Get The App

આજ હસે કલ રુલા ના દેના

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
આજ હસે કલ રુલા ના દેના 1 - image


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- 'મારે તારા આધાર વગર ઈન્ડિપેન્ડેન્ટલી જીવતા શીખવું પડશે. કારણ પ્રેમમાં ભલે આપણે બે મટીને એક થયાં પણ જીવનમાં હું અને તું બે અલગ વ્યક્તિ છીએ અને તારા પરનું મારું આધારીત્વ મારી બીમાર મનોદશા છે 

અ ગત્સ્ય અને આરના બાળપણનાં મિત્ર હતાં. બંનેના માતાપિતા એક જ કોલોનીમાં રહેવાને કારણે તેમનો નિર્દોષ મૈત્રીસંબંધ દિનપ્રતિદિન હરણફાળ ભરતો આગળ વધતો જતો હતો. શાળાનું કંટાળાજનક હોમવર્ક હોય કે પછી સ્પોર્ટ્સ ડે અને એન્યુઅલ ડે ની ઉજવણી હોય, આ અને આવા રોજબરોજના બધાં જ પ્રસંગો મૈત્રીસંબંધને કારણે એક ઉત્સવ જેવા બની જતાં હતાં. બંનેના મમ્મીપપ્પા ચોખ્ખે ચોખ્ખું કહેતાં કે અમારે હવે ભવિષ્યમાં છોકરો કે છોકરી શોધવાની જરૂર નથી.

શાળાકીય અભ્યાસનું અંતિમ ચરણ એટલે કે ૧૧માં અને ૧૨માં ધોરણનો અભ્યાસ આવ્યો. અગત્સ્યને રસ એન્જીનીયરીંગમાં હતો એટલે તે IIT-JEEની તૈયારીમાં લાગ્યો. જ્યારે આરનાને રસ મેડીકલમાં જવાનો હતો એટલે તે NEETની તૈયારીમાં લાગી. બંનેના વિષયો જુદા હતા પણ અંતરની અપ્રતિમ લાગણી એક હતી . એટલે સમય મળે ત્યારે પોતાના અઘરા અભ્યાસક્રમોની ચર્ચા કરી હળવા થઈ જતા. આરના અગત્સ્યને રોજ કહેતી કે હું એક દિવસ ઓપ્થેલ્મિક સર્જન બનીશ અને તારી આંખમાં એવું તે શું છે જેને કારણે દિનપ્રતિદિન તારા તરફનું મારું ખેંચાણ વધતું જાય છે અને તારી આંખને ઘોળીઘોળીને પીધા કરવાથી મારો આત્મવિશ્વાસ વધે છે એ હું શોધી કાઢીશ. તને ખબર છે?..  મારી સામે જે પ્રેમભરી દ્રષ્ટિથી તું જુએ છે એને કારણે મારું આત્મસન્માન વધે છે અને મારા ધ્યેય તરફ અગ્રેસર થવાની મારી પ્રતિબદ્ધતા પણ વધે છે.

અગત્સ્ય  પ્રેમભરી નજરે અહોભાવથી જવાબ કે 'આરના યુ આર જીનીયસ. મને ખાતરી છે કે એક દિવસ તું બહુ જ મોટી વ્યક્તિ બનીશ. તારા ક્ષેત્રમાં તું ટોચના સ્થાને પહોંચીશ. પરંતુ ત્યારે તું મને ભૂલી તો નહીં જાયને?'

આરના  ત્યારે થોડુક રીસાઈ અને ગુસ્સામાં બોલતી 'તું એવું વિચારી જ કેવી રીતે શકે? તું મારા રોમેરોમમાં છે. દુનિયાની કોઈ તાકાત આપણા સહઅસ્તિત્વને જુદું પાડી શકે તેમ હરગીઝ નથી. પણ હકીકતમાં તો મને એમ લાગે છે ભવિષ્યમાં મોટા માણસ થઈ અને બાળપણની આ પ્રીતને ભૂલી જવાનો તારો જ કોઈ છૂપો ઈરાદો છે.'

આટલું કહીને આરના અગત્સ્યને વળગી પડતી અને અગત્સ્ય પણ એને બાહોમાં એવો ભીડતો કે આરના માટે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બનતું. અને પછી બન્ને એકબીજાની આંખમાં આંખ પરોવીને કહેતા 'આપણે આપણા બાળપણના દિવસોને, આ પ્રગાઢ પ્રેમને ક્યારેય નહીં ભુલાઈએ. આજ સુધી હસતાં જ રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ હસતાં જ રહીશું.'

