Get The App

તમે કામ પર જશો ત્યારે અમે એનું ધ્યાન રાખીશું ! આજથી એ તમારી દીકરી નહિ, આખી સોસાયટીની દીકરી છે... !!

- રણને તરસ ગુલાબની- પરાજિત પટેલ

- જધિક્કાર છે એને ! આવડી મોટી ઘટના બની તો ય ઊભી પણ ના થઈ ! બૂમ પણ ન પાડી!?

Updated: Jul 7th, 2020

GS TEAM

Google News
Google News
તમે કામ પર જશો ત્યારે અમે એનું ધ્યાન રાખીશું ! આજથી એ તમારી દીકરી નહિ, આખી સોસાયટીની દીકરી છે... !! 1 - image


'આ મ તો લાગે છે તગડી ! ખુરશી પર શાલ ઓઢીને બેઠી છે તો ય આવી કેમ છે ? સોસાયટીમાં આવડી મોટી ઘટના બની ગઈ તો ય જબાન બંધ કરીને બેઠી છે ! વાહ રે, વાહ ! છે તગડી ! પહેલવાનને ય કાન પકડાવે એવી ! તો ય બૂમ પણ ન પાડી ?'

આખી સોસાયટીમાં એ છોકરી પર નફરતનાં નગારાં વાગી રહ્યાં છે ! સહુ એને ધિક્કારી રહ્યાં છે ! ઘટના જ એવી બની હતી કે લોકો એમ કહે તે ય સ્વાભાવિક છે ! મજાની સોસાયટી છે. મજાના મકાન છે ! વચ્ચે મોટો માર્ગ છે ! પછી બે બાજુ મેદાન જેવો ખુલ્લો ભાગ છે !

ને પેલી છોકરી - બાવીસ વર્ષની મસમોટી કાયાવાળી - મલ્લ જેવી તગડી યુવતી બેઠી છે... ને એની સામે જ ઘટના બની ગઈ !

તોય એ ન બોલી.

તો ય એ ચુપ રહી.

તો ય એ ઊભી ન થઈ.

ખરી છે આ તગડી તો !

સૌ નફરતનાં વાજાં વગાડી રહ્યાં છે. કોઈ કહે છે 'પેલા લોકોમાં ભળી તો નહિ ગઈ હોય ? ચોરની બહેન ઘંટીચોર !'

'એમ પણ હોય !'

'થૂં... થૂં !!'

સોસાયટીમાં ભાડે રહેવા આવ્યાં છે મા-દીકરી ! બિલકુલ સોસાયટીના રોડ સામે જ છે ભાડાનું ઘર ! મા વિધવા છે ! એ બિચારી કોઈ ખાનગી કંપનીમાં કામે જાય છે... ને આ યુવતી ખુરશી પર બેસી રહે છે. શરીર પર મસમોટી શાલ છે. પગ સહિત આખું ય શરીર ઢંકાઈ જાય છે શાલ નીચે ! આંખો પર ગોગલ્સ લગાવીને બેસી રહે છે એ યુવતી ! મા છેક મોડી રાતે આવે છે. રસોઈ બનાવી દે છે, ને બેય જણાં પેટપૂજા કરી લે છે !

સોસાયટી શહેરની પૂર્વમાં છે. આમ જાવ તો મણિનગર આવે, ને આમ જાવ તો રબારી કોલોની આવે ! વચ્ચે જ છે આ મસ્ત મજાની સોસાયટી ! ને મા-દીકરી બેય ભાડે રહેવા આવ્યાં છે. માએ ડીપોઝીટ આપી દીધી, ને મોડી રાત્રે ભાડાની ટેકસીમાં આવ્યાં હતાં ! મા નવ વાગે તો જોબ પર જતી રહે છે, હા, દીકરી બહાર ખુરશી પર બેઠી હોય છે. એની આગળ ટેબલ મૂકાય છે ને ટેબલ પર ભાવતું ભોજન ! ભૂખ લાગે ત્યારે ખાય છે છોકરી !

મા મોડી રાત્રે આવે.

