એરોગન્સ : અહંકાર .
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- જે અહંકારી હોય એને કોઈ દિલથી માન ન જ આપે. ડરનાં માર્યા માન આપે પણ એનો શો અર્થ?
हर एक बात पे कहते हो
तुम कि तू क्या है
तुम्हीं कहो कि ये अंदाज-ए-गुफ्तुगृ क्या है
- मिर्जा गालिब
ડો નાલ્ડ ટ્રમ્પે ભારતીય માલસામાન ઉપર ૫૦% ટેરિફની ઘોષણા કરી છે. ભારત રશિયા પાસેથી ખનીજ તેલ ખરીદે છે, એમાં અમેરિકાને પેટમાં દુ:ખે છે. ભારતનું અર્થતંત્ર મરેલું છે, એવું ટ્રમ્પનું સ્ટેટમેન્ટ છે. વિરોધ પક્ષનાં નેતા રાહુલ ગાંધી ટ્રમ્પનાં આ સ્ટેટમેન્ટની પુષ્ટિ કરે છે. પણ ઘણાં રાહુલ ગાંધી સાથે સહમત નથી. કોંગ્રેસનાં જ શશી થરૂર ફોડ પાડીને સમજાવે છે કે ટ્રમ્પનું સ્ટેટમેન્ટ ઇન્સલ્ટ(અપમાન) કરવાના ઇરાદે છે, એને લિટરલી(શાબ્દિક) અર્થમાં ન લેવું જોઈએ. મતલબ કે ભારતની અર્થવ્યવસ્થા ખરેખર મરી ગયેલી છે, એવું નથી જ નથી. વિરોધ પક્ષમાં હોય એટલે મોદી સરકારનો મૂર્ખતાપૂર્ણ વિરોધ જ કરવો, એવું ઘણાં માનતા નથી. શિવસેના (યુબીટી)ના પ્રવક્તા પ્રિયંકા ચર્તુવેદી કહે છે કે ભારત વિશ્વની પાંચ ટોચની ઈકોનોમી પૈકીની એક છે, એને 'ડેડ ઈકોનોમી' કહેવું, એ એરોગન્સ (Arrogance) અથવા ઇગ્નોરન્સ (Ignorance) જ હોઈ શકે. આલ્બર્ટ આઈન્સટાઈન કહેતા કે ઇગ્નોરન્સ (અજ્ઞાન)થી એક જ ચીજ વધારે ડેન્જરસ છે અને એ છે એરોગન્સ (ઘમંડ). અને એરોગન્સ આપણો આજનો શબ્દ છે. આખરી ઓવલ ટેસ્ટ મેચ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમનાં કોચ ગૌતમ ગંભીર અને ગ્રાઉન્ડસ્મેન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ, એનું કારણ પણ ગ્રાઉન્ડસ્મેનનું એરોગન્સ હતું. ધોળિયાઓ હજી આપણને ગુલામ માને છે, એવું અમારું તારણ છે.
'એરોગન્સ' એટલે અહંકાર, હુંપદ, ગર્વ. મગરૂરી, ઉદ્ધતાઈ, તોછડી રીતભાત. હિંદીમાં હેકડી, આપા, દર્પ, અક્ખડપન, ઉદ્દંડતા- એવા શબ્દો પણ છે. એરોગન્સ શબ્દનું મૂળ લેટિન ક્રિયાપદ 'એરોગેર' છે. અર્થ થાય છે : પોતાના જ હકનો હઠાગ્રહ રાખવો તે. તું કાંઈ નથી. તારો કોઈ અધિકાર જ નથી. બધું મારું છે. મારા માટે જ છે. અહીં જે અભિમાન છે, એ વધારે પડતું છે અને ધૃષ્ટતા છે, દબંગાઈ છે. જે એરોગન્ટ છે, એ એવું માને છે કે હક, લાભ કે સવલત ઉપર એનો વિશેષ અધિકાર છે. હું અન્યથી બહેતર છું, ઉચ્ચતર છું- એવી સરખામણી અહીં સતત છે. અહંકાર એ શરીર પર આવેલા સોજા જેવો છે. શરીર ફૂલી જવું, એ વિકાસ નથી પણ વિકાર છે. ઉચ્ચ થવું, બહેતર થવું ઇચ્છનીય છે પણ અન્યથી સારા થવું, એ અહંકાર છે. એની સાપેક્ષ જેને આત્મવિશ્વાસ હોય એને આવી સરખામણીની જરૂરત જ હોતી નથી.
