Get The App

આગળ વધવું હોય તો તમારા હાથને કદી મેલા ન થવા દેશો!

Updated: Aug 10th, 2021

GS TEAM


Google News
Google News
આગળ વધવું હોય તો તમારા હાથને કદી મેલા ન થવા દેશો! 1 - image


- રણને તરસ ગુલાબની-પરાજિત પટેલ

- મિનિસ્ટરે હાથ ગંદા કરીને ઘર ભર્યું હોત તો ભલે એ જીવંત ન હોય, પણ એની વૃધ્ધ ઘરવાળી પેટને ખાડો પૂરવા શાકભાજી વેચવા બેસત ખરી ?

'શાક લઇ જાવ, સાયેબ ! રીંગણાં, બટાટા, તુરિયાં... ભાવ તમે આલો તે..'

શહેર છે. શહેર મજાનું છે. શહેરને પહાડની છાયા છે.. બજાર છે.. ને બજારમાં મંદિરવાળો ખાંચો છે. બસ, આ ખાંચા પાસે એક વૃધ્ધ શાકવાળી બેસે છે. આમ તો શાકવાળી જેવી નથી લાગતી... ચહેરા પર ખુમારીનાં તેજ લીંપાયાં છે! સ્વમાની છે ! 'ના, આટલા નેના આટલા' એવો ભાવ તોલ કરનારી તે નથી. આંખોમાં તેજ છે. નેણ ચમકદાર છે ! અને એટલે જ તો એ કહે છે: 'ભાવ તાલ કરવાની જરૂર નથી... તમે આલો તે ભાવ ! તમારા ભાવેભાવ.. મારો કોઈ નોખો ભાવ નથી, સાયેબ !'

રોજ બેસે છે -

ટોપલી લઈને.

ટોપલીમાં જાત જાતના શાક હોય... હા, ત્રાજવાં તે રાખતી નથી. તમારે ખરેખર જરૂર હોય એટલું શાક લઈ જાવ. ભાવ ? ભાવની માને કાગડા પરણી ગ્યા ! તમે આપો તે ભાવ !

તમારો, ભાવ તે મારો ભાવ.

મારો અલગ કોઈ ભાવ નથી.

વૃધ્ધા છે ઉંમરનો સાતમો પડાવ એણે પસાર કરી દીધો છે. આઠમા પડાવે પહોંચવા આવી છે. પણ શું કરે? પેટ માગે રોટલો, ને જવાની માગે ચોટલો ! આવડા મોટા શરીરમાં ઉપરવાળાએ માણસને પેટ આપીને કમાલ કરી નાખી છે. પેટ પાછું ખાડાવાળું ય હોય, ને તુંબડા જેવું ય હોય ! ભૂખ લાગે એટલે પેટમાં વહેંતનો ખાડો પડી જાય ને પેટની માંહ્યલીમાંથી પોકારો પડવા લાગે: 'ખાવા આલો, ખાવા આલો, નથી રહેવાતું.'

છોંતેર વરસની ઉંમરે બીજી કોઈ આવડત તો છે નહિ. તો પછી પ્રશ્ન આવીને ઊભો રહ્યો: 'હું શું કરું ? શું કરું તો પેટ ટાઢું પડે ? પેટનો ચુલો ક્યારેય ટાઢો થતો નથી. ચાર-પાંચ કલાકમાં તો પાછી પેટની ભઠ્ઠી ભડભડ સળગવા લાગે: કોકે કહ્યું: 'શાકભાજીનો ધંધો કરો, મા !'

'મને ભાવતાલ નહિ આવડે !'

'વાંધો નહિ. ભાવ કરવાની શી જરૂર છે ? હજી માણસાઈ મરી પરવારી નથી... કોઈ ઓછું ન આપે. ને આપણો તો પહાડિયો પ્રદેશ... પહાડિયું શહેર. રાજા-રજવાડાનું શહેર. માણસો માણસાઇને ગજવે ભરીને જીવે છે. કોઈ છેતરે નહિ. માગો એથી ય વધારે આપે. એમાં ય પાછો આ તો ઓછી મૂડીનો ધંધો. શરૂ કરી દો, મા !'

પછી તો શરૂ થઈ ગયો ધંધો ! ટોપલીય આવી ગઈ, ને શાકબકાલું ય આવી ગયું, ન ભાવ, ન તોલ ! બસ, એક જ વાત: આલવું હોય તે આલો તોલવા ત્રાજુડી જ નથી. તમે બોલો તે તોલ, ને તમે આપો તે મોલ !'

વિધવા છે.

