Magazines

બોલો, તમને પગનાં બોલકાં ઝાંઝર ગમે કે પછી ઝાંઝરની પહેરનારી મિસ. ઝાંઝર ? સાચું બોલજો, હાં !!

By GS Team
11 Feb 20207 mins read
This article was originally published on 11 Feb 2020
બોલો, તમને પગનાં બોલકાં ઝાંઝર ગમે કે પછી ઝાંઝરની પહેરનારી મિસ. ઝાંઝર ? સાચું બોલજો, હાં !!

કોઇને મદદરૂપ બનવાના મારા અભિગમ પર શંકાની આંગળી ઊઠાવે, એ મને ન ગમે, ઝાંઝરજી !

માર્ગ પર માત્ર મોતના દૂતો જ નહિ, માણસનું રૂપ લઈને વાસનાના વીંછી પણ વિચરતા હોય છે! બેયથી સાવધાન રહેવું !

તમે સારા માણસની વાત કરો છો ને ? હશે...પણ મને તો નઠારા જ મળ્યા છે ! તમે ઊજળાં કપડાંવાળા ખાદીધારીઓની વાત કરો છો ને ? હું જાણું છું એમને ! સંધાય કાચંડા છે કાચંડા ! તમે ભગવાધારીઓની વાત કરો છો ને ? હોય હાથમાં માળા, ને કાળજાં હોય કાળાં ! તમને એમ થશે કે ઝાંઝર ને આટલો બધો રોષ પૂરુષો માટે કેમ છે ?

મારું નામ છે ઝાંઝર.

મને પગમાં ઝાંઝર ના હોય તો ન ગમે ! પગને ય રૂપાળા બનાવવા પડે ! ને મારાં ઝાંઝર એટલે ?

હું બજાર વચ્ચે થઈને નીકળતી હોઉં તો આસપાસના ઓટલે કે દુકાનોના થડે બેઠેલાઓ શ્વાસ લેવાનું ય બંધ કરી દે, વાતો તો ચાલુ જ હોય ! 'જુઓ, જુઓ, ઝાંઝરવાળી ઝાંઝર જાય છે !'

'વાહ, ઝાંઝરનો રણકો તો સાંભળો !'

'હું તો રોજ સાંભળું છું, ને જોઉં છું !'

'તમે જુઓ પણ છો ?'

'રૂપને જોઉં છું ને ઝાંઝરના ઝંકારને સાંભળું છું...બોલો, તમને પગનાં બોલકાં ઝાંઝર ગમે કે પછી ઝાંઝરની પહેરનારી મિસ. ઝાંઝર ?'

- બસ, આવી જ વાતો થાય. પાનના ગલ્લા પાસે ઊભેલા પાનના રસિયા જુવાનિયા ગલોફાંમાં પાન ઘાલી બોલે : 'ઈસકો બોલતે હૈ જુવાની !'

'ઝાંઝરવાળી જુવાની !'

'એય જોબનના જળમાં છબછબિયાં કરતી ઝાંઝર !'

- હા, ઉપરવાળાએ મને ખોબલે ખોબલે રૂપ આપ્યું છે...મા-બાપને મારી ચિંતા છે...એ કોઈ સારા યુવાનને શોધે છે : 'ક્યારેક મુલાકાતો ય ગોઠવાય છે ! કોઈ પૂછે : 'તમને વેઢમી બનાવતાં આવડે ? સેવઉસળ બનાવતાં આવડે ? ગળચટી દાળ બનાવતાં આવડે ? નકરા માખણ જેવી રોટલી બનાવતાં આવડે ?'' ગળચટી દાળ બનાવતાં આવડે ? નકરા માખણ જેવી રોટલી બનાવતાં આવડે ? ને મારું દિમાગ જાય. કહી દઉં : 'તમારે પત્ની જોઈએ છે કે પછી રસોઇયો ?' પેલો હાકોબાકો થઈ જાય...ને હું કહી દઉં.... : 'પણ જુઓ મિસ્ટર, મને તમે કહી એ વાનગીઓ બનાવતાં મને આવડે છે કે નહિ, એ વાત જવા દો ! ને મારી વાત સાંભળો....તમારા જેવા વાનગીઓના સવાદિયા ના નામ પર હું ચોકડી મારું છું...ઊઠો, તમે ફેલ થઇ ગયા !'

આવા ને આવા તો ઘણાય આવ્યા...પણ એમના સવાલતો જુઓ : 'તમને ગામડું ગમે કે શહેર ?' તમને બાઇક પર મારી પાછળ બેસવું ગમે કે મોટરમાં ? તમને ફેશન ગમે કે સાદગી ? તમને ફિલ્મ જોવી ગમે કે નાટક ? હું તરત જ કહી દઉં : 'મને જે ગમતું હશે તે હશે, પણ એક વાત કહું ? તમે તો મને નથી જ ગમતા, સમજ્યા ?'

