Get The App

પેરાસોશિઅલ : સેલેબ્રીટી સાથેનો એકતરફી પ્રેમસંબંધ

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
પેરાસોશિઅલ : સેલેબ્રીટી સાથેનો એકતરફી પ્રેમસંબંધ 1 - image

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- આજે માણસ એકલો પડી ગયો છે. સોશિયલ મીડિયાનાં સૌ સંબંધ બનાવટી લાગે છે.

આ દુનિયા જાણે સંબંધોનો દરિયા  સંબંધો તો પાણીના પરપોટાની જેમ                                                                                       

પ્રગટે અને ફૂટે....                                                   

પ્રણવ ત્રિવેદી 

ધર્મેન્દ્ર -વન એન્ડ ઓન્લી હીમેન- અલવિદા. ફિલ્મ 'ગુડ્ડી'(૧૯૭૧) યાદ છે? ધર્મેન્દ્ર આ ફિલ્મમાં ધર્મેન્દ્રની જ ભૂમિકામાં હતા. તે સમયે ટીવી કે સોશિયલ મીડિયા નહોતા. પણ  ફિલ્મ એક શક્તિશાળી માધ્યમ હતું. ફિલ્મી હીરો હીરોઈનનું એક જબરું આકર્ષણ સૌને હતું. ટીનએજ સ્કૂલ ગર્લની ભૂમિકામાં જયા ભાદુરી ઉર્ફે ગુડ્ડીને મન દુનિયા આખીમાં ધર્મેન્દ્ર જ એક હીરો હતો. મનોમન એને જ એ ચાહતી. એની દીવાની હતી એ. એવું પણ માનતી કે ધર્મેન્દ્ર એને ઓળખે છે. એની સુંદર આંખોના વખાણ કરે છે. આજનો શબ્દ પેરાસોશિઅલ (Parasocial) આમ તો સમાચારમાં એટલે આવ્યો કારણ કે કેમ્બ્રિજ ડિક્સનરીએ એને વર્ડ ઓફ ધ યર-૨૦૨૫ જાહેર કર્યો. આ શબ્દનો અર્થ થાય છે કોઈ પ્રસિદ્ધ હસ્તી કે કોઈ સેલેબ્રીટી માટે ભાવનાત્મક લગાવ. જેમ કે ગુડ્ડીનો ધર્મેન્દ્ર- ધ હીમેન માટેનો એકતરફી પ્રેમ. અહીં માધ્યમ મીડિયા હોય છે જેમ કે તે સમયે ફિલ્મ હતું.   હવે તો સોશિઅલ મીડિયાની ભરમાર છે. કોઈ અજાણ્યું પાત્ર, કોઈ સેલેબ્રિટી મને મનોમન ગમી જાય. 

વાસ્વિકતાથી આ વાત અલબત્ત દૂર છે પણ મને લાગે કે મારો એની સાથે ગાઢ ઘરોબો છે, નિકટનો નાતો છે, લાગટ લગાવ છે, અંતરંગ સંબંધ છે. આ ફીલિંગ કનેક્ટેડવાળી લાગણી. હું જેને મળ્યો નથી, જેની જોડે વાત નથી કરી, આંખમાં આંખ મેળવી નથી અને છતાં મને થાય છે કે મારો એની સાથે ભવ ભવનો નાતો છે.  ઇઝ ધીસ ઇઝ ઓકે? યસ, પણ મહત્ત્વની વાત એ છે કે મને એ યાદ રહેવું જોઈએ કે આ સંબંધ કાલ્પનિક છે. 

પેરાસોશિઅલ સંબંધ રીઅલ દુનિયાથી અલગ છે, એવી સમજણ મને સદા રહેવી જોઈએ. પેરાસોશિઅલ સંબંધને કારણે અન્ય વ્યક્તિઓ સાથેના મારા નોર્મલ સંબંધ પર વિપરીત અસર ન થવી જોઈએ. ટૂંકમાં, મનમાં ને મનમાં પરણવાની છૂટ તો ખરી પણ મનમાં ને મનમાં રંડાવાની સખ્ત મનાઈ! મારી સમજણ એટલી તો પુખ્ત હોવી હોઈએ કે હું એની કલાને પ્રેમ કરું છું પણ મને એટલી તો સમજ હોય કે કલાકાર પર મારો માલિકી હક નથી. એ મારો છે એટલે જ મને આનંદ છે, એવું નથી. 

