- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- ઉમ્મેદ અને કલ્પના કોઈ પણ કામને રોમાંચક બનાવે છે.મહેનતનાં ફળ મીઠાં જ હોય એ જરૂરી નથી. પણ મહેનતની પ્રોસેસ ચોક્કસ મીઠી હોય છે
( जो मजा तलब में है,
वो हासिल में कहां
- अज्ञात
દિ વાળી વેકેશન પૂરું થયું. ફરી આવ્યા. પહેલાં દિવાળી ઘરે જ રહીને ઉજવાતી. હવે બહાર ફરવા જવાનો ટ્રેન્ડ છે. ટ્રાવેલ મોંઘું, હોટલ મોંઘી, સર્વિસના કાંઈ ઠેકાણા નહીં. અને ભીડ તો એટલી કે હૈયે હૈયા દળાઈ જાય. ફોટા પાડીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની પળોજણમાં જોયું તો ખરું પણ માણ્યું કાંઈ નહીં. આવ્યા અને થાકીને ઠૂસ થઇ ગયા. પણ જ્યારે ફરવાનો પ્લાન બનાવતા હોઈએ ત્યારે જે મઝા આવી હતી એ કાંઈ ઓર જ હતી. આજનો શબ્દ ફોરફ્રોઈડા (vorfreude) એ જ દર્શાવે છે.
ફોરફ્રોઈડા એટલે ભવિષ્યની મઝાની ઉત્કંઠાથી થતો ઉત્કટ આગોતરો આનંદ. આ જર્મન શબ્દ છે. ફોર+ ફ્રોઈડા. 'ફોર' એટલે પહેલાં અને 'ફ્રોઈડા' એટલે આનંદ, હર્ષ, હરખ, મઝા. ફરવા જવાનું હોય એટલે પહેલાં તો દોસ્તો સાથે નિયમિત બેઠક થાય. ક્યાં જવું? તેના વિકલ્પોની વિષે ચર્ચા થાય. ખર્ચાની ચર્ચા થાય. રજા મળશે? જ્યાં જવાના હોઈએ એની બારીક બારીકથી વિગત આગોતરી જાણી લેવી પડે કારણ કે ખબર ન હોય તો જોવા જેવી ચીજ રહી જાય અને સમય અમથો અમથો વહી જાય. કોઈ ત્યાં પહેલાં જઈ આવ્યા હોય તો એની પાસે સલાહ સૂચન લેવાતી હોય. એક વાર રીઝર્વેશન થાય પછી.. આ હા! રાહ જોવાની કે ક્યારે આ રગશિયા ગાડા જેવી જિંદગીમાંથી છટકીને વિમાનમાં ઊડી જઈએ. એક જબરી ઉત્તેજના, એક પ્રગલ્ભ પ્રક્ષોભ. આજનો શબ્દ ફોરફ્રોઈડા જો કે આ ઉત્તેજનાથી પણ કશુંક વધારે હોય ત્યારે વપરાય છે. જલસો થઇ જશે એની કલ્પના કે સંભાવનામાં હું હરખપદુડો થઇ જાઉં છું. મઝા આ જ છે. ફરવાની એક્ચ્યુઅલ ક્રિયામાં આ મઝા આવતી નથી. મુસાફરીમાં ભીડ, ભોજનમાં અસ્વાદિષ્ટ અને ઉજાગરા સોતો થાક. ફરીને પાછા આવીને ડિપ્રેશન આવી જાય. ખોટા ગયા. નો'તું જવું જોઈતું. ખોટી દેખાદેખી કરી. મરીઝ લખી જ ગયા છે કે બધીયે મજાઓ હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે.
આ આખી પ્રોસેસમાં મઝા માત્ર આયોજન અને પ્રત્યાશામાં જ છે. કશુંક આવી રહ્યું છે એની સાથે એક જબરું ઈમોશનલ કનેક્શન છે. આ શબ્દ માત્ર ફરવા જવાની સંભાવના અને આયોજન પૂરતો મર્યાદિત નથી. ઘરમાં લગ્ન પ્રસંગ આવવાનો હોય એનું પ્લાનિંગ પણ આટલી જ ઉત્તેજના જગવે છે. સજધજ અને ટીપટાપ કેવી રીતે કરીશું? નાચગાનાની પ્રેક્ટિસ. દરેક પ્રસંગના વસ્ત્રો અલગ. અલંકાર અલગ. ફોટામાં સારા દેખાવા જોઈએ. આની એક જબરી મઝા છે.