અહંકાર શબ્દ આવે એટલે રાજા રાવણનો વિચાર આવ્યા વિના રહે જ નહીં. રાવણ અને અહંકાર હવે એક બીજાના પર્યાય થઈ ગયા છે. રાવણ તો મહાજ્ઞાની હતો પણ એ માનતો કે કોઈનું માનવું જ નહીં. પોતાનો જ ભાઈ વિભીષણ કહે કે સીતાને મુક્ત કરો પણ રાવણ માન્યો નહીં. રાવણ એવું માનતો કે મને-બધી-જ-ખબર-છે અને આ-મારો-અધિકાર-છે. મારી સત્તાનું પ્રદર્શન મારે કરતા જ રહેવું જોઈએ. ભૂલ થાય પણ એનો સ્વીકાર ભૂલેચૂકે પણ કરવો જ નહીં. યુદ્ધ કરવું અને મરી જવું, પણ માનવું જ નહીં કે આ મારી ભૂલ હતી. રાવણ અહંકારી હતો. જે અહંકારી હોય એને કોઈ દિલથી માન ન જ આપે. ડરનાં માર્યા માન આપે પણ એનો શો અર્થ?
એરોગન્સના કારણે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધો વણસે છે, સ્વવિકાસમાં અડચણ ઊભી થાય છે અને નિર્ણયક્ષમતા ઘટે છે. અહંકાર હોય ત્યાં સંવેદના ન હોય. કોઈની વાત સાંભળવાની જ નહીં. મારો કક્કો જ ખરો. મારા મરઘે જ સવાર. અલ્યા ભાઈ! સવાર તો પડવાની જ છે. તારો મરઘો કૂકડેકૂક કરે કે ન કરે. પણ અહંકારી માણસ એવો શ્વાન છે, જેને શકટના ભાર તાણવાનો વહેમ છે. અહંકારીનો સાથ પછી તો કોણ આપે? ધીરે ધીરે બિછડે સભી બારી બારી - થઇ જાય. જો ટોચ પર પહોંચે તો ત્યાં ય હોય તો એકલો જ. અને આ શેનો અહંકાર? દરિયામાં મૂતરે એનાથી કાંઈ દરિયાની સપાટી ઊંચી નહીં આવે! હાલી હું નીકળ્યા છો? અને હા, અહંકારી હોય એટલે પોતાની ભૂલ હોય પણ એનો સ્વીકાર તો કરે જ નહીં. વાતચીતે તોછડો હોય. એક વાર એક નેતાનો નબીરો દારૂના નશામાં પોતાની બીએમડબલ્યુ પૂરપાટ ચલાવતો હતો. રસ્તે સિગારેટ પીવા રોકાયો. એક રાહદારીએ એને વિનવણી કરી કે ધીરેથી ચલાવો, કયાંક અકસ્માત ન થઇ જાય. તો એ અહંકારથી બોલ્યો : 'તને ખબર છે હું કોણ છું?' રાહદારીએ કહ્યું, 'ઉલ્લૂ કા પઠ્ઠા!'. બસ, પછી તો એણે બાપને ફોન કર્યો. પોલિસ આવી. રાહદારી ઉપર કેસ કર્યો. મેજિસ્ટ્રેટે પૂછ્યુું કે તમે નેતાને ઉલ્લૂ કહીને માનહાનિ કેમ કરી? રાહદારીએ જવાબ દીધો કે એણે મને પૂછયું કે 'એ કોણ છે? એને પોતાને તો ખબર જ નહોતી કે એ કોણ છે! મારે શું કહેવું?' મેજિસ્ટ્રેટે એને છોડી મૂક્યો, એવી સલાહ આપીને કે, હવે કોઈ તને પૂછે કે ખબર છે, હું કોણ છું? તો કહી દેવું કે તને પોતાને પણ એ ખબર છે ખરી?!
હાથી પોતાની મસ્તીમાં ચાલ્યો જતો હોય છે. કૂતરાં ભસે તો ભલે ભસે. આવા હાથીને તમે એરોગન્ટ કહેશો? ના, આ આત્મવિશ્વાસ છે. પોતાની શક્તિમાં એને વિશ્વાસ છે, જે સફળતા માટે જરૂરી છે. અડગ હોવું, કૃતનિશ્ચયી હોવું, સ્વમતાગ્રહી હોવું- સારું છે. પણ આ ભેદ બારીક છે. જો એ પરખાઈ જાય તો આપણે વિશ્વગુરુ પાક્કા...
શબ્દ શેષ
'હું દલીલ કરતો નથી. હું બસ તને સમજાવી રહ્યો છું કે હું કેમ સાચો છું!' -અજ્ઞાત