માતાના કહેવાતા લગ્નબાહ્ય સંબંધોને પુત્રે આપેલો પ્રતિભાવ
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- માતાને અનૈતિક સંબંધ છે એટલે તે વ્યભિચારી છે, એ વિચારે એક યુવાનને ઓવર થિન્કીન્ગનો શિકાર બનાવ્યો જેને કારણે તે પરીક્ષામાં વારંવાર નિષ્ફળ ગયો
શા ળાકીય જીવનમાં તેજસ્વી કારકિર્દી ધરાવતા અંકિતનું વર્તન છેલ્લા ત્રણ વર્ષથી સમગ્ર કુટુંબ માટે કોયડો બની ગયું છે. ત્રણ વર્ષ પહેલા તેને કોટા IIT-JEEની તૈયારી માટે કલાસીસ ભરવાનું નક્કી કર્યું હતું. પરંતુ મનનાં અગમ્ય કારણોસર તેણે આ વિચાર પડતો મુક્યો કારણ તે માતાને ઘરમાં એકલી રહેવા દેવા માંગતો નહતો.
અગિયારમા અને બારમા ધોરણમાં ડમી સ્કૂલમાં એડમીશન લઇ તેણે અમદાવાદમાંજ રહીને IIT-JEE ની તૈયારી શરુ કરી. પરંતુ તેનું ધ્યાન ભણવામાં લાગતું ન હતું. તે અકારણ માતા પર ખૂબજ ગુસ્સે થઇ જતો હતો. તેના વિશે ઘણા અપશબ્દો બોલવા માંડતો હતો અને તેને સલવાર કમીઝ પર ગળાબંધ દુપટ્ટો પહેર્યા વગર ઘરમાં ફરતી જોઈ ક્યારેક હિંસક પણ બની જતો હતો.
અંકિત ભણવામાં ખૂબજ હોંશિયાર હતો પરંતુ માતાનાં પહેરવેશ, હાવભાવ અને રીતભાત તેને ખૂબ જ ઉશ્કેરતા. રાત્રે માતા પતિ સાથે નાઈટી કે લો-કટ ટીશર્ટમાં બેડરૂમમાં સુઈ જાય તેનો પણ તેને સખત વાંધો હતો અને માતાએ આવો પહેરવેશ ન પહેરવો જોઈએ એ વિશે તેને ઘણા વિચાર આવતાં અને અડધી રાત્રે માતાના ટીશર્ટ અથવા ગાઉન જેવા નાઈટ ડ્રેસીસ ઉતરાવીને સલવાર કમીઝ અને ગળાબંધ દુપટ્ટો અથવાતો લાંબી બાંયનું બ્લાઉઝ અને માથે ઓઢેલી સાડી પહેરવાનું દબાણ કરતો. જો તેમ ન કરવામાં આવે તો તે અડધી રાત્રે બુમબરાડા પાડતો. જેમાં એવું બોલતો કે 'આ ચરિત્રહિન અને ચાલુ સ્ત્રીને ઘરમાંથી બહાર કાઢો'.
અંકિતના પપ્પા આ બધું જોઈ, સાંભળીને ખૂબજ ગુસ્સે થતા અને અંકિતને ખખડાવીને કહેતા કે 'તારું મગજ ફરી ગયું છે કે શું ? આ સતીસાવિત્રી જેવી પવિત્ર સ્ત્રી પર તું આવા બેહુદા અને શરમજનક આરોપો કરે છે. મને મારી પત્નીમાં ભરોસો છે. તને જો તારી મા માં શંકા હોય તો તું ઘરમાંથી ચાલ્યો જા.'
પપ્પાના આક્રમક વલણને કારણે તે કેટલીકવાર અડધી રાત્રે ઘર પણ છોડી ગયેલો. પરંતુ મા પાછળ પડી પકડી અને તેને પાછો લઇ આવતી.
અંકિતના માતા પ્રત્યેના આવા વિચિત્ર અને શંકાસ્પદ વર્તનની કોઈને ખબર પડતી નહતી. માતા એને પૂછતી 'બેટા તું શું વિચારે છે ? મારી જિંદગીમાં મેં ક્યારેય કઈ ખોટું કર્યું નથી. મારા જીવનમાં એકજ પુરુષ આવ્યો છે અને એ છે તારા પપ્પા. તું જે રીતે મારા પર આક્ષેપો કરે છે એ સાંભળીને મને ધરતીમાં સમાઈ જવાનું મન થાય છે. હું સતત ઘબરાયેલી અને અકળાયેલી રહું છું અને પોતાની જાતને ગુનેગાર માનું છું. તું કહે તેવી અગ્નિપરીક્ષા આપવા હું તૈયાર છું.'
ત્યારે અંકિત જવાબ આપે છે 'મારે કોઈ અગ્નિપરીક્ષાની જરૂર નથી. મને તારા વિષે ખૂબ ગંદા વિચાર આવે છે. તારા ચરિત્ર પર ખૂબ શંકા થાય છે. હું જાણું છું કે તું એવી નથી પણ મારા વિચારોને હું રોકી શકતો નથી.'
અંકિત IIT-JEE નો અભ્યાસ કલાસીસમાં બરાબર કરી શકે એ માટે એને માતાથી દૂર અલગ જગ્યાએ પેઈંગ-ગેસ્ટ તરીકે રાખવામાં આવે છે અને ભણવા માટે એક લાઈબ્રેરીમાં આખો દિવસ તે વાંચી શકે એવી વ્યવસ્થા પણ કરાય છે.