- કથા સાંભળવા જાઉં તો કથાકાર ચારિત્ર્ય અને સંસ્કારની વાતો કરતા હોય, મોહ-માયાથી મુક્ત બનવાની વાતો કરતા હોય, પણ કથા પછી હું તેમને વંદન કરવા જાઉં ત્યારે મારા માથે અને ગાલે હાથ અડાડી કહે : 'તમે આવજોને મારા પડાવ પર...' ત્યારે હું જોઉં : કથાકારશ્રીની આંખોમાં નરી વાસના છલકાતી હોય ! એમના શબ્દોમાં મોહનો કીડો દુર્ગંધ વેરતો હોય ! જાણું છું બધાને ! લૂંગડાંમાં સહુ દિગંબર છે !

એ ગમે તે હોય, ભગવાધારી હોય કે ખાદીધારી, દાઢીવાળો હોય કે સફાચટ ચહેરાવાળો - 'પણ મેં જોયું છે કે એક વાત કોમન હોય છે : આંખોમાંથી નીકળતા રાગ અને મોહના તણખા, નાગની લબકારા મારતી જીભનાં ઝેર ! મને મળ્યા, એ સંધાય છે કાળા મેંશ કાળજાવાળા, કામાગ્નિમાં જલતા કાળોતરા : રૂપાળી જુવાનડીને જોઈ નથી કે ગરોળીની રાતીચોળ જીભ જેવી વાસના લબકારા મારવા મંડી જાય !'

મળ્યા છે તો કોલસા જ મળ્યા છે !

ભટકાયા છે તો ભોરીંગની જીભ જેવા !

પણ એક વાત કહું ?

મને મળ્યો એક જુવાન !

મને મળ્યો એક મરદ માઠુડો !

મને મળ્યો સારંગ !

દુનિયામાં મોટા ભાગે ભીતરમાં ભોરીંગ છુપાવીને બેઠેલા મોહના ઝેરથી ભરેલી જિહ્વાવાળા જ હોય છે, એ વાત સાચી ! પણ ક્યાંક ક્યાંક એમના સંસ્કારોને સલામ મારવાનું મન થાય એવા, દિલની પવિત્રતા વાળા માણસો પણ હોય છે...! ને આવા આંતરિક ઉજાસવાળા માણસો મળે છે ત્યારે દુનિયા વિષેનો આખોય અભિપ્રાય બદલાઈ જતો હોય છે !

સારંગ એટલે દિલની શુદ્ધિ !

સારંગ એટલે નકરી માનવતા !

સારંગ એટલે નર્યો પ્રેમ !

એની વાતો ગંગાની ધારા જેવી ! એનો વ્યવહાર ગંગાના જળ જેવો !

આવો માણસ તો દીવો લઈને શોધવા જાઓ, તો ય ન મળે ! ન મોહની વાત ! ન રાગભરી નજર ! ન વાસનાનો કીચડ ! સીધો સાદો અને સીધા રસ્તે ચાલનારો યુવાન !

- તે દિવસે હું બસ પકડવાની ઉતાવળમાં દોડતી હતી... ત્યાં જ અચાનક મને પથ્થર અથડાયો, ને હું ગડથોલિયું ખાવા લાગી...પાછળ જ એક ટ્રક ધસમસતો આવતો હતો થયું. હવે પતી ગયું. સંસાર સાથેની લેણાદેણી પૂરી થઈ ગઇ ! હવે ઝાંઝર બહેન હાલ્યાં મોક્ષના માર્ગે....માત્ર બે-ચાર સેકંડ ! અને અચાનક ત્યાં કોઈ આવી ચઢ્યું...ને તેણે મને પકડી લીધી...ને માર્યો ધક્કો ! ને બે ય જણાં રોડની સાઇડમાં પટકાયાં. એણે તરત જ ઊભા થઈને કહ્યું : 'આમ સડક પર દોડાતું હશે ? ટ્રક સાથે અથડાયાં હોત તો ? ને હું એને વળગી પડી :'

'ઓહ, તમે મારા રક્ષણહાર રામ છો !'

'રામ નહિ ?'

'તો ?'

'હું છું સારંગ ! મારા કારણે તમે બચી ગયાં એનો મને અનહદ આનંદ છે. આવી રીતે કદી ન દોડતાં ! વાહન રૂપે મોતના દૂતો સતત પીછો કરતા હોય છે ! હા, પણ તમે -'

'હું ઝાંઝર !'

'વાહ ! નામ સરસ છે, ને લાગો છો પણ સંસ્કારી ! એક વાત કહું ?'

'કહો.'

'માર્ગ પર માત્ર મોતના દૂતો જ નહિ, માણસનું રૂપ લઈને વાસનાના વીંછી પણ ભળતા હોય છે..બેયથી સાવધાન રહેવું !'

