તમારી જાતની સતત અવગણના થતી હોય તો તેને માટે જવાબદાર કોણ?
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- ઓફિસ અને સમાજમાં મોભાનું સ્થાન, પતિનો સન્માનીય હોદ્દો અને બે બાળકોની માતા. જવાબદાર સરકારી ઓફીસર તરીકે સમાજમાં જાણીતા હતા. એવી શું લાચારી આવી ગઈ કે તેમને માંકડ મારવાની દવા ગટગટાવવી પડી?
સ મગ્ર ડીપાર્ટમેન્ટમાં હાહાકાર મચી ગયો હતો. આવી મજબુત મનની વ્યક્તિ પોતાના જીવનથી સાવ આમજ નાસીપાસ થઈ જાય એટલું જ નહીં પણ પોતાના જીવનનો અંત આણવા જેવી લાચાર પરિસ્થિતિમાં તેને મુકાવું પડે એ વાત કોઈના પણ ગળે ઉતરતી ન હતી અનેગળે ઉતરે પણ કેવી રીતે.
સિનીયર અધિકારી તરીકેનો હોદ્દો, ઓફિસમાં માન સન્માન, પતિનું પણ સમાજમાં મોભાનું સ્થાન, બે હોંશિયાર બાળકો, લોકોની નજરોમાં સુખ, સમૃદ્ધિ અને સાહ્યબીમાં આળોટતી એ સ્વરૂપવાન મહિલાનાં માથે એવું તે કેવું દુ:ખ આવી પડયું હશે કે એને આમ માંકડ મારવાની દવા ગટગટાવી જવી પડે ?
વાત એમ હતી કે એક ઉચ્ચ સરકારી મહિલા ઓફિસર દેવયાની પટેલને તાત્કાલિક સારવાર માટે આઈ.સી.સી.યુ. માં દાખલ કરાયા હતાં. ડોક્ટરોએ એટ્રોપીન, પામ વગેરે દવાના ઇન્જેક્શનોનો ડોઝ આપી માંકડ મારવાની દવાના ઝેરની અસરને નાબૂદ કરવાની પૂરતી તજવીજ કરી હતી. પેટમાં રહીસહી માંકડ મારવાની દવાને ગેસ્ટ્રીક લવાજદ્વારા પેટની બહાર ફેંકવાની ધનિષ્ટ સારવાર પણ આપી હતી.
આ ઘનિષ્ટ સારવાર ચાલતી હતી ત્યારે હોસ્પિટલની બહાર જમા થયેલા તમામ લોકો આ આખીયે ઘટનાનું પૃથક્કરણ કરી પોતાનું મંતવ્ય આપવામાં વ્યસ્ત હતાં. એમાં કેટલીક થીયરીઓ વહેતી મુકાઈ જે નીચે મુજબ હતી.
કોઈક કહેતું હતું કે સુખ સાહ્યબી તો બહારથી દેખાતી હતી પણ અંદરથી તો આ સ્ત્રી ક્યારનીયે તૂટી ગઈ હતી. કારણ ઓફિસમાં દમામભેર એક માનનીય મેડમ તરીકે જીવતા દેવયાનીબેનની હાલત ઘરમાં એક કામવાળીથીએ બદ્દતર હતી.
હોય નહીં એવું આશ્ચર્યજનક સામુહિક વિધાન થયું ત્યાં બીજી એક વ્યક્તિએ માહિતી આપતા કહ્યું પતિનો અત્યંત કડક અને શંકાશીલ સ્વભાવ, સાસુની જોહુકમી અને સામાજિક મોભો સાચવી રાખવા માટે દેવયાની બેને સ્વીકારી લીધેલી ગુલામીએ મેડમના જીવનની કડવી વાસ્તવિકતા હતી. બિચારા.. મેડમ ક્યાં સુધી આ બધું સહન કર્યા કરે.
મેડમ પ્રત્યે સહાનુભૂતિ બતાવતા અન્ય વ્યક્તિએ કહ્યું, ગમે તેવા મજબૂત મનની વ્યક્તિ પણ સાવ ભાંગી પડે એવો માનસિક ત્રાસ મેડમે બે દાયકાથી સહન કર્યો છે પરંતુ મૂંગેમોઢે આવી ગુલામી કોઈપણ સ્ત્રી ક્યાં સુધી સહન કર્યા કરે.
