Get The App

વર્ડ્સ કેરી વેટ : શબ્દ પ્રભાવ .

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
વર્ડ્સ કેરી વેટ : શબ્દ પ્રભાવ                              . 1 - image

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- અમેરિકા ઈરાન યુદ્ધ સંદર્ભે ડોનાલ્ડ ટ્રમ્પ કાંઈ પણ કહે છે. તેઓના શબ્દોનું વજન નહીં પડતું હોય?

ચયન ભલે ને કરો શબ્દનું 

મર્મજ્ઞાની પેઠે,

ને છો ઘસી-ઘસીને ચમકાવો 

કળાથી એને,

પણ હચમચાવે છે જે, 

કંપાવે છે અને ટકે છે,

એ શબ્દ તો એ જ છે જે દિલથી સીધો વહે છે.                                                                                            

-  એલા વ્હીલર વિલ્કોક્સ

(અનુ. વિવેક મનહર ટેલર)

ક્યા રેક મને કોઈ પૂછે કે દર અઠવાડિયે આ શું એક શબ્દને લઈને મંડી પડયા છો? હું શું કહું? આમ પાણીનું એક ટીપું પણ આખો સમંદર એમાં સમાયો હોય છે, ભાઈ. અને શબ્દોનું વજન પડતું હોય છે. વજન અહીં 'બોજ'ના અર્થમાં નથી. 'મહત્તા' કે 'પ્રભાવ'ના અર્થમાં છે. સોના, ચાંદીનું મૂલ્ય વજન આધારિત હોય છે. એ પરથી સોળમી સદીમાં 'વેટ' શબ્દ 'અગત્યતા' કે 'સન્માન'ના આલંકારિક અર્થમાં ઈંગ્લિશ ભાષામાં આવ્યો છે. ગુજરાતી લેક્સિકન અનુસાર વર્ડ્સ (Words) એટલે શબ્દો, કેરી(Carry) એટલે વહન કરવું, ધારણ કરવું અને વેટ(Weight) એટલે વજન, ભાર પણ આજનાં મુહાવરાના સંદર્ભે વેટનો અર્થ થાય છે : વગ અથવા મહત્ત્વ. શબ્દોનું પણ મહત્ત્વ હોય છે. શબ્દો માત્ર વજનનું વહન જ કરતા નથી, હોરર નવલકથાઓના ખ્યાતિપ્રાપ્ત લેખક સ્ટીફન હોકીંગ તો કહે છે કે શબ્દોનું પોતાનું જ એક વજન હોય છે. 

સમાચાર છે કે શરીરનું વજન ઘટાડવાની વિદેશી દવા જીએલપી-૧નું પેટન્ટ ૨૦ માર્ચે પૂરું થયું. હવે દવા બનાવનારાઓ જેનરિક દવા બનાવી શકશે. કિંમત સાવ ઘટી જશે. એટલે હવે જાડાને પાતળાં કરવાના હાટડાં ઠેર ઠેર ખૂલી જશે. જાણીતી મેદાંતા હોસ્પિટલના ચેરમેન ડો. નરેશ ત્રેહાનનો આ વજન ઘટાડો દવાનું સમર્થન કરતો એક ડીપ-ફેઇક વિડીયો સોશિયલ મીડિયા પર ફરી વળ્યો. પછી ડો. ત્રેહાને ચેતવણી આપી કે આ દવા મેડિકલ સુપરવિઝન હેઠળ જ લેવી જોઈએ. કોઈ પોતાની રીતે જ ઓવર-ધ-કાઉન્ટર દવા ખરીદીને લેવા ન માંડે, નહીંતર  ગંભીર પ્રોબ્લેમ્સ થઇ શકે છે. અમને એ થાય કે આ મારા બેટા અમેરિકન્સ પહેલાં આપણને ચીઝ પિત્ઝા ખવરાવે અને પછી વજન વધે એટલે દવા ખવરાવે. પૈસા પડાવે. અને આપણે ભોળા તે ભરમાઈ જઈએ. આ શું ધંધો માંડયો છે? ઓબેસિટી (મેદસ્વીપણું) કોઈ મજાક નથી પણ આ ટ્રીટમેન્ટ પણ તો મજાક નથી. વજન ઘટાડવાની ટ્રીટમેન્ટની વાત આવે ત્યારે હેલ્થ ઈક્વિટી (સ્વાસ્થ્ય સમાનતા), મેડિકલ એથિક્સ (ચિકિત્સા નૈતિકતા) અને ક્વિક-ફિક્સ કલ્ચર (ત્વરિત સુધાર સંસ્કૃતિ) શબ્દો અમને વાંચવા મળ્યાં. અહીં અર્થ સમજાવવાની જરૂર નથી. વર્ડ્સ કેરી વેટ. આ વજન ઘટાડવાના ઉદ્યોગને લગત પ્રસ્તુત શબ્દોનું ખાસું વજન છે. મેદસ્વી શરીરની સારવાર માટે સમજી વિચારીને આગળ વધવું. ક્યાંક... લેને ગઈ પૂત ઔર ખો આઈ ખસમ- જેવું ન થઈ જાય.  

