- ચાલો માધવ, એવી વૃધ્ધાઓને સારવાર આપીને એમને સાજાપણાની સૌગાદ આપીશું, એ પણ વિના મૂલ્યે!
'આપો ભૈસાબ, જે આપવું હોય તે! આપશો તો ગંગાજળથી હાથ ધોશો, ને નહિ આપો તો ય મા ગંગા તમને પાવન કરી નાખશે!'
- શબ્દો છે નદીની પેલે પાર વૃક્ષ નીચે બેસીને હાથ લાંબો કરી રહેલા સાઠેક વરસના ભિખારીનો! કોઈ આપે, કોઈ ન આપે! પણ ભિખારીના મનમાં સહુ સરખા. આપે તેની ય જય, ને ન આપે તેની ય જય!
'આજે ભલે ન આપ્યું. કાલે હૈયું પીગળી જશે, ને આપશે!' એક જ વાત : માણસ માત્ર પર વિશ્વાસ! આપશો તો રાજી છું, ને નહિ આપો તોય રાજી છું! પુણ્યનું કામ તો ગંગાજળથી હાથ ધોવા બરાબર છે... ને આજે એ પુણ્યનું કામ ન કરો, તો ય વાંધો નહીં, મા ગંગા સૌને પાવન કરશે! મા ગંગાના પ્રવાહમાં ડૂબકી તો પાપી ય લગાવે છે ને પુણ્યવંતા આત્માઓ પણ લગાવે છે. ગંગાનું કામ તો છે સહુને પાવન કરવાનું!
- નામ ગમે તે હોય પણ દરરોજ એ આ જ કામ કરે છે. હાથ લાંબો કરે છે, દાનવીરો આપે છે... ને પછી ત્રણ ચાર વાગતાં જ અદ્રશ્ય થઈ જાય છે. લાંબી લાંબી સફેદ દાઢી છે, એવા જ લાંબા શ્વેત વાળ છે ને સફેદ વાળના ઝુંડ વચ્ચે દેખાતા ઘઉંવર્ણા ચહેરા વચ્ચે બે આંખો છે... ને કોઈને જોતાં જ એ આંખોમાં ચમક આવી જાય છે... હાથ લાંબો થઈ જાય છે. ને શબ્દો નીકળે છે : 'દાનને ગંગાજળથી ધોવાનું છે... કાંક આપો, ભૈસાબ!' કેટલાકને સવાલ થાય છે : 'દાનને ગંગાજળથી ધોવાનું છે એટલે? દાન ગંગામાં નાખવાનું છે કે પછી દાનની રકમ પર ગંગાજળ છાંટવાનું છે?'
વિચિત્ર લાગે છે ભિખારી.
પણ એની આ વિચિત્રતાને કારણે તો દાનવીરો દસ-વીસ કે પચાસની નોટો એના હાથમાં મૂકી દે છે : 'લો, ગંગાજળથી ધોજો હોં!'
આ સ્થળ ને પેલું સ્થળ.
આ ચાર રસ્તા, ને પેલા ચાર રસ્તા.
રસ્તા બદલાતા રહે છે. સ્થળ બદલાતાં રહે છે... સ્થાન ફેર થયા કરે છે. પણ આ ભિખારીની વાત બદલાતી નથી, દાનને ગંગાજળથી ધોવાની!
લોકો આપે છે.
મન ભરીને આપે છે.
દસને બદલે વીસ આપી દે છે.
કોઈ ભામાશા તો સીધી સોની નોટ જ પકડાવી દે છે! : 'લો, પણ એક વાત પૂછું?'
'પૂછો.'
'સાચું કહેશો?'
'સાચું જ કહીશ.'
'જુઓ, તમે મને ભિખારી જેવા લાગ્યા નથી... મેં કેટલીય વાર તમને જોયા છે, પણ મને તમે ભિખારી લાગ્યા નથી!'
'તમે કહો, તે સાચું.'
'એમ નહિ...'
'તો?'
'સાચું કહો, તમે કોણ છો? ભીખ શા માટે માગો છો? કુછ રાઝ તો જરૂર હૈ!'
'કહું?'
'કહો.'
'તમારું અનુમાન સાચું છે!'
'એટલે?'
'હું માગણ હારો જરૂર છું, પણ ભિખારી તો નથી જ નથી!'
'તો છો કોણ?'
'જાણવું છે?'
'હા.'