ક્યારેક વિચારે ચઢી જાય છે એ.. ને આંખો ભીંજાઈ જાય છે: 'એ હોત તો... ? મલક આખામાં મોટું નામ ! આખા પ્રદેશમાં એના નામના ડંકા વાગે! ગામડિયા ભાષામાં રાજકારણીઓ આગળ વાતો વધારે એટલે તાળીઓ પડે. એમની તો એકજ વાત: 'તમે ધારાસભ્ય હોવ કે મિનિસ્ટર હોવ, પણ હાથ હંમેશાં ચોખ્ખા રાખો. મેલા હાથ ક્યારેક તો ગંધાશે !'

લોકો હોલને તાળીઓથી ગજવી દેતા: 'સાંભળો, સાંભળો, હું મિનિસ્ટર કેમ બન્યો છું ? કારણ ? કારણ કે મારા ચોખ્ખા હાથ જ મને આ લેવલે લાવ્યા છે. બાકી એક દલિતના દીકરાનું ગજું શું ? દલિત ભલે હોય, ચલિત ન થાવ ! માણસ મટીને ખાઉંધરા પલિત ન થાવ... જ્યારે પણ તમે કહેશો કે તમે હાથને મેલા કર્યા છે, હું તરત જ રાજીનામું આપી દઈશ... મરી જઈશ, ભીખ માગીશ... પણ હાથને મેલ તો નહિ લાગવા દઉં!'

સમજી ગયા હશો ?

હા, એ પૂર્વ મિનિસ્ટરની પત્ની છે... વરસો વીતી ગયાં છે.. ચાર-ચાર દાયકા પહેલાંની આ વાત છે. ચોખ્ખા હાથવાળો નેતા જ ક્યાં મળે છે ? વાતો મોટ મોટી, ને કામ ખોટાં ખોટાં ! તમે જ કહો, મિનિસ્ટરે હાથ ગંદા કરીને ઘર ભર્યું હોત તો ભલે એ જીવંત ન હોય, પણ એની વૃધ્ધ ઘરવાળી પેટને ખાડો પૂરવા શાકભાજી વેચવા બેસત ખરી ?

ના.

કોઈ મિનિસ્ટરની નિરાધાર પત્નીને આવું કરવું પડે ?

ના.

છતાં આ વૃધ્ધા શાકભાજી વેચી રહી છે... પતિને યાદ કરે છે... રડી પડે છે. 'એ તો ભગવાનના માણસ હતા ! સાચો રામ તો એમના રદિયામાં વસતો હતો ! જિંદગી પર મેલનું ટપકું ય પડવા દીધું નથી ! આપણે તો રામનું નામ પણ વેચાય છે !'

એક ભાઇ આવે છે.

શાક લે છે.

કદાચ ઓળખીતા લાગે છે.

'કેટલા આપું ?'

જે આપવું હોય તે આલો.'

ને પેલા મહાશય ગજવામાંથી સોની નોટ કાઢીને માજીના હાથમાં મૂકી દે છે... માજી મુંઝાઈ જાય છે.

'આટલા બધા રૂપિયા ?'

થયું: 'છુટ્ટા પાછા આપવાના હશે... ' એટલે હાથમાં આંગળામાં સોની નોટ રમાડતાં બોલ્યાં માજી: 

'સાયેબ, છુટ્ટા નથી, મારી પાંહે !'

'મેં ક્યાં માગ્યા છે ?'

'તમે તો નથી માગ્યા, પણ મારે તો આલવા પડે ને ? પાંચ દસના શાકના સો રૂપિયા ઓછા જ લેવાય છે ?'

'લાવો પાછા..'

'લો.'

ને માજી સોની નોટ મહાશયના હાથમાં મૂકી દે છે. એ મહાશય ગજવામાંથી પાકીટ કાઢીને પાંચસોની નોટ કાઢે છે: 'લો, માજી !'

ને પછી માજીના હાથમાં મૂકી દે છે.

'આ તો પાંચસોની નોટ છે.'

'રાખો !'

'શું કામ ?'

'આપ્યા..'

ને માજી કંઈ કહે તે પહેલાં તો પેલા મહાશય ઝડપથી અદ્રશ્ય થઇ ગયા. 'હેં જતા રહ્યા ?' ને પછી હાથમાં રહેલી પાંચસોની નોટ તરફ જોતાં માજી બોલ્યા: 'એ તો કોઈ ફરિશ્તો હતો કે પછી ભગવાન ?'

ના માજી, એ ફરિશ્તો ન હ તો ! સાચો ફરિશ્તો તો તમારા સદ્ગત પતિ હતા. ભલે એ મિનિસ્ટર હતા, પણ હૃદયમાં વસતા રામે કદી એમને ગંદી ચાલ ચાલવા દીધી નથી, સમજ્યાં ?

*

(વરસો પહેલાં બનેલા મિનિસ્ટરના જીવનની સત્યકથા... આજે તો કોઇ હયાત નથી. દીકરા મજુરી કરે છે... - લેખક)

Tags :