Get The App

ટૉક્સિક : વિષમયી .

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
ટૉક્સિક : વિષમયી                                           . 1 - image

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- વાતાવરણને બહેતર બનાવવાની વાતચીત થાય છતાં કોઈ નક્કર પરિણામ ન આવે તો જ માનવું કે આ સંબંધ ટૉક્સિક છે. યાદ રહે, દરેક મતભેદ મનભેદ નથી

ये तो सुना है जहर कभी अमृत बन जाता है

लेकिन जब अमृत खुद जहरीला हो जाए

फिर आखिर कोर्ई कैसे जिए ?

- सज्जाद जहीर

અ મને ખબર નથી અમૃત ઝેરી બન્યું કે દ્રાક્ષ ખાટી થઇ પણ બંગાળના અંતિમ ચરણની ચૂંટણી ચરમસીમાએ હતી ત્યાં રાઘવ ચઢ્ઢાના નેતૃત્વ નીચે કુલ સાત રાજયસભા સભ્યો ઝાડુ છોડીને કમળ હાથમાં લઇને ઉચાળા ભરી ગયા.   ઇન્ડિયા ટૂડેએ લખ્યું કે પક્ષપલટાથી રાઘવનાં દસ લાખ ઇન્સ્ટાગ્રામ ફૉલોઅર્સ ઘટી ગયા. ઠીક છે. બાર કરોડમાંથી દસ બાર લાખ ઓનલાઇન અનુયાયીઓ ઘટયા તો ભલે ઘટયા પણ તો ય કદાચ રાઘવ રઘવાયા થયા હશે એટલે તેઓએ ઇન્સ્ટાગ્રામ પર જ દ્રશ્ય શ્રાવ્ય ખુલાસો કર્યો કે એક-બે હોય તો સમજાય પણ સાત સાત સાંસદ આપ છોડી દે એનું કારણ એ કે આપ હવે પહેલાં જેવી પાર્ટી રહી નથી, હવે ત્યાં ટૉક્સિક (્ર્ટૈબ) કાર્યસ્થળ વાતાવરણ છે. આ શબ્દ આ પહેલાંથી સમાચારમાં તો છે જ. 'ટૉક્સિક' ફિલ્મ જેની રિલીઝ ધુરંધર- ધ રિવેન્જને કારણે લંબાઈ ગઈ હતી એ પણ આવતે મહિને આવી રહી છે. 'ટૉક્સિક-વયસ્કો માટેની પરીકથા' એવું લાંબુ શીર્ષક ધરાવતી આ ફિલ્મ વર્ષ ૧૯૪૭માં દેશને બ્રિટિશ શાસનથી આઝાદી મળી તે પછી પણ ગોવામાં પોર્ચુગીઝ શાસનમાં હતું, તે સમયની ગેંગસ્ટર ફિલ્મ છે. ગુજરાતી લેક્સિકન અનુસાર 'ટૉક્સિક'નો અર્થ થાય છે ઝેરી, ઝેરનું, ઝેરથી થયેલું, વિષમય. હિંદીમાં વિષૈલા, ઝહરીલા. ઘાતક, હાનિકારક એવા અર્થ પણ થાય. રાજકારણી પણ એક જાતનાં ગેંગસ્ટર જ હોય છે અને રાજદ્વારી વાતાવરણ તો વિષમયી હોય જ છે, એવો અછડતો વિચાર અમને આવ્યો પણ આપણે અહીં માત્ર શબ્દની વાત કરવી જોઈએ. હેં ને?

મૂળ ગ્રીક શબ્દ 'ટૉક્સોન' એટલે ધનુષ્ય. 'ટૉક્સિકોસ' એટલે તીર કે તીરંદાજીને લગત વાત. પ્રાચીન ગ્રીસમાં તીરની ટોચ ઉપર ઝેર લગાડતા જેથી શિકાર ઘાયલ તો થાય પણ મરી પણ જાય. ઝેર માટે ગ્રીક શબ્દ 'ફાર્માકોન' છે. ટૉક્સિકોન ફાર્માકોન એટલે તીરનું ઝેર. લેટિનમાં જઈને આ શબ્દ 'ટૉક્સિકમ' થઇ ગયો. મૂળ શબ્દ જેનો અર્થ -તીર પર લગાડવામાં આવેલું ઝેર- એવો થતો હતો, એ કાળક્રમે કોઈ પણ ઝેરી, ઘાતક કે નુકસાનકારક ચીજ માટે વપરાવા લાગ્યો. પછી આ શાબ્દિક અર્થ આગળ વધીને આલંકારિક ભાષામાં કોઈ પણ સંબંધ કે કાર્યસ્થળ વાતાવરણમાં નકારાત્મકતા હોય તો તે માટે વપરાવા લાગ્યો. ટૉક્સિક રીલેશનશિપ હોય અથવા ટૉક્સિક વર્ક એન્વાયરોન્મેન્ટ પણ હોય, યૂ સી! જ્યારે રાઘવ 'આપ'નાં ટૉક્સિક કાર્યસ્થળ વાતાવરણ-ની વાત કરે છે ત્યારે તેઓ કદાચ 'આપ'માં પ્રવર્તતી આપખુદશાહી, નકારાત્મકતા, માનસિક તણાવ, અપમાન, ચિંતા અને અવસાદની વાત કરી રહ્યા હોવા જોઈએ. અમને જાણીને નવાઈ લાગી કે ગ્રીક શબ્દ 'ફાર્માકોન'નો અર્થ ઝેર ઉપરાંત દવા પણ થાય છે. 'ફાર્મસી' શબ્દ તો આપણે જાણીએ છીએ. વાત તો સાચી છે. પ્રમાણભાન ભૂલાય ત્યારે દવા ય ઝેર થઇ જાય! 

