- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- એક નિષ્ફળતાથી બીજી નિષ્ફળતા તરફ ઉત્સાહ ગુમાવ્યા વગર જવું એટલે સફળતા
વા રંવાર નિષ્ફળતા મળવા છતાં પ્રયત્નો કરવાની હિંમત ટકાવી રાખી આખરે સફળતા મેળવવાના પાઠ આપણે બાળપણથી જ શીખ્યા છીએ.
તમે સાઇકલ ચલાવતાં શીખ્યા એતો તમને યાદ જ હશે. પહેલાં ત્રણ પૈડાં વાળી સાઇકલ તમે શીખ્યા પછી બે પૈડાની સાઇકલ ચલાવવાનું તમે શરૂ કર્યું બરાબરને ? આ તમને ઘણું અઘરૃં લાગ્યું હશે. તમે સાઇકલ પર સમતુલા જાળવવા માટે ઘણું મથ્યા હશો. તમે પડી પણ ગયા હશો. તમારા હાથપગ પણ છોલાયા હશે. જીવનમાં નિષ્ફળતા મળવાના પાઠ તમે નાનપણથી જ શીખ્યા છો.
પરંતુ નિષ્ફળતા મળવા છતાં તમે પ્રેકટીસ ચાલુ રાખી કદાચ પપ્પા મોટે મોટેથી પ્રોત્સાહન આપતાં તમારી સાઇકલ પાછળ દોડતા હશે. તમે પડવા જેવા થાવ ત્યારે પકડી પણ લેતા હશે. તમે એ વખતે ડરતા હતા પણ સાઇકલ શીખવા માટે રોમાંચિત હતા. તમે એ સમયની રાહ જોતા હતા જ્યારે તમે સરસ રીતે સાઇકલ ચલાવી શકો. એટલે જ તમે રોજ પ્રયત્નો ચાલુ રાખ્યા. અને અંતે તમે સાઇકલ ચલાવવાના માસ્ટર બની ગયા.
સતત પ્રયત્નો અને પુનરાવર્તનનો સાઇકલ ચલાવવામાં તમને મળેલી સફળતામાં મહત્વનો ફાળો હતો. ગમે તેટલો સમય લાગે તો પણ સાઈકલ ચલાવવાનું શીખવામાં તમે કટ્ટીબદ્ધ હતા. આટલી નાની વયે સાઇકલ શીખતી વખતે તમે ખૂબ જ પોઝીટીવ હતા, પડકાર ઝીલવા આતુર હતા. થ્રીલથી ભરેલા હતા. સતત પ્રયત્નો કરવાની તમને લગન લાગી હતી. તમને ખબર જ હતી કે એક દિવસ તમે સાઇકલ શીખી જશો.
આ વાતને ઘણો સમય થઈ ગયો ખરું ને ?
હવે તમે પુખ્ત વયના થયા છો અને તમને તમારી કંપનીમાં એક નવો સોફ્ટવેર પ્રોગ્રામ શીખવાનું કહ્યું તો શું તમે પોઝીટીવીટી અને થ્રિલરથી એ પડકાર ઉપાડવા આતુર હશો ?
ના... તમે આમ કરવાનું ટાળશો, આવું શા માટે ન કરવું જોઈએ તેના બહાના બતાવશો. તમને તમારી જાતમાં શંકા થશે. તમને ડર લાગશે.
તમારામાં રહેલા એડવેન્ચરની ભાવનાથી ભરેલા પેલા સાઈકલ શીખતા નાના છોકરાનું શું થયું ? એ છોકરો કંઈક નવું શીખવાની વાત આવે કે તરત બહાનાં કેમ બતાવ્યા કરે છે ?
કારણ પુખ્તવયના થવાની સાથે જ બીજાના અભિપ્રાયો વિશે બહુ વિચાર કર્યા કરીએ છીએ. લોકો આપણી ટીકા કરશે કે મશ્કરી કરશે એવા ભયથી કશુંક પણ નવું કરતાં આપણે અટકાવીએ છીએ.
જીવનના કોઈપણ તબક્કે કશુંક નવું શીખવામાં અગવડ તો પડે જ છે, ભય પણ લાગે છે. કારણ તમારી દ્રષ્ટિ તમારા ધ્યેય પર નહીં પણ લોકો તરફ હોય છે. તમારૃં ધ્યેય સિદ્ધ કરવા માટે તમારે લોકોની ટીકાનો તેમજ નિષ્ફળતાની તૈયારી રાખી કમીટેડ રહેવું જ પડશે. સફળતાના માર્ગે આગળ વધવું હશે તો નિષ્ફળ જતાં શીખી લેવું પડશે.
