Get The App

બિન્જ : લાગટ .

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
બિન્જ : લાગટ                                . 1 - image

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- માનસિક સ્ટ્રેસ અનુભવતા હો તો બિન્જ વૉચિંગથી દિમાગમાં ડોપામાઈન ઝરે છે, તમને આનંદ મળે છે

દ્યૌદેવી દીર્ધકાળ મેઘે બન્દી કીધી રે

ઘનકારાગૃહની માંહ્ય પૂરી દિધી રે

-નરસિંહરાવ દિવેટિયા

ક વિતાનું શીર્ષક છે : લાગટ હૅલી ઊઘડતી વખતની રચના. ભગવદ્ગોમંડલ અનુસાર 'દ્યૌદેવી' એટલે આકાશની દેવી. જ્યારે લાગટ વરસાદ આવે ત્યારે આકાશની દેવી બંદી થઈ જાય. કાળા ડિબાંગ વાદળો હોય તો આકાશ દેખાય જ શી રીતે? ગુજરાતી શબ્દ 'લાગટ' એટલે સતત, ચાલુ, લગાતાર. સંસ્કૃતમાં કહે છે કે હ્ય્ેં। શ્નિંીહ્વ્ શ્ન(ીપ્ય।શ્ર. અતિશય અને લાગટ કાંઈ પણ હોય એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો કે સમાચાર છે કે અમેરિકાની જ્યોર્જિયા યુનિવર્સિટીના સંશોધનમાં અનુસાર લાગટ વાંચીએ કે લાગટ ટીવી જોઈએ તો એ આદત ફાયદાકારક છે. લાગટ વાંચતા રહેવું એ બિન્જ રીડિંગ લાગટ ટીવી જોતાં રહેવું એ બિન્જ વૉચિંગ. બિન્જ સાથે જોડાયેલો એક શબ્દ બિન્જ ઈટિંગ પણ છે. લાગટ ખા ખા કરવું તે. અનલિમિટેડ બકાસુર થાળી હોય તો આપણને રાક્ષસ બનતા વાર લાગતી નથી. પણ અમે તો શબ્દની વાત કહીએ છીએ.  

'બિન્જ' (મ્ૈહયી) શબ્દ જૂનો છે. સને ૧૮૪૦ના દાયકામાં 'બિન્જ' એટલે બોળવું, ડૂબાડીને રાખવું. લાકડાના પીપ કે વાસણમાં ક્યાંક તિરાડ જેવું હોય તો અંદર ભરેલું પ્રવાહી લીક થઇ જાય. એટલે એને ઉપયોગમાં લાવતા પહેલાં પાણીમાં લાંબા સમય સુધી ઝબોળી રાખો એ પ્રક્રિયા એટલે બિન્જ. પાણીમાં લાકડું ફૂલે એટલે તિરાડ સંધાઈ જાય. લીકેજ થાય નહીં.. સને ૧૮૫૪માં આ જ શબ્દ એક અલગ અર્થમાં પ્રચલિત થયો. દારૂડિયો લાગટ દારૂ પીએ જાણે કે પોતાનું આખું શરીર એણે દારૂમાં બોળી દીધું.  અહીં બિન્જ એટલે દારૂડિયાએ લાગટ અથાગ દારૂ પીધો તે. ત્યાર પછી વધારે પડતું અને સતત ખાયા કરવાના અર્થમાં 'બિન્જ ઈટિંગ' શબ્દ પ્રચલિત થયો. પછી તો ઇન્ટરનેટનો આવિષ્કાર થયો. ટીવી શૉ ઓટીટી પર આવવા માંડયાં. નેટફ્લિક્સે બિન્જ વૉચિંગ શબ્દ વાઇરલ કર્યો. સને ૨૦૧૪માં નેટફ્લિક્સના એક વ્યૂઅર સર્વેમાં ૭૩% લોકોએ કહ્યું કે બિન્જ વૉચિંગ એટલે એક ટીવી શૉના ૨થી ૬ એપિસોડ્સ એક્કી બેઠકમાં જોઈ નાંખવા તે.  હવે એક જ સમયગાળો કે સત્રમાં કોઈ પણ કામ સતત અને અતિશય થાય તેની સાથે 'બિન્જ' વિશેષણ લાગતું ગયું. પતિ પત્ની મોલમાં ખરીદી અર્થે જાય. પતિનો પ્રેમ અનન્ય. પત્નીનો હાથ છોડે જ નહીં. પણ જો છોડી દે તો જે થાય એ 'બિન્જ સ્પેન્ડિંગ' લાગટ ખર્ચો!

