Get The App

તમે કેટલા લોકોને ખુશ રાખી શકો છો ? .

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
તમે કેટલા લોકોને ખુશ રાખી શકો છો ?                           . 1 - image

- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- લોકોને અનુકૂળ થવા તેમને ગમતાં મહોરાં પહેરવાની તમારે જરૂર નથી

પ્ર ત્યેક માનવીને બાલ્યાવસ્થાથી જ અન્યનો પ્રેમ અને સ્વીકૃતિ મેળવવાની અદમ્ય ઝંખના હોય છે. આ ઝંખના પરિપૂર્ણ કરવા વ્યક્તિ  બીજાઓને ખુશ રાખતું વર્તન કરવું જરૂરી સમજે છે. આ માટે ઘણી વાર બીજાઓની અપેક્ષા મુજબનું પોતાનું સ્વરૂપ બતાવવા તેમના મૂળ સ્વરૂપમાં થોડો બદલાવ લાવે છે. ક્યારેક વેશપલટો કરે છે તો ક્યારેક તેમને ગમે તેવું મહોરું પહેરીને તેમની વાહ-વાહ, સ્વીકૃતિ અને પ્રેમ મેળવવા કોશિષ કરે છે.

બીજાઓને માટે ગમે તેવો વેશપલટો કરવાથી કે એવું મહોરું પહેરવાથી તેમનો પ્રેમ અને સ્વીકૃતિ તો મળે છે. પરંતુ જ્યારે તમારું અસલી સ્વરૂપ તેમને ખબર પડી જાય ત્યારે લોકો તેને સમજી સ્વીકારી શકતા નથી. એટલું જ નહિ તેઓ તમે એક જૂઠા, ફરેબી, ચાલબાજ અને પ્રપંચી કે દંભી છો એવું સમજે છે. જેને કારણે તમને ક્યારેક બહુ મોટું નુકસાન થાય છે.

આ સત્ય તમારા મિત્રો, સગાં-સ્નેહીઓ, પાડોશીઓ કે વ્યવસાયી સંબંધો એમ બધાંને લાગુ પડે છે. સંતાન અને માતા-પિતા વચ્ચેના સંબંધોમાં પણ આ વાત સાચી છે. પ્રતીકની કેસ હિસ્ટ્રીથી આ વાત તમને સારી રીતે સમજાવશે.

પ્રતીકનાં મમ્મી-પપ્પા પુત્રના જુઠ્ઠાણાંથી આઘાત પામ્યાં હતાં. પ્રતીક ક્લાસમાં નિયમિત તો નહોતો. તોપણ મમ્મી અથવા પપ્પાની ખોટી સહી ટીચરની રિમાર્ક બુકમાં કરી નાંખતો હતો. પરીક્ષામાં નાપાસ થયો હોવા છતાં રિપોર્ટ કાર્ડમાં ચેડાં કરી ડિસ્ટ્રિક્શન માર્ક્સ આવ્યા છે એવું તેમને જણાવ્યું હતું, પરંતુ એક દિવસ આ પોલ ખુલી ગઈ. માતા-પિતાને ચિંતા થઈ કે દીકરો કંઈ ખરાબ રવાડે ચડી ગયો છે ? કે પછી કોઈ મોટો ક્રિમિનલ બનવાના સંકેત આપી રહ્યો છે ?

હકીકતમાં એવું કંઈ જ ન હતું. ક્લાસમાં બંક મારવા પાછળનો હેતુ હોમવર્કની અનિયમિતતા છુપાવવાનો હતો અને હોમવર્ક પૂરું ન કરવાનું કારણ એ હતું કે તેને એમાં સમજણ પડતી ન હતી. પરંતુ આ સત્ય તે મમ્મી-પપ્પાથી છુપાવતો હતો. મમ્મી-પપ્પાની ગુડબુક્સમાં રહેવા અને તેમને ખુશ રાખવા પોતે બહુ હોશિયાર છે અને બધું આવડે છે તથા સારા માર્ક્સ આવે છે એવી બડાશ તે હાંકતો હતો. તે કોઈ ખોટી સોબત કે પ્રવૃત્તિમાં નહોતો પડયો, પણ તેની નબળાઈથી પરેશાન હતો. પોતાની નબળાઈની નિખાલસ ચર્ચા તે તેનાં માતા-પિતા સમક્ષ કરી શકતો નહોતો. કારણ તેનાં મમ્મી-પપ્પા તેની સતત ટીકા કરતાં હતાં અને બીજાઓ સાથે સરખામણી કરી તેને એમનાથી પણ આગળ વધવા દબાણ કરતાં હતાં.

