કીપિંગ અપ વિથ જોન્સીસ દેખાદેખીનાં દુ:ખ
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- મને શું ગમે? મારે શું કરવું છે?- એ મારે નક્કી કરવાનું છે. મારા સુખની ચાવી મેં મારા પાડોશીને આપી નથી
આપણે આપણી રીતે રહેવું
ખડક થવું હોય તો ખડક,
નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !
- સુરેશદલાલ
'ગ્લો બલ ઇંગ્લિશ'નાં એક તાજા લેખ અનુસાર લાંબે ગાળે આપણાં જીવનમાં કેટલીક વસ્તુઓનો કોઈ ખાસ અર્થ રહેતો નથી. જેમ કે બધું બદલાઈ જશે એનો ડર. સ્થિતિ બદલાય, માણસની નિયત બદલાય, સમય સંજોગ બદલાય. એવું તો થાય પણ એનો ડર કે.... હાય હાય, હવે શું થશે? અને એ જ રીતે ભૂતકાળમાં જીવ્યા કરવાનો ય કોઈ અર્થ નથી. ઘણાં લોકો એવા છે જે ડગલે ને પગલે અન્ય લોકોની સમંતિની અપેક્ષા રાખે. શું જાત પર ભરોસો નથી? આ ઉપરાંત નકારનો ડર પણ ઘણાંને હોય છે. કોઈ સાથે ક્યારેક અણબનાવ થયો હોય પણ હું દ્વેષભાવ માથે લઈને આખી જિંદગી ચાલતો રહું. હું ભૌતિક સંપત્તિ એકઠી કરું, કર્યા જ કરું પણ ક્યાં સુધી? ભૌતિક ચીજનો આનંદ અલ્પજીવી છે. મને બધું પરફેક્ટ જ જોઈએ. સારી ટેવ કહેવાય. પણ એનું ગાંડપણ? અને કીપિંગ અપ વિથ જોન્સીસ (Keeping Up With Joneses). આ એક એવો સ્વભાવ કે ક્રિયા છે, જેનો લાંબે ગાળે કોઈ મતલબ નથી. 'વિથ' એટલે સાથે અને 'કીપ અપ' એટલે ટકાવી રાખવું અથવા જાળવી રાખવું. પણ આ 'જોન્સીસ' કોણ છે?
અમેરિકામાં 'જોન' અટક કોમન હોય છે. જોન્સીસ એ 'જોન'નું બહુવચન છે. મિ. એન્ડ મિસિસ-નો સાથે ઉલ્લેખ કરવો હોય તો તેઓ જોન્સીસ કહેવાય. આખા મુહાવરાનો શબ્દાર્થ થાય : જેવો જોન્સીસનો છે તેવો દરજ્જો મારો હોવો જોઈએ. સને ૧૯૧૩માં 'ધ ન્યૂયોર્ક વર્લ્ડ'માં આ નામની એક કાર્ટૂન સ્ટ્રીપ પહેલી વાર છપાઈ. મેકગીનીઝ નામનાં એક ફેમિલી જે પાડોશમાં રહેતાં જોન્સીસની સમકક્ષ જવાની કોશિશમાં કેવું ખેંચાઇ જાય છે-નું કોમિક નિરૂપણ હતું. આર્થર મોમાન્ડ 'પોપ' સર્જિત આ લોકપ્રિય કાર્ટૂન સ્ટ્રીપ સતત ૨૭ વર્ષ સુધી નિયમિત છપાતી રહી. આપણાં પાડોશી, આપણો સમાજ, આપણાં સહકર્મીઓ, આપણાં મિત્રો, આપણાં સગાંવહાલાં વગેરે જોન્સીસ છે. તેઓ સાથે સરખામણી કર્યા કરવી અને એવું હાંસિલ કરવાની મથામણ- એ કીપિંગ અપ વિથ જોન્સીસ.
