ઇક : એકબીજાને અણગમતા રહીએ .

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
ઇક : એકબીજાને અણગમતા રહીએ                                        . 1 - image


- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- કોઈની સામે ચીડ ચઢે, સૂગ આવે ત્યારે મોઢેથી બોલાય : 'ઇક..' એ ઉચ્ચારણ પછી શબ્દ બની ગયો.

ડિ ક્સનરીમાં અવારનવાર નવા શબ્દો ઉમેરાતા રહે, જીર્ણ શબ્દો રદ થતા રહે, અન્ય ભાષાઓનાં શબ્દોને સ્વીકૃતિ મળે તેમજ પોતાની ભાષાનો શબ્દ પણ જો બોલચાલનો નવો અર્થ લઈને આવે તો એ નવો અર્થ પણ આમેજ થાય ત્યારે... ભાષા સમૃદ્ધ થાય. ઇંગ્લિશ ભાષામાં આવું અવારનવાર થાય. પણ ગુજરાતીમાં ? ૬૮૪૭૩ શબ્દોનો ગુજરાત વિદ્યાપીઠનો સાર્થ જોડણી કોશ સને ૧૯૬૭થી ચાલ્યો આવે છે. વર્ષ ૨૦૦૫માં અન્ય ભાષાનાં પરંતુ ગુજરાતી ભાષામાં રૂઢ થયેલા ૫૦૦૦ શબ્દોની પૂરવણી અલબત્ત બહાર પડી. પણ પછી? રામ રામ. આપણને છોછ છે બોલચાલમાં આવી ચૂકેલા યુવા પેઢીનાં અવનવા ઇંગ્લિશ મિશ્ર ગુજરાતી શબ્દોની. આપણે ઉમેરણ કરતાં નથી. બીજી તરફ ઇંગ્લિશ ભાષાની ડિક્સનરીઝ નિયમિત રીતે શબ્દો ઉમેરતી રહે છે. સમાચાર છે કે કેમ્બ્રિજ ડિક્સનરીએ ૩૨૦૦ નવા શબ્દો તાજેતરમાં જ ઉમેર્યા. 

વોટ્સએપ ગૃપમાં કોઈકે કોઈની આગળની પોસ્ટ પર સરસ કોમેન્ટ લખી. તમને ખબર નથી એટલે તમે પાછળનાં મેસેજ સ્ક્રોલ કરો અને વાંચો એ વિધિ માટે નવો ઑફિસયલ શબ્દ 'બેકરીડ' (Backread) ઉર્ફે પૂર્વસંદેશા વાંચન! ઘણીવાર  એમ પણ બને કે પ્રતિક્રિયા આપવા શબ્દો ન હોયએટલે ચૂપ રહીએ પણ ચહેરા ઉપર હાવભાવની આવનજાવન થતી રહે. કૌતુક પછી સ્મિત અને પછી થોડું ગાંભીર્ય ચહેરા ઉપર આવે. થોડી ચિંતાની લહેર પણ ઊઠે. જાણે કે બોલ્યાં વિના ઘણું બધું કહી દીધું. આ માટે નવો શબ્દ 'ફેસ જર્ની' (Face Journey) ઉર્ફે મુખારવિંદની મુસાફરી! આજકાલ માલ સામાન કુરિયરથી આવે. ઘર બંધ હોય તો પરસાળમાં પેકેટ મૂકીને રવાના થાય. ત્યારે બાજુવાળો ફળિયામાં ઘૂસી પેકેટની તફડંચી કરી જાય એ પૉર્ચ પાયરસી (Porch Piracy) ઉર્ફે પરસાળ ચાંચિયાગીરી! એવો એક નવો શબ્દ છે ઇક (Ick).   

જિંદગીનો પથ હજી બાકી હતો, આપણો સંબંધ ખૂટયો, શું કરું?

-  વિવેક મનહર ટેલર

શબ્દ તરીકે 'ઇક' ૧૯૪૦નાં દાયકામાં પહેલી વાર ધ્યાને ચઢયો. કોઈ ચોક્કસ મૂળ નથી. ઇક એક પ્રતિક્રિયા રૂપી અર્થહીન ઉચ્ચારણ છે. કોઈની સામે ચીડ ચઢે, સૂગ આવે ત્યારે મોઢેથી બોલાય : 'ઇક..' એ ઉચ્ચારણ પછી શબ્દ બની ગયો. બ્રિટિશ રીઆલિટી ડેટિંગ શૉ 'લવ આઇલેન્ડ'થી આ શબ્દ જાણીતો બન્યો. આમ તો બોગ બોસ જેવો જ શૉ પણ અહીં અજાણ્યા યુવકો અને યુવતીઓને જોડી તરીકે એક ટાપુનાં રીસોર્ટમાં ભેગા કરે. તેઓ એકમેકને જાણવાની, સમજવાની કોશિશ કરે. આમ જુઓ તો પ્રેમનાં છાનગપતિયાં અને આમ આ સઘળું કેમેરામાં કેદ થાય. લોકો ટીવીમાં જુએ. જોડી માટે વોટિંગ થાય અને આખરે વિજેતા જોડી નક્કી થાય. આવી એક સીઝનમાં મેડિકલ સ્ટુડન્ટ પ્રિયા ગોપાલદાસ એની સાથી સહેલીઓને  કહે છે કે 'મને મારા ડિનર ડેટ બ્રેટ સ્ટેનીલેન્ડ પ્રત્યે અનાકર્ષણ થઈ રહ્યું છે. એ મારો હાથ પકડે છે તો મને લાગે છે કે મારા ડેડી મારો હાથ પકડી રહ્યા છે. અથવા લાગે કે એ કોઈ અમસ્તો દોસ્ત છે. સાચું કહું તો મને એને  ચૂમવાની ઈચ્છા જ નથી થતી. આઈ એમ ગેટિંગ ઇક..' લોકોએ લાગ્યું કે આ જોડી એકદૂજે કે લિયે બની નહીં હૈ અને વોટિંગ કરીને એ જોડીને લવ આઇલેન્ડમાંથી કાઢી મૂકી. લો બોલો! પણ આ ઇકવાળી ફીલિંગ ક્યારે આવે? કેમ આવે?

