Get The App

સબ્લાઈમ : ઉત્કૃષ્ટ .

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
સબ્લાઈમ : ઉત્કૃષ્ટ                              . 1 - image

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- એવું કાંઈ પણ જે મનને ઉન્નત કરે, એ સબ્લાઇમ છે. તત્ત્વ, અંતરિક્ષ, શક્તિ, સદ્ગુણ અથવા સુંદરતા સબ્લાઇમ છે

तू शाहीन हैं परवाज है काम तेरा तिरे सामने आसमां और भी हैं

- अल्लामा इकबाल

(शाहीन=बाज,परवाज=उडान)

ક્રિ કેટ આપણો ધર્મ છે. વર્લ્ડ કપ ટુર્નામેન્ટ આપણો તહેવાર છે. એમાં ય ટી-૨૦ ક્રિકેટની તાસીર સાવ નોખી જ છે. અહીં 'કરો યા મરો' કરતા 'મારો યા મરો' વધારે હોય છે! અમને કોલકતા ઈડન ગાર્ડનની વર્ચ્યુઅલ કવાર્ટર ફાઇનલ મેચમાં સંજુ સેમસનનાં અણનમ ૯૭ રન્સની બેટિંગ યાદ રહી ગઈ છે. વ્હોટ અ મેચ! આપણે બોલિંગ કરતા હતા ત્યારે કેટલાં તો કેચ છૂટયાં. અધૂરામાં પૂરું બેટિંગ આવી ત્યારે પાવર પ્લેમાં બે વિકેટ્સ પડી ગઈ. પણ સંજુ ટકી રહ્યો. ૨૬ બોલમાં ૫૦ રન પછી પણ કોઈ સેલીબ્રેશન નહીં કારણ કે કામ તો હજી બાકી હતું. ખમતીધર ખેલાડીઓ સૂર્યકુમાર અને હાર્દિક પણ ઝાઝું ટક્યા નહોતા. અને જો આ મેચ હાર્યા તો... ઘર ભેગા થવા સિવાય કોઈ છૂટકો જ નહોતો. ખેલ ખરાખરીનો હતો. પણ સાહેબ, સંજુની આ ઇનિંગ ધુરંધર હતી. મેચ પછી અખબારોએ એ બેટિંગને 'સ્પેશિયલ' 'સબ્લાઈમ' વિશેષણથી નવાજી હતી. સ્પેશિયલ એટલે તો ખાસ પણ સબ્લાઈમ (Sublime) એટલે? 

ગુજરાતી લેક્સિકન અનુસાર 'સબ્લાઈમ' એટલે ઊંચું, ઉન્નત, ઉત્કૃષ્ટ, પ્રતાપી, પ્રભાવશાળી, ચડિયાતું, શ્રેષ્ઠ, ભવ્ય, અદ્ભુત, ઉદાત્ત. ન્યૂઝીલેન્ડની લેખિકા ઇલેનોર કાટન લખે છે કે જ્યારે તમે એવું કાંઈ જુઓ જેની સુંદરતા શબ્દોમાં વર્ણવી ન શકાય, તમે સ્તબ્ધ થઇ જાઓ, એ જ સબ્લાઈમ. અને અમારે આ શબ્દને શબ્દો થકી વર્ણવીને ઉકેલવાનો છે. ચાલો, કોશિશ તો કરીએ. સબ્લાઈમ ઇંગ્લિશ ભાષામાં 'સબ' પૂર્વગ ઘણો જાણીતો છે. 'સબ' એટલે નીચેનો અથવા ગૌણ કે ઊતરતી કોટિનો. દા.ત. સબ ઇન્સ્પેક્ટર એટલે ઇન્સ્પેક્ટરથી નીચેનો. 'સબ વે' એટલે નીચેનો રસ્તો. 'સબ સ્ટાન્ડડર્ડ એટલે અપેક્ષિત ગુણવત્તાથી નિમ્ન. 'સબ લેટ' એટલે પેટા ભાડે આપવું તે. તો પછી આજનો આપનો શબ્દ સબ્લાઈમ જે 'સબ'થી શરૂ થાય છે એનો અર્થ ઉત્કૃષ્ટ કઈ રીતે? 'સબ્લાઈમ' શબ્દમાં મૂળ લેટિન શબ્દ છે સબલિમીસ. 'લિમેન' એટલે બારી કે બારણાંની ઉપર મૂકાતો પથ્થર અથવા ભારોટિયો. આપણે જેને લિન્ટલ કહીએ છીએ. પણ અહીં 'સબ'નો અર્થ થાય 'ત્યાં સુધી'. લિન્ટલ સુધી અથવા તો દરવાજાના ઉચ્ચતમ પોઇન્ટ સુધી. પૂર્વગ તરીકે 'સબ' ગતિ બતાવે. નીચે અથવા ઉપર. 'સપોર્ટ' અને 'સજેસ્ટ' બંને ઇંગ્લિશ શબ્દો આપણે બોલીએ છીએ. આ બંને શબ્દોમાં પણ 'સબ' પૂર્વગ છે. સપોર્ટ એટલે નીચેથી ઉપર ટેકો આપવો અને સજેસ્ટ એટલે સૂચન કરીને આગળ લઇ જવું- એવા અર્થ થાય છે. ટૂંકમેં સબ 'સબ' નીચ નહીં હૈ! આજના શબ્દનો 'સબ' ઊચ્ચનો સબ છે. 

