ઓરેન્જ ઈકોનોમી : અર્થવ્યવસ્થા રંગી નારંગી
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- વર્લ્ડ બેન્ક અનુસાર આજે ઓરેન્જ ઇકોનોમીથી વિશ્વભરમાં ૩ કરોડ લોકોને કામ મળે છે
अनन्त-इच्छा, सीमित-साधन पर,
मानव नित चिन्तन करता हैं ।
क्षितिज बिन्दु बस यही जहां से,
अर्थशास्त्र मन्थन करता है ।।
- केशव कल्पान्त
યુ દ્ધના પડઘમ વચ્ચે પ્રધાનમંત્રી કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવાનું નક્કી કરે તો એ ચોક્કસ ભારતના ભવિષ્ય માટેની અગત્યની વાત હોવી જોઈએ. 'વેવ્સ'(વર્લ્ડ ઓડિયો વિઝયુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ)ના ઉદ્ઘાટન સમારંભમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ગ્લોબલ ટેલન્ટ અને ગ્લોબલ ક્રિએટિવિટીનો પાયો નંખાઈ રહ્યો છે. કલ્ચર, ક્રિએટિવિટી અને યુનિવર્સલ કનેક્ટનો એક વેવ છેઅને આ વેવ પર સવાર છે મ્યુઝિક, ફિલ્મ્સ, એનિમેશન, સ્ટોરી ટેલિંગ અને એવું ઘણું બધું. ટૂંકમાં એ સઘળું જે ક્રિએટિવિટી સાથે સંકળાયેલું છે. ક્રિએટિવિટી એટલે સર્જનશીલતા, નવાન્વેષણ. તેઓએ કહ્યું કે આ જ સમય છે. ભારત પાસે એવો ખજાનો છે, જેને સમયના બંધન નથી. તેઓએ સૌને આમંત્રણ આપ્યું કે ભારત દેશમાં એવું કલાસર્જન કરો, જે આખી દુનિયા માટે હોય. તેઓનું ભાષણ હિંદીમાં હતુ પરંતુ ઇંગ્લિશ શબ્દો તેઓએ છૂટથી વાપર્યાં હતા. આમ પણ વૈશ્વિક કક્ષાનું શિખર સંમલેન હોય તો ઇંગ્લિશ ભાષા સિવાય કોઈ આરો નથી.તેઓએ ઓરેન્જ ઈકોનોમી (Orange Economy) એવો શબ્દ વાપર્યો. વાત જાણે એમ છે કે મનોરંજન પણ એક ઉદ્યોગ છે અને ભારતમાં જેનું મૂલ્યાંકન આજે ૨.૮૦ કરોડ ડોલર્સ છે. આગામી થોડા વર્ષોમાં આ મૂલ્યાંકન ૧૦ કરોડ ડોલર્સ થશે. ભારતનું યોગદાન હવે સોફ્ટવેર પૂરતું મર્યાદિત નહીં રહે, હવે સર્જનશીલતા અને મનોરંજન દેશના અર્થતંત્રમાં પોતાનો ફાળો આપશે..
ઈકોનોમી તો આપણે જાણીએ છીએ. અર્થતંત્ર. આમ તો કરકસર, ત્રેવડ એવા અર્થ પણ થાય. પણ અહીં નાણાં કે સંપત્તિનો વ્યવહાર, ઉત્પાદન, વિતરણ અને ખપતની એક સામાજિક વ્યવસ્થા એટલે અર્થવ્યવસ્થા. અને 'ઓરેન્જ' એટલે નારંગી. ફળ પણ અને રંગ પણ. કોલંબિયન અર્થશાસ્ત્રી ફેલિપ બેટ્રાગો અને ઇવાન ડૂકે આ શબ્દો પ્રચલિત કર્યા. કારણ કે નારંગી રંગ સર્જનાત્મકતાનું પ્રતીક છે. એવી સર્જનાત્મકતા જે ચમકીલી છે, આકર્ષક છે. જીવન, જોશ કે ગતિવિધિથી સ્પંદિત છે. વાઇબ્રન્ટ, યૂ સી! આ સર્જન સમાવેશી છે. સૌને સાથે લઈને ચાલે છે. ટૂંકમાં 'ઓરેન્જ ઈકોનોમી' એ ક્રિએટિવ ઇકોનોમીનું બીજું નામ છે. ઓરેન્જ કલર એ સાંસ્કૃતિક ઓળખાણ પણ છે અને એમાં વિધવિધ સંસ્કૃતિના સર્જનનો સમાવેશ થઈ જાય છે. ઓરેન્જ જો કે એક માત્ર રંગ નથી, જે ઈકોનોમી સાથે જોડાયેલો છે. ઈકોનોમી અનેક રંગ સાથે જોડાયેલી છે. એ પૈકી એક છે 'ગ્રીન ઈકોનોમી'. પર્યાવરણનું સંતુલન જાળવવું અને 'બ્રાઉન ઇકોનોમી'ની અસરને ઓછી કરવી તે. પણ આ કથ્થાઇ અર્થતંત્ર? આ વળી નવું. અરે ભાઈ, અશ્મિભૂત બળતણ જેમ કે પેટ્રોલ ડીઝલથી પર્યાવરણને નુકસાન થાય છે એની અસર ઘટાડવી એ ગ્રીન ઈકોનોમી. એક 'બ્લૂ ઈકોનોમી' પણ છે. દરિયો ભૂરો હોય. એટલે દરિયો અને બંદરો અને વહાણવટાની અને દરિયાઈ ઊર્જાની અર્થવ્યવસ્થા. 'વ્હાઇટ ઈકોનોમી'? ના, એ દૂધ કે શ્વેત કાંતિ સાથે સંકળાયેલી નથી. એ આરોગ્ય અને સામાજિક સંભાળ સાથે સંકળાયેલી ચોક્કસ છે. એ જ રીતે 'યલો ઈકોનોમી' સોના સાથે નહીં પણ રણપ્રદેશ ટૂરીઝમ, ઓછા પાણીથી થતી ખેતી અને સૌર કે પવન ઊર્જા સાથે જોડાયેલી છે. કચ્છનું સફેદ રણ યલો ઈકોનોમીનો એક ભાગ કહી શકાય. બ્લેક ઈકોનોમી તો આપણે જાણીએ છીએ. એ અંડરવર્લ્ડ અને માફિયા નાણાકીય વ્યવહાર અને બેનામી સંપત્તિ સાથે સંકળાયેલી છે. આપણે જો કે આજે ઓરેન્જ ઈકોનોમીની વાત કહેવી છે.
