Get The App

રેજ બેઇટ : ક્રોધ ભડકાવવાનો પેંતરો

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
રેજ બેઇટ : ક્રોધ ભડકાવવાનો પેંતરો 1 - image

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- ઇન્ટરનેટને પણ આવી જ વાતમાં રસ પડે કે જેમાં ઘણાં બધા લોકોને રસ પડે. એની અને આવા નેગેટિવ કન્ટેન્ટ કરનારની કમાણી વધે. વર મરો કે કન્યા મરો પણ ઇન્ટરનેટનું તરભાણું ભરો. 

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, 

તેને ત્યજી દેજે.

પરાઈ મૂર્ખતા કાજે મુખે 

ના ઝેર તું લેજે !

- બાલાશંકર કંથારીયા 

વ ડ ર્ ઓફ ધ યર-૨૦૨૫ માટે ઓક્સફોર્ડ ડિક્સનરીએ ત્રણ શબ્દોને શોર્ટ લિસ્ટ કર્યા હતા. ઓરા ફાર્મિંગ  (Aura Farming), બાયોહેક (Biohack)  અને રેજ બેઇટ (Rage Bait). વર્ષ દરમ્યાન લોકોના બોલચાલ કે સંદેશાવ્યવહારમાં જે શબ્દ વધારે ચલણમાં રહ્યો હોય, આખા વર્ષનાં મૂડને જે શબ્દ બખૂબી બયાન કરે, એ વર્ષનો સરતાજ શબ્દ બને. પહેલાં બે શબ્દો પોઝિટિવ છે. ત્રીજો શબ્દ નેગેટિવ છે. હું એવું કાંઈ કરું કે એ જોઈને સૌને લાગે કે હું કૂલ (શાનદાર) છું, મારામાં આત્મવિશ્વાસ ભર્યો પડયો છે, એ 'ઓરા ફાર્મિંગ'. 'બાયોહેક' એટલે મારી જીવનશૈલીમાં આયોજનબદ્ધ સુધાર, મારી માનસિક કાર્યક્ષમતા અને મારું શારીરિક સ્વાસ્થ્ય સર્વાંગ ઉત્કૃષ્ટ રહે એવા પ્રયત્નો. હું તો ભગવાનને પ્રાર્થના કરતો હતો કે આ બે પોઝિટિવ શબ્દો પૈકી એક શબ્દ વર્ડ ઓફ ધ યર બને. ઈન ફેક્ટ, બાયોહેક શબ્દની શબ્દસંહિતા રચવાનું મેં શરૂ પણ કરી દીધું હતું. પણ ત્રીજો નેગેટિવ શબ્દ હરીફાઈમાં આગળ નીકળી ગયો. આપણને નેગેટિવિટી ગમતી હોય  છે. મારામારી, ખૂન, બળાત્કાર, ચોરી, લૂંટફાટ, યુદ્ધના સમાચાર અખબારમાં છપાતા હોય છે. આપણે એવા સમાચાર વાંચીએ છીએ એટલે છપાય છે. આપણો પણ વાંક નથી. આદિમાનવને અનેક બાબતે સાવચેત રહેવું પડતું. ડર હોવો જોઈએ. તો જ જીવ બચે. જોખમનો આગોતરો અણસાર આવે તો બચી શકાય. બેફિકર રહીએ તો રામ બોલો ભાઈ રામ થઇ જાય. એટલે નેગેટિવ જાણકારી આપણને ગમે છે. આજનો શબ્દ આપણા આ જ નેગેટિવિટી બાયસ (નકારાત્મક પૂર્વગ્રહ)નો દુરુપયોગ કરે છે.

