Get The App

ચેરી પિકિંગઃ અર્ધસત્ય .

Updated: Oct 3rd, 2023

GS TEAM


Google News
Google News
ચેરી પિકિંગઃ અર્ધસત્ય                                 . 1 - image


- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- હું બધી માહિતીઓનું મૂલ્યાંકન જ કર્યા કરતો રહું તો હું જીવીશ ક્યારે? 

एक पलडे में नपुंसकता,

एक पलडे मे पौरुष,

और ढीक तराजू के कांटे पर अर्धसत्य ।

- दिलीप चित्रे

યુ નાઈટેડ નેશન્સમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે કેનેડાનું નામ લીધા વિના પશ્ચિમી દેશોને જ્ઞાાન આપ્યું કે કોઈ પણ દેશ પોતાની ક્ષેત્રીય અખંડતા અને સાર્વભૌમત્વનાં નામે, પોતાની રાજકીય સગવડતા અનુસાર અન્ય દેશ સામે આંતરિક દખલગીરીનો આરોપ મૂકે, એ યોગ્ય નથી. તેઓએ ચેરી પિકિંગ (Cherry picking) શબ્દનો ઉપયોગ કર્યો. શું છે આ ચેરી પિકિંગ?

'ચેરી પિકિંગ' ખોટા પુરાવાઓ આધારિત ભ્રાંતિ છે. ભારતે અનેક વાર કેનેડા સામે ખાલિસ્તાની આંતકવાદનાં મુદ્દાઓ ઊઠાવ્યા પણ જસ્ટિન ટ્રુડો ચૂપ રહ્યા. આતંકવાદી નિજજર હણાયો કે તેઓ કેનેડાનાં સાર્વભૌમત્વની અને ભારતીય એજન્ટની દાખલગીરીની વાત કરવા માંડયા. પોતાની રાજકીય ખુરશી બચાવવા ખાલિસ્તાનીઓનું સમર્થન કરવું અને આંતકવાદ અંગે ભૂતકાળમાં ભારતે ઊઠાવેલાં બાકીનાં મુદ્દાઓ પર પ્રતિભાવ ન આપવો એ ઠીક નથી. આ ચેરી પિકિંગ છે. ઘણી ચેરી પિક કરવાની હતી પણ.. જે ચેરી પિક કરવાથી ફાયદો હતો, એ જ, પોતાની પસંદગીની સ્પેસિફિક ચેરી તેઓએ પિક કરી. આ તો સગવડિયો રાજધર્મ.

'ચેરી' એટલે બોર જેવું લાલ ચટ્ટાક ફળ. અને 'પિક' એટલે ચૂંટવું. એક મુહાવરા તરીકે એનો અર્થ થાય કે વ્યક્તિઓ અથવા વસ્તુઓનાં ઝૂમખાંમાંથી જે શ્રેષ્ઠ હોય એવું જ ચૂંટવું. એવી ચેરી જે પરિપક્વ અને સ્વાસ્થ્યપ્રદ હોય એને જ ચૂંટવાની હોય. જે આ પ્રક્રિયા જુએ એને લાગે કે વૃક્ષની બધી જ ચેરી આટલી જ સારી છે. પણ બાકીની ચેરી એટલી સારી ન હોય. મારો સ્ટ્રોબેરીનાં પેકનો અનુભવ એવો જ છે. ઉપરની સ્ટ્રોબેરી મોટી અને ઘેરાં લાલ રંગની હોય. જ્યારે નીચે સાવ નાની સ્ટ્રોબેરી હોય. મુહાવરો જો કે 'સ્ટ્રોબેરી પિકિંગ' એવો નથી! અમુક પ્રાઇવેટ સ્કૂલ્સનાં રીઝલ્ટ સારા આવે અને સરકારી શાળાઓનાં પરિણામ નબળાં આવે કારણ કે પ્રાઈવેટવાળાં પહેલેથી ચેરી પિકિંગ કરી ગયા. તમે કહેશો કે પ્રાઇવેટ સ્કૂલ્સ સારા વિદ્યાર્થીઓને પસંદ કરે તો એમાં ખોટું શું છે? પણ અન્ય સામાન્ય સ્થિતિનાં બાળકોને માટે એ ગેરફાયદો છે. તેઓને એવી તક નથી મળવાની, જે પેલાંઓને મળશે. તેઓએ તો જીવનભર કારકૂની જ કરવાની રહે. ચેરી પિકિંગ શબ્દની તાસીર નકારાત્મક છે. ચેરી પિકિંગ અનુચિત કે અન્યાયપૂર્ણ કૃત્ય છે. એજ્યુકેશન  ઉપરાંત પોલિટિક્સ, મીડિયા, ન્યૂઝ, એડવર્ટાઈઝમેન્ટ, સર્વે અને રીસર્ચ સેક્ટરમાં ચેરી પિકિંગ જોવા મળે છે. આ બધા મહારથીઓ પોતાને ફાયદો કરાવે એવા ડેટા ચેરી પિક કરે છે. પ્રજા ભોળી છે. છેતરાઈ જાય છે.

