Get The App

સાઈડ હગ : અમે બે ભિલ્લુ આવ્યા...

Updated: Feb 11th, 2020

GS TEAM

Google News
Google News
સાઈડ હગ : અમે બે ભિલ્લુ આવ્યા... 1 - image

શબ્દસંહિતા - પરેશ વ્યાસ

ગુજરાતમાં તો આજનો દિવસ 'હગ ડે' નહીં પણ 'વહાલ કરવાનો દિવસ' કહેવાવો જોઈએ. એનો અર્થ એ કે અર્થનો અનર્થ ન થવો જોઈએ

અમે પાગલ, અમારે ભેદ શો ચેતન-અચેતનમાં,
પ્રતિમા હો કે હો પડછાયો હું આલિંગન કરી લઉં છું.
- અકબરઅલી જસદણવાલા

વેલન્ટાઈન્સ વીકમાં આજે હગ ડે છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર ઇંગ્લિશ શબ્દ 'હગ' એટલે જોરથી ભેટવું, છાતીસરસું ચાંપવું, પગથી ઇ.ની પાસે રહેવું, -ને વળગવું, ગાઢ આલિંગન, બાથ ભરવી, (કુસ્તીની) મજબૂત પકડ, પકડી રાખવું, દબાવવું, (જમીન, કાંઠો ઇ.ની) નજીક રાખવું, ભેટ. હગ એ બોલ્યા વિના કરાતો લાગણીનો વ્યવહાર છે.  સંસ્કૃતિ, સંદર્ભ અને સંબંધ અનુસાર હગ એ સુપરિચિતતા, પ્રેમ, મમતા, મિત્રતા, ભાઈચારો (બહેનચારો પણ) કે પછી હમદર્દી દર્શાવે છે.

હગ એ 'કિસ' ઉર્ફે ચુંબન સાથે સંલગ્ન શારીરિક ચેષ્ટા ગણી શકાય. જો કે ચુંબન એ આલિંગનનું અનિવાર્ય અંગ નથી. હગ માટે લઘુત્તમ બે વ્યક્તિઓની આવશ્યકતા હોય છે. બેથી વધુ વ્યક્તિ હોય તો એ સામૂહિક વળગવાને 'ગૃપ હગ' કહેવાય છે.  ઘણાંને વળગવાનું વળગણ હોય છે! હગ હગનાં પ્રકાર હોય છે. 'બેર હગ' એટલે બાહોપાશમાં જકડીને કરવામાં આવતું આલિંગન. ગાઢ પ્રેમ દર્શાવે.

 માતા પિતા બાળકોને કરે અને બોલ્યા વિના કહી દે કે ચિંતા ના કરીશ, મૈં હૂં ના !  બીજો પ્રકાર એટલે 'વનવે હગ' એટલે એમ કે એક વ્યક્તિ પોતાનાં બે હાથે બથ ભરે અને બીજી વ્યક્તિ નિષ્ક્રિય રહીને એની છાતીમાં ટેકો કરે. એ પોતે સામે ભેટવાની કોશિશ ન કરે. અબ સોંપ દિયા ઇસ જીવનકા હર ભાર તુમ્હારે હાથોમેં !  ત્રીજો પ્રકાર 'બેક હગ' એટલે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને પાછળથી ભેટી પડે. ભેટતા ભેટતા મોઢું આગળ કરીને આગળની વ્યક્તિને ચૂમી ય શકે. એનો અર્થ થાય કે તમે એને માત્ર પ્રેમ જ નથી કરતા પણ કોઈ પણ સંજોગોમાં તમે એની સુરક્ષા પણ કરશો, એની તમે ગેરંટી વોરંટી આપો છો. ચોથો પ્રકાર છે 'ઇન્ટીમેટ હગ' તમે જેને સાંગોપાંગ આલિંગન કહી શકો. પ્રેમમાં ડૂબી ગયેલા લોકો કરે તે. ભેટવું અને આંખો આંખોમે બાત પણ કરતા રહેવું- આવા હગનું લક્ષણ હોય છે. પણ આજે જેની વાત કરવી છે એ છે 'સાઈડ હગ' જે પોલાઈટ હગ (નમ્ર આલિંગન)નો પ્રકાર છે.

કેટલાંક એને બડી હગ (મિત્રોનું ભેટવું) પણ કહે છે. અહીં માત્ર મિત્રતા છે. આગળ કશું નથી. બે વ્યક્તિ જે પરિચિત છે. એકબીજાને ખભે હાથ મુકે અને જાણે કે  ફોટો પડાવતા હોય એ રીતે ઊભા હોય, એને કહેવાય સાઈડ-હગ. અમે બે ભિલ્લુ આવ્યા.. ભેરુ, રમતનો સાથી, મિત્ર, ગોઠિયો, જોડિયો જે કરે એ સાઈડ હગ. આજે એટલે પણ પ્રસ્તુત છે કે 'સાઈડ હગદને ઓક્સફોર્ડ ડિક્સનરીમાં તાજેતરમાં જ શામેલ કરવામાં આવ્યો છે. આ પહેલાં આ શબ્દ જ નહોતો. લો બોલો! એટલીસ્ટ આ અર્થમાં નહોતો.

