હા, એ વાત સાચી છે કે મારા રૂપ આગળ પરીઓય કુબડી લાગે, ને અપ્સરાઓય અડધી સૂકાઈ જાય ! પણ એમાં મારો વાંક શો?
- રણને તરસ ગુલાબની- પરાજિત પટેલ
- 'સોહમ, જા, તું છુટ્ટો છે. આપણા દેશને તારા જેવા યુવાનોની જરૂર છે...!'
જ રા મને એ કહેશો કે હું રૂપાળી છું, એમાં મારો શો દોષ ? અમારી આખીય નાતમાં મારા જેવી રૂપવંતી કોઈ નથી, એમાં હું શું કરું ? ને જરા મને જવાબ આપશો કે આ આખાય શહેરમાં મારા જેવી અપ્સરા દીવો લઇને શોધવા જાઓ, તો ય તમને ન જડે, આમાં મારો કોઈ વાંક ખરો ? મારા નામની, કવિઓ કવિતાઓ લખે, ને જ્યાં ત્યાં મારા રૂપનાં વખાણનાં ફૂલ વેર્યાં કરે, એમાં મારો ગુનો શો ?
હા, એ વાત પણ એટલી જ સાચી છે કે હું સૌંદર્યની બાબતમાં બેમિસાલ છું ! એ વાત સાથે ય હું સંમત થાઉં છું કે મારા રૂપ આગળ પરીઓય કુબડી લાગે, ને અપ્સરાઓ ય મને જોઇને અડધી સૂકાઈ જાય ? એ તો ઠીક છે કે, મને જોનારો કોઈ ઉમેદવાર 'ના' ન કહી શકે !
કોઈ મને રાણી રૂપમતી કહે છે, તો કોઈ મને પાંખ વિનાની પરી કહે છે ! હું રૂપવતી છું, ગોરો ગુલાબી મારો વાન છે, હૃષ્ટપુષ્ટ મારાં અંગો છે, ને સૌથી આકર્ષક તો મારાં મનલુભાવન નેણ છે ! મારા નેણના નશામાં ડૂબ્યો, એ સીધાં કપડાં ફાડવા જ લાગી જાય ?
હા, હું છું નેત્રમણિ !
રૂપરૂપના અંબાર સમી !
મારી તોલે કોઇ ન આવે !
મને કોઈ છોકરો એકવાર જુએ, એટલે પતી ગયું: વસી જાઉં એના મનમાં ! એ ફસી જાય મારા નેણમાં ! પછી એને કશું ના સૂઝે. ને મજનૂની જેમ 'નેત્રમણિ, નેત્રમણિ'ની રટણા કર્યા કરે ! ક્યારેક તો કોઈ છોકરો પાગલતાની સરહદો પણ પાર કરી નાખે !
એકવીસની છું હું !
એમાંય જ્યારે હું મારા મનગમતા રંગની ગુલાબી સાડી પહેરીને નીકળું છું, ત્યારે તો બજાર વચ્ચે બેઠેલા જુવાનિયા ગુલાંટો ખાવા લાગી જાય છે ! બસ, મારી જ વાતો ચાલે ! મારી જ ચર્ચા ચાલે !
'જોઈ ?'
'કોને ?'
'જાય છે એને !'
'પેલા ગુલાબી પતંગિયાની વાત કરો છો ?'
'હા, જ તો ! બીજા કોઈની વાત કરાય ખરી ?'
'કાશ, આ પતંગિયું મારા હાથમાં આવી જાય !'
જે કહો તે, મને પરી કહો કે પતંગિયું કે પછી કોઈ અંગ્રેજોની ઓલાદ જેવો જુવાનિયો 'બ્યુટીફૂલ બર્ડ' કહે, પણ એમ હું હાથમાં આવી જાઉં એવી નથી ! મારી સામે લુચ્ચી નજરે કોઈ જુએ તો ખરો ! મારો સોહમ એની આંખ જ ફોડી નાખે ! મને કોઈ ગંદા શબ્દો કહી તો જુએ ! મારો સોહમ એની આંખ જ ફોડી નાખે ! મને કોઈ અડી તો જુએ ! સોહમ એનો હાથ જ તોડી નાખે !
તમને થશે કે કોણ છે આ સોહમ ? કોઈ જબરો જુવાનિયો છે ? નેત્રમણિ મોહી પડે એવો દેખાવડો છે ? રૂડોરૂપાળો છે ? તગડી કાયાવાળો છે ?
તમારા તમામ સવાલોના જવાબ હું આપીશ: એ દેખાવડો નથી ! રૂડો રૂપાળો નથી ! હા કાયાની બાબતમાં એ ધનવાન છે ! પોણા છ ફૂટની ઊંચી કદાવર કાયા છે ! ખાટલાના પાયાં જેવા હાથ છે ! પાટલાઘો જેવી છાતી છે ! હા, રંગે જરા શ્યામ છે... પણ એની તો એક જ વાત છે: 'ખોટું કરવું નહિ, ને ખોટું ચલાવી લેવું નહીં !' હા, કોઈ ખોટું કરતો હોય તો... જોઇ નહિ રહેવાનું ! નિર્દોષને કોઈ સતાવતો હોય તો માત્ર તાકી નહિ રહેવાનું ! કાયાની કમાલ એને જરૂર દેખાડવાની !
સરપંચ જેવા સરપંચને ય એણે મારગ વચાળે આંતરીને ધબેડેલાને ! મહીનાનો પાટો આવેલો સરપંચને ! કરિયાણાની દુકાનવાળા દલીચંદ શેઠનોય ગાલ એણે સૂઝાડી દીધેલો, એક અનાજ લેવા આવેલી જુવાનડીનો હાથ પકડવા બદલ ! અને એ બે ય જણાએ સરપંચ મુગટલાલ અને દલીચંદે એની છાપ બગાડી નાખેલી: 'સોહમ ગુંડો છે. પાક્કો બદમાશ છે !'