ત્યાં સુધી તેનું તો એક જ કામ... ખુરશી પર બેસી રહેવાનું ! પોચી પોચી ખુરશી છે ! ત્રણેય બાજુ પાટિયા જડેલું ટેબલ છે. ટેબલ પર થાળી છે, વાડકો છે, પાણીનો ગ્લાસ છે, ને છોકરી બેઠી છે પોચી પોચી ગાદીવાળી ખુરશી પર એ શાલ ઓઢેલી જ રાખે છે - શાલ હટાવવાની નહિ ! શિયાળો છે. શીતળ શીતળ વાયરા વાય છે. શીત લહર આવે છે.

પણ છોકરી ?

હયાતિ ?

હયાતિને ટાઢ શું કરી શકે ? ટાઢ ના ય બાપ જેવી સરસ મજાની શાલ તો ઓઢી છે એણે.

સોસાયટીના લોકો અવર-જવર કરે છે. સ્ત્રીઓ અવર-જવર કરે છે. કોઈ શાકભાજી લેવા જાય છે, તો કોઈ કરિયાણું લેવા ! કેટલીક બહેનો નોકરી ય કરે છે.

નવા જ ભાડુઆત આવ્યા છે. સૌને થાય છે કે બહેન ખૂબ અતડા સ્વભાવનાં છે ! કોઈ એમને ત્યાં બેસવા જતું નથી એ કોઈને ત્યાં જતાં નથી ! બસ, એ અને એમની જોબ ! સવાર થાય એટલે તૈયાર થઈ જવાનું ! ખુરશી પર બેઠેલી દીકરીના ટેબલ પર વાનગીઓ મૂકી દેવાની... ! 'ભૂખ લાગે એટલે ખાઈ લેજે, હાં બેટી !' ને પછી મા એટલે કે સરોજબહેન જતાં રહે છે જોબ પર ! શું થાય ? વિધવા છે ! થોડી ઘણી બચત હશે ! પણ રોજનો ખર્ચ તો કાઢવો પડે ને ? એટલે જોબ કરે છે, ખાનગી કંપનીમાં ! સવારે જાય છે, ને રાત્રે નવ-સાડા નવે ઘેર આવે છે. ઘરમાં આવતાં જ પૂછે: 'બેટી, ભૂખ તો નથી લાગી ને ?'

પણ આજે ગજબનો બનાવ બની ગયો ! ધાર્યું નહોતું એવું બની ગયું ! કોઈ બે અજાણ્યા ગુંડા જેવા યુવાનો આવ્યા હતા. વધેલી દાઢીવાળા ઢાંકેલા ચહેરાવાળા ને એક ઘરમાં ઘૂસ્યાં. તિજોરી તોડી નાખી. રૂપિયાનાં બંડલ ગજવે ઘાલ્યાં. ઘરધણી સૂતો હતો. અવાજ થતાં જ એ જાગી ગયો ! બપોરની વેળા હતી ! બધાં જ લોકો બારણાં આડાં કરીને સૂતાં હતાં ! પેલા ઘરધણીએ પૈસા ઝુંટવવા પ્રયત્ન કર્યો... તો પેલા ગુંડાઓએ એને ઝુડી નાખ્યો. ઘરધણીએ મુક્કો ઉગામ્યો, તો પેલા ગુંડાઓ તેને મારતા મારતા ઢસડીને બહાર લાવ્યા. એના હાથ પર લાકડી ઠોકી... ને હાથ તોડી નાખ્યો: 'ખબરદાર જો પાછળ આવ્યો છે તો... જીવતો નહીં છોડીએ. મરવું હોય તો પાછળ આવજે. નોટોના બંડલ પાછાં લેવા છે તારે ? સાંભળી, એ રૂપિયા હવે તારા નથી, અમારા છે, સમજ્યો ?'

ને એક જોરદાર લાત ઠોકીને એ જતા રહ્યાં ! ઘરધણી છનાલાલ ઉંહકારા કરી રહ્યો... ચીસો પાડવા લાગ્યો !

ને પેલી યુવતી ?

હયાતિ ?

એ ઘરની બહાર જ ખુરશી પર બેઠી હતી. ગોગલ્સ પહેરીને !

 શાલ ઓઢીને ! એ કંઈ જ ન બોલી. ચુપચાપ જોઈ રહી. છનાલાલની ચીસોથી બધાં જાગી ગયા. આડાં કરેલાં બારણાં ખોલીને સહુ બહાર આવ્યા ! ને છનાલાલને કણસતા જોયા ! હાથમાંથી વહેતા લોહીને જોયું ! બાપ રે...