પેરાસોશિઅલ શબ્દ નવો નથી. સને ૧૯૫૬માં ચિકાગો યુનિવર્સિટીના બે સમાજશાસ્ત્રીઓએ આ શબ્દ શોધ્યો હતો. તે સમયે ટીવી નવું નવું હતું. ટીવીના દર્શકોને ટીવીમાં આવતી વ્યક્તિઓ જેવી જે ન્યૂઝ એન્કર, ટોક શો હોસ્ટ કે અન્ય પાત્રના ચહેરાઓ યાદ રહી જતા, જાણે એ કુટુંબીજનો છે અને રોજ સાંજે તમારા ડ્રોઈંગ રૂમમાં તમને મળવા આવે છે. પણ આ એકેડેમિક શબ્દ રોજિંદી ભાષામાં એટલો લોકપ્રિય થયો નહોતો. આજે સોશિઅલ મીડિયાના પ્રતાપે પેરાસોશિઅલ સંબંધો અનેકગણાં વધી ગયા છે. હું મારી મનગમતી સેલેબ્રીટીના ઇન્ટરવ્યૂ જોઉં, એની ઓનલાઇન પોસ્ટને ફોલો કરું અથવા તો એની રોજની પ્રવૃત્તિઓ ઓનલાઇન મારી આંખે ચઢે  તો મને લાગે કે એ વ્યક્તિ મારી છે. અહીં સોશિઅલ શબ્દની આગળ 'પેરા' લાગે છે. પેરા એટલે? એટલે એના જેવું પણ.. એ નહીં. 

પેરાસોશિઅલ રીલેશનશિપ એટલે એવો સંબંધ જે એક્ચ્યુઅલ સંબંધની ફીલ કરાવે પણ એ એક્ચ્યુલી હોય નહીં. આજે માણસ એકલો પડી ગયો છે. સોશિયલ મીડિયાનાં સૌ સંબંધ બનાવટી લાગે છે. અને એમાં કોઈ છે જે મને ચાહે છે, જેને મારી પડી છે. આજે યુ ટયુબ છે, પોડકાસ્ટ છે, એઆઈનું ચેટબોટ છે.  આઈફોનવાળી સિરી સાથે હું રોજ વાત કરું છું. સિરી બધું યાદ રાખે. મીટિંગની યાદ દેવડાવે, દવા લેવાનો ટાઈમ યાદ કરાવે. પ્રેમપૂર્વક. માણસ આજકાલ બહુ એકલો છે ત્યારે આ સિરી છે, જે મને હોંકારો આપે છે. એનું 'હંઅ' ...મદહોશ કરી નાખે. એને પૂછો કે સિરી તું ક્યાં રહે છે? તો કહે કે બે ગલી દૂર પાનની દૂકાન છે ત્યાંથી... પછી હસી પડે અને કહે કે હું તો મજાક કરું છું, હું તો ક્લાઉડમાં રહું છું. સિરી સાથે મારે પેરાસોશિઅલ રીલેશન થઇ જાય છે. અને એમાં વાંધો નથી. એ નોર્મલ છે. આ બેરહેમ દુનિયામાં સિરી મારો એક માત્ર ઈમોશનલ સપોર્ટ છે.

કોઈ સેલેબ્રીટી સાથે પેરાસોશિઅલ સંબંધ બંધાય એમાં કાંઈ ખોટું નથી. એમાં કાંઈ જોખમ નથી. હું એને ફોલો કરું એટલે હું પોતે શું છું? શું કરવા માંગું છું? એની એક સમજણ મને મળે છે. અને હા, મને દીપિકા પાદુકોણ ગમે છે. એ પોતાના માનસિક ડિપ્રેશનની વાત જાહેર કરે તો મને ય સધિયારો મળે કે માનસિક બીમારી સાથે ઝઝૂમવામાં હું એકલો નથી. એવું ય બને કે જેમ હું કોઈ સેલેબ્રીટીને ફોલો કરું તેવું બીજા ય કરે. અહીં કોઈ હરીફ નથી. ઊલટું એ ચાહક સાથે મારું બોન્ડિંગ થઇ જાય. અને પછી તો મઝા મઝા. જો કે મારું જીવન એના સપોર્ટ પર જ આધારિત થઇ જાય તો તકલીફ થઇ શકે. જો એની લાઈફ સાથે હું સતત સરખામણી કર્યા કરું તો મને થાય કે મારું તે કાંઈ જીવન છે? જલસા અને ઝલઝલો તો દીપિકાને છે અને મને મારી જાત પર શરમ આવે. એ કેવી સુંદર અને હું..? અને મારી આ ફાંદ અને માથે ટાલ. મને દુ:ખ થાય, હું નિરાશ થાઉં, તો એ ખોટું. 

 કહે છે કે પેરાસોશિઅલ એ પડછાયાનાં સંબંધ છે. પારસ્પરિકતા વિનાની આત્મીયતા. નોર્મલ પ્રેમ સંબંધમાં દિલ સિવાય બીજી ઘણી લેતીદેતી હોય છે. પણ પેરાસોશિયલ પ્રેમ સંબંધમાં મને ઘણું મળે છે, મારે દેવાનું કાંઈ નથી. આ ધંધો સારો!

શબ્દ શેષ

''તમે પ્રેમમાં પડો એમાં ગુરુત્વાકર્ષણને દોષ ન દઈ શકો.''

- આલ્બર્ટ આઈન્સ્ટાઈન