- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- હન્કી-ડોરી (Hunky-Dory) એટલે કે સ્થિતિનું સંતોષકારક હોવું તે. ઑલ ઈઝ વેલ! અપેક્ષાને અનુરૂપ
શ્વાસ-ઉચ્છવાસ છે કૃપા તારી
બાકી સૌ ઠીકઠાક છે જાનાં
- રશીદ મીર
આ જનો શબ્દ ક્રિકેટ અને ફિલ્મનાં તાજેતરના સમાચારોમાંથી અમને મળ્યો. ચોથી ટેસ્ટમેચના ચોથા દિવસે ભારતીય ક્રિકેટ ટીમની હાલત ખસ્તા થઈ ચૂકી હતી.અરબી શબ્દ 'ખસ્તા' એટલે ઘાયલ, નિરાશ, હતાશ, વેરણછેરણ. ભારતના પહેલી ઇનિંગના ૩૫૮ રન્સનાં જવાબમાં ઈંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં ૬૬૯ રન્સનો જંગી સ્કોર કર્યો અને બીજી ઇનિંગમાં ભારતની શૂન્ય રનમાં બે વિકેટ્સ. 'હિંદુસ્તાન ટાઈમ્સ' અનુસાર, કોમેન્ટરી કરતાં સુનિલ ગવાસ્કર બોલ્યા કે કેપ્ટન શુભમન ગીલ છે પણ ચાલે છે હેડ કોચ ગૌતમ ગંભીરનું. બહારથી ભલે તેઓ બધું જ હન્કી-ડોરીછે, એવો દેખાડો કરતાં હોય. જો કે પછી ભારત ચોથી ટેસ્ટ મેચના પાંચમા દિવસે બીજી ઇનિંગમાં એટલા તો આત્મવિશ્વાસથી રમ્યું કે હારની બાજી ડ્રો થઈ. આપણે જાણે કે જીત્યા. અને સઘળું હન્કીડોરી થઈ ગયું ! આજનો શબ્દ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતી લવ સ્ટોરી ફિલ્મ 'સૈયારા'નાં સંદર્ભે પણ સમાચારમાં આવ્યો. 'એમએસએન' અનુસાર ફિલ્મના ડાયરેક્ટર મોહિત સૂરીએ કહ્યું કે રોમ-કોમ ફિલ્મ્સમાં વ્હાઇટ-વોશિંગ થાય છે, બધુહન્કી-ડોરી દેખાડાય છે. પણ જ્યાં પ્રેમ હોય તો પેઇન પણ હોય જ. થોડું ઊંડું ઉતરીએ તો સંબંધના અસુખદ સત્યો સમજાય. 'રોમ-કોમ' એટલે રોમેન્ટિક કોમેડી અને 'વ્હાઇટ વોશિંગ' એટલે સફેદ રંગરોગાન. અંદર ભલે તૂટયું ફૂટયું હોય પણ બહારથી સારું દેખાડવું તે. સૈયારા આમ સીધી સાદી લવ સ્ટોરી નથી. જ્યારે સઘળું ઠીકઠાક લાગે ત્યારે પ્રેમિકાને ભૂલવાની બીમારી થઈ જાય છે, જે હન્કી-ડોરી નથી.મૂળ શબ્દ સામાન્ય રીતે 'ઓલ ઈઝ હન્કી-ડોરી' એવો છે. એટલે કે સબ કુછ ઠીકઠાક હૈ. પણ બંને સમાચારમાં બધુ-હન્કી-ડોરી-નથી, એવા નેગેટિવ અર્થમાં આ શબ્દ આવ્યો છે, એની અમે નોંધ લીધી છે. વાત તો સાચી છે. જીવનમાં કશું ય સમું સુતરું હોતું નથી કે રહેતું નથી. બધું જો કાયમ કુશલ મંગલ જ હોય તો..? છાપાં બંધ થઈ જાય, ભાઈ! કવિ મિત્ર ભરત વિંઝુડાનો શે'ર પછી તો સાચો ઠરે કે 'એક દિ' અખબાર કોરું આવશે, એક દિવસ થઇ જશે કંઈ ના થવું!'
