સલમાનાં ઓનલાઈન અફેરની ઝુબેરને ખબર પડી ત્યારે...
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- તમે જો પત્નીને Taken For Granted સમજી લેશો તો આ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી તેને કોઈ સ્વપ્નાનો રાજકુમાર મળી જશે જે સ્વપ્નના શહેરની સફર માટે તેને લઇ જશે
૩૭ વર્ષનાં ઝુબેરભાઈ હેરાન પરેશાન છે. તેમને સમજણ નથી પડતી કે આ પરિસ્થિતિમાં શું કરવું ? પોતાના નસીબને દોષ દઇ માથું કૂટવું કે પછી ચોધાર આંસુએ રડવું એમને સમજાતું નહતું એટલે તેઓ બાળકની જેમ બન્ને વસ્તુ વારાફરતી કરતા રહેતાં હતાં. કારણ અગિયાર વર્ષથી જેને એકધારો પ્રમ કર્યો છે તેવી પત્ની સલમા પોતાના પ્રશ્નોના જવાબ આપવાને બદલે આમ જીવનનો અંત આણવાની હીચકારી કોશિશ કરશે એ વાત તેમના મનમાં પચી શક્તી નહતી. પરિવારે તો હોસ્પિટલના બિછાને પડેલી સલમા અને આઈ.સી.સી.યુ.ની બહાર ધમાલ મચાવતા ઝુબેર બન્નેને સાચવવાના હતા. ઘનિષ્ઠ સારવાર પછી સલમાને તો બચાવી લેવાઈ અને ઘરે પણ લઇ લવાઈ પરંતુ ઝુબેર હવે વધારે ને વધારે બેકાબુ બનતા જતા હતાં. તેઓ ક્યારેક બેબાકળા બનીને તો ક્યારેક રાડો પાડીને તો ક્યારેક જોરથી રડતાં રડતાં બધાને એક જ સવાલ પૂછતાં હતાં કે સલમાએ આવું કેમ કર્યું ?
હું તેને દર રવિવારે બહાર લઇ જતો હતો.
તેને મનગમતા પિકચર બતાવતો હતો.
તેને મનગમતા કપડા લાવી આપતો હતો.
બુરખો પહેર્યાવગર ઘરનો ઉંબરો ઓળંગવા દેતો ન હતો.
હંમેશા મારી સાથે જ રાખતો હતો.
સલમા પણ મને ઘણું માન આપતી હતી.
મારો પડયો બોલ ઝીલતી હતી.
મને કલ્પનામાં પણ એવો વિચાર ન આવે કે સલમા આવા કાળા કામ કરશે.
ઝેર પીધા પછી તે જીવી ગઇ એનાં કરતાં મરી ગઇ હોત તો સારું હતું.
હવે આવી બેવફા અને બદચલન સ્ત્રી સાથે હું જિંદગી કેવી રીતે વિતાવીશ ?
ઝુબેરભાઈ દગાબાજીની આગમાં સળગતા હતા. તેઓ ક્યારેક ખૂબ ચિંતિત થઇ જતાહતા. ક્યારેક ખૂબ ક્રોધિત થાય તો ક્યારેક ખૂબ રડી પડતા હતાં. તેઓને કોઈ પ્રકારનું કામ કરવાનું સૂઝતું ન હતું. તેમને રાત્રે ઊંઘ પણ આવતી ન હતી. તેઓ આખો દિવસ હારેલા અને થાકેલા જણાતા હતાં.