ગુજરાતી લેક્સિકન અનુસાર 'રેજ' એટલે પ્રચંડ ક્રોધ, ક્રોધાવેશ, પ્રકોપ, મગજ ભમવું, ગાંડુતૂર થવું, લવારો કરવો, તપી જવું, કેર વર્તાવવો. અને 'બેઇટ' એટલે છટકું ગોઠવવું, ગલે ભક્ષ્ય ભેરવવું, પાંજરામાં ખાજ મૂકવું, શિકારને લલચાવવા મુકાતું  ખાજ, પ્રલોભન. અત્યારે ગણતરીપૂર્વક નકારાત્મક વાતો અપલોડ કરીને આપણને ગુસ્સો આવે, એવું છટકું ગોઠવવાની પેરવી થઇ રહી છે. 'અપલોડ' શબ્દ નો અર્થ આજનાં ઇન્ટરનેટના યુગમાં આપણે જાણીએ જ છીએ. હું દાખલો આપું. વિશ્વવિજેતા મહિલા ક્રિકેટ ટીમની એક ખેલાડી જેમિમા રોડ્રિક્સની શાનદાર સદીની બદૌલત ટૂર્નામેન્ટમાં એ સમય સુધી અજેય રહેલી ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલ આપણે જીત્યા હતા. પ્લેયર ઓફ ધ મેચ જેમિમાએ સદી કર્યા બાદ પણ સેલિબ્રેશન કર્યું નહોતું કારણ કે જીતવાનું હજી બાકી હતું. એ અત્યંત થાકી ગઈ હતી. એની વિક્ટરી સ્પીચમાં એણે કહ્યું કે હું મારી જાતે આ કરી શકી નથી. જીસસ ક્રાઇસ્ટે મને તેડી લીધી અંત સુધી અને મને જીતાડી. પછી સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં જેમિમા કેચ છોડયા અને માત્ર ૨૩ રનમાં આઉટ થઇ ગઈ. ઇન્ટરનેટ પર એવી કોમેન્ટ આવી કે આજે જીસસે મદદ ન કરી? બીજાએ લખ્યું કે રવિવાર હોવાથી જીસસ રજા પર હતા. આ રેજ બેઈટ છે. ગુસ્સો આવે. દેશની દીકરી છે. એનો ધર્મ કોઈ પણ હોય. લોકોએ આ કોમેન્ટની વિરુદ્ધ અને તરફેણમાં અનેક કોમેન્ટ કરી. વિવાદ થયો. ઇન્ટરનેટને પણ આવી જ વાતમાં રસ પડે કે જેમાં ઘણાં બધા લોકોને રસ પડે. એની અને આવા નેગેટિવ કન્ટેન્ટ કરનારની કમાણી વધે. વર મરો કે કન્યા મરો પણ ઇન્ટરનેટનું તરભાણું ભરો. લોકોને ગુસ્સો કરાવો અને પૈસા કમાઓ. આ એટેન્શન ઈકોનોમી(Attention Economy) છે. 'એટેન્શન' એટલે ધ્યાન દેવું. ઈન્ટરનેટ પાસે અઢકળ માહિતી છે. એનો તો એ ધંધો છે. આપણે ઘરાક છીએ. સૌ પોતાનો માલ પોરવી દેવાની પેરવીમાં છે. જો આપણું ધ્યાન એની પર જાય તો આપણે ખરીદીએ. એને જાહેરાતના પૈસા મળે અને ડેટા પણ મળે, જે એ વેચી શકે. 

જાણી બુઝીને એવી નેગેટિવ કોમેન્ટ થાય કે આપણને ગુસ્સો આવે જ આવે. આપણી લાગણી સાથે ખિલવાડ થઇ રહ્યો છે. આપણે ભોળા છીએ. આ છટકાંમાં ભેરવાઈ જઈએ છીએ. આજનાં શબ્દનો કઝિન શબ્દ છે ક્લિક બેઇટ(Click Bait). . દા. ત. ઇન્ટરનેટ પર કોઈ સમાચારમાં એવું શીર્ષક આવે કે 'એક જાણીતા કથાકારનું સત્ય?' અને તમે એ કથાકારનાં અંગત જીવન વિષે અનેક વસ્તુઓ ધારી લો. પણ પછી 'ક્લિક' કરો તો..... લખ્યું હોય કે તેઓ કથા કરતા હતા તે પહેલાં શિક્ષક હતા. આ તો તમે ક્લિક કરો એવું છટકું હતું.  આપણે ઉલ્લુ બની ગયા. એને પૈસા મળી ગયા. પણ અહીં કથાકારના અંગત જીવન વિશે જાણવાની આપણી જિજ્ઞાસા હતી. હવે આજે જિજ્ઞાસાનું સ્થાન ગુસ્સાએ લઇ લીધું છે. કારણ કે ઇન્ટરનેટ જાણી ગયું કે ટ્રાફિક વધારવો હોય તો લોકોને ગુસ્સો લેવડાવવો જોઈએ. નેગેટિવ લાગણીઓ આપણે રેલાવીએ એવી કોશિશ કરવાનું આ ષડયંત્ર છે. અને આપણે મોબાઈલ ફોનના હેવાયાં છીએ. ઓક્સફોર્ડ ડિક્સનરી અનુસાર રેજ બેઇટ શબ્દનો ઉપયોગ ચાલુ વર્ષે ત્રણ ગણો વધી ગયો છે. યે ગુસ્સા ઇતના હસીન નહીં હૈ, તો પ્યાર કૈસા હોગા?- પ્રશ્ન અસ્થાને છે. 

શું કરવું? ગુસ્સો નહીં કરવો! પણ કોઈ સન્મુખ નથી. સઘળું વર્ચ્યુઅલ છે. એટલે નબળાં માણસને પણ ગુસ્સો કરવો પોષાય છે. કમજોર ઔર ગુસ્સા બહોત! મનનો ઊભરો કાઢવા માટે તક મળે પણ... આપણે લાઇક, કોમેન્ટ કે ફોરવર્ડ ન જ કરવું. પ્રતિક્રિયા ન આપવી બ્લોક કે મ્યુટ કરી દેવું. લેપટોપ, ટેબલેટ કે મોબાઈલ ફોનનાં સ્ક્રીનનો કામચલાઉ ત્યાગ કરી દેવો. જો કહેવું જ હોય તો કહેવું કે મને ખબર છે કે આ રેજ બેઇટ છે. હું સમજી ગયો છું. તમારી જાળમાં હું ફસાવાનો નથી. 

શબ્દ શેષ

'જે તમને ગુસ્સો કરાવે છે, 

એ તમને હરાવે છે.' 

- એલિઝાબેથ કેની