- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
કોઈ સુખ સમજે છે દુનિયામાં બનવે જરદાર,
કોઈ મુફલીશ રહી જીન્નત પર રાખે છે આધાર;
ગુમરાહ બીગાના એ બન્ને ખરા !
ફક્ત સંતોષમાં જ રહ્યાં છે સુખ ને કરાર.
- ઓમર ખય્યામ
(અનુ.: રૂસ્તમ ભાજીવાલા)
જ રદાર એટલે પૈસાદાર. મુફલિસ એટલે કંગાળ. આ દુનિયા હોય કે ઓલી દુનિયા પણ જો આપણે અન્ય ઉપર નિર્ભર છીએ તો સંતોષ નથી, સુખ નથી, કરાર નથી. ચીની ફિલસૂફ કન્ફુશિયસ કહેતા કે જો તમે આત્મનિર્ભર નહીં બનો તો આખી જિંદગી ગુલામ રહેશો. આપણે આત્મનિર્ભર નથી. અને આપણને બધું જોઈએ છે. જે છે તે પર્યાપ્ત નથી. અને પછી આપણે હવાતિયાં મારીએ છીએ, હવામાં બાચકા ભરીએ છીએ. ઉકેલ એક જ છે. પોતે પોતાના પગ ઉપર ઊભા રહેવું તે. કોઈ કાખઘોડી નહીં. વડાપ્રધાને ભાવનગરમાં કહ્યું કે ભારત વિશ્વબંધુત્વની ભાવનાથી આગળ વધી રહ્યું છે. ભારતનો કોઈ દુશ્મન નથી. જો છે તો એક જ અને એ છે બીજા દેશ ઉપર આપણી નિર્ભરતા. આપણી પાસે આત્મનિર્ભર (Self-reliant) થયા સિવાય કોઈ વિકલ્પ નથી. (કમ્પ્યુટર) ચિપ કે શિપ (જહાજ) આપણા દેશમાં જ બનવા જોઈએ. પણ.... એવું ન થઇ શકે કે આપણને ચિપ કે શિપની જરૂરિયાત જ ન રહે. એમ કે આપણે આપણી જરૂરિયાત જ એટલી ઓછી કરી નાંખીએ. ઇંગ્લિશમાં એક શબ્દ સેલ્ફ-સફિશન્ટ (Self-sufficient) પણ છે. સેલ્ફ-સફિશન્ટ એટલે સ્વતઃ પર્યાપ્ત. આમ તો અર્થ એક જેવો જ થાય. આખરે તો સ્વતંત્ર થવાની વાત છે. છાલિયું લઈને ભીખ માંગવાની ટેવ આપણાં પાડોશી દેશને છે, આપણને નહીં. છાલિયું એટલે? ભગવદ્ગોમંડલ અનુસાર 'છાલિયું' એટલે પાતળા પતરાની હલકી વાટકી. આપણે એવું કરતા નથી. પણ અમેરિકન ડ્રીમ સાકાર કરવામાં આપણા દેશની યુવા બુદ્ધિ પ્રતિભા દોટ લગાવે છે. એચ૧બી વિસાની લ્હાયમાં ને લ્હાયમાં તેઓની દશા બેસી જાય છે. દશા, વિસા અને પછી હનુમાન ચાલીસા!
શબ્દની વાત કરીએ તો ગુજરાતી લેક્સિકન અનુસાર 'સેલ્ફ' એટલે પંડ, જાત, સ્વત્વ, પોતાનો સ્વભાવ, અવસ્થા, હિત, સુખ કે સ્વાર્થ પર આખું ધ્યાન કેન્દ્રિત કરવું તે. સેલ્ફ એટલે સ્વયં. ગ્રીક મૂળમાં 'ઓટોમેટિક' એવો પણ અર્થ થાય. પછી તો પુરાણી ઈંગ્લિશ ભાષામાં 'સેલ્ફ' પાછળ ઘણાં શબ્દો લાગ્યા. દાખલા તરીકે સેલ્ફ-બાના. બાના એટલે મરી જવું. સેલ્ફબાના શબ્દ આધુનિક ઇંગ્લિશમાં આવીને 'સ્યુસાઇડ' થઇ ગયો. એ જ રીતે સેલ્ફ-લાઇસ શબ્દ 'સેલ્ફ-લવ' થઇ ગયો. આત્મપ્રેમ. સેલ્ફ સાથે જોડાયેલો શબ્દ 'રીલાયન્ટ' ઇંગ્લિશ ક્રિયાપદ 'રીલાય' પરથી આવ્યો છે. રીલાય(Rely) એટલે -ની ઉપર ભરોસો રાખવો, -નો આધાર રાખવો, નિર્ભર રહેવું. લેટિન મૂળ 'રેલીગર' એટલે બાંધીને રાખવું, જોડીને રાખવું. સોળમી સદીમાં આ શબ્દ આજના અર્થમાં એટલે કે -જેની સાથે જોડાયા છીએ એની પર આધાર રાખીને રહેવું- તે અર્થમાં પ્રચલિત થયો. સેલ્ફ રીલાયન્ટ એટલે આત્મનિર્ભર. આજના બીજા સંલગ્ન શબ્દમાં 'સફિશન્ટ' એટલે પૂરતું, જોઈએ તેટલું, પર્યાપ્ત, પૂરતો જથ્થો. મૂળ લેટિન શબ્દ 'સફિસિએન્ટમ' એટલે પૂરતું. ખૂટે તેમ તેમ આપૂર્તિ થતી રહે. જાણકારો કહે છે કે જરૂરિયાત ઓછી રાખો તો જ આપણે સ્વતઃ પર્યાપ્ત રહી શકીએ. પણ આપણી ખ્વાહિશો હજાર છે, સગવડતાને આપણે સુખ સમજી બેસીએ છીએ. સ્વતઃ પર્યાપ્ત હોવું ઇચ્છનીય છે પણ અઘરું છે. કદાચ અશક્ય છે. પણ હા, આત્મનિર્ભર બનવું શક્ય છે કારણ કે આ શબ્દ વૈશ્વિક અર્થમાં આવે છે.