ને એમણે જોયું કે પેલી યુવતી ખુરશી પર શાલ ઓઢીને બેઠી છે ! ફોન પર ફોન છુટયાં. બધાં કામ છોડીને ઘેર આવી ગયા ! છનાલાલની બૂરી હાલત જોઈ: 'બાપરે, છનાલાલનો હાથ જ તોડી નાખ્યો છે ! છનાલાલના કહેવા મુજબ તિજોરી તોડીને અંદરથી અઢી લાખ રૂપિયા બદમાશો ચોરી ગયા છે !'

'પણ પેલી છોકરી ?'

'કઈ ?'

'ભાડુઆતની દીકરી !'

'તે શું છે એનું ?'

'એ જોઈ રહી, તોય ઊભી જ ન થઈ. બૂમો પણ ન પાડી... આવી છોકરી તો પહેલવહેલી જોઈ !'

'ધિક્કાર છે એને !'

'એવાને ઘર ભાડે આપીને મકાન માલિકે ભૂલ કરી છે !'

'આવાને ઘર ભાડે ન અપાય !'

'ધિક્કારને પાત્ર છે આ છોકરી !'

'હાક્... થૂં !'

- સહુ મોઢું બગાડતાં રહ્યાં. નફરત વરસાવતાં રહ્યાં. ધિક્કારનો ધોધ વરસાવતાં રહ્યાં... ને ત્યાં જ છોકરીની મા સરોજબહેન સોસાયટીમાં દાખલ થયાં. કદાચ આજે કંપનીમાં રજા પડી હશે, એટલે વહેલાં છૂટયાં હશે ! એ મને જોતાં જ બધાં એમને ઘેર વળ્યાં. બૂમાબૂમ કરવા લાગ્યાં: 'સરોજ, તમારી છોકરી આવી છે ?'

'કેવી છે ?'

'સોસાયટીમાં ચોરી થઈ. છનાલાલને ઘસડયા, ને હાથ તોડી નાખ્યો. છોકરી જોતી હતી છતાં બૂમ પણ ન પાડી ! ઊભી પણ ન થઈ ! આ તો વિચિત્ર છોકરી છે !'

'ના ! એવી નથી !'

'તો ?'

'એ ઊભી ન જ થાય. એ બૂમો પણ ના પાડી શકે !'

'કેમ ?'

'આવા બધાં એની પાસે. જોઈ લો... એણે એમ ન કર્યું... એનું કારણ પણ જાણી લો !'

- સરોજબહેન હયાતિની આંખો પરથી ગોગલ્સ હટાવ્યાં ને સહુ બોલી ઊઠયાં: 'આ તો અંધ છે !' ને પછી સરોજબહેને એના શરીર પરથી શાલ પણ હટાવી: 'જોઈ લો ! એને પગ પણ નહોતા. માત્ર પગના બે ટુકડા જ ખુરશી પર લટકતા હતા. હાય, હાય, આ તો પગ વગરની છે !'

સૌ આશ્ચર્ય પામી ગયાં. સૌને થયું, આપણે ખોટાં હતાં ! શી રીતે જુએ આ છોકરી, એ તો અંધ છે ! શી રીતે દોડે આ છોકરી ? એ તો પગ વગરની છે !

સરોજબહેન બોલ્યાં: 'શી રીતે બૂમ પાડે હયાતિ ? કારણ કે એ તો મૂંગી છે !'

'હેં ??'

સહુ પસ્તાઈ રહ્યાં. આ છોકરીને કોસવા બદલ. એને ધિક્કારવા બદલ. ને બીજી જ ક્ષણે દયાનો ધોધ પણ છુટયો: 'સરોજબહેન, કંઈ કામ હોય તો કહેજો. તમે કામ પર જાવ ત્યારે હયાતિનું ધ્યાન અમે સહુ રાખીશું. તમારી છોકરી, એ અમારી ય છોકરી ! ના, એ હવે તમારી દીકરી નથી, આ સોસાયટીની દીકરી છે ! આ આખી ય સોસાયટી એની સંભાળ રાખશે આજથી !!'

સરોજબહેનની આંખોમાં આંસું આવી ગયાં !!

Tags :