ઓગણીસમી સદીમાં 'સાઈડ હગ' શબ્દ એ કુસ્તીમાં વપરાતો એક દાવ હતો, જેમાં બે કુસ્તીબાજો એકબીજાને બાજુમાંથી જકડી લેય. હવે આ શબ્દનો અર્થ બાજુ બાજુનાં આલિંગન માટે ડિક્સનરીમાં ઉમેરાયો છે. અન્ય હગ જો નોન-વેજ ગણાતા હોય તો આ સાઈડ હગ એ વેજ હગ છે! એક શાકાહારી આલિંગન. આલિંગન ય શાકાહારી હોય ? યસ, યસ...આપણી સંસ્કૃતિમાં એ સ્વીકાર્ય ગણી શકાય કારણ કે એમાં છાતી સરસું નથી. એમાં છાતી નીચેનાં અન્ય કોઈ શારીરિક ભાગ પણ ભેગા કરવાનાં નથી.

સાઈડ હગ એ દર્શાવે છે કે બે વચ્ચે  લાગણી છે પણ શારીરિક માંગણી નથી. અત્યારે તો નથી. દરેક હગમાં અલબત્ત ગળે મળવાની વાત તો છે જ. ગળે પડવું એવો અર્થ જો કે નથી. આજે તો નથી. પછીની વાત ખબર નથી. 'મળવા'માંથી 'પડવું'  થાય તો થાય. પણ આજે મળી લેવું. કમર બદાયુની સાહેબે કહ્યુંદતું તેમ..  રસ્મે દુનિયા ભી હૈ, મૌકા ભી હૈ, દસ્તૂર ભી હૈ..પસી કાંઈ વહવહો નો રઈ જાવો જોઈએ. હેં ને?

હગ શબ્દનાં મૂળ વિષે બે માન્યતાઓ છે. એક પૂર્વ જર્મનિક (ઓલ્ડ નોર્સ) શબ્દ હુગ્ગા એટલે કમ્ફર્ટ એટલે કે હૃદયથી સ્વીકાર કરવો, આત્મસાન કરવું, -ની ઉપર હેત દેખાડવું, મમતાથી સારસંભાળ રાખવી, પ્રિય માની હૃદયમાં સંઘરવું, -ને વળગી રહેવું, જીવંત રાખવી, માવજત કરવી, હિફાજત કરવી, જાળવણી કરવી, વહાલું ગણવું, પુષ્ટિ કે બઢતી આપવી વગેરે. બીજું મૂળ જર્મન ભાષાનો શબ્દ 'હેગન' હોઈ શકે. જેનો સમાનાર્થી ઇંગ્લિશ શબ્દ 'ફોસ્ટર' એટલે કે લોહીને નાતે નહિ પણ ઉછેર કે સંવર્ધન કરવાને લીધે વિશિષ્ટ સંબંધવાળું અથવા તો 'ચેરિશ' એટલે હૃદયથી સ્વીકાર કરવો, આત્મસાન કરવું, -ની ઉપર હેત દેખાડવું, મમતાથી સારસંભાળ રાખવી, પ્રિય માની હૃદયમાં સંઘરવું, -ને વળગી રહેવું, વહાલું ગણવું, પુષ્ટિ કરવી એવો અર્થ થાય. ટૂંકમાં હગ કરવાની ઈચ્છા થાય તો હગી લેવું! હેં ને?

હગ એટલે વહાલ કરવું. કેવો સરસ આપણો પોતીકો ગુજરાતી શબ્દ ! પણ ઇંગ્લિશ બહાવરી ગુજરાતી માતા પોતાનાં બાળકને 'ચાલ બેટા, હગી કરી લે'- એવું કહે ત્યારે અમને ગુજરાતી શબ્દ 'હગ'નો અર્થ યાદ આવી જાય છે. ભગવદ્ગોમંડલ અનુસાર એનો અર્થ થાય છે ઝાડેફરાણુંત દિશાએ જવાની હાજતવાળું. ઓહ! ગુજરાતમાં તો આજનો દિવસ 'હગ ડે' નહીં પણ 'વહાલ કરવાનો દિવસ' કહેવાવો જોઈએ. એનો અર્થ એ કે અર્થનો અનર્થ ન થવો જોઈએ. અમે આપણી ભારતીય સંસ્કૃતિનાં સંવાહક છીએ.

એ વાત જુદી છે કે વેલેન્ટાઈન્સ ડેની ઉજવણીમાં સંસ્કૃતિનાં ઠેકેદાર ભક્તો બાધારૂપ થતા હોય છે. એમની વાત એમને મન સાચી હોય પણ એ માન્યતા જબરજસ્તીથી અન્ય ઉપર થોપવી ઠીક ન જ હોઈ શકે. એની પરિપેક્ષમાં, મને લાગે છે કે સાઈડ હગ કોઈ પણ રીતે સ્વીકાર્ય ભેટણું છે. જો કે એ જે હોય તે, પણ ભેટવું ત્યારે સામી વ્યક્તિને પૂછીને ભેટવું. એમ પૂછીને થાય નહીં પ્રેમ-વાળી વાત કવિતામાં સારી લાગે. પ્રેમ હોય કે દોસ્તી, જબરજસ્તી ક્યાંય સારી નહીં. હેં ને?

શબ્દ શેષ
''કેટલીક વાર હગ એ જવાબ હોય છે જ્યારે આપણને ખબર નથી હોતી કે સવાલ શું છે..''
- અજ્ઞાત

Tags :