આવી તો કંઈક ખાટી-મીઠી વાતો બંને વચ્ચે ચાલતી. મીઠા ઝગડા પણ થતાં અને રિસામણા પછી મનામણા પણ તરત થઇ જતાં. બંનેના પ્રેમ સંબંધોનો  એક બીજામાં અભ્યાસ માટે એક નવું જોમ, એક નવો વિશ્વાસ અને પારાવાર શક્તિ અને સંકલ્પનો સંચાર કરતાં. અગત્સ્યને આઈઆઈટીની ટોપ ઇન્સ્ટીટયુટમાં એડમિશન મળ્યું અને આરના  ટોપમોસ્ટ મેડીકલ કોલેજમાં એડમીશન લઇ એમબીબીએસના અભ્યાસ માટે પ્રવેશી. ઉચ્ચ અભ્યાસે બંને વચ્ચેના ફીઝીકલ ડીસ્ટન્સને તો ખાસું વધારી દીધું પણ લાગણીનું ઐક્ય યથાવત રહ્યું.

ધીરે ધીરે બંને  એકબીજાના અઘરા અભ્યાસક્રમોમાં પરોવાયા. આરનાને અગત્સ્યનાં પ્રેમ અને આધારની ખોટ સાલવા લાગી. સતત પ્રોત્સાહન અને આળપંપાળ કરતાં અગત્સ્યની ગેરહાજરીને કારણે તેને માટે અભ્યાસમાં ધ્યાન પરોવવું  અઘરું બન્યું. તેને જ્યારે પણ વાત કરવી હોય ત્યારે અગત્સ્ય એના અભ્યાસમાં લાગેલો રહેતો હતો અને અગત્સ્યને વાત કરવી હોય ત્યારે આરના  વ્યસ્ત રહેતી. બંને વચ્ચે વાતચીતનો સેતુ ધીરે ધીરે તૂટવા લાગ્યો. બાળપણનાં સાચા પ્રેમીઓ લોંગ ડીસ્ટન્સ પ્રેમ જાળવી રાખવામાં મુશ્કેલી અનુભવવા લાગ્યાં. ઈર્ષા, માલિકીભાવ, ગુસ્સો જેવી સંબંધોને કોરી ખાતી ઉધઈઓ સક્રિય થઇ ગઈ અને એકવાર તો આરનાએ અગત્સ્યને સંભળાવી દીધું કે 'મારે તારા આધાર વગર ઈન્ડિપેન્ડેન્ટલી જીવતા શીખવું પડશે. કારણ પ્રેમમાં ભલે આપણે બે મટીને એક થયાં પણ જીવનમાં હું અને તું બે અલગ વ્યક્તિ છીએ અને તારા પરનું મારું આધારીત્વ મારી બીમાર મનોદશા છે એ મને હવે સમજાવવા લાગ્યું છે.'

આરના અને અગત્સ્યની બાળપણની પ્રીત ઉબડખાબડ રસ્તા ઉપરથી  પસાર થઇ રહી હતી ત્યારે આરનાની મુલાકાત સહાધ્યાયી આલોક સાથે થઇ. તે એક બુદ્ધિશાળી, મનમોજી, હસમુખો અને વર્તમાનમાં જીવવા માંગતો યુવાન હતો. 

આલોકનો સ્વભાવ, એની છટા, એનું વાફચાતુર્ય અને એની વિચારધારાથી આરના તેના 

તરફ ઘણી આકર્ષાઈ. બંને વચ્ચે મિત્રતા વધી પણ હંમેશા આલોકનું આધારીત્વ ઝંખતી આરનાને આલોકે સ્પષ્ટ સમજાવ્યું કે 'તને તમામ બાબતોમાં સાથસહકાર આપવો મને ગમશે. હું હંમેશા તારી સાથે જ રહીશ પણ તારી ટેકણ લાકડી ક્યારેય નહીં બનું. તું તારું આગવું વ્યક્તિત્વ ઉભું કરે અને તારી આગવી ઓળખ પ્રસ્થાપિત થાય તેવી એક ઈન્ડિપેન્ડેન્ટ સ્ત્રી તરીકે તને હું જોવા માંગુ છું.'

