Get The App

રીવુલ્યુશન : ક્રાંતિ .

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
રીવુલ્યુશન : ક્રાંતિ                                    . 1 - image

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- રમતમાં હાર જીત તો થયા કરે. પણ આ ઓર્ડિનરી જીત નથી, આ ક્રાંતિ છે.

हो गर्ई है पीर पर्वत-सी

पिधलनी चाहिए

इस हिमालय से कोर्ई

गंगा निकलनी चाहिए

सिर्फ हंगामा खडा करना

मेरा मकसद नहीं

मेरी कोशिश है कि ये

सूरत बदलनी चाहिए

- दुष्यंत कुमार

સૂ રત બદલાઈ. દેશની દીકરીઓ પહેલી વાર મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતી ગઈ. ત્રણ મેચ સતત હાર્યા હતા. તમારી જગ્યા રસોડામાં જ છે, એવું ય ઓનલાઇન ટ્રોલિંગ થયું હતું. સેમિફાઇનલમાં સ્થાન મળશે કે કેમ? અને મળે તો એક પણ મેચ હારી નહોતી એવી ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવવું તો લગભગ અશક્ય હતું. પણ હમારી છોરિયાં ભી છોરોસે કમ હૈ કે.....'ઈએસપીએન'ના સમાચારના શીર્ષક 'વર્લ્ડ કપ ટૂ વર્લ્ડ કપ, ૨૦૧૩થી ૨૦૨૫ 'સ્ટોરી ઓફ રીવુલ્યુશન'માંથી અમને આજનો શબ્દ મળ્યો છે. રમતમાં હાર જીત તો થયા કરે. પણ આ ઓર્ડિનરી જીત નથી, આ ક્રાંતિ છે. 

એક ગુજરાતી નાટકની ટેગલાઈન હતી : ભાયડો તે ભાયડો, બાયડી તે બાયડી, હાફૂસ તે હાફૂસ 'ને પાયરી તે પાયરી. ક્રિકેટ તો ભાયડાઓનો ખેલ. મહિલા ક્રિકેટ? એ વળી શું? અને એ કોણ જુએ? ૨૦૧૩માં ભારત ક્રિકેટ વનડે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટનું યજમાન હતું. મેચ રમાતી પણ સ્ટેડિયમ સાવ ખાલી ન દેખાય એટલે સ્કૂલના વિદ્યાર્થીઓને બેસાડી દેવાતા. મહિલા વર્લ્ડ કપની મેચને અવગણીને વાનખેડે સ્ટેડિયમ પુરુષોની રણજી ટ્રોફી ફાઇનલ માટે રીઝર્વ કરી દેવાયો હતો. મહિલા ક્રિકેટ મેચ નાના સ્ટેડિયમમાં શિફ્ટ કરી દેવામાં આવી હતી. આપણી મહિલા ક્રિકેટર્સને સામાન્ય બજેટ હોટલમાં રહેવાનું અપાતુંત જ્યારે ફોરેનની મહિલા ક્રિકેટર્સ ટીમ ફાઈવ સ્ટાર હોટલમાં રહેતી. મહિલા ક્રિકેટર્સની સ્થિતિ વિશે તત્કાલીન કેપ્ટન ડાયેના એદલજીએ નેશનલ મીડિયામાં ફરિયાદ કરી તે પછી તેઓને અન્ય ટીમ્સની સમકક્ષ ઉતારો અપાયો હતો. 'હિન્દુસ્તાન ટાઈમ્સ' લખે છે કે પૈસા ય નહોતા, સ્પોન્સર્સ ય નહોતા, પ્લાસ્ટિકના વાસણમાંથી દાળ પીરસાતી અને ૨૦ મહિલા ખેલાડીઓ વચ્ચે ૪ જ ટોઇલેટ્સ હતા. આજે સ્થિતિ બદલાઈ છે. આજની મહિલા ક્રિકેટર્સના નામ હવે હર મનમાં છે, આપણી સ્મૃતિમાં છે. દીપ્તિ એટલે પ્રકાશ અને જેમિમા એટલે ઉજાસ અથવા તો સુંદરતા. હવે આ નામો આપણને મુંહજબાની યાદ છે. શેફાલીના ફૂલની સુગંધ હવે અજાણી નથી. શ્રી અને ઉમા પણ છે અને ક્રાંતિ તો આપણી ધૂંઆધાર ફાસ્ટ બોલર છે.  વર્લ્ડ કપનો વિજય ક્રાંતિ છે. આપણે જો કે શબ્દ રીવુલ્યુશન(Revolution)ની વાત કરવાની છે. 

