- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- માનસિક બીમારીને અંધશ્રદ્ધાને કારણે ભૂત, પ્રેત અને વળગાડના સમજો
''શું મારાથી બાજુમાં સુતેલી મારી પુત્રીનું ગળું તો નહીં દબાવી દેવાયને?''
''શું મારાથી મારી પુત્રીને પીઠમાં ખંજર તો નહીં ભોંકી દેવાયને?''
''શું હું રક્ષક હોવા છતાં ભક્ષક તો નહીં થઇ જાઉંને?''
''શું હું પાગલ તો નહીં થઇ જાઉંને?''
''શું મારી પુત્રીને કંઈ થઇ જશે?''
''શું મારી પુત્રીને કોઈ ઉપાડી જશે અને હું મુક સાક્ષી બની નિર્માલ્ય થઈને બેઠો રહીશ?''
આવા મનમાં સતત ઘુસી આવતા અનિચ્છનીય અને હાનીકારક વિચારોથી તનીશભાઈ રાત્રે પથારીમાં બેઠા થઇ જાય છે. તેમનું હૃદય જોરથી ધબકવા લાગે છે. હાથપગ ધ્રુજવા લાગે છે. આખા શરીરે પસીનો વળે છે. ચક્કર આવવા લાગે છે અને તેઓ એવું અનુભવવા લાગે છે કે તેમના મગજ પરનો કાબુ એ કદાચ ગુમાવી બેસશે.
આ વિચારો અને તેના દ્વારા મનમાં ઉભા થયેલા તોફાનને કારણે તનીશભાઈ પથારીમાંથી સફાળા બેઠા થઇ જાય છે. બાજુમાં નિરાતે નિંદ્રાધીન થયેલી પોતાની સાત વર્ષની પુત્રી તરફ જોઈ રહે છે અને પછી તેમને ખાતરી થાય છે કે તેમના દ્વારા પુત્રીને કોઈ જ ઈજા પહોંચી નથી. આ સાથેજ ફરીથી તેમના મનમાં ધસમસતા ઘોડાપુરની જેમ ફરીથી વિચારો આવે છે કે,
''શું મારાથી બાજુમાં સુતેલી મારી પુત્રીનું ગળું તો નહીં દબાવી દેવાયને?''
''શું મારાથી મારી પુત્રીને પીઠમાં ખંજર તો નહીં ભોંકી દેવાયને?''
આ વિચારોથી તેઓ ખૂબ ગભરાઈ જાય છે. બેચેન બની ઘરમાં આમ-તેમ ફરવા માંડે છે અને એક દોરડાથી પોતાના બંને હાથો બાંધવાની કોશિશ કરે છે. તેમને લાગે છે કે કદાચ આ નવા લીધેલા ભાડાનાં ઘરમાં પણ ભૂત, પ્રેત અને પ્રેતઆત્મા પ્રવેશી ચુક્યા છે. તેમના પર કોઈકે ''કાલાજાદુ'' કરી નાખ્યું છે એટલે હવે કંઈ પણ થઇ શકે છે.
એક સમયે તનીશભાઈ ઓટોમોબાઇલ એન્જીનીયરની ડીગ્રી ધરાવતા નિર્ભય યુવાન હતા. તેઓ ભૂત-પ્રેત, બાધા-માનતા, તંત્ર-મંત્ર, મેલીવિદ્યા કે જ્યોતિષીઓમાં માનતા ન હતાં. તેઓ તેમના વડીલોપાર્જીત ઘરમાં માતા-પિતા, પત્ની અને પુત્રી સાથે સુખ ચેનથી જિંદગી વિતાવતા હતાં. ૪ વર્ષ પહેલા અચાનક તેમના પિતાશ્રીનું મધરાત્રે હૃદયરોગનો હુમલો આવવાથી અવસાન થયું. ત્યારબાદ તેમને કેટલાક સગા-સંબંધીઓ અને વડીલોએ સલાહ આપી કે ''આ ઘટના તેમના કુટુંબ પર કોઈ દૈવી પ્રકોપ કે પછી મેલીવિદ્યાની અસર બતાડે છે એટલે આનું નિવારણ કરાવવા જરૂરી પગલા લેવા જોઈએ.'' પરંતુ આ વાતને તેમણે હસી કાઢી અને તેના પર ગંભીરતાથી કોઈ ધ્યાન ન આપ્યું.
લગભગ ૬ મહિના પછી તેમને એવા પુરાવાઓ મળ્યા કે તેમની પત્નીના અન્ય પુરુષ સાથે આડા સંબંધો છે. શરૂઆતમાં તો આ વાત તેમના માન્યામાં ન આવી. કારણ પત્ની ખૂબજ પ્રેમાળ, કામઢી અને કહ્યાગ્રી હતી. પરંતુ ધીમેધીમે તેમને આ વાતનાં વધુ પુરાવાઓ મળતા ગયા. પત્નીના કોલલોગ, લોકેશન અને ચેટ પરથી તેમને તેણીનાં અન્ય પુરુષ સાથેનાં સંબંધોના ઘણાબધા પુરાવાઓ મળ્યા એટલે તેમણે પત્ની સાથેજ સીધો સંવાદ શરુ કર્યો.