વાત કંઇક આમ હતી. ઝુબેર અને સલમાના લગ્નને ૧૧ વર્ષ થયા હતાં અને તેમને ૮ વર્ષનો એક પુત્ર પણ હતો. સલમાની લાગણીને માન આપીને ઝુબેર એક સંતાનથી સંતોષ માનીને બેઠા હતાં. પરંતુ ધંધામાં અતિવ્યસ્ત ઝુબેર, સલમાને યોગ્ય સમય આપી શક્તા ન હતા. પૈસે ટકે સુખી અને સાધનસંપન્ન ઝુબેર ધંધાકીય કામ અર્થે દુબઇ, ચાઈના કે મલેશિયા જતા ત્યારે સલમાને સાથે લઇને જતાં હતાં. પરંતુ એ સમય દરમ્યાન તેઓ એટલા વ્યસ્ત રહેતા હતાં કે સલમા હોટલના રૂમની બહાર ભાગ્યે જ નીકળી શક્તી. આવા સરસ મજાના સ્થળોએ પણ સાથે ફરવાની અને મોજ માણવાની તેની ઇચ્છા અધુરી જ રહી જતી હતી.
સલમા ક્યારેક એમ પણ કહેતી કે દિવસ દરમ્યાન તો એને કોઇ જ કામ નથી તો તે એકલી નાનકડા ઝુબેરને લઇને શોપિંગ કે સાઇટ સિંગ માટે જઇ આવે. પરંતુ આ બાબતમાં ઝુબેર ઘણાં કડક હતા. અને અજાણી ધરતી પર બુર્ખો પહેરીને પણ ઉંબરો ઓળંગવાની પત્નીને છૂટ આપી શકે તેમ ન હતા.
હોટલના રૂમમાં સલમા ટી.વી. અને ઓ.ટી.ટી પર સિરીયલો અને અનેક કાર્યક્રમો જોયા કરતી અને ક્યારેક એનાથી પણ કંટાળતી ત્યારે સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ પર કોઈક સાથે ચેટ કરી લેતી. ચેટ કરતાં કરતાં ૪ વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ પર દુબઇના ખલીલ સાથે તેનો ભેટો થયો. જો કે બે-ત્રણ મહિનાની ચેટ પછી બંનેએ એકબીજાની સાચી ઓળખાણ આપી અને પછી તો અંતરંગ વાતો શરુ થઇ. ખલીલ અને સલમા વચ્ચેનું ઓનલાઈન અફેર બંને દુબઇમાં હોય ત્યારે અને સલમા ઇન્ડિયામાં હોય ત્યારે પણ લગભગ આખો દિવસ ચાલતું. ખલીલને અત્તરની શોપ્સની ચેઇન હતી અને તેના હાથ નીચે ૩૦૦ માણસો કામ કરતાં હતાં. એમાં પણ ઘણી મોડર્ન ગર્લ્સ પણ હતી. પણ ખલીલનું મન તો સલમામાં જ મોહ્યું હતું.
બંને વચ્ચેનો પ્રેમાલાપ ધીરે ધીરે રોમાંટિક અને સેક્સ્યુઅલ ટેક્સટ મેસેજ અને ત્યાર પછી તેવા જ પ્રકારની વાતો અને વર્ચ્યુઅલ સેક્સ સુધી પણ પહોચી ગયા. બંને લાગણીના અતુટ બંધને બંધાઈ ગયા અને છેલ્લા ત્રણ વર્ષથી તો એમ જ લાગવા માંડયું કે તેઓ ચેટરૂમમાં નહીં પણ વાસ્તવિક્તામાં જાણે પતિ પત્નીની જેમ સાથે રહેતા હોય.
સલમાના સ્વભાવમાં આવતું પરિવર્તન સુસ્ત અને નિરસ ઝુબેરને શરૂઆતમાં તો કઈ સમજાયું નહિ પણ પછી મોડર્ન કપડાનો વધતો જતો શોખ, મોંઘાદાટ અત્તર અને સ્પ્રેનો અસાધારણ વપરાશ અને દિવસ દરમ્યાન જુદી જુદી રીલ બનાવવામાં રહેતી જતી વ્યસ્તતાને કારણે તેને થોડો શક પડયો અને સલમા સુઈ ગઈ હોય ત્યારે તેનો મોબાઇલ ચકાસવાનું શરુ કર્યું. પરંતુ મોબાઈલ લોક હોવાથી તે જાણવું શક્ય ન બન્યું. એક દિવસ પોતાના ટેકનોલોજીમાં પાવરધા મિત્રએ આપેલી ટીપ્સના આધારે તેમણે સલમાના મોબાઈલના
વોટ્સએપ વેબને પોતાના લેપટોપ સાથે કનેક્ટ કરી લીધું અને એ સાથે જ પ્રેમની એ દાસ્તાન પુરેપુરી ખુલ્લી પડી ગઈ.
