- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- 'પેટપૂજા' શબ્દ ફૂડીના ભોજન માટે પરફેક્ટ શબ્દ છે. એને મન પેટ 'ભરવું' પૂરતું નથી. પેટની 'પૂજા' થવી જોઈએ
તમારી યાદ અમને અવનવા પકવાન પીરસે છે,
ડૂમા રોંઢે ને ડૂસકાં વાળુએ, આંસુ શિરામણમાં.
- ડૉ. મનોજ જોશી 'મન'
ભો જનના સમય અનુસાર આપણી ભાષામાં શબ્દ બદલાય છે.' રોંઢું' (High Tea) એટલે બપોર અને સાંજ વચ્ચેનો નાસ્તો, 'વાળુ' એટલે રાત્રિભોજન (Supper) અને 'શિરામણ' (Brunch) એટલે સવાર અને બપોર વચ્ચેના સમયનું ભોજન. પ્રિયની જેને તમા નથી એવી પ્રિયતમાની યાદ કાવ્યનાયકને ડૂમા, ડૂસકાં અને આંસુના અવનવાં પકવાન પીરસે છે. (જો કે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં પ્રિયતમાની યાદની કોઈ દખલગીરી નથી. પોઈન્ટ ટૂ બી નૉટેડ) અભિનેત્રી કૃતિ સેનન કહે છે કે દુનિયાના તમામ પ્રશ્નોનો ઉકેલ એક જ છે અને એ છે ફૂડ. સાચી વાત છે. ખાવાનું ખાવાનું. 'તમે ભૂખ્યા થાવ તો ખાવ. કંટાળી ગયા હો તો ખાવ. ખુશખુશાલ હો તો ખાવ. દુ:ખથી નિઢાલ હો તો ખાવ'. કૃતિ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર આવું કહે છે. લો બોલો! અને પછી ભાતભાતની વાનગી ખાતા એના વિડીયો વિઝયુઅલ્સ આવે છે અને પછી એ આપણને સવાલ પૂછે છે: 'સન્ડે હૈ, ક્યા ખાયા?' કૃતિ પોતાને આજન્મ ફૂડી ગણાવે છે. ફૂડી(Foodie) જે આજે આપણો શબ્દ છે.
'ફૂડ' એટલે અન્ન, ખોરાક, ભોજન, આહાર, ભક્ષ, ચાવણું, બાફણું, ભક્ષ, મમમમ, મોઠી... ભગવદ્ગોમંડલ અનુસાર એક રૂઢિપ્રયોગ તરીકે 'મોઠી મારવી' એટલે ખાવું, જમવું. ખાવાની શોખીન વ્યક્તિને 'ફૂડી' કહે છે. ખોરાકમાં જેને ઊંડો રસ હોય. એ ખોરાક વિશે, એની રેસિપી વિશે એને ઘણી સમજણ હોય, જ્ઞાન હોય. કોઈ એક વાનગીની સામગ્રી, મરીમસાલા, એને પકાવવાની પદ્ધતિ, એટલું જ નહીં પણ એ વાનગી તૈયાર થઇ જાય એટલે એની સજાવટ સાથે પીરસવાની પણ એ ફૂડી વ્યક્તિને આગવી સમજણ હોય છે. ફૂડી હોય એના રોજબરોજની એક્ટિવિટી પણ ખાણીપીણીની આસપાસ નક્કી થતી હોય. કોઈ શહેરમાં જવાની વાત આવે એટલે ત્યાં ખાવા શું મળે છે? - એવો વિચાર ફૂડીને પહેલો આવે. ફૂડી હોય એ દુનિયાના ગમે તે છેડે સ્વાદિષ્ટ ભોજન થકી પોતાની પેટપૂજાનો જુગાડ કરી જ લે. યસ, આપણો 'પેટપૂજા' શબ્દ ફૂડીના ભોજન માટે પરફેક્ટ શબ્દ છે. એને મન પેટ 'ભરવું' પૂરતું નથી. પેટની 'પૂજા' થવી જોઈએ. અને પૂજા તો પવિત્ર હોય, એની તો શાસ્ત્રોક્ત વિધિ હોય. ઇંગ્લિશ ભાષામાં એક ગોરમેટ (Gourmet) એવો શબ્દ પણ છે. મેરિયમ વેબ્સટર ડીક્સનરી અનુસાર 'ગોરમેટ' એટલે એવી વ્યક્તિ જેને ખાણીપીણીમાં આનંદ આવે. ફુડીનો અર્થ પણ એ જ. ફેર માત્ર એટલો કે ગોરમેટ કોઈ ચોક્કસ આહાર બાબતે ઉચ્ચ કક્ષાની લાયકાત ધરાવતી કે અભિજાત્ય વર્ગની વ્યક્તિ હોય ત્યારે વપરાય; જ્યારે ફૂડી શબ્દ 'ફૂડ રસિક'ના જનરલ અર્થમાં વપરાય છે. ટૂંકમાં ફૂડી કોઈ પણ થઇ શકે. બસ, એને ખાવામાં અને ખાવાનો આનંદ હોવો જોઈએ. ખાવા માટે જીવે એ ફૂડી. કૃતિ સેનન પોતાને ફૂડી કહે છે. ફૂડી આમ તો સમજાય એવો શબ્દ છે. અને સમજાય એ જ શબ્દ, હેં ને?!