શરૂઆતમાં તનીશભાઈનાં આવા આક્ષેપને તેમના શંકાશીલ સ્વભાવની પેદાશમાં ખપાવી અને પત્ની રીસાઈને પિયર ચાલી ગઈ. પરંતુ પત્નીનાં કુકર્મોને છાપરે ચડીને પોકારવામાં વાર ન લાગી. પત્નીએ પણ માતા-પિતા અને પતિ સમક્ષ એકરાર કરી લીધો કે તેને લગ્નપૂર્વેથી જ એક યુવાન સાથે ગાઢ પ્રેમસંબંધ છે. લગ્ન પછી તેને એવું લાગ્યું કે તે પોતાના નિર્દોષ પતિને છેતરી રહી છે એટલે અપરાધભાવને કારણે પતિ, સાસુ-સસરાની વધારે પડતી સંભાળ અને સેવા કરવા લાગી. પરંતુ સાસુ સાથે વધતા જતા ઝઘડાઓ અને પતિની કામધંધામાં વધુ પડતી વ્યસ્તતા ને કારણે પ્રેમ અને હુંફ મેળવવા તે જુના પ્રેમી તરફ પાછી વળી. એ દરમ્યાનમાં એને એક પુત્રીનો જન્મ પણ થયો. પરંતુ તેના કરતૂતો ખુલ્લા પડી જવાથી તેણે તનીશભાઈ અને તેની પુત્રીને છોડી પ્રેમી સાથેજ બાકીનું જીવન વિતાવવાનો નિર્ણય જાહેર કરી દીધો. થોડી બોલાચાલી અને સમજાવટ પછી તનીશભાઈએ સ્વીકારી લીધું કે જે પત્નીને પોતાના તરફ પ્રેમ હોય જ નહીં એને પરાણે ઘરમાં પત્ની તરીકે રાખવાનો કોઈ મતલબ નથી. આવું વિચારી તેમણે પત્નીને સ્વેચ્છાએ છુટાછેડા આપી દીધા અને પત્ની પણ પુત્રીને છોડીને પ્રેમી સાથે લગ્ન કરી અન્ય શહેરમાં રહેવા ચાલી ગઈ.
તનીશભાઈએ હવે પુત્રીને માતૃત્વ અને પિતૃત્વ બંને આપવાનું હતું અને પોતાની આ ફરજ તેમણે સંપૂર્ણ નિષ્ઠાથી અદા કરી. તેઓ પુત્રીને નવડાવતા-ધોવડાવતા, તૈયાર કરતાં, સ્કૂલે મૂકવા જતા અને પોતાના હાથે જ જમાડતા. તનીશભાઈની આ હરકતો તેમની માતાને પસંદ ન આવી અને માતાએ પૌત્રીની આટલીબધી આળપંપાળ કરતા પુત્રને વારંવાર ચેતવ્યો. એટલુજ નહીં તેઓ પૌત્રીને પણ ધમકાવવા માંડયા. પૌત્રી ''છપ્પરપગી'' છે એવું સંભળાવવા લાગ્યા. અને માતાપિતાને જુદા પાડનાર, દાદાનો જાન લેનાર, મનહુસ છોકરી છે એવું કહેવા લાગ્યા.
આથી છોકરીમાં વધારે પડતો ડર અને ભય પેદા થયો. એટલે રાત્રે તે પપ્પાના બેડરૂમમાં પપ્પાને વળગીને સુવા લાગી.
આ સમયગાળા દરમ્યાન તનીશભાઈને ધંધામાં પણ નુકસાન જવા લાગ્યું. પોતાના કારીગરો ઉપર પણ તે ગુસ્સો કરવા અને હાથ ઉપાડવા લાગ્યા. આથી તેમનામાં એવો ભય બેસી ગયો કે તેમનાથી બધુજ ખોટું અને ઊંધું થઇ રહ્યું છે. તેમના મિત્રોએ તેમને સલાહ આપી કે કોઈ સારા જ્યોતિષીનો સંપર્ક કરી ગ્રહદોષ કે નાડીદોષ હોય તો તેનું નિરાકારણ કરાવવું. તનીશભાઈએ એક જ્યોતિષીનો સંપર્ક સાધ્યો અને તેના કહેવા પ્રમાણે શનિ અને રાહુની દશામાંથી બહાર આવવાનાં ઉપચારો પણ તેમણે કરાવડાવ્યા.
