટ્રમ્પનું કાંઈ નક્કી નથી. તેઓ ધમકી આપતા જ રહે છે. ટ્રમ્પનો વાણીવિલાસ શબ્દસંહિતા માટે વિષય આપે છે! ગત અઠવાડિયે સોશિયલ મીડિયા ઉપર તેઓના સ્વસ્તિ વચન હતા : ઓપન ધ ફકિન' સ્ટ્રેટ ક્રેઝી બાસ્ટર્ડ, ઓર લિવ ઈન હેલ. ઉચ્ચાર સરખો પણ જોડણી અને અર્થ અલગ એવા 'સ્ટ્રેટ' બે શબ્દો છે. એક અર્થ 'સામુદ્રધુની' અને બીજો અર્થ થાય 'સીધો'. પેટ્રોલિયમ પેદાશોના માલવાહક જહાજ પસાર જઈ શકે એ માટે હોર્મુઝ સામુદ્રધુનીના વિશેષણ તરીકે 'ફકિંગ' શબ્દ વપરાયો જેનો અર્થ આમ તો 'સંભોગ' થાય પણ અમેરિકન ઇંગ્લિશ ભાષામાં 'ફક' શબ્દ અપમાનની તીવ્રતા વધારવા વપરાય છે. 'ફકિંગ' શબ્દ બોલતા અમેરિકામાં કોઈને ખાસ ક્ષોભ થતો નથી. ઓટીટી પર વેબ સીરીઝ જુઓ એટલે સમજાય. ઉનાળાની બહુ ગરમી છે તો 'ઇટ્સ ફકિંગ હોટ ટૂડે' અથવા મારી કારનું માલિકીપણું દર્શાવવું હોય તો 'ધેટ્સ માય ફકિંગ કાર' અથવા કોઈ કન્ફ્યુશન હોય તો 'વ્હોટ ધ ફક'? ઘણાં ભદ્ર લોકો ખરાબ ન લાગે એટલે લખતી વખતે ફકને જગ્યાએ ફ* અને બાસ્ટર્ડની જગાએ બા**ર્ડ લખે છે. શું 'બાસ્ટર્ડ' શબ્દ એટલો ખરાબ છે? ભારતની સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે 'સિવાકુમાર વિ. સ્ટેટ'ના કેસમાં ચૂકાદો આપતા કહ્યું કે બાસ્ટર્ડ અપમાનજનક શબ્દ છે પણ એ અશ્લીલ નથી. ગુસ્સામાં કોઈને બાસ્ટર્ડ કહો એ સેક્સ સંબંધિત અર્થમાં હોતો નથી.
ગુજરાતી લેક્સિકન અનુસાર 'બાસ્ટર્ડ' એટલે અનૌરસ, અમાન્ય મિશ્રજાતીય, જારજ, વ્યભિચારમાંથી જન્મેલું, છિનાળના પેટનું, સંકર, બનાવટી, એવી વ્યક્તિ કે વસ્તુ, અણગમતું અથવા કમનસીબ માણસ. કોઈ સ્ત્રીનું એના ઉપપતિથી થયેલું અથવા કોઈ પુરુષનું એની રખાતથી થયેલું સંતાન. વર્ષો વીતે છે. પેઢી બદલાય છે. બોલચાલની ભાષા પણ બદલાય છે. શબ્દ મૂળ અર્થથી બદલાતો રહે છે. કોઈ ઔરસ સંતાન નસીબદાર હોય તો એ 'લકી બાસ્ટર્ડ' કહેવાય. લો બોલો! બ્રિટિશ ઇંગ્લિશમાં તો કોઈ એવો અઘરો પ્રોબ્લેમ હોય જેનો ઉકેલ જ ન મળતો હોય તો એને 'રીઅલ બાસ્ટર્ડ' પ્રોબ્લેમ કહેવાય છે. અહીં વ્યભિચારથી પેદા થયેલો કે છિનાળના પેટનો- એવો કોઈ અર્થ નીકળતો નથી. આ શબ્દ ન્યૂટ્રલ અર્થમાં પણ છે. જેમ કે ઘરનાં બારીબારણાં અસામાન્ય રીતે મોટા હોય તો તે બાસ્ટર્ડ વિન્ડો ડોર્સ ક્હેવાય. અરે, કોઈ શબ્દ પણ જો શંકાસ્પદ મૂળથી સર્જાયો હોય તો એ શબ્દ પણ 'બાસ્ટર્ડ વર્ડ' કહેવાય. મેક્સિકન ચિત્રકાર ફ્રીડા કલ્હો કહેતી હતી કે હું મારા દુ:ખોને ડૂબાડી દેવા માંગતી હતી પણ બાસ્ટડ્સ તરવાનું શીખી ગયા! અહીં આવી પડતા દુ:ખ બાસ્ટર્ડ છે, જે મરવાનું નામ જ લેતા નથી. અહીં બાસ્ટર્ડ શબ્દ કમનસીબીના અર્થમાં છે. ટૂંકમાં આ શબ્દ માત્ર ગેરકાયદેસર સેક્સના અર્થમાં જ હોય, એ જરૂરી નથી. આપણી સુપ્રીમ કોર્ટ સાચું જ કહે છે.