છોકરો હોય કે છોકરી કોઈને પણ થાય છે આ ઇક. પ્રેમ થઉં થઉં થતો હોય અને ત્યાં તો હસતાં રમતા સાવ અચાનક છોકરાને છોકરી અથવા છોકરીને છોકરો અણગમતી કે અણગમતો થઈ જાય. એનું કારણ વિચારો તો એવું કશું જડે નહીં. એનું હસવું, એની ગપસપ જે અત્યાર સુધી અનહદ ગમતી હતી, એ હવે ત્રાસ રૂપ લાગે. પહેલાં જેવી ફીલિંગ આવે નહીં. આપસમાં જે કેમેસ્ટ્રી હતી એ ફિઝિક્સ થઈ જાય. આ અણગમતીલી લાગણી એવી ઊંડે ઊંડે ખૂંપી જાય કે પછી કાંઈ મઝા જ ન આવે. અને પછી.. સંબંધનું ક્રિયાકર્મ થઈ જાય. ગમ્ય કે અગમ્ય કોઈ પણ સ્થિતિમાં આ શબ્દનો ઉપયોગ થઈ શકે. રોમેન્ટિક સંબંધ ઉપરાંત દોસ્તી, વ્યાવસાયિક સંબંધ કે ડિજિટલ માધ્યમમાં પણ કોઈ અચાનક ન ગમે, કોઈ મિત્ર જે ક્યારેક હદ વળોટે, સાથી કર્મચારીની વર્તણૂંક કઠે અથવા ડિજિટલ માધ્યમમાં કોઈ એકની એક વાત કરતો રહે તો આ ઇક-ની લાગણી થઈ આવે. દા. ત. સંગીત વોટ્સ એપ ગૃપમાં કોઈ રાજકારણની વાત લઈને ચોંટી જાય તો... ઇક ઇક હોતા હૈ!

વધારે દારૂ ઢીંચે, વર્તણૂંકનું ઠેકાણું નહીં, ગંદા ગોબરા રહેવું વગેરે કારણે ઇક થાય એ સમજાય પણ એવા ય કારણ હોય છે જે મને લાગે કે મસ્ત છે પણ અન્યને જરાય ન ગમે. એને ઇક થાય. એક લડકીકો દેખા તો ઐસા લગા.... એનું ખડખડાટ હસવું મને ખૂબ ગમે. પણ અન્યને એ અટ્ટહાસ્ય તામસી લાગે.  સ્વિમિંગ જેવી કોઈ કસરત નથી પણ એક ઓળખીતો કહે કે તરવૈયાનું નકરું મૂતર સ્વિમિંગપૂલમાં હોય છે. અને મને થાય કે આ શું કહે છે? શનિ- રવિ આળસુની જેમ પડયો રહે, આ તે કાંઈ માણસ છે? મને ઇક થાય પણ કોઈને એ ગમે. અને ઇક પણ કેવા? આમ તો સારો પણ ચુંબન કરે ત્યારે અવાજ બહુ કરે, આખો દિવસ કચડ કચડ ચાવ્યા કરે, નખ દાંતથી કાપે, ખાધા પછી થાળીમાં આંગળીથી કશુંક લખ લખ કરે. હોઠોં પર લાલ લિપસ્ટિકનાં લપેડા.. ઇંગ્લિશમાં એક શબ્દ 'રેડ ફ્લેગ' (Red Flag) પણ છે. કોઈ સંબંધ ડેન્જરસની હદે પહોંચે, જેનાથી નુકસાન થવાની ભીતિ હોય તો એ રેડ ફ્લેગ કહેવાય. એ ત્યાજ્ય છે. એની સરખામણીમાં ઇકની કોઈ ભયજનક અસર નથી. બસ ન ગમ્યું એટલે ન ગમ્યું એટલે ન ગમ્યું, નહીં ગમવું કાંઈ ગુનો થોડો છે તે કારણ આપવા પડે! 

શબ્દ શેષ :

'અણગમો અને પ્રેમ એ એકસાથે શક્ય નથી.' - અજ્ઞાાત


Google NewsGoogle News