ના.
એ ગુંડો નથી !
બદમાશ નથી !
જેમ લોકો મારા માટે કહે છે કે: 'આખા શહેરમાં નેત્રમણિ જેવી કોઈ નથી !' એમ હું પણ કહું છું કે: 'આખાય મહાનગરમાં સોહમ જેવો સારો માણસ કોઈ નથી !'
એણે સરપંચને ધોયો ને હું ફિદા થઈ ગઈ !
એણે દલીચંદનો ગાલ સૂઝાડી દીધો, ને હું ફિદા થઇ ગઈ ! મને થયું: 'કાશ ! આવો જોરૂકો જુવાન જો મારા જીવનમાં જોડાઈ જાય તો ?' ને રસ્તામાં એ મને મળી ગયો.
મને જોઇને એ હસ્યો.
હું ય હસી.
'કેમ હસ્યો, સોહમ ?'
'લે કર્ય વાત, હસવા જેવું માણસ મળે તો હસી જ પડાયને ?'
'હું હસવા જેવી છું ?'
'ના.'
'તો ?'
'મારા રદિયામાં વસવા જેવી છે ! ને હું ?'
'તું ય મારા દિલની દાબડીમાં વસાવા જેવો છે !'
'ઓહ !'
'શું ?'
'બેય બાજુ આગ લાગી છે !'
ને એણે મારો હાથ પકડી લીધો ! મેં કહ્યું: 'હવે રાજીને ?'
'રાજી, રાજી !'
'તો ચાલ, રમી લઇએ જિંદગીની બાજી !'
ને અમે હરતાં ફરતાં ને મળતાં થઇ ગયાં ! રદિયામાં નેહના અંકુર ફૂટયા ! આંખોએ આંખોમાં વાત કરી લીધી ! ટેરવાં અડયાનું સુખ ઘેરી વળ્યું અમને ! એ હોય, એ મને ગમે ! એ જાય, એ મને ન ગમે ! એ મારા સમણાંમાં આવે ને બેય જણાં ઢોલિયે બેઠાનું સુખ માણીએ !
અમને થતું હતું કે: સુખની છોળો ઉડાડવાની ક્ષણ હવે નજીકમાં છે ! પછી ઊડી જશે સઘળાયે તાપ ! થઇ જશે મંડપ નીચે બે હિઝરાતાં હૈયાંનો હસ્તમેળાપ ! પછી બેય જણાં જપીશું પ્રેમ કેરા જાપ !
ઇચ્છા હતી, હવે મળાશે !
મનમાં હતું, ઝંખના હવે ફળશે !
હવે હાથવેંતમાં છે સુખ !
પણ અચાનક જ બધું બની ગયું. સોહમને પોલીસ પકડીને લઇ ગઈ ! સોહમે મતાદારના છોકરાનો હાથ તોડી નાખ્યો: કારણ ? ખેતરમાં ઘાસ વાઢતી એક યુવતીને એણે બળજબરીથી બાથમાં લીધી હતી ! સોહમ ત્યાં થઇને નીકળ્યો, ને પેલી યુવતીએ 'સોહમભાઈ, બચાવી લો મને !' ને સોહમ દોડયો. મતાદારના છોકરા કોદરને લાતે લાતે ઝુડી નાખ્યો, ને આ હાથ વડે તું એને અડક્યો હતો ને ? લે... કહીને કોદરનો હાથ ભાંગી નાખ્યો. વાત વધી ગઈ... મતાદારે ફોજદારને ફરિયાદ કરી, અને તેને તાલુકાની જેલમાં નાખી દીધી.
મેં આ જાણ્યું.
ને કોદરના જુલમનો ભોગ બનનાર પેલી યુવતી માધવીને લઇને હું તાલુકે ગઈ. ફોજદારને કહ્યું: 'સાહેબ, સાચો ગુનેગાર સોહમ નથી.'
'તો ?'
'કોદર છે. કોદર ડામીસ છે. એના ધંધા જ આ છે. પહેલાં પણ એણે ગામની એક છોકરી પર બળાત્કાર કરેલો, ને પછી તો એ છોકરીએ પંખે લટકીને આત્મહત્યા કરેલી. ગુનેગાર તો મતાદારનો દીકરો કોદર છે.'
'સાચું બોલે છે ?'
'હા, પૂછી જુઓ આ માધવીને ! એણે આને બાથમાં ઘાલી હતી... એ દિવસે ના થવાનું થઇ જાત, પણ સોહમે એને બચાવી લીધી !'
'ઓહ, તો વાત આમ છે !'
ને એમણે સોહમને છોડી મૂક્યો એની પીઠ થાબડીને કહ્યું: 'સોહમ, આ દેશને તારા જેવા યુવાનોની જરૂર છે...' ને ફોજદારે હાથ નીચેના જમાદારને ઓર્ડર કર્યો: 'જાવ, કોદરને પકડી લાવો ! છો સડયા કરે એ જેલમાં ! એના પર બળાત્કાર અને છોકરીના મોતના ગુનાની કલમો લગાડી દો !'
થવાનું હતું તે થઇ ગયું !
ને એ જ તો થવાનું હતું !
શું ?
અમારાં લગ્ન. હાથમાં હાથ મળ્યા. બે હૈયાં ઉલટભેર મળ્યાં. મારા સઘળા સંતાપ ટળ્યા, ને હું સોહમની બની ગઈ ! ને સોહમ ? સોહમ મારો બની ગયો !