બાસ્ટર્ડ શબ્દ મૂળ ઓલ્ડ ફ્રેન્ચ શબ્દ 'ફિલ દ બાસ્ત' પરથી આવ્યો હોવાનું મનાય છે. પરિવહન માટે વપરાતા પ્રાણીઓની પીઠ પરની કાઠી અથવા પલાણ. પ્રાણીનો અસવાર એનો ઉપયોગ કામચલાઉ પથારી તરીકે પણ કરે. એવું બાળક જે રેગ્યુલર પલંગની જગ્યાએ ફિલ દ બાસ્ત પર ગર્ભાન્વિત થયું હોય એ બાસ્ટર્ડ. કેટલાંક ભાષાશાસ્ત્રીઓ જો કે પાંચમી થી દસમી સદીનાં યુરોપની ફ્રાંકિશ ભાષાનો શબ્દ 'બાસ્ટ'ને મૂળ ગણે છે. 'બાસ્ટ' એટલે લગ્ન અને એની પાછળ લાગતો અપમાનજનક '-અર્ડ' પ્રત્યય દર્શાવે છે કે ધર્મ દ્વારા સ્થાપિત લગ્નની બહાર થયેલું આ સંતાન છે. આ શબ્દ ચૌદમી સદીમાં પહોંચ્યો ત્યારે એનો અર્થ -એવું કાંઈ પણ જે શુદ્ધ નથી- થયો. દા.ત. બારમી સદીનું યુરોપનું ગોથિક આર્કિટેક્ચર. પણ જો કોઈ ઇમારત ગોથિક આર્કિટેક્ચરની નકલ જણાય તો એ બાસ્ટર્ડ ગોથિક કહેવાય. હાઇબ્રિડ પ્લાન્ટ્સ માટે પણ બાસ્ટર્ડ વપરાય. અપમાન તરીકે બાસ્ટર્ડ શબ્દનો ઓગણીસમી સદીથી શરૂ થયો જે આજ સુધી થઇ રહ્યો છે. બાસ્ટર્ડ સંતાનને કાયદેસરના અધિકાર મળતા નથી. એનો અર્થ એ નથી કે બાસ્ટર્ડની બુદ્ધિમતા કે શૂરવીરતા ઓછી જ હોય. યુરોપમાં એક શૂરવીર રાજા 'વિલિયમ ધ બાસ્ટર્ડ' કહેવાતો હતો. આપણા મહાભારતમાં કર્ણ પણ મહાન ગણાય છે. કાયદાશાસ્ત્રમાં વર્ષો પહેલાં બાસ્ટર્ડ વિષે 'નલિયસ ફિલિયસ' (સન ઓફ નો વન) શબ્દો વપરાતા પણ આધુનિક યુગમાં સ્થિતિ બદલાઈ છે. આમ પણ કોઈ ગેરકાયદેસર પેદા થયો હોય તો એમાં એનો પોતાનો તો કોઈ વાંક ન જ હોય. સુપ્રીમ કોર્ટ આધુનિક અર્થમાં બાસ્ટર્ડ શબ્દ વિષે ચોખવટ કરે એ સારી વાત છે. અલબત્ત આ શબ્દની સેક્સિસ્ટ વ્યૂત્પત્તિ સમજણની તકલીફ ઊભી કરે, એ સ્વાભાવિક છે. શિષ્ટ લખાણમાં આ શબ્દનો ઉપયોગ ટાળવો હિતાવહ છે. મસ્તી મજાકમાં 'મેગ્નિફિસન્ટ બાસ્ટર્ડ' કે દયાના ભાવમાં 'પૂઅર બાસ્ટર્ડ' કહી શકાય. પણ કોઈને મજાકમાં પણ 'બે બાપ'નો કહેવો ઠીક તો નથી. અરુચિકર ભાષામાં આ શબ્દ હળવાથી મધ્યમ લેવલ ૩-માં આવે છે. અપમાન કરવાના શબ્દો પૈકી બાસ્ટર્ડ શબ્દ 'હેલ' (નર્ક) કરતા વધારે પણ 'ફક' (સંભોગ) કરતા ઓછો અરુચિકર શબ્દ ગણાય છે. ટ્રમ્પ જો કે આ આ ત્રણે શબ્દોનો સાગમટે ઉપયોગ કરે છે. અરુચિકર ભાષા માટે ટ્રમ્પ લાજવાબ છે.
શબ્દ શેષ
'તમે બાસ્ટર્ડ જો પહેલેથી જ હો તો બની શકો તો એન્લાઈટન્ડ (પ્રબુદ્ધ) બાસ્ટર્ડ બનો!'
- જિમ કેરી અભિનીત ફિલ્મ 'સાયમન બિર્ચ'