'મારી માતા પૈસાના અભાવે, દવાના અભાવે અને સારવારના અભાવે મોતના મુખમાં ધકેલાઈ ગઈ! ઘોર ગરીબી હતી! આવકના નામે મીંડું! પિતાજી તો ક્યારના ય પંથકના ઘોડા પલાણી ગયા હતા! ને મા? મારી રૂડી મા? લોકોનાં ઠામ વાસણ કરીને તેનું ને મારું પેટ ભરતી હતી. પણ એ બિમાર પડી ગઈ. પૈસા નહોતા. રૂપિયાનો રૂઆબ બડો તેજ છે! રૂપિયો બતાવો, એટલે સગવડો દોડતી આવે! રૂપિયાના લાંબા હાથ ભલભલાને બોચીએથી પકડીને ખેંચી લાવે! પણ અમારા માટીના ખોરડામાં 'રૂપિયો' નહોતો. રૂપિયો રીસાઈ ગયો હતો. મા બીમાર! રૂપિયો હોય તો ડોક્ટર થાય તૈયાર! રૂપિયો હોય તો શરૂ થઈ જાય સારવાર! પણ રૂપાળો રૂપિયો રાંડી રાંડ માવડીથી દૂર ભાગી ગયો હતો! દેશ પર સત્તાધીશો રાજ નથી કરતા, રૂપિયો રાજ કરે છે. રૂપિયાને સહુ કરે છે સલામ! પણ રૂપિયાની હયાતીને તો કૂતરા ચાવી ગયા હતા. સારવાર વગર રૂડી મા ફરતે મોતનો પંજો વીંટળાયો! મરતાં મરતાં માએ કહ્યું, 'બેટા, માધવ! એક કામ કરજે!'
'બોલ, મા!'
'હું તો હવે એકાદ કલાકની મહેમાન છું... પણ, તું એવું કંઈક કરજે કે મારા જેવી ગરીબ માતાઓને
સારવાર વગર મરવું ન પડે. બોલ, કરીશ?'
'કરીશ... તારી ઈચ્છા પૂર્ણ કરવા ભીખ પણ માગીશ... ને આવી બૂઢ્ઢી માતાઓની સારવાર માટે બધું જ કરી છુટીશ.'
'આપ વચન!'
ને મેં આપ્યું વચન!
ને શેઠ, હું એને આપેલા વચનને પૂર્ણ કરવા, ન ગમતું હોવા છતાં ભીખ માગવાનું કામ કરું છું... ઘેર ઘેર ફરું છું. ઝુંપડપટ્ટીઓમાં, માટીના ખોરડાંમાં! બેબસ લાચાર માવડીઓને ઢૂંઢું છું... ને મને મળેલી ભીખ એ સૌ માવડીઓ માટે વાપરું છું!
'વાહ! તમે તો યજ્ઞા માંડયો છે ને કાંઈ!'
હા, માધવે યજ્ઞા માંડયો છે. ગરીબ માતાઓને સાજી કરવાનો યજ્ઞા... બપોર પછી એ જતો રહે છે... ઉંમર થઈ છે. ચહેરા પર કરચલીઓ પડી છે. પણ મન હજી જોબનવંતું છે! અને એક દિવસે તો તેની પાસે એક કાર આવીને ખડી થઈ ગઈ. એમાંથી ઊતરેલો યુવાન કહે : 'હાથ લાંબો ન કરશો... હું બધું ય જાણું છું. ચાલો, બેસી જાવ મારી કારમાં. આવી વૃધ્ધાઓને અર્થાત્ લાચાર, અભાવો વચ્ચે જીવતી રાંક વૃધ્ધાઓની મફત સારવાર માટે મેં એક હોસ્પીટલ શરૂ કરી છે. તમારા યજ્ઞાને હવે વિસ્તારવાનો છે. આવી વૃધ્ધાઓને આપણે હોસ્પીટલમાં દાખલ કરી દઈએ. ને રોગ કોઈ પણ હોય, એમની વિનામૂલ્યે સારવાર કરીને એ સહુને જીવનની ખુશી બક્ષવાનો મહાયજ્ઞા માંડીએ! તમારે એનું સંચાલન કરવાનું છે!'
- ને એ ભિખારી ઉર્ફે માધવની આંખમાંથી ઢગલો આંસુ ખરી પડયાં. કારમાં ગોઠવાઈ જતાં એણે કહ્યું : 'ચાલો... આ તો મા ગંગા જેવું કામ છે. ગંગા લોકોના પાપ ધોઈ નાખી પાવન કરી દે છે, એમ આપણે પણ વૃધ્ધ માવડીઓનાં દર્દ મટાડીને એમને સાજાપણાની સૌગાદ આપીશું!'
હા, યજ્ઞા મંડાયો છે. નાનો સૂનો યજ્ઞા નહિ, મહાયજ્ઞા. માધવ બીમાર માવડીઓને લઈ આવે છે ને તેમને સારવાર દ્વારા આરોગ્યનાં અમૃત પીવડાવાય છે. જાણો છો, એ હોસ્પીટલનું નામ શું છે? નામ છે એનું : ''માવડીઓનું મોસાળ!!''