હન્કી-ડોરી (Hunky-Dory) એટલે કે સ્થિતિનું સંતોષકારક હોવું તે. ઑલ ઈઝ વેલ! અપેક્ષાને અનુરૂપ. જેમ કે લગ્ન સમારંભમાં બધુ હન્કી-ડોરી હતું. સમયસર વિધિ સંપન્ન થઈ. જમણ જોરદાર હતું. સૌ આનંદમાં હતા. કોઈને ખોટું ન લાગ્યું. કોઈ રીસાયું નહીં.ઇટ્સ ફાઇન. ગોઇંગ વેલ. અથવા એમ કે અમારી ઓફિસમાં બધુ હન્કી-ડોરી છે. અમારો આ પ્રોજેક્ટ ડેડલાઇન પહેલાં જ પૂરો થઈ જશે. બોસે કહ્યું કે શુક્રવારે રજા લઈ લે એટલે હવે રક્ષાબંધન માટે હું ઘરે આવી રહ્યો છું. અથવા એમ કે અમારા લગ્નજીવનમાં સઘળું હન્કી-ડોરી છે એનું રહસ્ય એ છે કે જો મારી ભૂલ થાય તો હું માફી માંગી લઉં છું અને જો પત્નીની ભૂલ હોય તો એ મને માફ કરી દેય છે! હન્કી-ડોરી અમેરિકન બોલચાલનાં શબ્દ તરીકે સને ૧૮૬૫માં જાપાનીઝ ટોમી નામક વેરાઇટી શૉ પરફોર્મર દ્વારા પહેલી વાર બોલાયો. શબ્દનું મૂળ ચોક્કસ મળતું નથી પણ કહે છે કે જાપાનના યોકોહામા શહેરમાં મધ્ય ભાગથી લઈને બંદર વિસ્તારને જોડતો રસ્તો આજે પણ છે, જેનું નામ હોન્ચો ડોરી છે. જાપાનીઝ શબ્દ 'ડોરી'નો અર્થ સરિયામ રસ્તો, એવો થાય છે. અમેરિકન નાવિકો જાપાનથી વતન પાછા ફરતા ત્યારે જરૂરિયાતની તમામ વસ્તુઓ તેઓને આ રસ્તા પરથી મળી જતી એટલે તેઓ આ શબ્દ પણ જાપાનથી અમેરિકા લઈ આવ્યા. અમેરિકન ઇંગ્લિશમાં 'હન્ક' એક વિશેષણ છે, જેનો અર્થ સલામત અથવા સારી સ્થિતિ એવો થાય છે. 'હન્ક'નું મૂળ ડચ શબ્દ 'હોન્ક' છે જેનો અર્થ 'ઘર' અથવા 'લક્ષ્ય' એવો થાય છે. કદાચ એવું થયું હશે કે આ દ્વિભાષી શબ્દ વિનોદી અમેરિકન નાવિકોએ શોધ્યો હશે. આમ પણ હન્કી-ડોરી ઇન્ફોર્મલ (અનૌપચારિક) શબ્દ ગણાય છે. મસ્તી મજાક કે હ્યુમરમાં કહેવું હોય, રમતિયાળ સ્વરમાં કહેવું હોય કે બડે મઝે હૈ! તો હન્કી-ડોરી શબ્દ પ્રયોગ યોગ્ય છે.
હન્કી-ડોરી મનની સ્થતિ છે, માઈન્ડસેટ છે. હન્કી-ડોરી હોય ત્યારે મનને સારું લાગે છે. પોઝિટિવ તો રહેવું જ જોઈએ. સ્ટ્રેસ ઘટે. આપણે તો જાણીએ કે સ્થિતિ કાયમ હન્કી-ડોરી રહેતી નથી. સુખ સાથે દુઃખ તો હોય છે. આપણી સમજ તો એવી કે સુખની સાપેક્ષ દુઃખ વધારે હોય છે. ફિલ્મી અભિનેતા અનિલ કપૂર કહે છે કે એવી ફિલ્મ જે 'ફીલ-ગુડ' હોય, જેમાં સઘળું 'હન્કી-ડોરી' હોય એવી ફિલ્મ બોક્સઓફિસ પર ચાલતી નથી. જો કે આપણાં કવિલોક ઇલમી છે, ફિલ્મી નથી. મુસાફિર પાલનપુરી લખે છે કે સુખ નેં દુઃખ હૈં દોઈ બરફ કે ટુકળોં જેવે, ઘુલનેં મેં કા વાર, કલંદર! પોંચ વલીંગે. પહોંચી વળશું! કવિ અને કવિતા અમને એટલે ગમે છે. જુઓને, જીવન યાત્રા છે. મંઝિલ મોત છે. જે છે એ આ યાત્રાની જ મઝા છે. અને યાત્રામાં બધુ હન્કી-ડોરી છે અથવા હતું અથવા હશે! પહોંચી વળીશું. બાકીતો મરવું બધાને છે, હેં ને?
શબ્દ શેષ
'જેવું માઈન્ડસેટ એવું જીવન'
- અજ્ઞાત


