Get The App

ઓવરબોર્ડ અને ઓવરરીચ : બંધારણ કલમ 142નું કમઠાણ

Updated: May 6th, 2025

GS TEAM


Google News
Google News
ઓવરબોર્ડ અને ઓવરરીચ : બંધારણ કલમ 142નું કમઠાણ 1 - image


- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- કેસ તો તામિલનાડુ ગવર્નર સામે હતો પણ સુપ્રીમ કોર્ટે એક ડગલું આગળ વધીને રાષ્ટ્રપતિ માટે પણ સમયમર્યાદા નક્કી કરી દીધી

છાતીમાં અકબંધ રણ સારું નહીં,

હદ વગરનું કાંઈ પણ સારું નહીં.

સૂર્યનું કે ચન્દ્રનું સાંખી શકાય,

પણ સમજ પરનું ગ્રહણ સારું નહીં.

-મેહુલ એ. ભટ્ટ

સુ પ્રીમ કોર્ટ સર્વોચ્ચ છે. સર્વાનુમતે પસાર કરેલો કાયદો પણ જો બંધારણની વિરુદ્ધ હોય તો રદ કરી શકે. વાત જાણે એમ છે કે તામિલનાડુની સ્ટાલિન સરકારે દસ ખરડા પસાર કર્યા પણ રાજ્યપાલે એની પર મંજૂરીની મહોર મારી જ નહીં. મહિનાઓ વીતી ગયા. કંટાળીને તામિલનાડુ સરકારે  સુપ્રીમ કોર્ટમાં ધા નાંખી. ચૂકાદો આવ્યો. મંજૂરી આપવા માટે સુપ્રીમ કોર્ટે  રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ માટે સમયમર્યાદા નક્કી કરી દીધી. બંધારણમાં 'જેમ બને એમ જલદી' શબ્દો છે, કોઈ સમયમર્યાદા નથી. નહોતી. બંધારણની કલમ ૧૪૫(૩) અંતર્ગત પાંચ ન્યાયાધીશોની ખંડપીઠની જોગવાઈ છે પણ બે ન્યાયાધીશોએ બંધારણની કલમ ૧૪૨ નીચે 'ટોટલ જસ્ટિસ' માટે ચૂકાદો આપ્યો. આ એનું કમઠાણ છે.  

બીજેપી વિરોધી લોકોએ વાહવાહી કરી. બીજેપી તરફી લોકોને લાગ્યું કે આ તો અનહદ ન્યાય કરી નાંખ્યો. ઉપરાષ્ટ્રપતિએ ન્યાયતંત્રની ટીકા કરવામાં કોઈ કસર છોડી નહીં. કહ્યું કે સુપ્રીમ કોર્ટ 'સુપર પાર્લામેન્ટ' તરીકે વર્તી રહી છે. કૌન બનેગા ન્યાયાધીશ?- એ ન્યાયાધીશો જ નક્કી અને એવા 'સિલેક્ટેડ' ન્યાયાધીશો પૈકી એકનાં નિવાસસ્થાને આગની ઘટનામાં મોટી રોકડ રકમ મળી આવે. પછી એનું થયું શું?- ખબર નથી. ન્યાયની દેવડીમાં જો કે અમને વિશ્વાસ છે. છૂટકો જ નથી. સુપ્રીમ કોર્ટ શ્રદ્ધાનો વિષય છે, (પણ) પુરાવાની શી જરૂર?-એવું તો ન હોય ને ભાઈ!  

કેસ તો તામિલનાડુ ગવર્નર સામે હતો પણ સુપ્રીમ કોર્ટે એક ડગલું આગળ વધીને રાષ્ટ્રપતિ માટે પણ સમયમર્યાદા નક્કી કરી દીધી. આ માટે સમાચારમાં ઓવરબોર્ડ (Overboard) શબ્દ હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા બંધારણની કલમ ૨૦૦ ફરીથી લખાઈ. પહેલી વાર એવું બન્યું કે રાજ્યપાલની મંજૂરી વિના કાયદો અમલમાં આવી ગયો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમયમર્યાદામાં નિર્ણય ન લેવાય તો અમારી પાસે આવજો. શું રાષ્ટ્રપતિ સામે 'કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ' થાય? આ માટે સમાચારમાં ઓવરરીચ (Overreach) શબ્દ હતો. બંને શબ્દોમાં 'ઓવર' ઉપસર્ગ છે. 'ઓવર' એટલે સર્વત્ર, ખલાસ, સોંસરું, પર્યંત. પણ એક ઉપસર્ગ તરીકે 'ઓવર'નો અર્થ થાય '-થી વધારે' અથવા '-ની ઉપર થઈને'. ટૂંકમાં, મર્યાદાની ઉપરવટ જવું તે. હવે 'બોર્ડ'ની વાત કરીએ. બોર્ડ એટલે લાકડાનું પાટિયું. વહાણમાં તૂતક હોય અને એનો કઠેરો હોય તે બોર્ડ કહેવાય. કોઈ માણસ જહાજનાં કઠેરા  પરથી પાણીમાં પડી જાય તો એ 'ઓવરબોર્ડ' થયો એમ કહેવાય. ગયા અઠવાડિયે અમેરિકાનું એક ફાઇટર જેટ વિમાનવાહક જહાજનો કઠેરો તોડીને પાણીમાં પડી ગયું. લો બોલો! ઓવરબોર્ડથી ભારે નુકસાન થયું.  અમેરિકન નૌકાદળનાં ૬ કરોડ ડોલર્સ પાણીમાં ગયા. પણ જો કોઈ 'ગો/ડૂ ઓવરબોર્ડ' કરે તો એ વ્યક્તિ અતિઉત્સાહમાં આવીને અત્યધિક કે અતિશય રીતથી, એ કામને પૂર્ણ કરવાની જબરી કોશિશ કરે છે. બોક્સ ઓફિસ પર પીટાઈ ગયેલી ફિલ્મ 'ગ્રાઉન્ડ ઝીરો' વિષે અભિનેતા ઈમરાન હાસમીએ કહ્યું હતું કે આ એવી ફિલ્મ છે, જેમાં વધારે પડતાં કટ્ટર રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણનો વિચાર અમે ટાળ્યો છે. 'નોટ ટૂ ગો ઓવરબોર્ડ વિથ જિંગોઈસ્ટિક એંગલ' એવા શબ્દો કહ્યા હતા. કટ્ટર રાષ્ટ્રવાદની વાત કરી હોત તો કદાચ ફિલ્મ ચાલી જાત!  'ઓવરબોર્ડ' એટલે વધારે પડતું. લિમિટમાં હોય તો સઘળું સારું. અતિ સર્વત્ર વર્જયેત્. રોટી, કપડાં, મકાન જોઈએ. કૃષિ અને ગૃહનિર્માણ અનિવાર્ય પણ વિકાસનાં નામે જંગલો કપાઈ જાય તો? સંતુલન તો હોવું જોઈએ. ઓવરબોર્ડ થવાય તો ડૂબી જવાય! 

