સ્નેએક ઓઇલ સેલ્સમેન : સપનોકા સોદાગર
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- લોકોને સાગમટે બેવકૂફ બનાવનારી કોઈ પણ વ્યક્તિ માટે આ શબ્દો ઇંગ્લિશ ભાષામાં ઉપયોગમાં લેવાય છે
गलत थे वादे मगर
मैं यकीन रखाता था
वो शख्स लहजा बडा
दलि-नशीन रखाता था
- मोहसिन भोपाली
આ જકાલ ૩૩ વર્ષીય ઝોહરાન મમદાની ચર્ચા-એ-આમ છે. ન્યૂયોર્ક શહેરના મેયરપદની ચૂંટણીમાં ડેમોક્રેેટિક પાર્ટીનાં તેઓ અધિકૃત ઉમેદવાર છે. યુગાંડામાં જન્મ અને સને ૨૦૧૮માં તેઓ અમેરિકાના નાગરિક બન્યા. માતા મીરા નાયર ફિલ્મમેકર અને પિતા મહમૂદ મામદાની પ્રોફેસર છે. તેઓ મૂળે ભારતીય છે. ભારતનાં લોક અમેરિકા જાય છે કારણ કે ત્યાં પૈસો છે. મહેનત કરો અને કમાઓ. કર્મણ્યે વાધિકારસ્તે, ફલ અધિકારસ્તે નિશ્ચયેન. કર્મ પર અધિકાર અને ફળ પર તો નિશ્ચય અધિકાર! ખાઓ, પીઓ અને જલસા કરો. હવે આ મૂડીવાદી દેશના સૌથી મોટા શહેર ન્યૂયોર્કમાં અપને ઝોહરાનભાઈ મફત બસ સેવા, આવાસ યોજના, ભાડા નિયંત્રણ કાયદો અને વાજબી ભાવની દુકાનની વાત કરે છે. અમને લાગે છે હવે તેઓ મફત વીજળી, મફત પાણી અને મહોલ્લા ક્લિનિકની વાત પણ કરશે. 'અફોર્ડ' એટલે પરવડવું. શહેરમાં રહેવું સૌને પોષાવું જોઈએ, ટકી રહેવા પૈસા તો હોવા જોઈએ. સુખસુવિધા હોવી જોઈએ. વાત સાચી છે. સમાજવાદનો આઇડિયા સેક્સી છે, ચૂંટણી જીતાડી દે, એમ પણ બને. જો કે ભારતમાં તેઓને જોઈને કોઈ એય-મેરા-ઝોહરાન-ઝબીં (ઓ મારા તેજસ્વી કપાળધારી) ગીત ગાતું નથી. કારણ કે તેઓની તાસીર ભારતવિરોધી છે. તેઓનો પાકિસ્તાન પ્રેમ બેફામ છે. કોંગ્રેસી અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે જ્યારે ઝોહરાન બોલે છે ત્યારે પાકિસ્તાનનાં પીઆરઓ (પ્રચાર પ્રસાર કરનારાઓ) રજા પર જઈ શકે છે. ટ્રમ્પ તો ઝોહરાનને ગાંડો સામ્યવાદી માણસ કહે છે. અમેરિકામાં રીપબ્લિકન જ નહીં પણ પોતાની ડેમોેક્રેટિક પાર્ટીમાં પણ એનાં ટીકાકાર છે. ડેમાક્રેેટિક પાર્ટીની ટિકિટ પર ચૂંટાયેલા ન્યૂયોર્કના પ્રવર્તમાન મેયર એરિક આદમ કહે છે ઝોહરાનનાં ચૂંટણી વાયદાઓ અવાસ્તવિક છે. 'ઈન્ડિયા ટૂડે'નાં સમાચારનું શીર્ષક છે : 'સ્નેએક ઓઇલ સેલ્સમેન ટૂ ૧૦૦% કમ્યુનિસ્ટ : વ્હાય મમદાની ઈઝ ફેસિંગ બેકલેશ ત્સુનામી'. 'બેકલેશ' એટલે તીવ્ર નકારાત્મક પ્રક્રિયા. 'કમ્યુનિસ્ટ' એટલે સામ્યવાદી એ તો સમજાય છે પણ આ સ્નેએક ઓઇલ સેલ્સમેન (જીહચંી ર્ંૈન જીચનીજસચહ) શું છે?