ઓરેન્જ ઈકોનોમી અગાઉ કહ્યું એમ સંસ્કૃતિ, કલા, પ્રસાર માધ્યમ, બૌદ્ધિક સંપત્તિ અને સંશોધનના ધન સાથે જોડાયેલી છે. નાટય, સંગીત, નૃત્ય અરે, પાકશાસ્ત્ર પણ ઓરેન્જ ઈકોનોમીનો હિસ્સો છે. અહીં મલ્ટીમીડિયા છે, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. સર્જનશીલ ઓરેન્જ ઈકોનોમી અનેક નોકરીઓ સર્જે છે. વર્લ્ડ બેન્ક અનુસાર આજે ઓરેન્જ ઇકોનોમીથી વિશ્વભરમાં ૩ કરોડ લોકોને કામ મળે છે. એ પણ સાચું કે આ કમાણી નૉન-ક્રિએટિવ સેક્ટરમાં કામ કરતાં લોકોથી વધારે છે. યુવા લોકો અને સ્ત્રીઓ માટે ઓરેન્જ ઈકોનોમી આવકનું મોટું સાધન છે.વળી આ સર્જનાત્મક ઈકોનોમી ટકાઉ છે. લાંબા ગાળાનો ફાયદો છે એમાં. દુનિયાભરની સરકારો હવે ઓરેન્જ ઇકોનોમીમાં ઇન્વેસ્ટ કરી રહી છે. ભારત અલબત્ત આ સમજે છે. યોગસાધના આપણું સર્જન છે પણ એના વર્ગ વિદેશમાં ચાલે છે. એનો આર્થિક ફાયદો આપણને ખાસ મળતો નથી. વિદેશમાં રહીને ભારતીય યુવાનો ગેમિંગ ડીઝાઇન કરે છે પણ ભારતને એનો આર્થિક લાભ મળતો નથી. આપણી પાસે રામાયણ છે, મહાભારત છે, આપણો ઇતિહાસ ભવ્ય છે. પણ સાહેબ, ટેકનોલોજી સાથે સુભગ સંગમ અલબત્ત અનિવાર્ય છે. આજની પેઢીને ગમાડી શકેએવું કન્ટેન્ટ જો આપણે ન સર્જી શકીએ તો આપણે ગામડિયા કહેવાઈએ. ભૂરી પાટલૂનની બહાર લાલ જાંઘિયો પહેરેલો સુપરમેન કે ચામાચીડિયા જેવો બેટમેન આપણને ઘેલું લગાડીને કરોડો રૂપિયા રળી જાય ત્યારે આપણે આપણાં સ્ટોરી ટેલિંગ અને ટેકનોલોજી બાબતે વિચારવું તો પડે. ચીને એક શોર્ટ વિડિયોનું પ્લેટફોર્મ 'ટિકટોક' સર્જીને કેટલું ય કમાઈ લીધું. અને આપણે? આપણે અહીં માત્ર એનઆરઆઈના મનોરંજન પૂરતું વિચારવાનું નથી. સમગ્ર વિશ્વ માટે વિચારવાનું છે. માત્ર ગરીબી અને ગુલામીની વાર્તામાંથી આપણે બહાર નીકળવું પડશે. આધુનિક ટેકનોલોજી અપનાવવી પડશે. કલાકારો માટે સુવિધા ઊભી કરવી પડશે. આતંક અને યુદ્ધ એ વિસર્જનની ઈકોનોમી છે. કલા અને સૃજનની ઈકોનોમી એક સારું ઇન્વેસ્ટમેન્ટ છે. ઓરેન્જ ઈકોનોમી એ જ્યુસી આઇડિયા છે. ઓરેન્જ એ નવો ગ્રીન રંગ છે.