બીજા શબ્દ આઉટરીચ-માં 'રીચ' એટલે વધવું, લાંબુ કરવું, લંબાવવું. મનની પહોંચ કે પહોંચવાની મર્યાદા, અવકાશ- એવા  અર્થ અહીં છે. જ્યારે કોઈની પહોંચ મર્યાદા વળોટી જાય ત્યારે એ 'ઓવરરીચ' કહેવાય. ગુજરાતી લેક્સિકનમાં 'ઓવરરીચ' શબ્દનો અર્થ 'છેતરવું' કે 'ઠગવું' લખ્યો છે. સમાચારમાં 'જ્યુડિશિયલ આઉટરીચ' શબ્દો આવે ત્યારે એનો અર્થ 'ન્યાયિક છેતરપીંડી' નથી, 'ન્યાયિક અતિસંધાન' છે. 'સંધાન' એટલે પ્રતિજ્ઞાા. 'અતિસંધાન' એટલે 'પ્રતિજ્ઞાા ઉલ્લઘંન' એવો અર્થ થઈ શકે. ફિલ્મ 'જોલી એલએલબી-૨' સામે મુંબઈ હાઇકોર્ટમાં અરજી થઈ હતી કે લીગલ પ્રોફેશનની મજાક ઊડાવવામાં આવી રહી છે. કોર્ટ દ્વારા એક કમિટી રચાઇ. તેઓનાં રીપોર્ટ ઉપરથી ફિલ્મમાં કાપકૂપ કરવામાં આવી. સેન્સરબોર્ડ તો હતું જ અને બંધારણની કલમ ૧૯(૨) અનુસાર વાણી સ્વાતંત્ર્ય ય છે. જ્યુડિશિયલ ઓવરરીચ. ઘરના ભૂવા 'ને ઘરના જાગરિયા!  એક અન્ય કેસમાં, રોડ સેફ્ટીનાં નામે  સુપ્રીમ કોર્ટે હાઇવેનાં ૫૦૦ મીટર્સનાં દાયરામાં આવતા તમામને દારૂ વેચવા પ્રતિબંધ ફરમાવ્યો, જ્યારે કોઈ પુરાવો નહોતો કે 'અહીં' દારૂ પીવાથી રોડ એક્સિડન્ટ્સ થાય છે. આગ દૂર્ઘટના વિષયની એક જાહેર હિતની અરજીની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે ફરમાવ્યું કે હોસ્પિટલમાં આઇસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર હોવું જોઈએ કારણ કે આગ લાગે તો બચી જવાય. પણ એવો કોઈ કાયદો તો નથી. મેડિકલ એક્સપર્ટ્સ તો એવું માને છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર લોકોનો આવરોજાવરો વધારે હોય એટલે આઇસીયુનાં દર્દીઓને ઊલટાનો ઇન્ફેકશન લાગવાનો ડર રહે. પણ જજસાહેબને ઠીક લાગ્યું તે ખરું. 

અમેરિકાની સુપ્રીમ કોર્ટનાં પૂર્વ ચીફ જસ્ટિસ વિલિયમ રેહ્નક્વિસ્ટ કહેતા કે શક્ય છે કે કોર્ટ પોતાની યોગ્ય મર્યાદા વળોટી(ઓવરરીચ) જાય અને કદાચ ઘણાં કાયદાઓને ગેરબંધારણીય જાહેર કરી દેય અને એ રીતે જેઓની બહુમતી છે, તેઓની ઈચ્છાને વિફલ કરે, હતાશ કરે, જે યોગ્ય કે હિતાવહ નથી.  

Tags :