Get The App

ઇન્ટ્રોવર્ટ : નો થેન્ક્સ કેટેગરીનો માનવી

Updated: Jan 2nd, 2024

GS TEAM


Google News
Google News
ઇન્ટ્રોવર્ટ : નો થેન્ક્સ કેટેગરીનો માનવી 1 - image


- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- કાચબો અને સસલું એ બેમાંથી રેસ સસલું જ જીતે પણ હું હજી ય માનું છું કે રોમેન્ટિક રેસ હંમેશા કાચબો જીતતો હોય છે કારણ કે પ્રેમરસ ધીમે ધીમે ઘૂંટાય છે, એનો નશો પણ ધીમે ધીમે ચઢે છે અને એનો ગાળો પણ ઘણો લાંબો હોય છે. 

છે ને કલ કોલાહલે આ સાવ મૂંગું મૂઢ સમ,

એકલું પડતાં જ તો કેવું ગરજતું હોય છે.                                                                                       

- કવિવર રાજેન્દ્ર શુક્લ

ક્રિ સમસની રજાઓનું  વેકેશન માંડ પત્યું.  હાશ.... એ રજાઓ, એ ટોળાં અને એ હોહા 'ને એ દેકારા, એ ખાણી 'ને પીણી, એ મેળાવડાં અને એ સરભરા-થી અમે તો માંડ છૂટયા. આ ઉજવણીથી તો થાકી જવાય છે. ભઇ સા'બ, ભઈ સા'બ.. ૨ જી જાન્યુઆરીનો દિવસ ઇન્ટ્રોવર્ર્ટ (Introvert) માટે આનંદનો અવસર છે. આ દિવસ  વિશ્વ અંતર્મુખી દિવસ તરીકે ઉજવાય છે. 'ઇન્ટ્રોવર્ટ' એટલે અંતર્મુખી.  મૂળ લેટિન શબ્દ 'ઈન્ટ્રોવર્ટિર'. 'ઈન્ટ્રો' એટલે અંદર, મનમાં ને મનમાં. અને 'વર્ટિર' એટલે વળવું. આમ 'ઈન્ટ્રોવર્સન' શબ્દ એક ક્રિયાપદ તરીકે સન ૧૮૨૮થી ઇંગ્લિશ ભાષામાં છે, જેનો અર્થ થતો હતો- અંદરની તરફ વળવું. પણ આ શારીરિક રીતે અંદર તરફ વળવા માટે ઉપયોગમાં લેવાતો હતો. મનની સ્થિતિ અને વ્યાકરણની દ્રષ્ટિએ શબ્દને 'ક્રિયાપદ'માંથી 'નામ'માં તબદીલ કરવાં શ્રેય વિખ્યાત મનોવૈજ્ઞાનિક કાર્લ જંગને ફાળે જાય છે. સને ૧૯૨૧માં 'સાયકોલોજિકલ ટાઈપ્સ'  પુસ્તકમાં લખ્યું કે વ્યક્તિ બે પ્રકારની હોય છે. બહિર્મુખી અને અંતર્મુખી. અંતર્મુખી વ્યક્તિ શાંત, નિગૂઢ, ઓછાબોલી કે અતડી હોય છે. એકાંત એને પસંદ છે. અથવા કદાચ એમ કે પોતાની જ કંપની એમને પસંદ હોય છે. આત્મનિરીક્ષણ તેઓનો મનપસંદ વિષય છે. તેઓ પાર્ટીમાં જતાં જ નથી એવું નથી. પણ તેઓ જ્યારે જાય છે ત્યારે તેઓને થાય છે કે કાશ! અમે ન ગયા હોત તો.. ટૂંકમાં ઇન્ટ્રોવર્ટ વ્યક્તિઓનાં સમૂહને તમે 'નો થેન્ક્સ!' કેટેગરીમાં ગણી શકો. ઘણાં લોકોને મળવાનું જો માથે આવી જ પડે તો ઈન્ટ્રોવર્ટ વ્યક્તિઓ થાકી જતી હોય છે. ઈન્ટ્રોવર્ટ હેંગઓવર, યૂ સી! કાર્લ જંગે ઈન્ટ્રોવર્ટ વ્યક્તિને ગ્રીક દેવતા અપોલો જેવી બતાવી હતી. સમજશક્તિ, દૂરદર્શિતા, આંતરમનની વાતોને સમજી શકે એવી વ્યક્તિઓ. બહારની દુનિયા સાથે જાણે કે કોઈ નાતો જ નથી. કાર્લ જંગે એવું પણ કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ પ્યોર ઇન્ટ્રોવર્ટ હોતી નથી. દરેક ઈન્ટ્રોવર્ટ વ્યક્તિ ઓછે ઘણે અંશે એક્સ્ટ્રોવર્ટ પણ હોય છે.  