ભારત મદારીઓનાં દેશ તરીકે ઓળખાય પણ આજના શબ્દસમૂહને ભારત સાથે કે ભારતની સરિસૃપ જીવસૃષ્ટિ સાથે કાંઈ લાગતું વળગતું નથી. સ્નેએક ઓઇલ સેલ્સમેન નિહાયતી અમેરિકન શબ્દસમૂહ છે. એની વ્યુત્પત્તિ અમેરિકન ઇંગ્લિશમાં થઈ છે. દરઅસલ, સાંધાના દુ:ખાવા માટે ચીનની પ્રાચીન ઔષધિ તરીકે જળચર સાપનું તેલ ઉપયોગમાં લેવાતું હતું. એમાં ઓમેગા-૩ ફેટી એસિડ વિપુલ માત્રામાં હતું, જે સ્નાયુ કે સાંધાનાં દર્દ કે બળતરામાં રાહત આપતું હતું. પણ આ સર્પ તો ચીનમાં હતા, અમેરિકામાં નહોતા. અને એટલે ક્લાર્ક સ્ટેન્લી નામક એક ભેજાબાજ કાઉબોયે રેટલ સ્નેએક(ઘુઘરિયા સાપ)નાં તેલની જાહેરાત કરી. સને ૧૮૯૩માં એક મેળાવડામાં સ્ટેજ ઉપર એણે રેટલ સ્નેએકનો કોથળો ખોલ્યો, સર્પને હાથમાં લીધો અને એને ચાકુથી કાપી ઉકળતા પાણીમાં નાંખ્યો. પછી એની ચરબીને હર્બલ લીનીમેન્ટની બરણીમાં નાખી અને એને નામ આપ્યું : ક્લાર્ક સ્ટેન્લીસ સ્નેએક ઓઇલ ટ્રીટમેન્ટ. અમેરિકન લોકો ભોળાં તે ભોળવાઈ ગયા. સ્ટેન્લીએ તો પોતાની આત્મકથા પણ પ્રસિદ્ધ કરી, જેમાં એરિઝોના રણપ્રદેશના હોપિ આદિવાસીઓ પાસેથી કેવી રીતે આ અકસીર ઔષધિની ફોર્મ્યુલા એણે મેળવી, એનો રસપ્રદ ઉલ્લેખ પણ કર્યો. અને પછી એનું સ્નેએક ઓઇલ ધડાધડ વેચાવા માંડયું. લોકો ભેગા થાય ત્યારે પહેલેથી નક્કી થયા અનુસાર કોઈ એક જણ આવીને એવી જાહેરાત કરે કે મેં આ સ્નેએક ઓઇલ લગાડયું અને મારા સાંધાનો દુ:ખાવો ગાયબ થઈ ગયો. દેખાદેખીમાં લોકો ખરીદે અને પછી પાછળથી જ્યારે ખબર પડે કે તેઓ છેતરાયા છે, ત્યાં તો એ વેચનારા ગાયબ થઈ ગયા હોય. આપણે જાણીએ છીએ કે દવાની અસર ઘણી વાર માનસિક હોય છે. સ્નેએક ઓઇલની સારવારથી કોઈને ફેર પડયો. પણ ઘણાંને દુ:ખાવામાં રાહત મળી નહીં. આખરે અનેક ફરિયાદ પછી પચ્ચીસ વર્ષે સરકારી તપાસ થઈ તો ખબર પડી કે સ્ટેન્લીનાં સ્નેએક ઓઇલમાં માત્ર ખનીજ તેલ, લાલ મરી, પશુની ચરબી અને ટર્પેન્ટાઈન જ હતું, રેટલ સ્નેએક તેલનું તો નામોનિશાન નહોતું. સ્ટેન્લી ઉપર મિસબ્રાન્ડિંગનો કેસ થયો અને એને ૨૦ ડોલરનો દંડ થયો. આ ઘટના પરથી 'સ્નેએક ઓઇલ સેલ્સમન' મુહાવરો ઇંગ્લિશ ભાષામાં આવ્યો. એવી કોઈ વ્યક્તિ જે ભ્રામક જાહેરાત કરે, ખોટા વાયદા કરે તેમજ એવી નિમ્ન સ્તરની વસ્તુ વેચે કે જે ખરીદીને ઉપયોગ કરવાથી લોકોને કોઈ ફાયદો થાય નહીં, સમૂળગાનું નુકસાન થાય, એ સ્નેએક ઓઇલ સેલ્સમેન કહેવાય. સ્નેએક ઓઇલ સેલ્સમેન શબ્દો માત્ર ઊંટવૈદ્ય કે દવાના નામે કાંઈ પણ આગડમ બગડમ વેચનારા પૂરતા મર્યાદિત નથી. મોટી મોટી વાતો કરી, હસીન મુસ્તકબિલની ગેરંટી આપીને, લોકોને સાગમટે બેવકૂફ બનાવનારી કોઈ પણ વ્યક્તિ માટે આ શબ્દો ઇંગ્લિશ ભાષામાં ઉપયોગમાં લેવાય છે. અને ચૂંટણી આવે ત્યારે વાયદાની વણઝાર વરસાવનાર સેલ્સમેન કોણ હોય છે, એ તો આપણે જાણીએ જ છીએ!
બાઈ-ધ-વે, અમેરિકન અભિનેત્રી શર્લી મેકલીન કહેતી કે એવા પુરુષનાં વાયદા પર ક્યારેય વિશ્વાસ ન કરવો જે કાં તો પ્રેમમાં હોય અથવા પીધેલો હોય અથવા તો ચૂંટણી લડતો હોય! હું ખાતરી આપું કે ભવિષ્યમાં તમારા માટે હું આવું આવું કરીશ તો મને મિત્રો અને ટેકેદારો તો મળી જશે પણ જ્યારે વાયદો આપ્યો હોય એવા કોઈ કામ હું ન કરું અથવા કરી નહીં શકું, તો તમે મારા દુશ્મન થઈ જશો. ઝોહરાનભાઈ સૌને સમાજવાદી સપનાં દેખાડે છે. મેયરપદું જીતી જાય તો નવાઈ નથી. પણ અમેરિકાનું ગોત્ર મૂડીવાદ છે. આ જ સંદર્ભમાં આવતા અઠવાડિયે આ ચર્ચા આગળ વધારીશું એક નવા શબ્દ સાથે.
શબ્દ શેષ :
'જો તમે સફળ થવા ઇચ્છતા હો તો દુનિયા ભરનાં વાયદા કરો પણ પછી કશું ય કરવું નહીં.'
- નેપોલિયન બોનાપાર્ટ