ટેટૂ : છૂંદણું .
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- ચામાચીડિયાની પાંખના હાડકામાંથી બનાવેલું સાધન એટલે ટટાઉ અને એના ઉપયોગથી છૂંદણા ત્રોફવાની પ્રક્રિયા એટલે ટેટૂ
હ મણાં અલગ વિષયોના અલગ સમાચારોમાંથી અમને એક કોમન શબ્દ જડયો. ઝી ન્યૂઝ અનુસાર ઓપરેશન સિંદૂર પછી કાશ્મીરના યુવાનો પોતાના હાથ ઉપર દોરેલા ટેટૂ કઢાવી રહ્યા છે. હાથ ઉપર એકે-૪૭ના ટેટૂ હોય તો શું થાય? શ્રીનગરનો ટેટૂ રીમૂવલ આટસ્ટ બસિત બશીર કહે છે કે યુવાનોને હવે અફસોસ થાય છે. આર્મીનું ચેકિંગ વધી ગયું છે. ઈસ્લામિક પરંપરામાં પણ ટેટૂ હરામ છે. આમ તો ઓરિસ્સા ફરવા આવેલી એક ઇટાલિયન છોકરીએ જાંઘ પર ભગવાન જગન્નાથનું ટેટૂ કરાવ્યું ત્યારે એનો ભારે વિરોધ થયો હતો. જેની પાસે ટેટૂ કરાવ્યું એ આર્ટિસ્ટને પોલિસ પકડી ગઈ હતી. એક તાજા સમાચાર અનુસાર એક સત્સંગી યુવાને મથુરાના સ્વામી પ્રેમાનંદને પ્રશ્ન કર્યો કે ભગવાનના નામનું ટેટૂ બનાવાય કે નહીં? સ્વામીજીએ એને પ્રેમથી જવાબ આપ્યો કે તમે મહાદેવનું ટેટૂ ડાબા હાથ પર ત્રોફાવ્યું છે પણ ડાબો હાથ તો શૌચક્રિયામાં વપરાય છે અને સ્નાન કરો ત્યારે એ ટેટૂને અડેલું પાણી તમારા પગ ઉપર પડે છે. તમે ઈશ્વરનું અપમાન કરી રહ્યા છો. ભગવાન સિવાય અન્ય કોઈ ટેટૂ જો કે કરાવી શકાય. વર્ષો પહેલાં ઓરિસ્સાની કંધા આદિવાસી સ્ત્રીઓ પોતાના ચહેરા ઉપર વિચિત્ર ટેટૂ ત્રોફાવીને કદરૂપી દેખાવાની કોશિશ કરતી, જેથી જાગીરદાર, રાજા અને બ્રિટિશ શાસનકર્તા દ્વારા થતાં યૌન શોષણથી બચી શકાય. 'ધ હિન્દુ' લખે છે કે હવે એ પ્રથા અટકી છે. ચાલો સારું થયું. એક અન્ય તાજા સમાચાર મુજબ, એક સ્વિસ છોકરીને રેડ બુલ પીણું ખૂબ ભાવતું અને એટલે એણે બાર કોડનું ટેટૂ પોતાના હાથ પર કોતરાવી દીધું. હવે સ્ટોર્સમાંથી રેડ બુલ લઈને પોતાના હાથ પર જ સ્કૅન કરીને પૈસા ચૂકવી દેવાના! તો એક સમાચાર એ પણ આવ્યા કે રવિના ટંડનની દીકરી રાશાએ પતંગિયાનું ટેટૂ ત્રોફાવ્યું. પતંગિયાની જીવનયાત્રા કોશેટામાંથી નીકળીને જમીનથી હવામાં ઊડાન સુધીની છે. મુક્તિ અને વિકાસની ગાથા છે. ત્વચા પર પતંગિયું એ બતાવે છે કે તમે ક્યાં હતા, કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો અને હવે ક્યાં જશો? પતંગિયાનું ટેટૂ એક કહાણી છે, યાદગીરી છે, પ્રાર્થના છે અને વચન છે. પણ આપણે તો શબ્દ ટેટૂ (Tattoo)ની વાત કહેવાની છે.
અમેરિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રશાંત મહાસાગરમાં સામોન ટાપુની ભાષાનો મૂળ શબ્દ 'ટટાઉ'નો અર્થ - પ્રહાર કરવો કે ઘા કરવો- એવો થાય છે. ફ્લાઇંગ ફોક્સ તરીકે ઓળખાતા ચામાચીડિયાની પાંખના હાડકામાંથી બનાવેલું સાધન એટલે ટટાઉ અને એના ઉપયોગથી છૂંદણા ત્રોફવાની પ્રક્રિયા એટલે ટેટૂ. સામોન, તાહિટી, ટોંગા વિગેરે દેશોની પોલિનેશિયન ભાષાઓમાંથી આ શબ્દ ૧૮મી સદીમાં ઇંગ્લિશ ભાષામાં પ્રવેશ્યો. આ પહેલા ય ટેટૂ તો થતાં જ હતા પણ ત્યારે એ પેઇન્ટિંગ (ચિત્રકારી), સ્કારિંગ (ડાઘ કે નિશાન) અથવા સ્ટેઇનિંગ (રંગ લગાડવો) કહેવાતા હતા. અમેરિકન ડર્મેટોલોજીસ્ટ એસોસિએશન અનુસાર ટેટૂના પાંચ પ્રકાર છે. અકસ્માતને કારણે શારીરિક ઇજાથી શરીર પર ડાઘ પડયો હોય એ 'ટ્રોમેટિક' ટેટૂ છે. હિટલરના નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાં કેદીઓના ડાબા હાથ, છાતી કે પેટ ઉપર નંબરનું ટેટૂ કરાતું હતું. 'દીવાર' ફિલ્મમાં અમિતાભ બચ્ચનના હાથ ઉપર 'મેરા બાપ ચોર હૈ' શબ્દો ત્રોફાવ્યા હતા, એ ટ્રોમેટિક (આઘાતજનક) ટેટૂ હતું. એ પછી 'એમેચ્યોર' (શીખાઉ) અને 'પ્રોફેસનલ' (વ્યાવસાયિક) ટેટૂ આવે છે. આ બંને પ્રકારના ટેટૂ પરંપરાગત પદ્ધતિથી અથવા મશીનથી કરવામાં આવે છે. આ ઉપરાંત ચોથો પ્રકાર કાયમી મેકઅપ તરીકે ઓળખાતા 'કોસ્મેટિક ટેટૂ' છે. જેમાં ભ્રમર નીચે કે હોંઠ ઉપર કાયમી ગોરી 'ને ગુલાબી રંગભૂષા કરી દેવામાં આવે છે. અને પાંચમો પ્રકાર 'મેડિકલ' ટેટૂ છે જેમાં શરીર પર વારંવાર થતી રેડિયોથેરપીના સાધન એ જ જગ્યાએ મૂકાયેલ છે કે કેમ? એ ચકાસવા થતું નિશાન શામેલ છે. ક્યારેક ભૂલવાનો રોગ હોય એવા દર્દીને ટેટૂ કરી દેવામાં આવે છે, જેથી એને યાદ આવી જાય કે એ કોણ છે? ક્યાં રહે છે? વગરે. 'ગજિની' (૨૦૦૮) ફિલ્મ યાદ છે? માથા પરની ઇજાને કારણે આમીર ખાનની યાદશક્તિ માત્ર પંદર મિનીટ્સ પૂરતી સીમિત થઈને રહી જાય છે અને ત્યારે શરીર ઉપર ટેટૂ કરીને એ પોતાની યાદદાસ્ત જાળવે છે અને પોતાની પ્રેમિકાનાં ખૂનીનો ખાત્મો કરે છે.
લોકો શા માટે ટેટૂ ત્રોફાવે છે? ટેટૂ કરાવવા પાછળના કારણ અંગત હોઇ શકે, સાંસ્કૃતિક કે કલાપ્રેમ ય હોઇ શકે. અંગત અભિવ્યક્તિ, ગમતીલાની યાદને શરીરવગી રાખવી, અગત્યના પ્રસંગની નોંધ રાખવી- વગેર હોઈ શકે. મૂળ તો આ ઓળખપત્ર છે. ટેટૂની તરફેણ કરનારા ય છે. ટેટૂને ધિક્કારનારા ય છે. વિરાટ કોહલીના ડાબા હાથ પર કૈલાસ માનસરોવર ઉપર ધ્યાન ધરતા મહાદેવ છે. માતા સરોજ અને પિતા પ્રેમના નામ પણ ડાબા હાથ પર છે, જે મજબૂત કૌટુંબિક ભાવનાના સૂચક છે. જાપાનીઝ સમુરાઈ પણ છે, જે શિસ્ત, શક્તિ અને આત્મનિયંત્રણની સૂચક છે. કોહલીની વિરાટ કારકિર્દી, આધ્યાત્મિકતા અને મૂળનું સન્માન- એના ટેટૂઓમાં ઝલકે છે. જો કે રિશી કપૂર કહેતા કે ઘણા લોકો ટેટૂ કરાવ્યા પછી પસ્તાવો કરે છે. કઢાવી નાંખવાની કોશિશ કરે છે. આ સઘળું માર્કેટિંગ અને પ્રસિદ્ધિ માટે છે. આમ પણ ઘઉંવર્ણી ચામડી ઉપર ટેટૂ સારા લાગતાં નથી. ભગવાને શરીર આપ્યું છે. એને શું કામ બગાડવું? એક બાપે દીકરાને જો કે સલાહ આપી કે ટેટૂવાળી છોકરી સાથે જ લગ્ન કરવા. એને પછીથી ભલે અફસોસ થાય પણ અનવોન્ટેડ ટેટૂને જેમ તને સાચવીને તો રાખશે! જસ્ટ જોકિંગ!
શબ્દશેષ
'દરેક વસ્તુ ટેમ્પરરી હોય છે.'
- એક ટેટૂનું લખાણ