માત્ર મોટા પ્રસંગોના આયોજન અને તૈયારીમાં જ ફોરફ્રોઈડાના અદકેરાં આનંદની અનુભૂતિ થાય છે, એવું નથી. નાના ગણાતા રોજિંદા કામમાં પણ તમે એનો અનુભવ કરી શકો. આદિકવિ નરસિંહ મહેતાની સલાહ માનીને રાત રહે જાહરે પાછલી ખટઘડી હું સૂઈ રહેતો નથી. જાગીને જોઉં તો મને જગત દીસે છે! ચા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા-ના સ્તુતિ ગાન કરતા હું બ્લેક ટી બનાવવાની તૈયારીનો આરંભ કરું છું. રોજ અવનવા ઇન્ગ્રેડિયન્ટ્સ. ક્યારેક લેમનગ્રાસ અને બ્લેક જિંજર તો ક્યારેક રોઝમેરી. લીંબુનો રસ પણ ક્યારેક ઉમેરું છું. તજ, લવિંગ અને ઈલાયચી પણ ક્યારેક. આજકાલ આમળાં મળે છે એ ય છીણીને નાખું છું. જાસ્મીનના ફૂલ આજકાલ થતા નથી પણ જ્યારે થતા હતા ત્યારે લાઈવ જાસ્મીન ટીની મઝા કાંઈ ઓર જ હતી. દેશી ગુલાબના ફૂલની પાંદડીઓ પણ એક ખાસ ખુશ્બુ લાવે છે. ના, દૂધ અને ખાંડનો ઉપયોગ કરતો નથી. અને હા, આ માટે કોઈ ખાસ ટાઈમ ટેબલ નથી. જે દિવસે જે મૂડ આવ્યો એવા ઇન્ગ્રેડિયન્ટ્સ. ચા બનાવવા પાણીનું ટેમ્પરેચર (ઉષ્ણતામાન) અને સ્ટીપિંગ ટાઈમ (પલળવાનો સમય) પણ એટલાં મહત્ત્વના છે. પછી હું હિંચકા ઉપર બિરાજું છું. બેક ગ્રાઉન્ડમાં ક્યારેક સંતૂર વાદન હોય છે તો ક્યારેક વાંસળી વાદન. યૂ ટયુબ અને બ્લૂ-ટૂથ સ્પીકરથી સંગીત હવે સુગમ રીતે ઉપલબ્ધ છે. પછી બની ઠની ચાની કાચની કીટલીને ટી લાઈટ (નાની મીણબત્તી)ની નીચે રાખીને કપમાં ચા લઈને પી શકીશ, જેથી ઠંડી ન પડી જાય. ચૂસકી લેતા લેતા પુસ્તકને વાંચીશ. પુસ્તકમાં કદાચ મઝા ન પણ આવે. ચાયનો સ્વાદ કદાચ કન્ફ્યુઝ કરે એમ પણ બને. પણ ચા બનાવવાની મઝા તો મેં લઈ જ લીધી છે. બીજે દિવસે ફરી એ જ વહેલી સવાર અને અલગ ઇન્ગ્રેડિટન્ટસ સાથેની ચા બનાવવાની વિધિ. ઇટ્સ અ રીચ્યુઅલ ફોર મી. એવરી ડે. ડે આફ્ટર ડે. માય ઓવ્ન ફોરફ્રોઇડા.
ઉમ્મેદ અને કલ્પના કોઈ પણ કામને રોમાંચક બનાવે છે. મોહનથાળ ખાતા પહેલાંની એ પળ, દિલધડક ફિલ્મનો એ ડાયલોગ પહેલાંના સીન, કડકડતી ઠંડીમાં એ તાપણું જલાવવાની કોશિશ. મોહનથાળ હજી ખાધો નથી. ડાયલોગ હજી આવ્યો નથી. તાપણું હજી તો જલું જલું થાય છે. હજી આપણે પ્રયાસ કરીએ છીએ. મહેનત કરીએ છીએ. મહેનતનાં ફળ મીઠાં જ હોય એ જરૂરી નથી. પણ મહેનતની પ્રોસેસ ચોક્કસ મીઠી હોય છે.
શબ્દ શેષ
'આનંદની અપેક્ષા એ પોતે જ એક મહત્ત્વપૂર્ણ આનંદ છે.'
-સ્કોટિશ ફિલસૂફ/
ઇતિહાસવિદ ડેવિડ હ્યુમ