હું ઈન્ટ્રોવર્ટ છું. હું તો જન્મ્યો જ છું ૨ જાન્યુઆરીએ. બહુ લોકોને મળવાનું થાય તો મારી બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે. સાવ એવું ય નથી કે લોકો મને  ગમતા નથી. પણ કેટલાંક ખાસ લોકોની સાથે સમય વીતાવવાનું હું પસંદ કરું છું. મારું મિત્રવર્તુળ મર્યાદિત છે. વાંચવું, લખવું તેમજ કુદરતમાં સ્વૈરવિહાર વેળાએ હું આનંદમાં હોઉં છું. બોલું ઓછું છું. તોલ મોલકે બોલ- મારો મુદ્રાલેખ છે. કામ કરવાની સ્વતંત્રતા હોય એ કામ મને ગમે. બહુ લોકો આસપાસ હોય તો હું ગૂંચવાઈ જાઉં છું. મારો ધ્યાનભંગ થઈ જાય છે. મને માણસ મુદ્દલ ગમતા જ નથી, એવું નથી. હા, એટલું જરૂર છે કે જે મને સમજે, મારી જરૂરિયાતને સમજે એ માણસ મને ગમે છે. હું અસામાજિક પ્રાણી નથી. તમે મને સાવ શરમાળ પણ ન ગણી શકો. પણ હું એકલો જવાનું પસંદ કરું છું. મારી હાક સુણી કોઈ આવે તો ય... મૂળ તો હું હાક પાડવાનું જ ટાળું છું! ટૂંકમાં હું ધિક્કારું છું સામાજિક ઉત્તરદાયિત્વ, રાતે આઠ વાગ્યા પછીનાં ફોન કોલ્સ, ચાર વ્યક્તિથી વધારેની કંપની, વાતો કર્યા કરે એવો હજામ અને અતિશય આગ્રહ કરે એવા યજમાન.  

મારું ઈન્ટ્રોવર્ટ હોવું એ અલબત્ત સારી વાત છે. હું ચોક્કસ સારો સાંભળનાર છું. આજકાલ આવી વ્યક્તિ મળે જ છે ક્યાં? સૌને પોતાની જ કોઈ વાત કહેવી હોય છે પણ અન્યની વાત ક્યાં કોઈ સાંભળે જ છે? જો તમારે કોઈ સરસ સમાચાર શે'ર કરવા હોય અથવા પોતાની કોઈ તકલીફની વાત મને કહેવી હોય તો મૈં હૂં ના. અને તમારી વાત 'તમારી' જ રહેશે. એ 'આપણી' વાત  નહીં થઈ જાય. ઘણાં એવા છે જે બીજાની વાત સાંભળતા પોતાની જ વાતનો ગોકીરો કરી મૂકે છે. હું એવો નથી. હું તમને સાંભળીશ. પૂર્ણત: સાંભળીશ. અધકચરી વાત સાંભળીને ધારણા બાંધીશ નહીં. અને હું બોલું તે પહેલાં વિચારીશ. કારણ કે હું ત્યારે જ બોલું છું જ્યારે મારે કશું કહેવું હોય છે. 'શોલે'ની બસંતી જેવી બેવજહ બકબક કરનેકી આદત મને નથી. અને જ્યારે હું બોલું છું ત્યારે લોકો નોંધ લે છે કારણ કે મારા શબ્દો કિંમતી હોય છે. મારે માટે અવલોકન પણ એટલું જ મહત્વનું હોય છે. અવલોકન શક્તિ સુપરપાવર ગણાય છે. હું એમાં માહિર છું. કોઈ બોલે છે ત્યારે એનાં શબ્દો, એનો  અવાજ, એનાં હાવભાવ, એની આંખોની અભિવ્યક્તિ મને સમજાય છે. ટૂંકમાં કોઈ મારી સામે જૂઠ્ઠું બોલી શકતું નથી. હું એને પળમાં પકડી લઉં છું. અને હું 'આનંદ' પિક્ચરનો  મુરારીલાલ જરાય નથી. કોઈને પાછળથી ધુમ્બો મારીને મુરારીલાલ કહીને દોસ્ત બનાવતા રહેવાનો મને કોઈ અભરખો નથી. એટલે જ મારા ફ્રેન્ડ્સ ક્વોલિટી ફ્રેન્ડ્સ છે. હું વફાદાર છું, પ્રતિબદ્ધ છું અને મિત્રોની વાત પ્રત્યે ધ્યાન આપું છું. મિત્રો ઓછા છે એટલે હું એમ કરી શકું છું. તમે જો એમ માનતા હો કે હું રોમાન્સમાં નબળો હોઈશ તો એ તમારી ભૂલ છે. હું પ્રેમમાં ઊંધે કાંધ કૂદી પડતો નથી. વિચારીને ઝંપલાવું છું. સામી વ્યકિતને પણ સમય આપું છું. આધુનિક જમાનામાં  કાચબો અને સસલું એ બેમાંથી રેસ સસલું જ જીતે પણ હું હજી ય માનું છું કે રોમેન્ટિક રેસ હંમેશા કાચબો જીતતો હોય છે કારણ કે પ્રેમરસ ધીમે ધીમે ઘૂંટાય છે, એનો નશો પણ ધીમે ધીમે ચઢે છે અને એનો ગાળો પણ ઘણો લાંબો હોય છે. પ્રેમ કરો તો ઈન્ટ્રોવર્ટ સાથે.. યસ થેન્ક્સ!  

શબ્દ શેષ :

'શાંત લોકોનું દિમાગ સૌથી મોટેથી બોલે છે.' 

- સ્ટીફન હોકિંગ્સ 

Tags :