- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- મોબાઈલ ફોન આપણી પર ત્રાટક કરે છે. એની બહાર આપણે વિચારતા નથી કારણ કે આપણે વિચારી શકતા નથી
ગગન તો હાથ લાગે પણ છૂટી જાશે ઘણા અંગત,
બસ, એ કારણસર ફેલાવી નથી ક્ષમતાની મેં પાંખો
- અંજના ભાવસાર 'અંજુ'
જા વેદ અખ્તરની 'એક મોહરેકા સફર' નઝ્મ યાદ આવે છે. ચેસમાં પાયદળ એક જ ડગલું ચાલી શકે છે. એ મરે તો કોઈ નોંધ પણ લેતું નથી. પણ પાયદળ પૈકી એક પ્યાદું એફિશિઅન્ટ છે. જાત બચાવીને, આગળ વધીને એ આખરે સામેની આખરી હરોળમાં પહોંચી જાય છે, વજીર બની જાય છે. હવે એની પાસે બધું છે પણ... એકલતા છે, પોતાનું કહી શકાય એવું કોઈ નથી. કાર્યક્ષમતાનું પરિણામ ઘણી વાર ધાર્યા મુજબ આવતું નથી.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં સમાચાર છે ગૂગલ, માઈક્રોસોફ્ટ, એમેઝોન, મેટા, સેલ્સફોર્સ સહિત જાયન્ટ ટેક કંપનીઝમાં એક શબ્દ આખું વર્ષ ચર્ચામાં રહ્યો. આ શબ્દ છે : 'એફિશિઅન્સી'. સીઈઓનો ફેવરીટ શબ્દ પણ કંપનીના કર્મચારીઓ માટે એ જ શબ્દ નાઇટમેર. 'નાઇટમેર' એટલે દુ:સ્વપ્ન, ઓથાર. ગુજરાતી લેક્સિકન અનુસાર 'એફિશિયન્સી' એટલે કાર્યસાધકતા, કાર્યક્ષમતા, ધાર્યું પરિણામ લાવવાની સમર્થતા. સીઈઓ માટે અલબત્ત સારી વાત પણ એઆઈને કારણે કર્મચારીઓની નોકરી જતી રહે છે. કામનો માણસ નકામો થઇ જાય છે. હસતા, રમતા, સાવ અચાનક... આજનો શબ્દ એફિશિઅન્સી પૅરડૉક્સ (Efficiency Paradox) છે. 'પૅરડૉક્સ' એટલે અસંગત વાત, બે પરસ્પર વિરોધી બાબતોનું સમર્થન કરતું કથન. સાદી સમજથી વિપરીત લાગે એવું કથન.
આજના શબ્દને 'જેવોન્સ પૅરડૉક્સ' પણ કહે છે. અંગ્રેજ અર્થશાસ્ત્રી વિલિયમ સ્ટેનલી જેવોન્સના સને ૧૮૬૫માં પ્રકાશિત થયેલા પુસ્તક 'ધ કોલ ક્વેશ્ચન'માં આ શબ્દ પહેલી વાર જોવા મળ્યો. એ સમયે કોલસો મુખ્ય બળતણ હતું. બ્રિટિશ સરકારને લાગ્યું કે કોલસાનો કાર્યક્ષમ ઉપયોગ થાય તો ઉપલબ્ધ જથ્થો વધારે સમય સુધી ચાલે. નક્કી કર્યું કે ટેકનોલોજી સુધારો, એફિશિઅન્સી વધારો. જેમ્સ વોટ્સના સ્ટીમ એન્જીનની શોધ સીમાચિહ્ન હતી. ઓછાં બળતણ વપરાશ સામે કાર્યક્ષમતા વધી. એફિશિઅન્સીનો અર્થ એ જ તો છે. ઇચ્છિત ઉત્પાદન એવી રીતે થાય કે એમાં સમય, સાધન, ઊર્જા અને પૈસા બચે. બગાડ અટકે. પણ શું કોલસાનો ઓવરઓલ ઉપયોગ ઘટયો? ના. જુઓને, વધારે સારા સ્ટીમ એન્જીન આવી ગયા એટલે લોકો વધારે ને વધારે ઉપયોગ કરવા માંડયા. કોલસાનો ઉપયોગ સમૂળગાનો વધ્યો. આપણો પણ તે અનુભવ છે. સારી એવરેજ આપતી કાર લઈએ એટલે એમ થાય કે ચાલો લોન્ગ ડ્રાઈવ પર જઈએ. સરકારને એમ કે ફ્યુઅલ એફિશિઅન્ટ કાર હશે તો પોલ્યુશન ઘટશે. પણ અહીં તો કાંઈ ફેર પડતો નથી. આ એફિશિઅન્સી પૅરડૉક્સ છે. અમને એ જ બીક લાગે છે. બુલેટ ટ્રેન આવી જશે. બે કલાકમાં અમદાવાદથી મુંબઈ. વહેલા પહોંચી જાશું. પણ પછી સમય બચશે એનું શું કરશું?!! આનાથી તો આપણી ગુજરાત એક્સપ્રેસ સારી. એ ય વડાં ખાતા જઈએ અને સાથી પેસેન્જર્સ સાથે અલક મલકની વાતોનાં વડાં કરતા જઈએ. ઘરમાં હવે પાવર કટ નથી. એફિશિયન્સી વધી છે. તો સામે વીજળી આધારિત સાધનો પણ તો વધ્યા છે. કુલ વપરાશ ઘટયો નથી. ટેક્નોલોજી એડવાન્સમેન્ટને શું કરવું છે? કાર્યક્ષમતા વધારીને શું કરવું છે? કાર્યક્ષમતા અને અસરકારતામાં ફેર છે. મેનેજમેન્ટ અગ્રણી પીટર ડ્રકર કહેતા કે 'કાર્યક્ષમતા' એટલે કામ સાચી રીતે કરવું અને 'અસરકારકતા' એટલે સાચું કામ કરવું. હું કાર્યક્ષમ છું. મારી ફેક્ટરીમાં ઓછા ખર્ચે, ઝડપથી માલ બનાવું છું. અહીં એફિશિયન્સી તો છે. પણ મારો માલ કોઈ ખરીદતું નથી. એટલે ઇફેક્ટિવનેસ નથી.
