- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- જુલિયસ સીઝરે કહ્યું હતું કે દરેક ખરાબ પ્રિસીડન્ટની શરૂઆત -આ એક ન્યાયસંગત પગલું છે- એવો દાવો કરીને જ થાય છે
अब नहीं कोर्इ बात खतरे की
अब सभी को सभी से खतरा हैं
- जौन एलिया
પ્રે સિડન્ટ ટ્રમ્પનો 'ડેન્જરસ પ્રિસીડન્ટ'. અનેક સમાચારમાં આ બે શબ્દો અમને વાંચવા મળ્યા. વાત જાણે એમ છે કે ગયા અઠવાડિયે મધરાતે અમેરિકન સૈનિકો વેનેઝુએલા દેશમાં ઘૂસીને નિદ્રાધીન પ્રેસિડન્ટ માદુરો અને એમની પત્નીનું અપહરણ કરીને અમેરિકા લઇ ગયા. વેનેઝુએલામાં ખાટલે સૂતા'તા, હવે અમેરિકામાં તેઓ પર ખટલો ચાલશે. તેઓ પર નાર્કો-ટેરરિઝમનો આરોપ છે. નશીલી વસ્તુઓ અમેરિકામાં ઘૂસાડવી એ ય આંતકવાદનો એક પ્રકાર છે. કોઈ કહે છે કે ટ્રમ્પનો ડોળો વેનેઝુએલાનાં ખનિજ તેલ ઉપર છે. સૌ કહે છે કે ભૂતકાળમાં અમેરિકાએ લેટિન અમેરિકન દેશો પર હુમલો કર્યાના દાખલા તો છે પણ આમ કોઈ લેટિન અમેરિકન દેશના પ્રેસિડન્ટને ઊઠાવી જવાની ઘટના અગાઉ બની નથી. ઘણાં દેશો આને ડેન્જરસ પ્રિસીડન્ટ કહી ચૂક્યા છે. આપણે શાણાં છીએ. આપણે અમેરિકાનું નામ લીધું નથી. વેનેઝુએલા દેશની પરિસ્થિતિ વિષે આપણે માત્ર ઊંડી ચિંતા(!) વ્યક્ત કરી છે. સિંહને કહેવું નહીં કે તારું મોઢું ગંધાય છે. ગંધાતું હોય તો એને ટૂથબ્રશ કરીને આવવાનું પણ ન કહેવું, એ ડિપ્લોમસી છે.
આપણે જો કે શબ્દની વાત કરવી છે. ડેન્જરસ(Dangerous) હવે તો એ ગુજરાતી શબ્દ છે. 'સાર્થ' અનુસાર એનો અર્થ જોખમી કે ખતરનાક એવો થાય છે. પ્રીસિડન્ટ (Precedent) ઇંગ્લિશ શબ્દ છે. જેનો અર્થ થાય છે : આધાર ગણાવા જેવો આગળનો દાખલો, ફેંસલો, ચુકાદો, આધારરૂપ પૂર્વદ્રષ્ટાંત, મિસાલ. કાયદાકીય સંદર્ભમાં ભૂતકાળનું એવું ઉદાહરણ કે આધારભૂત દાખલો, જેનો આધાર લઈને વર્તમાનકાળમાં ન્યાયિક ચૂકાદો આપી શકાય.
'પ્રિસીડન્ટ' એટલે ભૂતકાળમાં કોઈ કાર્ય, પ્રસંગ કે સ્થિતિ વિષે કોઈ નિર્ણય લેવાયો હોય અને ભવિષ્યમાં એવા જ સંજોગો હોય તો એવો જ નિર્ણય લેવો હિતાવહ છે એવું માનવું અને એમ કરવું. આ શબ્દ કાયદાકીય અર્થમાં અને જનરલ અર્થમાં વપરાય છે. એક વાર નક્કી થયું એટલે એ પ્રીસિડન્ટ પડી ગયો અને પછી જે જે ન્યાયિક ચૂકાદા અપાય, એમાં એવું જ જજમેન્ટ આપવું જોઈએ; જેથી કાયદાકીય સુસંગતતા, ભવિષ્ય વચનીયતા અને વાજબીપણું જળવાય. કાયદાકીય અર્થમાં એક બાઈન્ડિંગ (બંધનકર્તા) પ્રીસિડન્ટ હોય છે. સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો હોય તો એ પ્રમાણે કરવું જ પડે. બીજો પ્રીસિડન્ટ પર્સ્યુએસિવ (પ્રેરક) હોય છે. અન્ય રાજ્યની કોર્ટે ચૂકાદો આપ્યો હોય એ બંધનકર્તા ન હોય પણ ધ્યાન પર લેવાવું જોઈએ. મને ખબર નથી કે માદુરોને કોર્ટમાં રજૂ કર્યા પછી અમેરિકન ન્યાયાધીશ કેવા પ્રીસિડન્ટને અનુસરશે પણ હા, કોઈ રાષ્ટ્રના પતિના ઘરમાં ઘૂસી પત્ની સમેત, બંદૂકની અણીએ પકડીને, પોતાના દેશમાં લઇ આવવો એ કૃત્ય બેમિસાલ તો છે જ. અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પના મતે જો કે આ કૃત્ય ન્યાયોચિત છે. એ વાત અલગ છે કે વર્ષો પહેલા રોમન લશ્કરી શાસક અને સરમુખત્યાર જુલિયસ સીઝરે કહ્યું હતું કે દરેક ખરાબ પ્રિસીડન્ટની શરૂઆત -આ એક ન્યાયસંગત પગલું છે- એવો દાવો કરીને જ થાય છે.