સબ્લાઈમ એટલે શ્રેષ્ઠથી પણ કાંઈક વધારે. કશુંક જોઈ, સાંભળી કે અનુભવીને તમે ચકિત થઇ જાઓ, વિસ્મય પણ થાય, ડર પણ લાગે એ સબ્લાઈમ. અફાટ સાગર કે વિશાળ પર્વતમાળા જુઓ ત્યારે થાય તેવી ફીલિંગ. આ શબ્દ 'સુંદરથી પણ કાંઈક વિશેષ' એવો અર્થ લઈને આવે છે. કશુંક એવું ઉન્નત જે હજી પૂર્ણ રૂપથી કળાયું નથી. અને આ ઉત્કૃષ્ટતાની ગુણવત્તા શારીરિક પણ હોઈ શકે, બુદ્ધિમત્તા કે નીતિમત્તા બાબતની પણ હોઈ શકે અથવા આધ્યાત્મિક પણ હોઈ શકે. બહુઆયામી વિદ્વાન જ્હોન રસ્કિન કહી ગયા હતા કે એવું કાંઈ પણ જે મનને ઉન્નત કરે, એ સબ્લાઇમ છે. તત્ત્વ, અંતરિક્ષ, શક્તિ, સદ્ગુણ અથવા સુંદરતા સબ્લાઇમ છે. અત્યારે ભારત દેશમાં ક્રિકેટ સબ્લાઈમ છે. વિશ્વનાં અનેક દેશ મિસાઈલ યુદ્ધમાં ઢસડાયા છે ત્યારે ક્રિકેટ એક માત્ર વૈશ્વિક મુકાબલો છે જે આપણને સબ્લાઇમ હોવાનું ફીલ આપી રહ્યો છે. હા, એ વાત પણ એટલી જ સાચી છે કે હીરોને ઝીરો બનતા વાર નથી લાગતી. શક્ય છે કે આજે જે સબ્લાઇમ છે તે કાલે તદ્દન ઓર્ડિનરી થઇ જાય. આપને નેપોલિયન બોનાપાર્ટનો ઇતિહાસ તો ખ્યાલ હશે જ. પ્રમાણમાં ગૌણ ગણાતા કોશકન રજવાડાનો એ નેતા હતો પણ પોતે જબરો યોદ્ધો હતો. આખું યુરોપ તો એણે જીતી લીધું. પછી સને ૧૮૧૨ના જુન મહિનામાં ૬ લાખ સૈનિકોનાં ગ્રાન્ડ આર્મી સાથે રશિયા પર હુમલો કર્યો. યુદ્ધ તો જીત્યા પણ એના ૭૦ હજાર સૈનિકો માર્યા ગયા. અને પછી નવેમ્બર મહિનો આવ્યો. કાતિલ ઠંડી અને ઉપરથી ખાધા ખોરાકીની તંગી. આખરે નેપોલિયને પારોઠનાં પગલાં ભરવા પડયા. પાછા ફરતા નદી પાર કરવામાં પણ વધારાનાં ૪૦ હજાર સૈનિકો માર્યા ગયા. એણે પાછા ફરીને કહ્યું કે.. સબ્લાઈમ (ઉત્કૃષ્ટ)થી રિડિક્યુલસ (હાસ્યાસ્પદ) વચ્ચે અંતર માત્ર એક ડગલું હોય છે. એનો મતલબ એ કે કાલે જે સબ્લાઈમ હતું, એ આજે છિન્નભિન્ન છે. પણ એ વાત જવા દો. સબ્લાઈમ અનુભવ થવો તો જોઈએ. ભલે પછી આપણે હતા ન હતા થઇ જઈએ. આમ પણ મરવું તો પડશે જ. તો ઉત્કૃષ્ટ અનુભવ લઈને પછી કેમ ન મરીએ? 

આપણી ઈચ્છાઓ અનંત છે પણ વાસ્તવિકતા આપણી હવા કાઢી નાખે છે. અને એમાંથી જન્મે છે હ્યુમર. ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી નીચે પછડાઇએ ત્યારે પેદા થતા હ્યુમરને ઈન્વર્ટેડ સબ્લાઇમ કહે છે. દા.ત. સરોવરની ઊંડાઈ સરેરાશ ત્રણ ફુટ છે એટલે ન ડૂબાય એવું માનીને એક આંકડાશાસ્ત્રી સરોવરમાં કૂદ્યો અને... ડૂબ્યો. અલ્યા, સરેરાશ એટલે ક્યાંક છીછરું હોય તો ક્યાંક ઊંડું ય હોય. અલબર્ટ આઈન્સટાઈને પણ કહ્યું'તું કે મૂર્ખતા અને બુદ્ધતામાં એક જ ફર્ક છે. બુદ્ધતાની એક લિમિટ હોય છે. ઈન્વર્ટેડ સબ્લાઈમ હ્યુમર કહે છે કે સઘળું રમૂજી હોય છે, ત્યાં સુધી જ્યાં સુધી એ બીજા સાથે થાય..! 

શબ્દશેષ

'સુંદરતા, ઉત્કૃષ્ટતા અને અગમ્યતાની લાગણીઓ વિના કોઈ પણ કલા, ધર્મ કે સાહિત્ય સંભવી શકે નહીં.' 

- જ્હોન બરોસ