સલમા બાજુમાં સુતી હતી અને તેઓ સલમા અને ખલીલ વચ્ચેની ચેટનો શબ્દેશબ્દ વાંચી રહ્યા હતા અને દગાબાજીની આગમાં બળી રહ્યા હતા. તેમને ઇચ્છા થઇ કે તેઓ સલમાના ટુકડે ટુકડા કરી નાખે પરંતુ એ પહેલા લાગ્યું કે સલમા આવું કરી શકે જ નહીં. તેને ભોળવવામાં આવી છે એટલે તેની પાસેથી હકીકત સાંભળી લેવામાં આવે.
અને બીજા દિવસે સવારથી ઝુબેરભાઈની પર્સનલ ક્રિમીનલ કોર્ટમાં સલમાની ટ્રાયલ શરુ થઇ. જેમ જેમ ઝુબેરભાઈ પુરાવાઓ સાથે આક્ષેપો મુકતા ગયા તેમ તેમ સલમાના પગ નીચેથી ધરતી સરકી ગઈ. તે એકાએક એ જગ્યા છોડીને પોતાના રૂમમાં ચાલી ગઈ. રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. અડધી કલાક પછી ખૂબ ખખડાવતા દરવાજો ખુલ્યો નહિ એટલે એને તોડી પાડવામાં આવ્યો. ત્યારે ખબર પડી કે ખલીલ અને ઝુબેર વચ્ચે ફંગોળાતી સલમાએ ઝેર ઘોળી આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. સલમાને સારવાર માટે આઈ.સી.સી.યુ.માં દાખલ કરી અને ઝુબેભાઇને મનોચિકિત્સા સૂચવાઈ.
અહિયા મુખ્ય ત્રણ પડકારો હતાં. સૌપ્રથમ તો ઝુબેરભાઈના ઘવાયેલા Male Ego ને દગાબાજીની આગ અને ભયાનક ડીપ્રેસનમાંથી સામાન્ય પરિસ્થિતિમાં લાવવાનું હતું. ઝુબેરભાઈએ વાતનો સ્વીકાર જ કરી શકે એમ ન હતા કે પત્નીને ધન-દોલત, સાધન-સંપત્તિ, વિદેશ પ્રવાસ બધુ જ છૂટથી આપ્યા પછી એ કોઈ પુરુષનો વિચાર માત્ર કરી શકે. ઝુબેરભાઈ એ યુગની માન્યતામાં રાચતા હતાં કે સ્ત્રીએ પુરુષની કંડારેલી કેડી ઉપર જ ચાલવાનું હોય અને પુરુષનાં કિલ્લેબંધ સોનાના પાંજરામાં પોપટ મીઠું મીઠું બોલતા મીઠા ફળ આરોગવાના હોય.
પરંતુ છેલ્લા દસકાનાં ડીજીટલ જમાનામાં આ ખ્યાલો હવે બદલાતા જાય છે. તમે ગમે તેવો બુરખો ઓઢાડી ને રાખો તો પણ આખી દુનિયાના પુરુષો તમારા ડ્રોઇગરૂમ અને બેડરૂમમાં મુક્ત વિહાર કરી શકે છે અને તમે જો પત્નીને Taken For Granted સમજી લેશો તો આ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી તેને કોઈ સ્વપ્નાનો રાજકુમાર મળી જશે જે સ્વપ્નના શહેરની સફર માટે તેને લઇ જશે. આ બધુ જ સંપૂર્ણપણે કાલ્પનિક હોય છે. પરંતુ અહીં વાત તનના સંબંધો કરતાં જીવનસાથીનો અન્ય કોઈ જોડે મનનો મેળાપ અસહ્ય હોય છે એટલે જ ઝુબેરભાઈ દગાબાજીની આગમાં બળે છે.