માતા-પિતાને ખુશ રાખવા સતત પ્રયત્નશીલ પ્રતીકને એક સત્ય સમજાતું જતું હતું કે પોતે લાખ કોશિષ કરે તોપણ મમ્મી-પપ્પાની અપેક્ષાઓ પૂરી કરી શકવાનો નથી. છતાં પણ મા-બાપનો પ્રેમ એ એની પ્રાથમિક જરૂરિયાત છે અને તે એવું માને છે કે માતા-પિતાની અપેક્ષાઓ સંતોષી તેમને ખુશ રાખો એટલે એમનો પ્રેમ મળવાનો જ.

મમ્મી-પપ્પાના પ્રેમની ભૂખ સંતોષવા વલખાં મારતો પ્રતીક જેમ જેમ તેમની ઇચ્છાઓ અને અપેક્ષાઓ સંતોષવાની કોશિષ કરતો રહે છે તેમ તેમ મમ્મી-પપ્પા એની નવી ને નવી ખોડ કાઢતાં જ રહે છે. પ્રતીક મમ્મી-પપ્પાની 'ગુડ-બુક્સ' માં રહેવા સતત વિચારતો રહે છે કે કેવું મહોરું ધારણ કરૂ તો તેમની કૃપાદ્રષ્ટિ વરસે ? આ પ્રકારના પ્રયાસો કરતાં તે જુઠ્ઠાણાંનો આશરો લે છે. પોતાની વાતમાં અતિશયોક્તિનો રંગ ભેળવતો રહે છે. આમ કરવાથી તેને માતા-પિતાની સ્વીકૃતિ મળે છે. એવું તેણે અનુભવ્યું. તે રિપોર્ટ કાર્ડમાં ચેડાં કરવા સુધી પહોંચ્યો, પ્રતીક કંડક્ટ ડિસઓર્ડર કે ક્રિમિનલ બનવા તરફ આગળ નહોતો વધતો પરંતુ તે નબળી 'સેલ્ફ-ઇમેજ'નો શિકાર હતો.

નબળી ''સેલ્ફ ઈમેજ''થી પિડાતા સેંકડો લોકો છે. પોતે જેવા છે તેવા દેખાવામાં તેમને અસલામતી લાગે છે. પોતાની મર્યાદા કે માની લીધેલી ખામીને છુપાવવા તેઓ સામાન્ય માણસ નહીં પણ સુપર હ્યુમન હોવાનો દેખાવ કરે છે. આવા લોકોને એ વાતની ખબર હોતી નથી કે કોઈ પણ વ્યક્તિને તમે લાંબો સમય ભ્રમમાં રાખી શક્તા નથી. તમારી બડાશને કારણે અંજાઈ ગયેલી વ્યક્તિને જ્યારે તમારી પોકળતાની ખબર પડે છે ત્યારે તેની નજરમાંથી તમે સાવ ઊતરી જાવ છો. ક્યારેક તો તમારા ઇરાદાઓ અને સમગ્ર વ્યક્તિત્વને લોકો શંકાસ્પદ નજરે જોવા લાગે છે.

તમારી પ્રામાણિકતા, નૈતિકતા અને મૂળભૂત ચારિત્ર્યને પણ લોકો શંકાની નજરે જોવા લાગે છે. પ્રતીકના ઉદાહરણ પરથી સ્પષ્ટ જણાય છે કે તમે જે નથી એનો દેખાડો કરવાથી કોઈ ફાયદો થતો નથી. ઊલટાનું એમ કરવા જતાં ખોટા પાત્રનું નાટક કરવું પડે છે. જેને કારણે સતત તનાવગ્રસ્ત રહેવાય છે.