'ભલે.'

'ચાલો, બેસી જાવ મારા બાઈક પર...તમને તમારા ઘેર પહોંચાડી દઉં !!'

ને સારંગે મને અડધા કલાકમાં તો મારા ઘર સુધી પહોંચાડી દીધી. મેં આગ્રહ કર્યો : ! ચા-પાણી કરીને જ જાવ ! એ માની ગયા. અંદર આવી ને બેઠા. મેં મમ્મીને બધી જ વાત કહી..મમ્મી સારંગને જોઈ રહી : 'માણસ સારો લાગે છે !' છે ય સંસ્કારી અને દેખાવડો ! મેં સારંગનું એડ્રેસ લઈ લીધું.

'જાઉં ?'

'જશો ?'

'જવું તો પડે જ ને !'

'ફરી આવજો પાછા ને ફોન પણ કરજો..'

'ભલે. પણ શું કહ્યું ? હવે પછી સડક પર આમ ન દોડતાં ! બધી જગ્યાએ હું ન પણ હોઉં, મીસ ઝાંઝર !'

ને એ જતા રહ્યા ! સાવ સાદો માણસ ! પેન્ટ અને શર્ટ ! ગૌરવર્ણ ! સાડા પાંચ ફૂટ જેટલી ઊંચાઈ ! ને શ્યામલ આંખો ! ક્યાંય મેલ નહીં, નજર પણ સાવ ચોખ્ખી અને શબ્દોમાં પણ સંસ્કાર ડોકિયાં કરે !

આનું  નામ તે જુવાન !

આનું નામ માણસ !

આનું નામ તે સંસ્કાર દીપક !

આનું  નામ તે દેવદૂત !

મેં એક દિવસે ફોન કર્યો. ને ગાર્ડનમાં મળવા બોલાવ્યા સારંગને ! સારંગ આવ્યા. સામસામે અમે બેઠાં. ત્યાં જ મેં કહ્યું : 'મિ. સારંગ, મારાં મમ્મી તમારાં ખૂબ વખાણ કરતાં હતાં !!'

'એમ ?'

'હા.'

'તમારાં મમ્મી ખૂબ સારાં છે !!'

'ને એક વાત કહું, સારંગ !'

'કહો.'

'તમે મને ય ગમી ગયા છો !'

'એટલે ?'

'જીવતરને જોડી દઈએ, મમ્મીની લીલી ઝંડી છે !'

'ના !'

'ના ?'

'હા, ના ! તમે ગમી જાવ એવાં છો ! શિક્ષિત પણ છો, ને સંસ્કારી પણ છો ! તમારો પરિવાર પણ સંસ્કારી છે. બધું ય ગમી જાય એવું છે. પણ મિસ. ઝાંઝર, એક વાત કહું ?'

'કહો.'

'જે બનાવ થોડા સમય પહેલાં બન્યો, એને જાણનારા ઘણા હશે ! કદાચ વાત તમારા સગાંવહાલાં અને સર્કલમાં પણ ચર્ચાઈ ગઈ હશે. હવે આપણે લગ્ન કરીએ તો લોકો એમ પણ કહે કે : 'બચાવવા-ફચાવવાની વાત તો ઠીક છે, બંને એ સ્ક્રીપ્ટ પ્રમાણે જ અભિનય કર્યો છે. અથવા રૂપાળી જુવાનડીના રૂપનો ગેરલાભ ઉઠાવવા જ સારંગે અણીના સમયે કૂદી પડીને ઝાંઝરને બચાવી હશે ! છેવટે પોત પ્રકાશ્યું ખરું ! આ તો સ્વયં કામદેવે લખેલું નાટક છે, નાટક ! બાકી કોઈ પોતાના જીવને જોખમમાં નાખીને ધસમસતા આવતા ટ્રક વચ્ચે કૂદે ખરું ?'' કોઈને મદદરૂપ થવું એ મારા જીવનનો અભિગમ છે ! અવારનવાર આવી અથવા આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે, ને હું બચાવ માટે, મદદ માટે, કોઈને આધાર આપવા માટે દોડી જાઉં છું. હું ગાંધી ચીંધ્યા માર્ગે ચાલનારો માણસ છું. કોઈ મારા કોઈને ઉપયોગી થવાના સત્કર્મ પર આંગળી ઊઠાવે એ મને ન ગમે ! માફ કરજો મિસ ઝાંઝર, હું તમારી સાથે સંમત થઈ શકું તેમ નથી ! ગુડબાય ! કહીને તે ચાલ્યો ગયો હતો !

- હવે તમે જ કહો કે : મેં એક અણમોલ રત્નને ગુમાવ્યું કે પછી કોઈ સંસ્કાર દીપક નામે અજવાળાં અનુભવ્યાં ? શું કહો છો તમે ?