મેડમ પ્રત્યે સહાનુભૂતિ બતાવતા અન્ય વ્યક્તિએ કહ્યું, ગમે તેવા મજબૂત મનની વ્યક્તિ પણ સાવ ભાંગી પડે એવો માનસિક ત્રાસ મેડમે બે દાયકાથી સહન કર્યો છે પરંતુ મૂંગેમોઢે આવી ગુલામી કોઈપણ સ્ત્રી ક્યાં સુધી સહન કર્યા કરે.
તો વળી એવું પણ કહેવાતું હતું કે પોતાની મોભાદાર નોકરી, સારો પગાર, સામાજિક પ્રતિષ્ઠા એમ બધુ જ હોવા છતાં દેવયાનીબેને આ બધું સહન કરવાની ક્યાં જરૂર હતી. ઓછું ભણેલી ગરીબ ઘરની કોઈ પરગજુ સ્ત્રી આ બધું સહન કરી લે કારણ તેની પાસે બીજો કોઈ વિકલ્પ પણ ન હોય પણ દેવયાનીબેને આવું ચલાવી લેવાની શી જરૂર પડી.
લોકોની દલીલોમાં તથ્ય હતું. ડોક્ટરોએ દેવયાનીબેનનો જીવ બચાવવા લગભગ ૩૦૦ જેટલા એટ્રોપીનનાં ઇન્જેકશનથી ઝેરનું મારણ કર્યા પછી ટીક-૨૦ની ઝેરી અસરમાંથી દેવયાનીબેન બહાર આવી ગયા હતા. તેઓ મૃત્યુશૈયા પરથી પાછા ફર્યા હતા અને તેમને તદ્દન નવું જીવન મળ્યું હતું. દેવયાનીબેને પણ હોસ્પિટલની પથારીમાં પડે પડે મનોમન નક્કી કરી લીધું હતું કે હવી પછી ભવિષ્યમાં મૃત્યુશૈયા પર સુવાનો વખત આવે ત્યારે મનમાં એવી લાગણી સાથે મરવું છે કે વાહ... જીવનજીવવાની ખરેખર મજા આવી ગઈ. હું મારી ધારણા પ્રમાણેનું જીવન જીવી શકી.
દેવયાનીબેન હવે પોતાના વ્યક્તિત્વને બદલવા માટે તત્પર હતાં. આજ દિન સુધી એટલે કે અડધી જિંદગી વીતી ગઈ ત્યાં સુધી પતિ ક્યારેક તો સમજશે અને ક્યારેક તો બદલાશે એવી ધારણામાં તેમણે વિતાવી હતી.
સાસુમા પણ તેમની સેવાચાકરી કરનાર વહુને ક્યારેક તો ન્યાય આપશે તેવી તેમને આશા હતી. પરંતુ હવે તેમને સમજાય ગયું હતું કે આમાંનું કંઈજ બદલાશે નહીં પરંતુ તેમણે જ બદલાવું પડશે. પોતાનું જીવન કઈ રીતે જીવવું તેની સમગ્ર બાગડોર તેમણે તેમના હસ્તકજ લેવી પડશે. દેવયાનીબેને હવે બીજાઓની ખુશી માટે તેમનાથી કચડાઈને નહીં પણ પોતાની ખુશી માટે, વ્યક્તિગત સ્વાતંત્ર માટે જીવન જીવવાનું નક્કી કર્યું હતું. તેથી જ સાઈકોથેરાપી અને એસર્ટીવનેસ ટ્રેઈનીંગ માટેની તાલીમી સારવારમાં તેમનો સહકાર મેળવી શકાયો હતો. તેમની કેટલીક સમસ્યાઓ નીચે મુજબ હતી.
પતિ-પત્ની બન્ને કમાતા હતાં પણ પત્નીને પતિની પરવાનગી વગર પોતાના પગારમાંથી એક પાઈ પણ વાપરવાની છૂટ ન હતી, આમાં વાંક પતિનો હતો ?