હવે એઆઈ(આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ) ઉર્ફે કૃત્રિમ બુદ્ધિનો આવિષ્કાર થઈ ચૂક્યો છે. એઆઈ કહે કે હા તો આપણે કહીએ હા. એઆઈ કહે કે ના તો ના. આપણું મગજ દોડાવવાની જરૂર ક્યાં છે? જાતે વિચારવાની વાત જ અહીં નથી. સઘળું ચેટજીપીટી કે જેમિનાઈને પૂછો અને ઉત્તર પળમાં મળી જાય. પણ પછી... ઉપયોગના અભાવે આપણાં મગજ બહેર મારી જાય. આ છે તો ડેન્જરસ પણ આપણે રોકી નહીં શકીએ. એ તો આવશે જ. સમાચાર છે કે આઈઆઈટી હૈદરાબાદનાં એક વિદ્યાર્થીએ આંતરરાષ્ટ્રીય સ્તરે એઆઈના વિશેષણ તરીકે એક્સપ્લેનેબલ, સેઇફ, હ્યુમન-સેન્ટ્રિક, કાર્બન-એફિશિઅન્ટ, ટ્રસ્ટવર્ધી વગેરે શબ્દો ક્યારે જન્મ્યા, વિસ્તર્યા- એનો વિસ્તૃત અભ્યાસ કર્યો. એઆઈ સમજાવી શકાય એવું હોવું જોઈએ, સુરક્ષિત હોવું જરૂરી અને માનવીને કેન્દ્રમાં રાખીને બનવું જોઈએ. એનાથી પ્રદુષણ ન થાય એ પણ આવશ્યક છે. અને હા, વિશ્વાસ મૂકી શકાય એવું તો હોવું જ જોઈએ. એટલે એમ કે આ એઆઈના વિશેષણ રૂપે જન્મેલા આ શબ્દો નકામા નથી. વર્ડ્સ કેરી વેટ. 

અમેરિકા ઈરાન યુદ્ધ સંદર્ભે ડોનાલ્ડ ટ્રમ્પ કાંઈ પણ કહે છે. તેઓના શબ્દોનું વજન નહીં પડતું હોય? જેમ કે ૪૮ કલાકમાં ઈરાન પોતાની હોર્મુઝ સામુદ્રધુનીને ઓપન નહીં કરે તો તેમના પાવરપ્લાંટ્સને અમે તોડી પાડીશું. ઈરાન નમતું ન જોખ્યું એટલે ટ્રમ્પ બોલ્યા : વાતચીત ચાલી રહી છે એટલે ૫ દિવસનો સમય વધારે દીધો. ઈરાને કહ્યું :  વાતચીતની તો વાત જ ક્યાં છે?! ટ્રમ્પએ કહ્યું : જા, તને બીજા દોઢ અઠવાડિયાનો વધારાનો સમય દીધો. તેઓએ તો એવું પણ કહી દીધું : વૉર ઇઝ પ્રેટી મચ કમ્પલિટ. પણ યુદ્ધ પૂર્ણ થયું જ ક્યાં છે? સીએનએનના ફરીદ ઝકરિયા આને ટ્રમ્પની 'ફ્લિપ ફ્લોપ પોલિસી' કહે છે. 'પોલિસી' એટલે દેશ ચલાવવાની નીતિ અથવા કાર્યદક્ષતા અને 'ફ્લિપ ફ્લોપ' એટલે અચાનક અને છાશવારે બદલી જવાની નીતિ. અમેરિકાની રાજનીતિ એટલે અબી બોલા, અબી ફોક. સાતત્યથી બોલાયેલા શબ્દોનું વજન અલબત્ત વધારે હોય પણ આ ફ્લિપ ફ્લોપ વર્ડ સલાડનો શો અર્થ? પણ.... સમરથ કો નહીં દોષ ગોસાંઈ!

કથની કરતાં કરણી ચઢિયાતી- એ વાત સાચી પણ કથનીનું વજન ચોક્કસ પડે. પણ વિચારીને બોલવું કારણ કે બોલાયેલા શબ્દમાં ડિલીટ કે બેકસ્પેસ બટન હોતું નથી. ખોટો શબ્દ એક વાર બોલાઈ જાય પછી બોલનારને માફ ભલે કરી દેવાય પણ એ ક્યારેય ભૂલાતો નથી. શબ્દ નિઃશુલ્ક છે પણ જ્યારે એ બોલાય ત્યારે એના પૈસા ચૂકવવા પડે છે. શબ્દ જ્યારે માનભંગ કરે ત્યારે લાગી આવે છે. કરુણાનો શબ્દ જો કે જખ્મે રૂઝનું કામ કરે છે. જો બોલેલું પળાય નહીં તો એવો શબ્દ -ખાલી ચણો, વાગે ઘણો- થઇ જાય છે. એનું અવમૂલ્યન થવું કુદરતી છે. વારંવાર બકબકની સાપેક્ષ એક શબ્દ જે ક્યારેક જ બોલાય તો એનું વજન વધારે પડે છે. ટૂંકમાં, શબ્દોનું વજન હોય છે. અને જે શબ્દો બોલી નથી શકાયા... એવું કેમ લાગે છે કે એનું વજન વધારે હોય છે?

શબ્દ શેષ :

'દરેક શબ્દના વજન જો કે એકસરખા હોતા નથી. નકારાત્મક શબ્દનું વજન વધારે હોય છે.'

- અજ્ઞાત