તમે ક્રિકેટના કોઈ ટોપ હીટર બેટસમેનનો દાખલો લઈ લો. દસ ઇનીંગમાંથી માંડ બે-ત્રણ ઇનીંગ એ રમે છે. છતાં ગેઇમ ચેન્જર ગણાય છે. ૭૦% નિષ્ફળતા મળવા છતાં વર્ષે કરોડો રૂપિયા કમાય છે. ટૂંકમાં કોઇપણ ક્ષેત્રમાં સફળતા ટકી રહેવાથી અને મંડયા રહેવાથી જ મળે છે. એટલે પ્રયત્નો ચાલુ રાખો, તમારી જાતનો વિકાસ કર્યા કરો. જરૂર પડે નાના-મોટા ફેરફારો કર્યા કરો એટલે એક દિવસ તમે સફળ જરૂર થવાના.
સુપર સ્ટાર અમિતાભ બચ્ચનની સફળતા અને નિષ્ફળતાની ગાથા સર્વ વિદિત છે. કેરિયરની શરૂઆતમાં કલકત્તા રેડીયો સ્ટેશનના એનાઉન્સરની નોકરી માટે પણ રીજેક્ટ થનાર અમિતાભ અનેક સફળતા અને નિષ્ફળતા પછી સ્ટાર તો બન્યો. સફળતાની ટોચે પહોંચી તેને એ.બી.સી.એલ. અમિતાભ બચ્ચન કોર્પોરેશન લીમીટેડ નામે પ્રોડકશન હાઉસ સ્થાપ્યું. જેમાં તેને ઘોર નિષ્ફળતા મળી અને તે દેવાદાર બની ગયો. અમિતાભ તેના કપરા કાળમાં ટકી રહેવા વલખાં મારતો હતો ત્યાં કૌન બનેગા કરોડપતિ સીરીયલ શરૂ થઈ અને એ ફરીથી ટોચ પર પહોંચ્યો. ગમે તેટલી ઉંચાઈએ પહોંચવા છતાં એ પાન-મસાલા અને હેર-ઓઇલની જાહેરાત પણ કરતો રહે છે. તે કોઇપણ પ્રકારના કામને મહત્વ આપે છે અને હરહંમેશ પ્રયત્નશીલ રહે છે.
સફળતા રાતો રાત મળતી નથી. તમને હું બે એવી વ્યક્તિની વાત કરવા માગું છું કે જેમણે પ્રેરણાદાયી સૂત્રો ધરાવતું એક પુસ્તક લખ્યું અને પ્રકાશકને સંપર્ક કરવાના શરૂ કર્યા. શરૂઆતમાં ત્રણ પ્રકાશકોએ તેમને ઘસીને ના પાડી દીધી. ત્યાર પછી એક પછી એક તેંત્રીસ પ્રકાશકોએ ના પાડી. તેંત્રીસ વખત ઈન્કારનો સામનો કર્યા પછી એ ચોંત્રીસમાં પ્રકાશકને મળ્યા અને એને કહ્યું, 'હા' અને એ પુસ્તક 'ચિકન સુપ ફોર સોલ' ની અદ્ભૂત સફળતાની સફર શરૂ થઈ. જેક કેનફીલ્ડ અને માર્ક વિકટર હાન્સેનના આ પુસ્તકની અત્યાર સુધી ૧૦ કરોડ નકલો વેંચાઈ ગઈ છે. ૩૩ નિષ્ફળતા પછી પણ તેમને ટકાવી રાખનાર પરિબળ કયું હતું ? તેમનું પોઝીટીવ એટીટયુડ. જો તેમનું એટીટયુડ નેગેટીવ હોત તો બે-ત્રણ નિષ્ફળતા પછી તેમને પ્રયાસ છોડી દીધા હોત અને તેઓએ યશ, પ્રતિષ્ઠા અને ધન ગુમાવ્યા હોત. યાદ રાખો પોઝીટીવ એટીટયુડ તમારા આત્મવિશ્વાસને ટકાવી રાખે છે અને ગમે તેટલી નિષ્ફળતા છતાં ટકી રહેવાની તાકાત આપે છે.
