Get The App

હું શું કરું ? મારા પંડયના દીકરાએ આ અજાણી ભૂમિમાં મને નોંધારી છોડી દીધી !

Updated: Apr 27th, 2021

GS TEAM

Google News
Google News
હું શું કરું ? મારા પંડયના દીકરાએ આ અજાણી ભૂમિમાં મને નોંધારી છોડી દીધી ! 1 - image


- રણને તરસ ગુલાબની-પરાજિત પટેલ

- ને આટલું સાંભળતાં જ સંગમ શાહની આંખોમાંથી આંસુ ખરી પડયાં !

'કો ણ હશે એ  ? ભિખારણ તો છે, પણ એવી લાગતી નથી..'

આવતાં-જતાં પગથિયાં ઊતરતાં-ચઢતાં સહુ કોઇની નજર છેલ્લા પગથિયાની નજીક બેઠેલી ભિખારણ પર પડે છે. ફાટેલાં કપડાં છે. થીંગડાળી સાડી અને એવો જ કબજો ! સહુ આવે છે. જાય છે. જુએ છે. પળ - બે પળ નજર નાખે છે: અંબાજીનું મંદિર છે.. મંદિર પર ભક્તિના ભગવા રંગની ધજા ફરકી રહી છે. પગથિયાં ચઢીને મંદિરે જવાય.. જગતજનેતાનાં દર્શન થાય ! કોઇ હાથમાં પ્રસાદ લઇને આવે છે, તો કોઇ વળી 'જય અંબે, જય અંબે'ના જાપ જપતું જપતું આવે છે.

પગથિયાં ઊતરે છે.

ભિક્ષુકો બેઠા છે.

હાથ લાંબા કરી કરીને 'કાંક આલો, ભૈંસાબ !' કહીને ભીખ માગે છે. ભિખારીઓ છે, તો ભિખારણો પણ છે.

તમામના ચહેરા પર લાચારીભર્યા યાચકભાવ છે. હાથ લાંબા કરે છે, માગે છે. કોઇ નાનકડો છોકરો તો પેટ પર હાથ પછાડી 'બહુ ભૂખ લાગી છે, ખાવાનું આલો,  શેઠ !' એમ કહીને  યાચના કરે છે !

ઠીક છે.

ભિખારીઓ છે.

યાચના તો કરે જ.

પણ એક ભિખારણ, જે સહુથી અલગ બેઠી છે, એ હાથ લાંબો કરતી નથી, કશું જ માગતી નથી... બસ, જોયા કરે છે.. છે તો દૂશમૂશ ભિખારણ જેવી જ, પણ કશું બોલતી નથી, કપાળમાં ચાંલ્લાના નામે એક પીળું ટપકું કર્યું છે !

એક ભાઇ તેની નજીક આવે છે ને કહે છે: 'શું જોઇએ છે, માજી ? પૈસા આપું કે ખાવાનું આપું ?'

ભિખારણ જેવી એ વૃધ્ધ સ્ત્રી બોલનારની સામે જોઇ રહે છે. પછી કહે છે, 'બેટા, મારે કશું જ જોઇતું નથી...'

'તો અહીં શું કામ બેઠાં છો ?'

'મારા દીકરાને શોધવા..' કહેતાં વૃધ્ધાની આંખમાંથી આંસુ સરી પડે છે: 'બેટા, તું ય મારા દીકરા જેવો જ છે.. તારા જેવો જ ગોરો ગોરો હતો.. તારા જેવો જ ઊંચો વહાલો વહાલો લાગે એવો !'

'ક્યાં ગયો દીકરો ?'

'એ જ સવાલ છે ને. મને અહીં મૂકીને ગયો છે કહીને ગયો કે: 'મા, તું અહીં બેસ, હું તારા માટે ખાવાનું લઇ આવું..' પણ એ તો ગયો એ ગયો. દોઢ દિવસ થયો, પાછો આવ્યો જ નહિ. એને કેમ ચિંતા નહિ થતી હોય તે મારી મા અહીં અજાણી ભૂમિ પર મારી વાટ જોતી બેઠી હશે !' ને માજી ફરીથી રડી પડે છે: 'બેટા, મને કહે ને, મારો દીકરો ક્યારે પાછો આવશે ?'

'રાહ ન જોશો.. એ નહીં આવે, માજી !'

'એટલે ?'

'સાચું કહું ? સાંભળી શકશો ? એ તો કળિયુગનો દીકરો છે.. તમને છોડીને એ પાછો જતો રહ્યો.. બોલો, એને પરણાવેલો છે ?'

'હા, બેટા ! વહુ પણ રૂપાળી છે ! એક વાત કહું ? વહુ પાછળ એ ગાંડો થઇ ગયો છે. વહુ કહે તે જ કરે છે !'

'તો વાત એમ છે ? માજી, મન વાળો.. એ હવે ક્યારે ય પાછો નહિ આવે !'

'નહિ આવે ?'

'ના.. ક્યારે ય નહિ આવે !'