સમાચાર છે કે બિન્જ વૉચિંગ ફાયદાકારક છે. સામાજિક જોડાણ વધે. મિત્રો, સગાંઓ, વહાલાંઓ, સહકાર્યકરો, ઓળખીતાઓ, પારખીતાઓ સાથે વાતો કરવાનો એક કોમન વિષય મળી જાય. 'પંચાયત', 'પાતાલલોક' કે 'ક્રિમિનલ જસ્ટિસ' વિશે ચર્ચા થાય. રોમેંટિક સંબંધ પણ ગાઢ થાય. અહીં 'બ્રોકન બટ બ્યુટીફુલ' કે ઇશ્ક ઈન ધ એર' કે પછી આપણી ગુજરાતી વેબ સિરીઝ 'ડૂ નોટ ડિસ્ટર્બં' જોઈ શકાય. બિન્જ વૉચિંગ માટે પહેલેથી જ પ્લાન કરવામાં આવ્યો હોય, સમય ફાળવવા આવ્યો હોય છે. તમે અને તમારા 'એ' સાથે હમ સાથ સાથ હૈ-નાં કલાકો કાંઈ સમયનો વેડફાટ નથી. આ ઉપરાંત માનસિક સ્ટ્રેસ અનુભવતા હો તો બિન્જ વૉચિંગથી દિમાગમાં ડોપામાઈન ઝરે છે, તમને આનંદ મળે છે, તમે રીલેક્સ થઇ જાઓ છો. સિરીઝ પતે એનો ય એક આનંદ છે. તમે કાંઈ જોઈ નાંખ્યું-નો આનંદ! આજકાલ ઘરમાં જ કસરત કરવાના સાધનો હોય છે. ઘણાં બિન્જ વૉચ અને જીમ સાથે કરે છે. એક સાથે ઘણાં એપિસોડ જોઈ નાખો ત્યારે વાર્તાનું સાતત્ય મનમાં જળવાઈ રહે છે. ઘણાં પાત્રો હોય તો દરેકની પૃષ્ઠભૂમિ પણ યાદ રહે છે. પેલો પેલીને પ્રેમ કરે તેમાં પેલાને વાંધો. આ પેલો તે પેલો નહીં, આ પેલો તે પેલીનો બાપ! પણ બિન્જ વૉચિંગમાં બધા પેલાં અને બધી પેલી તમને યાદ રહે છે કારણ કે તમે લાગટ જોઈ રહ્યા છો. અઠવાડિયા પછી જુઓ તો પાત્રને સમજવાની આપણી પાત્રતા મંદ પડી જાય. સાંસ ભી કભી બહૂ થી, ઉપરાંત વોહ બેટી ભી થી, ભાભી ભી થી, દેવરાની અને જેઠાની  ભી થી.. બિન્જ વૉચમાં આપણને તુલસીની સઘળી કોમ્પ્લેક્સ રીલેશનશિપ સમજાઈ જાય છે. ઇતિહાસકાર દારિયસ વાન ગટનર માને છે બિન્જિંગ એટલે કે અટક્યા વિનાની લાગટ આસક્તિ કાંઈ નવી વાત નથી. માનવ માત્રની આ એક સહજ ઈચ્છા છે કે વાર્તામા લાગટ ડૂબી જવું. ટીવી નહોતા ત્યારે પણ બિન્જ વૉચિંગ તો થતું જ હતું. કથાકાર કથા કહેતા અને લોકો એનું શ્રવણ કરતા. તમે વિચારો કે કોઈ કથાકાર એમ કહે કે હું દર અઠવાડિયે માત્ર અડધો કલાક રામકથા કહીશ તો? કથાકારને રામ રામ કહી દેવું પડે. અમે કાંઈ નવરાં નથી બાપ! 

કોઈ પણ સારી વાતની નરસી બાજુ પણ હોય જ છે. બિન્જ વૉચમાં આપણું કામ બાજુ ઉપર રહી જાય, જીવન બેઠાડું થઈ જાય. ખા ખા કરાય. ઉજાગરાં થાય.  માનસિક તાણ અનુભવાય. કોઈ ગમતી વેબ સિરીઝ પૂરી થાય તો એની શોકસભા કરવી પડે. વધારે ને વધારે બિન્જ વાચ કરવાની તલપ લાગે.  આ તો દારૂડિયા જેવું છે. પહેલાં એક બિન્જ વાચમાં મઝા પડતી હતી.  હવે પખવાડિયે- લે ને ભૈ દસ બાર- કરીએ છીએ પણ મઝા આવતી નથી. 

મને બિન્જ વૉચિંગ ગમે છે. કારણ કે મને રોજ નવું નવું કશું જ મઝાનું થતું રહે- એવું ગમે છે. હું વાર્તામાં ઓતપ્રોત થઇ જાઉં- એવું મને ગમે છે. એમાં ય કોઈ જોડીદાર હોય તો સત્સંગવાળી ફીલ આવે છે. મને આનંદ પણ થોકબંધ જોઈએ છીએ. અને દરેક એપિસોડ એટલો રસપ્રદ હોય કે બીજો એપિસોડ તો અનુભવવો જ પડે. મારું જીવન એ જ મારું બિન્જ વૉચિંગ!

શબ્દશેષ

'જો કાંઈ કરવા જેવું હોય તો એ વધારે પડતું કરવું. સંયમનથી જીવવું એ કાયરનું કામ છે.' 

- શેઇન પેટન