હકીકતમાં નિષ્ફળતા જેવું કંઈજ હોતું નથી, ફક્ત પરિણામો હોય છે. કેટલાક નિષ્ફળ કેટલાક ઓછા સફળ તો કેટલાક વધુ સફળ એટલે જ જો તમે સફળતા ન મેળવી શકો તો પણ પ્રયત્નો ન છોડો.
જીવનમાં જો તમે ધાર્યા પરિણામ ન લાવી શક્યા હો કે પછી નિષ્ફળતાઓથી નિરાશ થઈ ગયા હો તો તમારી જાતને નીચેના પ્રશ્નો પૂછો.
૧. શું તમારી અપેક્ષા અવાસ્તવિક છે ? તમે સફળતા પર હનુમાન કૂદકો મારવા ઈચ્છતા હો તે નિષ્ફળતા મળે જ ધીરજ રાખો એક પછી એક લેવલે પહોંચવાના પ્રયત્ન કરો.
૨. જાતને પૂછો શું હું મારા ધ્યેયને 'કમીટેડ'છું ? તમારા ધ્યેય સુધી પહોંચવાની બળબળતી ઇચ્છા હોવી જરૂરી છે. ત્યારબાદ હાર મળવા છતાં માનો નહીં સતત પ્રયત્નો કરતા રહો.
૩. શું તમે તમારી ટીકા કરતાં નેગેટીવ લોકોથી વીંટળાયેલા છો ? તો તમારી શક્તિ અને ઉત્સાહ હણાઈ જશે. એટલે તમને સફળતા માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપે એવા લોકોનું નેટવર્ક તમારી આસપાસ બનાવો.
૪. શું તમે સફળતા મેળવવા માટે જરૂરી તૈયારી કરી રહ્યા છો ? તમારૃં ધ્યેય સિધ્ધ કરવા કંઈક નવું શીખવા તરફ પગલા ભરી રહ્યા છો ? તમારી કામ કરવાની જૂની-પૂરાણી પદ્ધતિ બદલી તમે નવા નવા રીસોર્સીસ શોધી રહ્યા છો ?
૫. શું તમે નિષ્ફળ થવા માટે તૈયાર છો ? એક સચ્ચાઈ સ્વીકારી લો કે સફળતા મેળવવા માટે તમારે નિષ્ફળતાનો સ્વાદ ચાખવો જ પડશે. જો તમે નિષ્ફળ જતા ગભરાતા નથી તો તમે સફળતાના રસ્તે જવા તૈયાર થઈ ગયા છો.
તમારી નિષ્ફળતા એ શીખવા માટેના એવા અનુભવો છે જે તમારે કરવા પડતા એડજસ્ટમેન્ટ્સ તમને શીખવાડે છે. નિષ્ફળતાથી ડરો નહીં, ભાગો નહીં. ભાગવાની આદત પડશે તો તમે જીવનમાં ક્યારેય જોખમ નહીં લો. જો નિષ્ફળતા મળશે તો તમે નિરાશ ચોક્કસ થશો પરંતુ તમે પ્રયત્ન જ નહીં કરો તો જૈસે થે જ બની રહેશો.
એ વાત સાચી છે કે દરેક પ્રયત્નોમાં તમે સફળ નહીં થાવ. જીવન હાર-જીતની હારમાળા છે. દોડવીર પણ જાણે છે કે તેમને ચાલતા પહેલા બાખોડીયા ભરવા પડે છે. અને દોડતા પહેલાં ચાલવું પડે છે. નક્કી તમારે કરવાનું છે કે નિષ્ફળતાને તમે હંગામી અસફળતા ગણો છો કે પછી હટાવી ન શકાય તેવા અવરોધ ?
જો દરેક હારમાંથી તમે કંઈક શીખવાનો પ્રયત્ન કરો અને તમે જે અંતિમ ધ્યેય સુધી પહોંચવા માંગતા હો તેના પરથી નજર ન હટાવો તો તમારી ટેમ્પરરી નિષ્ફળતા જ તમને સફળતા તરફ દોરી જશે.
ન્યુરોગ્રાફ :
તમારે સફળતાની ફોર્મ્યુલા જોઈએ છે ?
તો એ સાવ સરળ છે.
તમારી નિષ્ફળ જવાની સ્પીડ ડબલ કરો.