બાજુવાળા શર્માજીએ બીએમડબલ્યૂ લીધી અને હવે મને મારી મારૂતિમાં શરમ આવે છે. ગમે તે રીતેહું પણ બીએમડબલ્યૂ લઉં તો હું ખરો. મહેનત કરીને કે કાઠું કબાડું કરીને આખરે સમકક્ષ કાર લઈને જ જંપુ. પણ સાહેબ, એવું કરવાની કાંઈ જરૂર છે ખરી? ટૂંટિયું વળીને પણ જો સારી ઊંઘ આવી જતી હોય તો ચાદરને લાંબી કરવામાં નકામો ઉજાગરો શા માટે કરવો? આ સરખામણી છે જે નડે છે, ઊંઘનેહરામ કરે છે. સુખ એમાં નથી. સોશિયલ મીડિયા પર પણ કેટલાંય શર્માજીઓ છે, જેનાં ફોટા જોઈને આપણે એની સાથે 'કીપિંગ અપ' કરવા મથીએ છીએ. એમની પત્ની મારી પત્ની અને સહેલીઓ સાથે કીટી પાર્ટી કરે ત્યારે પગની જૂતીની ય ચર્ચા થાય. જેવું સેન્ડલ પુરાણ પતે પછી કીપિંગ અપ વિથ જોન્સીસ-નાં કારણે સઘળી સહેલીઓની ઉપર દબાણ આવે. અને જોઈએ તેવાં પગરખાંની પ્રાપ્તિ ખાતર ખાલી પગને ખાલી ચઢી જાય. શર્માજી યુરોપ ફરવા જાય તો ભલે જાય પણ સાથે એટલાં ફોટા અપલોડ કરે કે આપણું મન ઓવરલોડ થઈ જાય. અને પછી આપણે પણ જાગતાં ઊંઘતા યુરોપિયન સપનાંઓ જોવા માંડીએ. આપણે ય બતાવી દેવાનો અભરખો જાગે. આપણે કાંઈ હાલી મવાલી નથી, હોં. અહીં ઈર્ષ્યા નથી. બળતરા નથી. જોન્સીસ દુશ્મન નથી. એનું ખરાબ ઇચ્છવાની પણ કોઈ વાત નથી. અને પછી.. લાંબા જોડે ટૂંકો જાય, માંદો થાય, ક્યારેક મરી ય જાય. ઇટ્સ અ ડેન્જરસ મિશન!
'સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ' શબ્દો આપણે સાંભળીએ છીએ. આપણી આંખો પહોળી થઈ જાય છે. જો કે અહીં મોટા માણસોની મહેલાતોની વાત નથી. મુકેશ અંબાણી કે શાહરૂખ ખાનની લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલની વાત અહીં નથી. આપણે જાણીએ જ છીએ કે આપણી પહોંચ ત્યાં સુધી નથી જ નથી. આપણી સરખામણી આપણાં પાડોશી, આપણાં કાકાબાપાનાં છોકરાઓ કે આપણાં ભાઈબંધ દોસ્તો સાથે છે. આ જોન્સીસ છે. આપણે મથીએ છીએ એની સમકક્ષ રહેવામાં. દોડીએ છીએ. હાંફીએ છીએ. હવાતિયાં મારીએ છીએ. આ એફ્લુએન્ઝા (છકકનેીહડચ)ની બીમારી છે. 'ઇન્ફ્લુએન્ઝા' એટલે ફ્લુ પણ એફ્લુએન્ઝા? એ વળી કઈ જાતનો તાવ છે? 'એફ્લુઅન્સ' એટલે ધનદૌલત, સમૃદ્ધિ. ભૌતિક વસ્તુ માટે ધન કમાવવા દોડવાની બીમારી છે આ. કાર, કપડાં, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, બંગલો અને... સમાજમાં મારું નામ થવું જોઈએ. કેમ? કારણ કે જોન્સીસ પાસે એ છે એટલે. કીપિંગ અપ વિથ જોન્સીસ દરેક વ્યક્તિનો પ્રોબ્લેમ છે. આથક રીતે સમૃદ્ધ ન હોય એવી વ્યક્તિનો પાડોશી પણ એવો જ હોવાનો. સરખામણી તો ત્યાં પણ થવાની. એની પાસે સાયકલ હતી, હવે મોટરસાયકલ લીધી એટલે..
મને શું ગમે? મારે શું કરવું છે?- એ મારે નક્કી કરવાનું છે. મારા સુખની ચાવી મેં મારા પાડોશીને આપી નથી. તેમ છતાં દેખાદેખીમાં ક્યારેક ઈચ્છા થઈ પણ જાય. જોયાનું પણ એક ઝેર હોય છે, સાહેબ. અને હું તો જાણું જ કે જાણી જાણી-ને ઝેર પીવાની મારી હેસિયત નથી. માટે કોશિશ પૂર્વક હું સરખામણી તેમજ સ્પર્ધા કરતો નથી. મારી આર્થિક સ્થિતિને અનુરૂપ હું ખર્ચ કરું, ક્યાંય માંગવાનો કે ભીખવાનો વારો ન આવે એટલે ભયો ભયો. મેં તો નક્કી જ કરી નાંખ્યું છે કે મારો કોઈ જોન્સીસ છે જ નહીં. આ મુહાવરો જેની પરથી આવ્યો એ કાર્ટૂન સ્ટ્રીપમાં પણ પાડોશમાં રહેતા જોન્સીસ પાત્રો તરીકે ક્યારેય વાર્તામાં આવ્યા નહોતા. વર્ષો સુધી એમનો તો માત્ર અપ્રત્યક્ષ ઉલ્લેખ જ થતો રહ્યો. જોન્સીસ છે જ નહીં. એ પહેલો સગો ય નથી અને છેલ્લો ય નથી. ઇતિ.
શબ્દશેષ :
'હું જોન્સીસ સાથે કીપ અપ કરતી નથી. હું ખુદ જોન્સીસ છું!
- અમેરિકન ટીવી પર્સનાલિટી નીની લીક્સ