ઈસા પૂર્વ પાંચમી સદીમાં ડાયાગોરાસ ઓફ મેલોસ નામક એક નાસ્તિક ફિલસૂફ થઈ ગયો. તે સમયે આસ્તિકો કહેતા કે સમુદ્રની મુસાફરી વેળા પ્રાર્થના કરીએ તો જીવ બચી ગયાનાં અનેક દાખલાઓ છે. પણ ડાયાગોરસ કહેતો કે એવાં ય ઘણાં લોકો છે જેઓએ પ્રાર્થના કરી હતી તેમ છતાંડૂબી મર્યા. ડેટામાં આવી ઘણી ગરબડ ચાલી રહી છે. કમ્પ્યુટર આવવાથી સત્ય બહાર આવી જતું નથી. ડેટા ચેરી પિક થઈ જાય છે અને સાચું ચિત્ર પિકદાનીમાં પિચકારીએ દેવાઈ જાય છે. અહીં પિક ગુજરાતી શબ્દ છે. ભગવદ્ગોમંડલ અનુસાર 'પિક' એટલે પાન, સોપારી, તંબાકુનો રસ, પાનનું થૂંક. દવાની કંપનીવાળાઓ નવી દવાની  ટ્રાયલમાં પણ એવા દર્દી પસંદ કરવામાં આવે છે, જે ઝડપથી સાજા થઈ જાય. જ્યારે દવા એપ્રુવ થઈને માર્કેટમાં આવે ત્યારે અસરકારક સાબિત ન થાય. કારણ પેશન્ટ્સનું પહેલેથી જ ચેરી પિકિંગ થઈ ગયું'તું!

ચેરી પિકિંગ જાણ્યે પણ થાય અને અજાણ્યે પણ થાય. ટ્રુડોએ જાણી જોઈને કર્યું, એ આપણે જાણીએ છીએ. કોઈ ચેરી પિકિંગ જાણી જોઈને કરે તો શું કરવું? કહી દેવું કે ભાઈ, તમે આ વિષય સાથે જોડાયેલી અગત્યની માહિતીની જાણી જોઈને ઉપેક્ષા કરી રહ્યા છો. અને એમ કરવાથી તમને શું મુશ્કેલી પડશે? એ પણ ચર્ચા કરવી કે તમે જે ધ્યાન પર નથી લીધી એ માહિતી આ છે. વિદેશ મંત્રી જયશંકરે એ જ તો કર્યું. હા, પણ જો ચેરી પિકિંગ ઇરાદાપૂર્વક ન થયું હોય તો સામાવાલા પર સીધો હૂમલો કરવાની જગ્યાએ એને પૂછવું કે ભાઈ, તમે ધ્યાન પર નથી લીધી એ વાત તમારા ધ્યાનમાં તો છે ને? ઈન ફેક્ટ, આ પ્રશ્ન જાણી જોઈને ચેરી પિકિંગ કરનારને પણ પૂછી શકાય. આ ડિપ્લોમસી કહેવાય છે. હૂમલો ય કરવો અને સમજાવવો ય ખરો. લાગે છે કે ટ્રુડોને અક્કલ ઠેકાણે આવશે.

હું જો કે ચેરી પિકિંગ કરતો રહું છું. સારું સારું જ ચૂંટવું મારો સ્વભાવ છે. વિચારું તો છું પણ વધારે પડતું વિચારતો નથી. સમય વીતી જાય અને હું બધી માહિતીઓનું મૂલ્યાંકન જ કર્યા કરતો રહું તો હું જીવીશ ક્યારે? મારા પોતાના આંતરિક નિયમો છે. તમે એને સંસ્કાર કહી શકો. કોઈએ મારા માટે એક રસ્તો કંડાર્યો છે, એક શિરસ્તો સૂચવ્યો છે. એટલે ઝાઝું પિષ્ટપેષણ હું કરતો નથી. 'પિષ્ટપેષણ' એટલે દળેલાંને ફરી દળવું તે. કોઈએ મારા માટે ચેરી પિકિંગ કર્યું છે. સારું જ હશે. ચેરીનો મુરબ્બો મારા માટે ચવચવનો મુરબ્બો છે. ગુજરાતી લેક્સિકન અનુસાર ચવચવનો મુરબ્બો એટલે ટૂંકી વાર્તા કે નાની સુભાષિતોનો સંગ્રહ. અમૃત ઘાયલ સાહેબ કહી ગયા છે કે તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ! વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું. સાચી વાત છે. ચેરી પાકીને ફદફદી જાય ત્યાં સુધી રાહ જોવામાં બહુ માલ નથી! માય લાઈફ, માય ચેરી પિકિંગ.. 

શબ્દ શેષ:

'ઝાડની સામે પીઠ રાખીને તમે ચેરી પિક ન કરી શકો.' -બેન્કર બિઝનેસમેન જે. પી. મોર્ગન

Tags :