પરંતું અંકિતનું ત્યાં પણ વાંચવામાં મન નથી લાગતું. એને તો એવાજ વિચારો આવે છે કે મમ્મીએ પપ્પાને સમજાવી યુક્તિપૂર્વક મને દૂર હડસેલી દીધો છે એટલે એને તમામ ધંધા કરવા માટેનું મોકળું મેદાન મળી ગયું. આ વિચારોને કારણે તે લાઈબ્રેરી છોડી વારંવાર ઘેર જાસુસી કરવા જતો અને તિરાડમાંથી માતાનાં બેડરૂમમાં નજર કરી લેતો કે એ શું કરી રહી છે. આ બધાં વિચારોને કારણે એનું ભણવામાં મન ન ચોંટયું. પિતાએ ભૂત, પ્રેત અને નડતરને દૂર કરવાની તમામ વિધિઓ કરાવી પણ અંકિતના વિચારોમાં કોઈ ફેરફાર ન આવ્યો અને બારમાં ધોરણમાં તે ત્રણ વખત ફેઈલ થયો. IIT-JEE ની પરીક્ષા તો અભરાઈએ ચડી ગઈ. હવે અંકિત આખો દિવસ ઘરમાં પડયો રહે છે. પોતાનું કેરિયર બગાડવા બદલ માતાને દોષી ગણે છે. ઘરમાં એની સામે માતા સંપૂર્ણ વસ્ત્રોથી ઢંકાઈને રહે એનો એ આગ્રહ રાખે છે. જો માતાનો દુપટ્ટો સહેજ પણ આઘોપાછો થાય તો તે તેની આંખ સામે જોઈ શકતો નથી. કારણ તેની નજર સીધી માતાના સ્તન પર જાય છે અને તેને ખૂબ જ ગંદા વિચારો આવે છે. એટલુજ નહિ તે માતા પર ગુસ્સે ભરાય અને ગાળો બોલે છે અને ક્યારેક હાથ પણ ઉપાડી લે છે.
પુત્રના વલણથી માતા અકળાયેલી અને ગભરાયેલી રહે છે અને તેને ક્યાંક ભાગી જવાનું મન થાય છે. તેના પરના આવા ખોટા આક્ષેપોથી તે પણ હવે હારી અને થાકી ગઈ છે અને જિંદગી નો અંત આણવા માંગે છે. આખરે અંકિતની મનોચિકિત્સા કરાવાનું નક્કી થાય છે પરંતુ અંકિત આ માટે કોઈપણ સાઇકિયાટ્રિસ્ટ ને ત્યાં જવાનો વિરોધ કરે છે.
આખરે મમ્મી પપ્પા દ્વારા સમજાવીને એને મારી પાસે લઇ આવવામાં આવે છે.
અંકિતના સ્વભાવ અને બાલ્યાવસ્થાના વર્તનની હિસ્ટ્રી પરથી એવું જાણવા મળે છે કે એને ઘરમાં કોઈજ અવ્યવસ્થિત વસ્તુ પડેલી હોય એ ગમતી નથી. ઘરમાં સતત ચોખ્ખાઈ રહેવી જોઈએ તેનો તે આગ્રહી છે. COVID દરમ્યાન ૨૦૨૦ અને ૨૦૨૧ માં તે વારંવાર હાથ ધોતો અને ધોવડાવતો. તેને કોઈપણ પ્રકારનો નકારાત્મક વિચાર આવતો ત્યારે તરત તેને પેશાબ કરવા દોડી જવું પડતું. તે વારંવાર ગુસ્સે થઇ જતો. તેને લાગતું કે તે હોંશિયાર હોવા છતાં પોતાના વિચારોને કારણે બીજા બધાં મિત્રોથી પાછળ પડતો જાય છે. પરંતુ લાખ કોશિશ કરવા છતાં તેના વિચારો તેનો પીછો છોડતા નહતાં
આ બધા વિચારો ને કારણે અંકિત IIT-JEE માં જઈ શક્યો નહીં. છેલ્લા એક વર્ષમાં તેનું સાત-આઠ કિલોથી વધારે વજન ઉતરી ગયું અને તેને વારંવાર પેશાબ જવું પડતું હોવાથી તે ઘરની બહાર નીકળી શકતો નહીં. તે કોઈપણ સ્ત્રીને બ્લાઉઝ, જીન્સ કે લો-કટ ટોપ્સમાં જોવે છે તો એ સેક્સના વિચારોથી એટલો બધો અકળાય જાય છે કે તે દિવાલ સાથે પોતાનું માથું અથડાવવા લાગે છે.
અંકિતના માતા સાથેનાં સંબંધો સંપૂર્ણપણે તૂટી ગયા છે. તેના માતાનાં ગેરવ્યવહારના તેના અનુભવોએ તેને આવી ગંભીર મનોદશા તરફ દોર્યો છે એવું તે મનમાંને મનમાં માને છે.
અંકિત ઓબ્સેસ્સીવ કમ્પલ્સિવ ડીસઓર્ડરનો શિકાર હતો. આ ડીસઓર્ડરની જાળમાં ઘેરાતા વ્યક્તિના મનમાં ચોખ્ખાઈનાં, વારંવાર ચેક કરવાના, બધી વસ્તુ વ્યવસ્થિત રીતે ગોઠવવાના તથા સેક્સ વિષયક નજીકના વિજાતીય સેક્સવાળા પાત્રો અને દેવી-દેવતાની મૂર્તિના અંગ-ઉપાંગો પર વિકૃત સેક્સના વિચારો આવી શકે છે. મગજમાં સિરોટોનીન નામનાં રસાયણની ક્ષતિને કારણે આ પ્રકારનું વિચારદબાણ અને હાથ ધોવા, બધું સ્વચ્છ રાખવું, બધું ગોઠવવું અથવા સેક્સનાં વિચારો માટે જાતમાં અપરાધભાવ અનુભવવો એ બધું સામાન્યપણે જોવા મળે છે. (ક્રમશ:)