કાર્યક્ષમતા અલબત્ત જરૂરી છે. સમય બચે, ખર્ચ ઘટે, ભૂલ ઓછી થાય એટલે તણાવ પણ ઘટે, ગુણવત્તા બહેતર બને. કાર્યક્ષમ બન્યા વિના છૂટકો નથી. પહેલાં ગણિતના ઘડિયાં ગોખવા પડતા. તેર દૂ છવ્વીસ અને તેર તરી ઓગણચાલીસ વગેરે. પછી કેલ્ક્યુલેટર આવી ગયા. કાર્યક્ષમતા વધી. હવે એલેક્સા અને સીરી આવી ગઈ. તમે પૂછો અને જવાબ હાજર. હું બોલું 'ને સઘળું થતું જાય. દુનિયાભરમાં શું બને છે? એ ઘર બેઠાં હું જીવંત જોઈ શકું. પણ સાહેબ, બેઠાડું જીવન કાંઇ સારી વાત છે? મારે ઊભા તો થવું પડે, હરવું ફરવું તો પડે, નહીં તો સાંધા જકડાઈ જાય. મુસાફરી કરીએ ત્યારે આપણે લોકેશન આપીને ગૂગલ મેપને પૂછીએ છીએ. હ્યુમન ટચ મરી પરવાર્યો છે. કોઈ વાર રસ્તા ઊભા રહીને કોઈ વટેમાર્ગુને પૂછી જુઓ. તળપદી બોલીમાં તમને પ્રેમથી રાહ દેખાડશે. અને હું તો કહું છું કે જાણી જોઈને આડો અવળો રસ્તો લઇ લેવો. શી ખબર, કાંઈ નવી જ જગ્યાએ પહોંચી જાઓ. આજકાલ તબીબી સારવાર એફિશિઅન્ટ થઇ ગઈ છે. જાત જાતના પરીક્ષણ થાય. કયો રોગ નથી?- એ નક્કી કરવાની એક લાંબી વિધિ છે. સ્વાસ્થ્ય વીમો તો છે પણ પેશન્ટ હેરાન થાય છે. અને આખરે નક્કી થાય કે ઓહો! તમને વાઇરલ શરદી સળેખમ છે, જેની કોઈ દવા નથી. આના કરતા જૂના દાક્તરો તપાસીને પડીકી આપતા એ સારું હતું. ઇતિહાસવિદ એડવર્ડ ટેનર કહે છે કે કાર્ય-અક્ષમતા ઘણી વાર સર્જનશીલતા વધારે છે, જ્ઞાન વધે છે, સાચી ઉત્પાદકતા પણ વધે છે. લાંબે ગાળે પરિણામ પણ સારું આવે છે. અત્યારે દોડાદોડ છેત મહત્તમ મેળવી લેવાની લ્હાય છે. કાર્યક્ષમતા કાયમ સારી હોતી નથી. ટેનર એને 'પ્રેરણાદાયી કાર્યઅક્ષમતા (ઇન્સ્પાયર્ડ ઇન એફિશિઅન્સી)' કહે છે.
અત્યારે આપણે કમ્પ્યુટર એલોગરીધમ સંચાલિત માહિતી પર ચાલીએ છીએ. એ નચાવે છે એમ આપણે નાચીએ છીએ. મોબાઈલ ફોન આપણી પર ત્રાટક કરે છે. એની બહાર આપણે વિચારતા નથી કારણ કે આપણે વિચારી શકતા નથી. આપણને અંતર્જ્ઞાન કે સહજ જ્ઞાન(ઈન્ટયૂશન)નું વરદાન છે. હતું. પણ એ હવે ભૂલાતું જાય છે. કાર્યક્ષમતા વધારવાના ચક્કરમાં આપણે મશીન થઇ ગયા છીએ. ટેકનોલોજી એ ઉકેલનો એક હિસ્સો છે, એ ઉકેલ નથી. ઉકેલનું સર્વગ્રાહી (હોલિસ્ટિક) હોવું જરૂરી છે.
શબ્દ શેષ :
'કાર્યક્ષમતા એ બુદ્ધિશાળી આળસ છે.'
- ડેવિડ ડનહમ