આ બધું કરવા છતાં પણ તેમના ગભરાહટનાં હુમલાઓ અને ગુસ્સાનો કોઈ અંત ન આવ્યો. એટલે જ્યોતિષીએ તેમને જણાવ્યું કે ''તેમના એક ગુરુ છે જે ઘણાં વૃદ્ધ છે. આવા ઘણાજ કેસીસ તેમણે ઉકેલ્યા છે અને તેઓ અંધ હોવા છતાં ભૂતકાળની તમામ ઘટનાઓને તેના મૂળ સ્વરૂપે જોવાની દીર્ઘદ્રષ્ટિ ધારાવે છે. એટલે તેમનો સંપર્ક કરવો જોઈએ.''
તનીશભાઈ આ જ્યોતિષી સલાહકાર સાથે તેમના પેલા વયોવૃદ્ધ અંધ ગુરુજીને મળવા માટે ગયા. ગુરુજીએ બધી વાત સાંભળી અને તેમને અઠવાડિયા પછી પાછા બોલાવ્યા. ફરીવાર તનીશભાઈ જ્યારે મળવા ગયા ત્યારે ગુરુજીએ કહ્યું કે ''તેમના ઘરવાળી જગ્યાએ દાયકાઓ પહેલા એક ી સાસરીયાના ત્રાસથી સળગીને મરી ગઈ હતી. આ ીનો ભટકતો આત્મા આ જગ્યાએ મોજુદ હતો. તેમના પિતાશ્રીએ આ જગ્યાએ ઘર બનાવતા પહેલાં પૂજન તથા પૂજા વિધિ યોગ્ય રીતે કરાવી ન હોવાથી આ ીનું પ્રેત એ ઘરમાંજ વાસ કરે છે. આ પ્રેતે જ અડધી રાત્રે તેમના પિતાનો ભોગ લીધો છે અને આ પ્રેતની માયાજાળને કારણેજ તેમના માતા અને પત્ની વચ્ચે ખખડાટ ઉભો થયો અને આ પ્રેતે જ તેમના પત્નીને તેમના મિત્ર સાથે ફરીથી મેળવી આપ્યા. એટલુંજ નહીં પણ તેમની પત્ની ઉપર મેલીવિદ્યાનાં પ્રયોગો કરી પતિ અને પુત્રીને દગો કરી પ્રેમી સાથે લગ્ન કરવા મજબુર કર્યા. લગ્ન પછી તેમના પત્નીએ ઘર છોડી દીધું એટલે તેઓ પ્રેતાત્માની અસરથી દૂર થઇ ગયા અને સુખી થઇ ગયા. અને પ્રેતાત્માએ તેમની માતા પર મેલીવિદ્યા કરી જેથી તેઓ પુત્રી પર ત્રાસ ગુજારવા લાગ્યા. હવે આ પ્રેત તમારા પર મેલીવિદ્યા કરી રહ્યું છે. એનાથી તમે માનસિક અશાંતિ અને ઉશ્કેરાટ અનુભવો છો. આ પ્રેતની મેલીવિદ્યાને કારણે તમારાથી કંઈ પણ અજુગતું કે અમંગલ કાર્ય થઇ શકે છે. હવે આ પ્રેતની નજર તમારી પુત્રી પર છે.''
ઘેર ગયા પછી તનીશભાઈ મૂંઝાયા. ભૂત, પ્રેત અને મેલીવિદ્યામાં ન માનતા હોવા છતાં તેમણે અંધ ગુરુજીએ બતાવ્યા પ્રમાણેનાં બધાજ ઉપચારો અને બાધા-વિધિ કરાવી.
૧૦ મહિના પહેલા એક રાત્રે તેઓ ઊંઘમાંથી સફાળા જાગી ગયા. તેઓ ગભરામણ અને બેચેનીનો અનુભવ કરવા લાગ્યા. એમનું આખું શરીર જોરથી ધ્રુજવા લાગ્યું અને પરશેવે રેબઝેબ થઇ ગયા. તેમના મનમાં સતત અનિચ્છનીય અને હાનીકારક વિચારો આવવા લાગ્યા કે,
''શું મારાથી બાજુમાં સુતેલી મારી પુત્રીનું ગળું તો નહીં દબાવી દેવાયને?''
''શું મારાથી મારી પુત્રીને પીઠમાં ખંજર તો નહીં ભોંકી દેવાયને?''