આલોકે આરનાને સ્વતંત્ર અને સ્વાગ્રાહી બનતાં શીખવાડયું. સંબંધોમાં એક ચોક્કસ અંતર જાળવ્યું. સામેના વ્યક્તિને પણ તેની ક્ષમતા મુજબ ખીલવા દેવાની અને પ્રસરવા દેવાની આલોકની થીયરીમાં તેને ઘણો રસ પડયો. અને તે આલોકની નજીક જવા લાગી. છતાં પણ પોતાનું આગવું અસ્તિત્વ તેણે જાળવી રાખ્યું. પોતાના નિર્ણયો તે પોતે જાતે જ લેવા લાગી.

આ સમય દરમ્યાન અગત્સ્ય સાથેનાં ફોન કોલ્સ ઓછા થઇ ગયાં. અગત્સ્યએ માની લીધું કે આરનાને તેનામાં હવે પહેલાં જેટલો રસ રહ્યો નથી. જોકે અગત્સ્યએ આરના પર શંકા ક્યારેય ન કરી પણ સંબંધોએ પારસ્પરિક સામીપ્ય ગુમાવી દીધું.

અગત્સ્ય B.Tech થઇ અને M.Tech થવા માટે આગળ વધ્યો અને આરના એમબીબીએસ થઇ ઓપ્થેલમિક સર્જનનો અભ્યાસ કરવા આગળ વધી. તેના આશ્ચર્ય વચ્ચે આલોકની પસંદગી પણ ઓપ્થેલ્મોલોજીસ્ટ થવાની હતી એટલે એક જ લાઈનનાં સહઅભ્યાસમાં બંને જણ સાતત્ય અને સામીપ્યમાં ટોચ સુધી પહોંચી ગયાં.

એક સમયે આરનાએ પોતાના અગત્સ્ય સાથેના પ્રગાઢ સંબંધોની બધી જ નિખાલસ વાત આલોકને કરી. આલોકે એની લાગણીઓને માન આપી અને અગત્સ્ય કે આલોક બંનેમાંથી જેની પણ પસંદગી કરવી હોય એ નિર્ણય આરનાનો સ્વતંત્ર હોવો જોઈએ એના પર ભાર મુક્યો.

આરનાએ અગત્સ્યને પણ આલોક સાથેના પોતાના સામીપ્યથી વાકેફ કર્યો. અગત્સ્યએ એને ટૂંકમાં જણાવી દીધું કે 'એ પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ પૂરો કરી નાખે પછી બંને તરત જ લગ્ન કરી વિદેશમાં સ્થાયી થશે.'

અગત્સ્ય કે આલોક, કોના પર આખરી પસંદગી ઢોળવી તે અંગેનો નિર્ણય લેવામાં આરના ખૂબ જ મૂંઝવણ અનુભવવા લાગી. તે અગત્સ્ય સાથે જ્યારે ચર્ચા કરતી ત્યારે અગત્સ્ય તેને બાળપણના કમિટમેન્ટ યાદ અપાવતો. ધીરે ધીરે અગત્સ્યમાં આરનાને માલિકીપણાના હકની ગંધ આવવા  લાગી જ્યારે આલોક તો હંમેશા એમ જ કહેતો કે તને સુખ મળે તે પ્રમાણે તું નિર્ણય લે. હું તને કોઈરીતે બાંધી રાખવા માંગતો નથી.

આખરે આલોકની વાત તેને વધારે વાસ્તવિક લાગી અને આલોકની સાથે અગત્સ્યને તેના શહેરમાં મળવા પણ ગઈ અને પોતાનો નિર્ણય જણાવી પણ દીધો.

બ્રેકઅપ પછી અગત્સ્ય કારમા આઘાતમાં સરી પડયો. તેને ભણવામાંથી રસ પણ ઉડી ગયો. અભ્યાસક્રમ અધુરો છોડી દઈ તે પોતાને ઘેર પરત આવી ગયો અને પિતાનાં ધંધામાં લાગી જવાની ઈચ્છા વ્યક્ત કરી. જોકે મમ્મીપપ્પાને અગત્સ્યમાં આવેલો આ ફેરફાર સમજતા વાર ન લાગી અને અગત્સ્યએ પણ પોતાના મનની વાત દિલ ખોલીને કરી અને તે એક રીજેકટેડ પીસ છે તેવું મમ્મી પપ્પાને જણાવી દીધું.

દિવસે દિવસે અગત્સ્યના મનમાં બ્રેકઅપનું દર્દ અને ડીપ્રેસન વધતા ગયાં.