બે શબ્દો 'પ્રેસિડન્ટ' અને 'પ્રીસિડન્ટ' ઉચ્ચારમાં સરખા લાગે છે. 'પ્રેસિડન્ટ' એટલે દેશ કે સંગઠનનો વડો. સભા હોય અને જે પહેલો બેસે એ પ્રેસિડન્ટ. અને પહેલાં થઇ ગયું હોય એ 'પ્રીસિડન્ટ'. અમેરિકન ઉચ્ચારમાં પ્રેસિડન્ટ પ્રેઝિડન્ટ કહેવાય. જ્યારે પ્રીસિડન્ટમાં 'સ' ઉચ્ચાર થાય છે. પણ સોળમી સદીમાં પ્રીસિડન્ટની જોડણી પ્રેસિડન્ટ જ હતી. સત્તરમી સદીમાં ઈંગ્લેન્ડમાં રાજાશાહી સામે આંતરવિગ્રહ ચાલી રહ્યો હતો ત્યારે મહાન કવિ જ્હોન મિલ્ટનના એક લેખમાં સંસદ દ્વારા કરેલી કાર્યવાહીના બચાવમાં તેઓએ લખ્યું કે રાજાશાહીના વિરોધીઓનું માનશો તો ડેન્જરસ પ્રેસિડન્ટ સ્થપાશે. જો કે તે પછીના વર્ષોમાં સમાન ઉચ્ચાર ધરાવતા આ બે શબ્દોની જોડણીઓ અને અર્થ અલગ થઇ ગયા. પ્રેસિડન્ટ ટ્રમ્પએ પ્રેસિડન્ટ માદુરોનું અપહરણ કર્યું એ ડેન્જરસ પ્રીસિડન્ટ થયો. અમને લાગે છે કે પ્રેસિડન્ટ જો આવું જ કરતા રહેશે તો પ્રેસિડન્ટ અને પ્રીસિડન્ટમાં કોઈ ફેર નહીં રહે! આવું થશે તો કાલે ઊઠીને ચીન તાઇવાનના પ્રેસિડન્ટને, રશિયા યુક્રેનના પ્રેસિડન્ટને અને ભારત પાકિસ્તાનના પ્રેસિડન્ટને ઊઠાવી જઈ શકે. કારણ કે આ તો હવે પ્રીસિડન્ટ છે. કારણ કે ટ્રમ્પ ચીલો ચાતર્યો છે. કોઈ પણ તાકતવર નબળાં પર ઘા કરે, એવું પૂર્વદ્રષ્ટાન્ત હવે છે.
ઇતિહાસ સાક્ષી છે કે ભારત દેશ પર અનેક હૂમલા થયા છે. પણ સામે ચાલીને આપણે કોઈ દેશ પર હૂમલો કર્યાનો પ્રીસિડન્ટ નથી. ભૂતકાળમાં દેશ ઉપર અનેક આંતકવાદી હૂમલા થયા. આપણે જવાબી કાર્યવાહી કરતા પણ કતરાયા. આતંકવાદી હૂમલા હવે ય થાય છે પણ જવાબી કાર્યવાહી પણ થાય છે. પાકિસ્તાનમાં ઘૂસીને આંતકવાદી લૉન્ચ-પેડને નેસ્તનાબૂદ કરી દેવાનો પ્રીસિડન્ટ ધુરંધર છે. ડોશી મરે તેનો વાંધો નથી પણ જમ ઘર ભાળી જાય-વાળું લૉજિક બરાબર નથી. દિલ્હી રમખાણના મુખ્ય આરોપીઓને સુપ્રીમ કોર્ટમાં જમાનત ન મળી એના વિરોધમાં જેએનયુના વિદ્યાર્થીઓની નારેબાજી થઈ. અગાઉ આવી વાતને 'અભિવ્યક્તિની સ્વતંત્રતા' એવું રૂપકડું નામ અપાતું હતું. આ પ્રીસિડન્ટનું અનુસરણ હવે થતું નથી. હવે આવી કાર્યવાહી રાષ્ટ્રવિરોધી ગણાય છે. શું આ ડેન્જરસ પ્રીસિડન્ટ છે? આઈ ડોન્ટ થિંક સો..
શબ્દ શેષ :
'એ જ ખતરો છે, જ્યારે દુરાચાર પૂર્વદ્રષ્ટાંત બની જાય.'
- ઇંગ્લિશ નાટયકાર બેન જોન્સન