એક શબ્દ તરીકે 'ફૂડી' ૧૯૮૦ના દાયકામાં અલગ અલગ રીતે અમેરિકાના ન્યૂયોર્ક મેગેઝીન અને બ્રિટિશ હાર્પર્સ એન્ડ ક્વીન્સ મીડિયામાં પ્રકાશિત થયો. લોકોને આ શબ્દ ગમ્યો. પછી તો 'ફૂડિસ્ટ' નામનો એક શબ્દ પણ ચલણમાં આવ્યો. 'ફૂડિસ્ટ' એટલે એવી વ્યક્તિ જેને નોન-ફૂડી વ્યક્તિ દીઠે ગમતા ન હોય. ટૂંકમાં, ફૂડિસ્ટ એવા માણસને ધિક્કારે છે જે ખાતો નથી અને ખાવા દેતો નથી. ઘણાંને જો કે ફૂડી શબ્દ સામે વાંધો છે. આ શું? ફૂડ શબ્દની પાછળ 'ઈ' લગાડી દીધો એટલે પત્યું. આ તો બાળકની ભાષા થઇ. 'વૉશિન્ગટન પોસ્ટ'ના પત્રકાર રોબર્ટો ફ્રૅડમેનને લાગ્યું કે ફૂડી શબ્દ એટલો બધો ઉપયોગમાં આવે છે કે 'ફૂડ લવર' તરીકેનો એનો અર્થ ઉજાગર થતો નથી. અને 'ફૂડી' એટલે વધારે પડતી ખા ખા કરનાર ખાઉધરી વ્યક્તિ - એવો અર્થ તો નથી જ. ફૂડી એટલે શરીરે જાડીપાડી વ્યક્તિ- એવું પણ નથી. ફૂડી તો હંમેશા તૈયાર હોય છે અવનવી જ વાનગીને અજમાવવા માટે. વાનગીનો ઇતિહાસ, કોણે શોધી, કેવી રીતે બની, એના પાકશાસ્ત્ર તમામની જાણકારી એને હોય. જેને ખાવા પીવામા સમજણ ન હોય એ વ્યક્તિને ખાવા ખવડાવવાનું કામ પડે તો એ ફૂડીની સલાહ લેતો હોય છે. શહેરમાં ક્યાં જમવા જવું? એવો પ્રશ્ન થાય તો ફૂડીને પૂછી શકાય. એ તમારી પસંદ અને ખર્ચશક્તિને અનુરૂપ તમને સાચી દિશા દેખાડે. ફૂડી માટે ભોજનનો સ્વાદ ઉપરાંત એની સુગંધ, રંગ, સજાવટ અને એના તાણાંવાણાં પણ એટલાં જ અગત્યના હોય. એ ધીરે ધીરે સ્વાદ અને સુગંધને મમળાવે અને આહલાદક આનંદની અપ્રતિમ અનુભૂતિ કરે. ફૂડીને વાનગી સાથે સાંસ્કૃતિક સંબંધ હોય. હજી તો હમણાં જ ખાધું હોય પણ હવે સાંજે શું?-નો વિચાર એને અત્યારથી જ આવવા લાગે. કૃતિ સેનનની માફક ફૂડીની સોશિયલ મીડિયા ઉપર હાજરી હોવાની જ. એને મઝા પડે પોતાની વાત કહેવામાં. વાત તો સાચી છે. ફૂડમાં મઝા તો પડે, ટેન્શન ઘટે અને આ તો ઉત્સવ છે, ભાઈ. પેટપૂજા. યૂ સી! કાંઈ સારું થાય તો આપણે કહીએ કે પાર્ટી ક્યારે આપો છો? મિષ્ટાન્ન વિનાની પાર્ટી હોય તો એ પાર્ટી નહીં મિટિંગ કહેવાય! કહે છે કે સારી રીતે વિચારી ન શકાય, પ્રેમ પણ સારી રીતે ન થઇ શકે, ઊંઘ પણ સારી ન આવે જો સારું ખાધું ન હોય! ખાવાનું પ્રલોભન થાય છે? જીભ લપ લપ થાય છે? ઓસ્કાર વાઈલ્ડ કહે છે કે પ્રલોભન ન થાય એનો એક જ ઉપાય છે. ખાઈ લેવું. તઈં શું?
શબ્દશેષ
'જેને ખાવાનું પસંદ છે
એ દુનિયાના શ્રેષ્ઠ લોકો છે.'
- જુલિયા ચાઈલ્ડ