ના. તેમનો પોતાનોજ હતો. એવું તેમને હવે સમજાઈ ગયું હતું. કારણ આ પ્રકારનું વર્તન કરવાની પતિને છૂટ તેમણે જ આપી હતી. જો શરૂઆતમાં જ પતિની આવી જોહુકમીને દેવયાનીબેને ન ચલાવી લીધી હોત તો વાત આટલી હદ સુધી વણસી ન હોત.
પતિની આવી જોહુકમીનાં વ્યાજબીપણા વિશે તેમને બે-ચાર પ્રશ્નો શાંતિથી કર્યા હોત તો તેમાં પતિનો કોઈ રીતે અનાદર થઈ જવાનો ન હતો. દેવયાનીબેનને હવે સમજાયું હતું કે પતિની કેટલીક ગેરવ્યાજબી વાતોને ચલાવી લઈને તેમણે પતિને અમર્યાદ સત્તાઓ આપી દીધી હતી. દેવયાનીબેન એસર્ટીવનેસ ટ્રેઇનીંગ એટલે સ્વાગ્રહી બનવાની તાલીમ દરમ્યાન તેમના નકારાત્મક વિચારોને ઓળકી શક્યા હતાં.
સૌથી મોટો ખોટો ખ્યાલ તેમના મનમાં એ હતો કે
હું નોકરી કરું છું એટલે સ્વચ્છંદી થઈ ગઈ છું એવું કોઈને ન લાગવું જોઈએ.
એક આદર્શ ભારતીય સ્ત્રી બની રહેવાના તેમના જળમૂડથી રહેલા ખોટા ખ્યાલના કારણે જ તેમણે તેમનાં પતિ અને સાસુને તેમનો અનાદર કરવાની તથા ગેરલાભ ઉઠાવાની છૂટ આપી દીધી હતી.
પોતાના તમામ નિર્ણયો લેવાની સત્તા એમણે પતિને આપી દીધી હતી. એટલે પતિ એવું માનીને ચાલતા હતાં કે
દેવયાની તો કોઈપણ બાબતમાં સંમત થઈ જ જશે. તેણે સંમત થવું જ જોઈએ.
૨૦ વર્ષ સુધી પતિની તમામ બાબતોમાં સંમતી આપ્યા પછી દેવયાનીબેન ક્રોનિક ડીપ્રેશનનો શિકાર બની ગયા હતા.
દેવયાનીબેનને હવે સમજાતું હતું કે સાસુમાને રીઝવવા માટ પોતાને ન ગમતી તમામ બાબતો તેઓ કરતાં રહ્યાં હતાં. એટલે સાસુમા ને વહુના ગમા અણગમાની કોઈ કિંમતજ રહી ન હતી.
સાસુને અનુકુળ રહીને રહેવાની વહુની ફરજ છે.
તેવા સાસુમાનારૂઢિગત ખ્યાલને તેમણે જ પોશ્યો હતો. સાસુ દ્વારા થતો તેમનો અનાદર, તિરસ્કૃત વર્તન અને વલણ, અપમાનજનક ભાષા ચાલુ રહેવાનું મૂળ કારણ એ હતું કે સાસુનાં તમામ વર્તન પ્રત્યે તેમણે મૌન સેવી વ્યાજબી પ્રતિકાર કરવાનું પણ ટાળ્યું હતું. બે દાયકાના તેમના દામ્પત્ય જીવનમાં તેઓ પતિ તથા સાસુમાની ગુલામી તો સહન કરતાં જ હતાં. તેમાં ૧૮ વર્ષની પુત્રી યામિની અને ૧૬ વર્ષનાં પુત્ર પ્રતિકે પણ એમને માનસિક ત્રાસ પહોંચાડવામાં ફાળો આપ્યો હતો. ૧૮ વર્ષની પુત્રીને રહેવા માટે અલગ રૂમ અપાયો હતો જેથી તે પોતાની બધી જ વસ્તુ વ્યવસ્થિત રીતે રાખી શકે અને શાંતિથી અભ્યાસ કરી શકે. પરંતુ યામિનીને તો બધું જ અસ્તવ્યસ્ત રાખવાની આદત પડી ગઈ હતી. તેની ચોપડી ન મળે એટલે રાડો પાડતી.
મમ્મી ચોપડી શોધી આપ.