હું સ્વયં પર્યાપ્ત છું. હું માનું છું કે મને કોઈની જરૂર નથી. હું એકલો મુકાબલો કરવા સક્ષમ છું. જાણીતા વનસ્પતિશાસ્ત્રી ડો. હેમા સાનેનાં ૮૫ વર્ષની વયે થયેલા અવસાનના સમાચાર આપે વાંચ્યા હશે. પૂણે શહેરની મધ્યમાં વર્ષો સુધી ઇલેક્ટ્રિસિટી વિના તેઓ જીવ્યા. કુદરત સાથે જોડાણ તેઓએ જાળવી રાખ્યું. સેલ્ફ સફિશન્સીનું આ એક્સ્ટ્રીમ ઉદાહરણ હતું. પણ શું આપણે બધા એવું કરી શકીએ? અરે ભાઈ! ખેડૂત અનાજ પકવે છે, વેપારી વેચે છે, રસોઈઓ રસોઈ કરે છે ત્યારે હું ખાઉં છું. માનવ સામાજિક પ્રાણી છે. હું મારી નોકરી કરું છું. ખેડૂત, વેપારી, તબીબ, વકીલ, વૈજ્ઞાનિક પોતાનું કામ કરે છે. હું ટેક્સ ભરું છું. જાહેર સેવાઓ સાથે જોડાયેલા કર્મયોગીઓ મને અનેક સેવા સુવિધા આપે છે. આત્મનિર્ભરનો અર્થ એ નથી કે હું કોઈ પર જરા ય આધારિત નથી. મારે લોકો સાથે કનેક્ટ તો કરવું જ રહ્યું. પણ હા, મારી કોઈ અગત્યની જરૂરિયાત માટે કોઈની સામે હું બેબાકળો થઈ જાઉં- એ ન હોવું જોઈએ. મારી પાસે પરત આપવા માટે કોઈ કૌશલ્ય હોવું જોઈએ. સ્વદેશી મહાત્મા ગાંધીનો સિદ્ધાંત હતો, આપણે ગુલામ હતા અને આપણે સેલ્ફ સફિશન્ટ બનવું હતું. રેંટિયો માધ્યમ હતું. ખાદી પ્રતીક હતું. આજે જરૂરિયાત જુદી છે. હાથ બનાવટની ખાદી જ આખી જિંદગી પહેરવી એ વિચાર પ્રેક્ટિકલ નથી. ક્યાંક જીન્સ કે સિલ્ક મળે તો એની લેતી અને સામે કશીક દેતી કરવી, હિતાવહ જ નહીં પણ આજની જરૂરિયાત છે. ઇટ્સ બિઝનેસ! આત્મનિર્ભરતામાં આવી લેતીદેતી સ્વીકાર્ય છે. પણ પણ...કોઈ ઉપર, કોઈ બાબતે સંપૂર્ણ આધાર હોય અને એ નાક દબાવે (ઉર્ફે ટ્રમ્પવેડા કરે) ત્યારે આપણે શ્વાસ લેવા મોઢું ખોલવું જ પડે, એ સ્થિતિ ન થવી જોઈએ. આજે મજબૂરીકા નામ નરેન્દ્ર મોદી નથી. મહાત્મા ગાંધીનું સ્વદેશી સ્વયં પર્યાપ્ત હતું. નરેન્દ્ર મોદીનું સ્વદેશી આત્મનિર્ભર છે. ત્યારે એ સાચું હતું. આજે આ સાચું છે.
શબ્દ શેષ
'શું આપણને એ ખ્યાલ આવતો નથી કે આત્મસન્માન ત્યારે જ આવે છે જ્યારે આપણે આત્મનિર્ભર થઈએ છીએ?'
- એ. પી. જે. અબ્દુલ કલામ


