- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- આપણે ઇન્કાર નથી કરતા. કરી નથી શકતા. કોઈને નારાજ નથી કરી શકતા. ઇન્કાર કરો તો ખોટી લમણાંઝીંક થાય. આપણને અજાતશત્રુ બનવાના અભરખાં છે.
खामोशी अच्छी नहीं
इंकार होना चाहिए
ये तमाशा अब सर-ए-बाजार
होना चाहिए
- जफर इकबाल
વ રિષ્ઠ પાકિસ્તાની શાયર ઝફર ઇકબાલ કહે છે ચૂપ રહેવું સારી વાત નથી. (ન ગમે તો) ના પાડવી દેવી જોઈએ. પાકિસ્તાન આતંકવાદને પોષે, નિર્દોષ ભારતીયોને મારે અને આપણે -ઝેર તો પીધાં જાણી જાણી- કરતા રહીએ. આપણે ખામોશ રહીએ કે ભૂલી જઈએ. ક્યાં સુધી? કબ તક આખિર, આખિર કબ તક? જ્યાં જયાં પાકિસ્તાન મળે ત્યાં ત્યાં આપણે હાથ મેળવવાની ના પાડવી જ રહી. ક્રિકેટમાં આપણે એમ જ કર્યું. દુબઈમાં રમાયેલી એશિયા કપ ફાઇનલ. આપણે જીત્યા. ટ્રોફી મળવી જોઈએ. પાકિસ્તાનના મંત્રી અને એશિયા ક્રિકેટ કાઉન્સિલના વડા મોહસિન નકવીએ નક્કી કર્યું કે ટ્રોફી તો હું જ દઈશ. ભારતીય ટીમે ઇન્કાર કર્યો. આપણો ઇન્કાર પણ સર-એ-સ્ટેડિયમ હોવો જોઈએ. હેં ને? પણ નકવીએ નાગડદાઈ કરી. જો મારે હસ્તે નહીં તો કોઈને અન્યના હસ્તે પણ નહીં. ટ્રોફી લઈને એ હોટલમાં ભાગી ગયો. લો બોલો! અને અમને શબ્દ મળ્યો રીફ્યુઝ (Refuse).
એક ક્રિયાપદ તરીકે રીફ્યુઝનો અર્થ થાય : લેવાની કે આપવાની ના પાડવી, અસંમતિ દર્શાવવી, વિનંતી અમાન્ય કરવી, કોઈ વસ્તુ લેવા કે સ્વીકારવાની અથવા ચીંધેલું કામ કરવાની ના પાડવી તે. એક સંજ્ઞા તરીકે આ શબ્દની જોડણી એ જ રહે, માત્ર ઉચ્ચાર 'રેફ્યુઝ' થાય અને એનો અર્થ થાય ફેંકી દીધેલો કચરો, મળ, એંઠવાડ, નિર્માલ્ય વસ્તુ. એશિયા કપના સમાચારમાં આ શબ્દ ક્રિયાપદ તરીકે વપરાયો. પણ મને લાગે છે કે આપણે એના હાથે ટ્રોફી લેવાનો ઇન્કાર કરીને નકવીનો કચરો કરી નાંખ્યો! રીફ્યુઝનું મૂળ લેટિન શબ્દ રીફ્યુસર છે જે બે લેટિન શબ્દો જોડીને બનેલો શબ્દ છે. એક છે 'રીક્યુસર' એટલે વાંધો ઉઠાવવો અને બીજો શબ્દ 'રીફ્યુટર' એટલે રદિયો આપવો. 'રીફ્યુઝ' એટલે આમ સાદી સીધી ના નથી. અહીં તકરાર છે, વાંધો છે, રદિયો છે અને ખંડન છે. રીફ્યુઝ બોલકો શબ્દ છે. નકવીના હાથે કપ? ના ના ના ના ના રે ના રે!