આ કારણે દેવયાનીબેન સવાર સવારમાં રઘવાટમાં રહેતાં. સાસુનું બધું સાચવવાનું, રસોઈ કરવાની, પતિના તરંગો સાચવવાના એમાં યામિનીને કંઈક શોધી આપવાનું હોય એટલે તેઓ બેચેન બની ઘાંટા પાડતા અને પુત્રીને ખખડાવતા પણ ત્યારબાદ તરત મનમાં નેગેટીવ વિચાર આવી જતો કે હું નોકરી કરું છું એટલે મને ટાઈમ ન મળે પણ એમાં બિચારી યામિનીનો શું વાંક. આ વિચાર સાથે જોડાયેલી આદર્શ માતા ન બન્યાની અપરાધભાવના દૂર કરવા તે યામિનીને વસ્તુ શોધી આપતાં એટલે યામિનીનું પોતાનું કોઈ ઠેકાણું જ ન મળતું. તેઓ પુત્રી વિશે ફરિયાદ કરતાં હતાં પણ તેમને હવે સમજાતું હતું કે બધાને ખુશ રાખવાની અને આદર્શ માતા, પત્ની અને વહુ બનવાની એમની વિચારધારાએ જ તેમની પોતાની જાતને બીજાઓના હાથે કચડાવા દીધી હતી. પુત્ર પ્રતિકની તો વાત જ કંઈક ઓર હતી. તેને મમ્મી જે વસ્તુ રાંધે એ તો ભાવતી જ નહીં એટલે તેને માટે શું રાધવું તે દેવ્યાનીબેનની મોટી સમસ્યા હતી. આમ ચાર જણને સાચવીને દેવયાનીબેન સમયસર ઓફીસ પહોંચી જતાં અને ત્યાં આઠ કલાક કામ કરીને પાછા ઘરે ગુલામી કરવા આવી જતાં.
પરંતુ એક દિવસ દેવયાનીબેન માટે આ બધું જીરવવું અશક્ય થઈ પડ્યું એટલે તેમણે પ્રતિકાર કર્યો. પતિ સાથે ઊંચા અવાજે બોલવાનું શરૂ કર્યું. સાસુ ઉપર સામો ગુસ્સો કરવાનું શરૂ કર્યું. સંતાનોને પણ રોકડું પરખાવવાનું શરૂ કર્યું. ઘરમાં જાણે ધરતીકંપ આવી ગયો. એકાદ-બે અઠવાડિયા આવું ચાલ્યું એટલામાં તો પતિએ જબરજસ્ત યુદ્ધ છેડયું. બોલાચાલી વધી ગઈ અને ૨૦ વર્ષનાં દામ્પત્ય જીવન બાદ પતિએ કમાતી ધમાતી પત્નીને રોકડું પરખાવ્યું.
ન ફાવતું હોય તો ચાલતી પકડ. આ ઘર છે તારી ઓફિસ નથી. અહીંયા તારી મરજી મુજબ નહીં જીવાય. પાંચ પૈસા કમાય છે એટલે તારા મગજમાં રાઈ ભરાઈ ગઈ છે ? તું તારી જાતને સમજે છે શું ?
બસ તે દિવસે દેવ્યાનીબેન ઓફિસેથી પાછા ફરતા માંકડ મારવાની દવા લઈ આવી ગટગટાવી ગયાં.
એસર્ટીવનેસ ટ્રેઇનીંગમાં દેવયાની બેનને આદર્શ પત્ની, વહુ, માતા અને ગૃહિણી બનવાનાં વિચાર સાથે સંકળાયેલ અપરાધભાવનાની લાગણીથી તેમની જાતને એમણે પહોંચાડેલા નુકસાન અંગે સમજાવવામાં આવ્યું. કોઈની સાથે ઝઘડવાની નહીં પણ ઠંડો પ્રતિકાર કરવાની અને પોતાની ન્યાયી માંગણીને લોકો સમજે એવો આગ્રહ રાખવાની તેમને તાલીમ આપી. દેવયાનીબેનને અપાયેલ સ્વાગ્રહિતાની તાલીમથી એ બીજાનું પગલૂછણીયું બનતા અટકી ગયાં.
ન્યુરોગ્રાફ :
તમારી સંમતિ વગર ક્યારેય કોઈ જ તમારા ઉપર શાસન કરી શક્તું નથી.