ટૉક્સિક સંબંધ એટલે એવા સંબંધ જેમાં મારું હોવાપણું, મારું આત્મસન્માન, મારી ખુશી દૂષિત થઇ જાય. મારી ભાવનાત્મક, માનસિક અને ક્યારેક શારીરિક સુખાકારી ઠેબે ચઢે. વાતે વાતે મને ઉતારી પાડવાની જ વાત. કોઈ મને દાબમાં રાખે. મને કશું ન ગમે પણ એ મને ધરાર ગમાડવા કહે. મારી પોતાની તો જાણે કોઈ મરજી છે જ નહીં. ચર્ચા થાય પણ અંતે મારી લાગણીનો તો કડહુલો વળી ગયો હોય. મને એકલો પાડી દેવાની પેરવી થતી રહે. એક વાત અહીં કહેવી જરૂરી છે. દરેક સંબંધમાં કે કાર્યસ્થળના વાતાવરણમાં નાની ચકમક ઝરે એ સામાન્ય ગણાય. ઇટ્સ નોર્મલ. પણ મને નુકસાન થાય, થતું રહે એવી કોશિશ જો મુસલસલ થાય અને વાતાવરણને બહેતર બનાવવાની વાતચીત થાય છતાં કોઈ નક્કર પરિણામ ન આવે તો જ માનવું કે આ સંબંધ ટૉક્સિક છે. યાદ રહે, દરેક મતભેદ મનભેદ નથી. થોડી કચકચ, થોડી ચકમક ટૉક્સિકની કેટેગરીમાં આવતી નથી. નાસિર કાઝમીના શબ્દોમાં -વો છોટી છોટી રંજિશોકા લુત્ફ ભી ચલા ગયા- એવું ન થવા દેવું. 

'એય દિલ હૈ મુશ્કિલ' ફિલ્મનો ડાયલોગ છે : ટૉક્સિક પ્યાર સિર્ફ તોડતા હૈ.. માટે આપણો અંગત કે કામકાજી સંબંધ ટૉક્સિક બને તો એને છોડી દેવો. પણ એટલું આસાન પણ હોતું નથી. રાઘવ ચઢ્ઢા માટે કદાચ આસાન હશે પણ મારા તમારા જેવા આમ આદમી માટે આસાન નથી. શું કરવું? મારા ગમાઅણગમાને હું સ્પષ્ટ કરી દઉં. મારી સ્થિતિનો વધારે પડતો ખુલાસો જો કે નહીં કરું કારણ કે એમ કરવાની જરૂર નથી. અને ધારો કે એ દિલગીરી વ્યક્ત  કરે પણ એનામાં કોઈ બદલાવ ન આવે તો એવા ખોટેખોટાં બહેકાવામાં હું આવતો નથી. અને મારા પોતાના અંગત હોય એવા કુટુંબીજનો સાથે કનેક્ટેડ તો હું રહું જ કારણ કે એ જ તો મારી સપોર્ટ સીસ્ટમ છે. ના, અમને ખબર નથી કે રાઘવે પરિણિતીનો સપોર્ટ લીધો'તો કે નંઇ? પણ હું હોઉં તો મારી પત્નીને પૂછીને જ પાણી પીઉં! જ્યાં હું કામ કરું છું ત્યાં ટૉક્સિક વાતાવરણ કાયમી રહેતું હોય, જો ધાકધમકી કે ગાળાગાળી થતી જ રહે તો તરત છોડી દેવું. ખૂબસૂરત મોડ દેકર છોડના અચ્છા-ની ય રાહ ન જોવી. કારણ કે ટોક્સિક સંબંધો વખત જતા સુધરતા નથી, સમૂળગાંના ભારે થતા જાય છે. બહુ થયું હવે. પક્ષ જ લેવાનો હોય તો હું મારો પોતાનો જ પક્ષ લઉંને? શાંતિ।અરાજકતા. રાઘવભાઈએ  વિચાર્યું હશે કે મારે શું? મારું શું? અને પછી બલ્લે બલ્લે!

શબ્દ શેષ

'વિષમયી, નકારાત્મક, અપમાનજનક અને એકતરફી કામકાજી કે અંગત સંબંધ અથવા તો મિત્રતા કે જેમાં આગળ જવાનો કોઈ રસ્તો જ ન હોય ત્યારે એ છોડીને ચાલી નીકળવું, એમાં જ તમારી જીત છે.'

- અધ્યાત્મ લેખક 

લાલાહ ડેલિયા