રીફ્યુઝલ શબ્દ બે અર્થમાં આવતો હોય છે. કોઈનું કામ કે પ્રયત્ન બીજા દ્વારા રીજેક્ટ થાય તો એને બીઈંગ રીફ્યુઝડ કહેવાય. જેમ કે હેરી પોટરના સર્જક જે. કે રોલિંગનું પહેલું પુસ્તક છાપવા માટે ૧૨ પ્રકાશકોએ ઇન્કાર કર્યો હતો. પણ આખરે હેરી પોટર પુસ્તકોની આખી સીરીઝ જ્યારે છપાઈ ત્યારે ઇતિહાસ રચાયો. રીફ્યુઝલ શબ્દનો બીજો અર્થ થાય છે કોઈ માન, સન્માન, એવોર્ડ કે અવસરનો અસ્વીકાર કરવો. જેમ કે બ્રિટિશ ગવર્નમેન્ટ સને ૧૯૧૯માં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને નાઈટહૂડના સન્માનથી નવાજવા માંગતી હતી પણ ગુરુદેવે રીફ્યુઝ કર્યું. એ જ વર્ષે અમૃતસરમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો હતો જેમાં બ્રિટિશ જનરલ ડાયરે હજારથી પણ વધારે નિર્દોષ લોકોની હત્યા કરી હતી- એનો વિરોધ હતો આ. આપણી ક્રિકેટ ટીમ પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં પાકિસ્તાનના મંત્રી પાસેથી ટ્રોફી લેવાનું રીફ્યુઝ કરે, એ આપણે ગુરુદેવ પાસેથી જ શીખ્યા છીએ. પહેલગામ કે જલિયાંવાલા બાગ અમે હત્યારાઓનો વિરોધ કરીશું જ. મહાભારતના અનુશાસન પર્વના ૧૧૬માં અધ્યાયમાં 'અહિંસા પરમો ધર્મ:' કહ્યું છે. અર્થાત અહિંસા એ મનુષ્યનો પરમ ધર્મ છે. પણ પછી બીજી કડીમાં એવું પણ કહ્યું છે કે 'ધર્મહિંસા તદૈવ ચ:' અર્થાત ધર્મની રક્ષા માટે કરવામાં આવેલી હિંસા એનાથી પણ શ્રેષ્ઠ છે. આપણે ઓપરેશન સિંદૂરથી જવાબ આપ્યો. એશિયા કપના વિજય બાદ પ્રધાનમંત્રીએ એક્સ પર લખ્યું કે આ રમતગમતના મેદાનનું ઓપરેશન સિંદૂર હતું, પરિણામ એ જ આવ્યું. આપણે જીત્યા.
ના પાડવાની ક્ષમતા કેળવવી. પણ અઘરું છે. આપણે ઇન્કાર નથી કરતા. કરી નથી શકતા. કોઈને નારાજ નથી કરી શકતા. ઇન્કાર કરો તો ખોટી લમણાંઝીંક થાય. આપણને અજાતશત્રુ બનવાના અભરખાં છે. આપણે સાલસ બનવું છે, ભગવાનનો માણસ બનવું છે. પણ સાહેબ, ના પાડી દેવી. જ્યારે હું રીફ્યુઝ કરું છું ત્યારે મારા માથે બોજ નથી રહેતો. મન સ્પષ્ટ થાય છે. સમય અને શક્તિ બચે છે. લોકો અલબત્ત ટીકા કરશે. સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાઇરલ કરશે. સમાચારમાં... જુઓને, ઓલ્યાં નાપાક નકવીના શ્રાપિત હસ્તે આપણી ક્રિકેટ ટીમે ટ્રોફી લેવાનો ઇન્કાર કર્યો તો પાકિસ્તાન મીડિયામાં તો ટીકા થઇ પણ આપણા દેશના કેટલાંક ભડવીરોને એવું લાગ્યું કે આ તો સ્પોર્ટ્સમાં પોલિટિક્સ ઘૂસી ગયું. આવું ન થવું જોઈતું હતું. અમને મુલ્લા નસીરુદ્દિન યાદ આવી ગયા. એક વાર તેઓ ઘરમાં હતા ત્યારે તેઓનો પાડોશી આવ્યો 'ને કહ્યું કે મુલ્લા તમારો ગધેડો એક દિવસ માટે ઉધાર જોઈએ છે. ગધેડો તો ઘરમાં જ હતો. પણ મુલ્લાને દેવો નહોતો. એટલે મુલ્લાએ કહ્યું કે હું તમને ચોક્કસ આપત પણ અત્યારે મારો ભાઈ અનાજની ગુણી લાવવા લઇ ગયો છે. ત્યાં તો ગધેડો આકસ્મિક હોંચી હોંચી કરવા લાગ્યો. પાડોશી કહે કે મુલ્લા, તમે ખોટું બોલો છે. ગધેડો ઘરમાં જ છે. મુલ્લા બોલ્યા કે અલ્યા, તું મારું માનશે કે ગધેડાનું?! આપણે ટ્રોફી લેવાનો ઇન્કાર કર્યો પછી કોઈ પણ ગધેડાનું હોંચી હોંચી સાંભળવું નહીં. રીફ્યુઝ કરવાનો નિર્ણય વિચારીને લેવો અને એક વાર રીફ્યુઝ કર્યું પછી... કોઈ ગધેડાંનું સાંભળવું નહીં.
ના પાડવી. અનેક લોકો અનેક વાતો કરશે. આપણે નક્કી કર્યું એની ઉપર જ ધ્યાન કેન્દ્રિત રાખવું. બીજા વિચારોને તિલાંજલિ આપવી. જે નક્કી કર્યું તેને મંદ પડવા ન દેવું. ટીકા થશે. કહેશે કે રમતગમતનું મેદાન રાજકીય અખાડો બનાવી દીધું. વિચલિત ન થવું. સૂર્યની જેમ ઝળહળવું, જશ મળશે, કુલદીપ પ્રજ્વલિત થશે, મસ્તિષ્ક પર અભિષેક થશે અને લલાટે તિલક.
શબ્દ શેષ
'એલીગન્સ (ગરિમાપૂર્ણ શાલીનતા) રીફ્યુઝલ (ઇન્કાર) છે. -કોકો ચાનેલ