ગુજરાતી લેક્સિકન અનુસાર 'રીવુલ્યુશન' એટલે પરિભ્રમણ, કોઈ કેન્દ્રની આસપાસ કે કક્ષામાં ફરવું તે, પરિક્રમા, એવો એક ફેરો, ધરમૂળથી ફેરફાર, ક્રાન્તિ, રાજ્યક્રાન્તિ. મૂળ લેટિન શબ્દ 'રિવુલવર' એટલે ફરવું કે ચકરાવો લેવું. જેમ ગ્રહો સૂર્યની ફરતે ગોળ ફરે અને પોતાની ધરી ઉપર પણ ગોળ ફરે એ રીવુલ્યુશન. 'આરપીએમ' આપણે જાણીએ છીએ. રીવુલ્યુશન પર મિનિટ. એક મિનિટમાં કેટલાં ચક્કર ફરે, એનો માપદંડ. મૂળ અર્થ રાજકીય કે સામાજિક સ્થિતિમાં એવો બદલાવ, જે મૂળ અને ઇચ્છિત સ્થિતિને બહાલ કરે. પણ પછી અર્થ બદલાયો. એવું પરિવર્તન જે આમૂલ હોય, પૂર્ણ હોય, એક નવી જ પ્રણાલીને બહાલ કરે. એવી સ્થિતિ જે બહેતર હોય. બળવો (રીવોલ્ટ) અને ક્રાંતિ (રીવુલ્યુશન)માં ફેર છે. બળવો સીમિત અને સ્થાનિક હોય છે. બળવો નિષ્ફળ પણ જાય અથવા તો નીતિમાં થોડું પરિવર્તન થાય પણ ધરમૂળથી ફેરફાર ન થાય. જ્યારે ક્રાંતિ એક રાજકીય કે સામાજિક નવરચના લાવે છે, જે હંગામી નથી. 

રાજકીય ક્રાંતિમાં હિંસાની અનુમતિ હોય? આ પ્રશ્નનો કોઈ એક સાદો સીધો ઉત્તર નથી. અમેરિકી પૂર્વ પ્રેસિડન્ટ જ્હોન કેનેડીએ કહેતા કે જો આપણે શાંતિપૂર્ણ ક્રાંતિને રોકીશું તો હિંસક ક્રાંતિ અનિવાર્ય થઇ જશે. ક્રાંતિકારી સફળ થાય તો નેતા થઇ જાય, નિષ્ફળ જાય તો ગુનેગાર. રાજકારણની વાત નિરાળી છે. હ્યુમરિસ્ટ એમ્બ્રોસ બિયર્સ 'રીવુલ્યુશન'ની વ્યાખ્યા કરતા કહે છે કે અચાનક અપ્રત્યાશિત પરિવર્તન આવે અને કુશાસનનું સ્વરૂપ બદલાય એ ક્રાંતિ! દરેક ક્રાંતિકારી સફળ થાય એટલે રૂઢિચુસ્ત બની જાય. જ્યોર્જ બર્નાર્ડ શૉ કહેતા કે ક્રાંતિથી જુલમનો અંત આવતો નથી. જુલમનો કરનાર બદલાય છે. આપણને આઝાદી મળી એ ક્રાંતિ જ હતી. અત્યારે ૭૫ વર્ષ બાદ અમૃતકાળ ચાલી રહ્યો છે. કહે છે કે કોઈ પણ શાસન ૧૫૦ વર્ષે વિષકાળમાં તબદીલ થઇ જાય છે. અને ત્યારે ક્રાંતિ આવે છે. રાજકીય ક્રાંતિ માટે હજી વાર છે! પણ ક્રાંતિ માત્ર રાજકીય અર્થમાં હોતી નથી.  હરિત ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, ઔદ્યોગિક ક્રાંતિ આપણે જાણીએ છીએ. આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સના સંદર્ભે ડિજિટલ ક્રાંતિ આવી ચૂકી છે. મૂળ તો આ પરિવર્તન છે. એવું પરિવર્તન જે કાયમી છે, સાંગોપાંગ છે અને પ્રગાઢ છે. 

પરિવર્તન સંસારનો નિયમ છે. ઇન્સ્ટોલમેન્ટમાં થતું પરિવર્તન ક્રાંતિ નથી. ક્રાંતિનું કલેવર કઠણ છે. ભાવનાત્મક રીતે તણાવપૂર્ણ છે. શરૂઆતમાં સૌ કોઈ કહે છે કે... તમે સંપૂર્ણ રીતે નિષ્ફળ છો. ડાયેના એદલજીના જમાનામાં લોકો કહેતા કે

 છોકરીઓની ક્રિકેટ રમવાની વાત જ વાહિયાત છે. પછી મિતાલી રાજના જમાનામાં લોકો કહેવા લાગ્યા કે મહિલા ક્રિકેટ.. હા, ઠીક તો છે પણ તેઓ સફળ થાય અને રમત લોકપ્રિય થાય, એવી કોઈ શક્યતા નથી. ક્રિકેટ મૂળમાં મર્દાની ખેલ છે. હવે આજે હરમન પ્રીતનો જમાનો છે. વર્લ્ડ કપ જીત્યા બાદ હવે સૌ કોઈ કહે છે કે હું તો પહેલેથી જ કહેતો હતો કે મહિલા ક્રિકેટ સફળ ચોક્કસ થશે. કોઈ પણ ક્રાંતિ એક વાર થઇ જાય એટલે સૌ કહે કે યૂ સી, આઈ વોઝ ટેલિંગ રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ. લોકમાન્યતા બેઠક વગરના લોટા જેવી હોય છે. 

શબ્દ શેષ 

'સાર્વભૌમિક છળકપટની આ દુનિયામાં સત્ય કહેવું, એ પણ એક રીવુલ્યુશન જ છે.'

- જ્યોર્જ ઓર્વેલ ૧૯૮૪