આ વિચારોને કારણે તેઓ આખી રાત સૂઈ ન શક્યા અને સવાર પડતાજ પેલા અંધ ગુરુજી પાસે પહોંચી ગયા. અંધ ગુરુએ જણાવ્યું કે એ પ્રેતે જે માંગ્યું તે બધુંજ એટલે કે અનાજ, ઘી, સોનાનો હાર વગેરે ચઢાવવામાં આવ્યું. તનીશભાઈએ આપેલ તમામ પૈસા આ બધામાં વપરાઈ ગયા. છતાં પણ વગર પૈસે તેમની સુખાકારી માટે ગુરુજીએ જાપ અને અન્ય વિધિઓ કરી. પરંતુ આ પ્રેત કોઈપણ રીતે માનવા તૈયાર નથી. એટલે આખરી ઉપાય તરીકે તનીશભાઈએ આ ઘર છોડી દેવું અને નવા ભાડાનાં ઘરમાં રહેવા જતા રહેવું.
ગુરુજીની સલાહ પ્રમાણે તનીશભાઈએ ભાડાનું ઘર શોધ્યું અને પુત્રી તથા માતાને લઇ ત્યાં રહેવા પણ જતા રહ્યા. નવી જગ્યાએ બે-ત્રણ અઠવાડિયા તો બધું બરાબર ચાલ્યું પરંતુ એક રાત્રે અચાનક તેમને વિચારો આવવા લાગ્યા કે,
''શું મારાથી બાજુમાં સુતેલી મારી પુત્રીનું ગળું તો નહીં દબાવી દેવાયને?''
''શું મારાથી મારી પુત્રીને પીઠમાં ખંજર તો નહીં ભોંકી દેવાયને?''
''શું હું પાગલ તો નહીં થઇ જાઉંને?''
આ વિચારધારામાંથી છૂટવા તનીશભાઈએ જુદા જુદા જ્યોતિષીઓ, તાંત્રિકો, માંત્રિકો અને ભૂવાઓની મદદ લીધી. તેમના કહેવા પ્રમાણે બધાજ ઉપચારો કરાવવા છતાં આ ભયાનક વિચારોનો તેમના મનમાં ગુણાકાર થતો રહ્યો.
તનીશભાઈની હિસ્ટ્રી બરાબર ચકાસ્યા પછી તેનો છહટૈીાઅ, ઁચહૈબ ઘૈર્જગિીિ અને ઓબ્સેસિવ વિચારોના શિકાર હોવાનું જણાયું. આ ઉપરાંત સામાજિક વ્યાપક માન્યતા અને સૂચનોની અસરનાં ભાગરૂપે ભૂતપ્રેતની વિચારધારા હોવાનું પણ જણાયું.
તનીશભાઈને એવી ખાતરી આપવામાં આવી કે તેઓ બીમાર મનોદશાનાં શિકાર છે. અંધ ગુરુજીએ બતાવેલી પ્રેતાત્માની થીયરી પાયા વગરની અને અવૈજ્ઞાની છે. આવા કોઈ પ્રેતાત્માનું ક્યારેય કોઈ અસ્તિત્વ હોતું નથી. પિતાનું મધરાતે થયેલું અચાનક મૃત્યુ એ તેમને આવેલા હાર્ટએટેકનું પરિણામ હતું. આપણા દેશમાં અસંખ્ય લોકોના આ રીતે મધરાતે હૃદય બંધ પડી જાય છે એ કોઈ પ્રેતાત્માની અસર નથી. પત્નીનું પૂર્વપ્રેમી સાથે ભાગી જવું એ આજકાલનાં જમાનામાં જોવા મળતી સામાન્ય ઘટના છે. આ કોઈ પ્રેતની મેલીવિદ્યાથી થયેલી ઘટના નથી. એવી જ રીતે માતાનો પૌત્રી પ્રત્યેનો રોષ એ જનરેશન ગેપનું પરિણામ છે. અને તેમને આવતા વિચારો તેમની બીમાર મનોદશાનું પરિણામ છે. તેમની યોગ્ય દવાઓ શરુ કરવામાં આવી અને તેમને ખાતરી આપવામાં આવી કે તેમનાં અનિચ્છનીય અને મનમાં ઘુસી જતા હિંસાત્મક વિચારોને દવાઓ દ્વારા કાબુમાં લઇ શકાશે અને બે-ચાર મહિનામાં તેઓ તેમના વડીલોપાજત મકાનમાં પાછા ફરી શકશે. મગજનાં રસાયણોના અસંતુલનને કાબુમાં લાવતી દવાઓએ તનીશભાઈની બીમાર માનસિકતા પર હકારાત્મક અસર કરી અને તનીશભાઈ આ વિચારોની માયાજાળમાંથી મુક્ત થયા.
ન્યુરોગ્રાફ :
અંધશ્રદ્ધા એ આપણો સામાજિક અને સંસ્કૃતિક વારસો છે. પ્રેતાત્માઓનું કોઈ અસ્તિત્વ નથી એટલે અંધશ્રદ્ધાનું આભ તમારા પર ફાટયું છે એવું લાગે તો તેનો સમયસર મનોપચાર કરાવો.