- ને એટલું સાંભળતાં તો માજીથી ડૂસકું મૂકાઇ ગયું: 'અરેરે, મારા દીકરાએ અજાણ્યા પ્રદેશમાં મને એકલી છોડી દીધી રે..'

'માજી રડો નહિ !' બોલી ઊઠયા પેલા સજ્જન: 'થવાનું હતું તે થઇ ગયું.. હવે અફસોસ કરવો નકામો છે. રૂપવતી પત્ની સાથે મળીને તમને અહીં અજાણી જગ્યાએ નોંધારાં છોડી જવાનો તો એમનો પ્લાન હતો. દીકરો હવે નથી રહ્યો તમારો, રૂપાળી વહુના રૂપે એને કપૂત બનાવી દીધો છે... એ હવે આવશે પણ નહિ, અને તમને લઇ પણ જશે નહિ. માજી તમારું નામ ?'

'કલા.'

'તમારી પાસે એનો મોબાઇલ નંબર છે ?'

'ઊભા રહો. કદાચ આ ચબરખીમાં એનો નંબર પણ હોય !' ને ફાટેલા સાડલાના છેડે બાંધેલો કાગળનો ચોળાયેલો ટુકડો કાઢીને પેલા સજ્જનના હાથમાં મૂકી દીધો: 'આમાં લખ્યો છે એનો નંબર !'

'શું નામ છે દીકરાનું ?'

'સોમ.'

પેલા સજ્જને મોબાઇલ કાઢીને એનો નંબર લગાડયો. રીંગ વાગી. અવાજ પણ આવ્યો: 'હું સોમ... કોણ બોલો છો ?'

'હું તમારાં વૃધ્ધ બા પાસે ઊભો છું. એમને લઇ જાવ !'

'એક કામ કરો. તમને એમનું વધારે દાઝતું હોય તો તમે જ લઇ જાવ.. સાંભળી લો, મારે કોઇ મા નથી.. ને હોય તો પણ મેં તમામ સંબંધો કાપી નાખ્યા છે, મારી પત્ની સાથે વાતવાતમાં કચ કચ કરનારી માને હું સાથે રાખી શકું તેમ નથી, પત્નીએ સ્પષ્ટ કહી દીધું છે: 'કાં તો માને રાખો, કાં તો મને.. માને રાખશો તો હું તમારી સાથેનો સંબંધ તોડી નાખીશ.. હવે તમે જ કહો, હું મારો સંસાર શા માટે બગાડું ? પત્ની કહે તેમ જ થશે !'

'વાહ રે, વાહ ! શું તમારા ઉમદા વિચાર છે ! જણનારીને જોડા મારવાના, ને રૂપાળી બૈરીને હારતોરા કરવાના !' 

ને ફોન મૂકાઇ ગયો. એમણે કહ્યું: 'માજી, હવે દીકરાની આશા ન રાખશો.. દીકરો હવે તમારો નથી રહ્યો.. એ તો બૈરીના રૂપમાં અંજાઇને આંધળો બની ગયો છે... પણ તમે રડશો નહિ !'

'હું શું કરું, બેટા ?'

'કશું જ કરવાનું નથી, મા ! મને તમારો દીકરો જ સમજી લો. ચાલો મારી સાથે.'

'ક્યાં ?'

'અનાથાશ્રમમાં.'

ને એ સજ્જન એટલે કે મિ. સંગમ શેઠ કલાદેવીને પોતાની સાથે લઇ આવ્યા. સડસડાટ દોડી જતા નેશનલ હાઇવેથી માંડ ચારેક કિલોમીટર દૂર એમનો આશ્રમ છે. ને આ આશ્રમમાં પનાહ લઇ રહ્યા છે આવાં જ તરછોડાયેલાં માવતર ! કપાતર દીકરા અને ઝેરીલી વહુઓને કારણે વૃધ્ધાવસ્થામાં ય એમને વનવાસ વેઠવો પડયો છે. હા, વનવાસ.. આસપાસ વગડો છે, ખુલ્લાં ખેતરો છે, વૃક્ષો છે ને આ બધાની વચ્ચે આવેલા આશ્રમમાં અનાથ, અશક્ત અને તરછોડાયેલાં વૃધ્ધ માનવીઓ કિલ્લોલ કરી રહ્યાં છે.... એક દિવસે સંગમ શેઠે કલાબાને પૂછ્યું: 'મા, તમારે દીકરા પાસે પાછા જવું છે ?'

'હું દીકરા પાસે જ છું.. મારા એ કપાતર કરતાં બેટા, તું તો અનેક ગણો સારો દીકરો છે. તારા જેવા સવાયા સપૂત શ્રવણને છોડી કોઇ કળિયુગના કપાતરને ત્યાં જાય ખરું ? મારું તો આ જ છે ઘર, આ જ છે દીકરો અને આ જ છે પરિવાર !'

- હવે આંખમાંથી આંસુ ખેરવવાનો વારો સંગમ શેઠનો હતો, અલબત્ત હર્ષનાં આંસું...!

(સત્ય ઘટના : નામ-ઠામ સહિત ફેરફાર સાથે)

Tags :