ઝુબેરભાઈનાં વિસ્ફોટક ડીપ્રેશન માટે દવાઓનો સહારો ચોક્કસ જરૂરી છે પરંતુ તે સાથે તેમણે સ્ત્રીની માનસિકતાને સમજવી પણ જરૂરી છે. આજની આ આધુનિક દુનિયા હવે પરસ્પર સાથે ઘનિષ્ટતાથી જોડાયેલી છે અને જીવનનો ખાલીપો અને એકલતા પુરવા માંગતા મનગમતા પાત્રોને ઓનલાઈન નજીક આવતાં કોઈ રોકી શક્તું નથી. આમાં સૌ પ્રથમ તો બંને બાજુ મર્યાદાઓમાં રહીને એકબીજાનો ખાલીપો ભરવાની કોશિશ થાય છે પરંતુ પછી મન ક્યારે સીમારેખાઓ ઓળંગી અને સામીપ્યની ચરમસીમાએ પહોંચી જાય છે એ કોઈના હાથમાં રહેતું નથી. ધીરે ધીરે સંબંધોનો રોમાંચ રોજીંદી આદતો, જરૂરીયાત અને આધાર બનતા જાય છે. એમાં પણ જીવનસાથીની સુષ્કતા અને નીરસતા જો કાયમ રહે તો લગ્નેત્તર સંબંધોનો છોડ જોતજોતામાં વટવૃક્ષ બની જાય છે. પરંતુ ચોરીછૂપીથી કોઇકની થાળીમાંથી ભોજન લઇને જીવન આખું પેટ ભરી શકાતું નથી. સલમાના કિસ્સામાં પણ એવુ જ બનેે છે. પ્રેમઘેલી બનેલી સલમાની બોડી લેન્ગવેજ ઝુબેર પારખી જાય છે અને ઓનલાઈન અફેરનો અચાનક અંત આવે છે.
ઝુબેરભાઈના ડીપ્રેશનને કાબુમાં લાવ્યા પછી સલમાની એકલતા, ચંચળતા અને ગીલ્ટને દૂર કરવી જરૂરી બને છે. માણસ છે અને એનો એકવાર પગ લપસી જાય એમાં કંઇ ખોટું નથી પણ અજાણતામાં થઇ ગયેલી ભૂલમાંથી બોધપાઠ ન લેવો એ પણ યોગ્ય નથી.
સલમા અને ઝુબેરભાઈનાં વૈવાહિક સંબંધોના તાણાવાણા ફરીથી ગૂથવા માટે કરાયેલી મેરાઇટલ થેરાપીમાં ઝુબેરભાઈને પત્નીનું એક વ્યક્તિ તરીકેનું અસ્તિત્વ સ્વીકારવા સમજાવાય છે. તેની ભાવનાત્મક જરૂરિયાતોને સંતોષવાને પ્રાધાન્ય આપવાની જરૂરિયાત પર ભાર મુકાય છે અને વર્ક-લાઇફ બેલેન્સ વિષે પણ ચર્ચા કરાય છે. લગ્ન બહાર ઓનલાઈન સંબંધોની ઘટી ગયેલી ઘટનાથી કોઈ એક વ્યક્તિની ભૂલ નહીં પણ પતિ પત્નીના સંબંધોની કચાશ હતી એવું સમજાવાય છે અને એકબીજા પર આક્ષેપબાજી કે મેણાટોણાથી દૂર રહીને જ આ સંબંધોમાં પ્રેમ, આત્મવિશ્વાસ, આત્મીયતા પ્રાસ્થાપિત કરી શકાશે અને પરસ્પરનો વિશ્વાસ મેળવી શકાશે તેવી ખુલ્લા મને ચર્ચા કરાય છે.
ન્યુરોગ્રાફ
વિશ્વાસ પામવો હોય તો વિશ્વાસ આપવો પડે.