ખાસ કરીને જેમનાં માતા-પિતા ટીકાકાર હોય છે તેવાં સંતાનો લોકોનો પ્રેમ અને આદર મેળવવા સતત કોશિષ કરતા રહે છે. આવા લોકોએ એક સત્ય બરાબર સમજી લેવું જોઈએ કે તમે જેવા છો તેવા જ રહેશો તો તમારી સરળતા અને નિખાલસતા ઘણા લોકોને ગમશે. ક્યારેક એવું પણ બનશે કે તમે જેવા છો એવા લોકોને ના પણ ગમો. એટલે લોકોનો તમે ધારો છો તેવો પ્રેમ અને આદર ન પણ મળે. તો કંઈ વાંધો નહીં. એમના આદર વગર પણ તમે જે છો તે જ વધારે યોગ્ય છે.

યાદ રાખો તમે જે નથી તેવા દેખાવા માટે સતત મહોરાં બદલતાં રહેવા કરતાં તમે જેવા છો તેવા જ 

રહી લોકો સાથે સંબંધો બાંધવાનું, નિભાવવાનું તથા લોકોનો પ્રેમ, આદર, માન-સન્માન મેળવવાનું વધારે સહેલું છે.

યાદ રાખો... બીજાઓને તમારા પરથી ચાલવા દેશો તો તમે એવી ભ્રમણામાં રહેશો કે તમે એમને માટે ભોગ આપો છો એટલે તમે એમને ગમશો. એમને તમારા પર આદર અને સદ્ભાવ જાગશે, પરંતુ એવું ક્યારેય થતું નથી. ઊલટાનું તમને પોતાને પણ તમારી જાત પ્રત્યે સદભાવ રહેતો નથી. કારણ તમને મોડાવ્હેલા એ સનાતન સત્ય સમજાઈ જાય છે કે તમારી કોઈ કોડી જેટલીયે કિંમત કરતું નથી.

લોકો તમારે માટે સારો અભિપ્રાય ઘડે અને તમને માન-સન્માન આપે તે માટે જરૂરી છે કે તમે તમારા માટે ઉચ્ચ અભિપ્રાય ધરાવો. બસ આટલું કરી શકો તો પછી લોકોને તમારા માટે શું અભિપ્રાય છે એ જાણવાની તમારે કોઈ જરૂર નથી.

દિવ્યાંગ એક હેન્ડસમ યુવાન છે. તે સારી સિતાર પણ વગાડે છે, ક્રિકેટ રમે છે, ભણવામાં પણ હોશિયાર છે. તે પોતાના સ્કૂલના મિત્રોને, જૂની કાલેજના મિત્રોને, સાથે ક્રિકેટ રમતા મિત્રોને, સંગીત ક્લાસમાં સાથે જતા મિત્રોને એ બધાંને ખુશ રાખવા અને તેમના ગૂ્રપ્સની મિત્રતા ટકાવી રાખવાની સતત કોશિષ કરે છે પરંતુ તેનાથી કોઈ જ ખુશ નથી. બધાંને સમય આપવા તેમના પ્રસંગો સાચવવા તે દોડાદોડ કરે છે. પણ દરેક જણને એનાથી ફરિયાદ જ રહે છે. એટલે તેની આવડત, કલા કે હોશિયારીની કોઈ ક્યારેય કદર નથી કરતું. જેથી તે સતત એકલ અને ખાલીપાનો અનુભવ કરે છે.

આવી લાગણીઓ થતી અટકાવવી હોય તો એટલું હંમેશાં યાદ રાખો કે તમેં  ક્યારેય તમારી પરિચિત દરેક વ્યક્તિના પ્રેમ અને આદરને પાત્ર નીવડી શકવાના નથી. લોકોની ચાહના મેળવવા માટે તમે જે નથી તેવી વ્યક્તિ બનવાની ક્યારેય કોશિષ ન કરશો, તમે જેવા છો એ રીતે જ રહો અને વર્તન કરો. લોકો પર તમારી ચઢિયાતી છાપ પાડવા બનાવટી મહોરાં ક્યારેય ન પહેરશો.

ન્યુરોગ્રાફ : 

તમારે અન્ય સાથે સંબંધ બાંધવા છે, ટકાવવા છે એ કબૂલ પણ તેમની માન્યતા અને અપેક્ષાને વધારે મહત્ત્વ ન આપો. કારણ બધાની અપેક્ષાઓ જુદી જુદી હશે. એમને સંતોષવા તમારા વ્યક્તિત્વને કેટ કેટલી રીતે મચડતા રહેશો ?