અગત્સ્ય સાથે પ્રથમ ચર્ચામાં તેની વાત સમજી અને મેં ટીપ્પણી કરી કે તારો પ્રેમ 'સીચ્યુએશનલ પ્રેમ' હતો. અમુક પરિસ્થિતિમાં તમે બંને સાથે જ હતા ત્યારે તમારો પ્રેમ વધતો જતો હતો પરંતુ તમે બંને અલગ અલગ સીચ્યુએશનમાં મુકાયા ત્યારે તારા પરના આધારીત્વથી અકળાઈ ઉઠી જનારને એક જુદી વિચારશરણીવાળો યુવાન મળી ગયો. જેણે આરનાને ટકી શકવાની તેનામાં જ રહેલી શક્તિને ઢંઢોળી. તારી સાથે  પ્રગાઢ  એટેચમેન્ટ છતાં પણ પોતાના વ્યક્તિત્વ વિકાસ માટે  અન્ય પર આધારીત્વ ન રાખવા માટે તારાથી ડીટેચમેન્ટ કરતા પણ નવા મિત્રએ તેને શીખવાડયું. નવા મિત્રની નવી ફિલોસોફીમાં તે વધારે મહોરી ઉઠી અને એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે તેનો વિકાસ થયો. 

આ બધું હોવા છતાં આલોક તેની જિંદગીના નિર્ણય લેવાના તેના હકને અબાધિત રાખવા માંગતો હતો એટલે આખરી પસંદગી આરનાએ આલોક પર ઉતારી. અગત્સ્યને સમજાવાયું કે આ બધી ઘટનાથી એને નિરાશ થવાની જરૂર નથી. તે કોઈ રીજેકટેડ માલ નથી પરંતુ આધારીત્વ વગર ન રહી શકતી આરનાની વ્યક્તિત્વની ક્ષતિ એને માટે જવાબદાર છે. તે આરનાને વધારે ને વધારે આધાર આપ્યો જ્યારે આલોકે આ વ્યક્તિત્વની ક્ષતિનો સ્વીકાર ન કર્યો અને તેને એક ઈન્ડિપેન્ડેન્ટ વ્યક્તિ બનવા માટે સમજાવવામાં સફળ થયો. 

અગત્સ્યને એમ પણ સમજાવાયું કે આરના સાથેના ઋણાનુબંધ હવે પુરા થયા છે. તે પોતાનો અભ્યાસ પૂરો કરે અને તેને તેને યોગ્ય પાત્ર મળે ત્યાં સુધી સ્વસ્થતા જાળવી રાખે. એન્ટીડીપ્રેશન્સ દવાઓ અને સેસન્સથી અગત્સ્યમાં એક નવી વિચારસરણી ઉભી કરી શકાઈ. પરંતુ બાળપણના એ દ્રશ્યો એની આંખ સામેથી હટતા જ ન હતા. કોઈ કમ્પેનિયન તરીકે સતત સાથે હોય એવી જરૂરિયાત એને લાગતી હતી. 

માનવીય સંબંધોમાંથી તેનો વિશ્વાસ ઉઠી ગયો હતો. તે હવે કોઈપણ છોકરી પર જીવનમાં ક્યારેય વિશ્વાસ મૂકી શકે તેવું તેને લાગતું ન હતું. અગત્સ્યનું ડીપ્રેશન દવાઓ છતાં પણ એક લાંબાગાળાના ડીપ્રેશનમાં ફેરવાતું હતું. અને માનવીય સંબંધોમાં વધતો જતો અવિશ્વાસ એના ભવિષ્ય માટે જોખમી હતો. એટલે તેની તથા તેના મમ્મી પપ્પા સાથે વિસ્તૃત ચર્ચા કરી ઘરમાં એક પેટ ડોગ લાવવાનું નક્કી કરાયું. આ ડોગી સાથે સંબંધો માણવામાં અગત્સ્ય જાણે તેના બધાં જ દુ:ખ ભૂલી ગયો અને ડોગી એક વર્ષનો થયો એવામાં તો અગત્સ્યએ યોગ્ય લાઈફ પાર્ટનરની પસંદગી પણ કરી લીધી.

ન્યુરોગ્રાફ 

બ્રેકઅપ થાય તો હવે પોતાનું આત્મવિશ્વાસ કે આત્મસન્માન ગુમાવવાની જરૂર નથી. વ્યક્તિત્વની ચંચળતા કે ક્ષતિ એ બ્રેકઅપ કરનાર પાત્રમાં વધારે હોય છે. એનો સ્વીકાર કરી બ્રેક અપ થનાર પાર્ટનરે જિંદગી નવેસરથી શરુ કરવાની જરૂર હોય છે.

Tags :