ઇન્ટરનેટ ગેમિંગ - નિર્દોષ મસ્તી કે ભયાનક વ્યસન?
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- 'ગેમિંગ ડીસઓર્ડર' નામે ઓળખાતી 'વિડીયો ગેમની લત' આવેગ નિયંત્રણ વિકાર છે. છેલ્લા દસકામાં યુવાનોમાં આ રોગ પુરઝડપથી વધી રહ્યો છે.
એચ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં તો આ વખતે શિવમ ભલભલાને પાછળ પાડી બધાથી આગળ નીકળી જવાનો હતો. પણ કમનસીબે કોવીડ વાયરસે પરીક્ષાને ઔપચારિકતા બનાવી દીધી અને શિવમને અભ્યાસ કરતાં વિડીયો ગેમ્સમાં વધારે પાવરધો બનાવી દીધો.
દસમાં ધોરણ સુધી મોબાઈલને હાથ પણ ન લગાડનાર શિવમ માત્ર થોડાજ મહિનાઓમાં લગભગ બધી જ વિડીયો ગેમ્સમાં માસ્ટર માઈન્ડ બની ચૂક્યો હતો. 'ડેથ રેસ', 'મોર્ટલ કોમ્બેટ' અને 'ગ્રાન્ડ થેફ્ટ ઓટો' જેવી વાયોલેન્ટ ગેમ્સ તો તેના ડાબા હાથનો ખેલ બની ગઈ હતી. તદુપરાંત 'સાઈલેન્ટ ડીલ', 'પોસ્ટલ - ૨ ', 'મેડ વર્લ્ડ'અને 'બાયો શોક' માં તેને હવે કોઈ હરાવી શકે તેમ નહોતું. 'કોલ ઓફ ડયુટી' અને 'બુલેટ સ્ટ્રોમ' નો તો તે કિંગ કહેવાતો હતો.
મોબાઈલ ફોનના વધારે પડતા વપરાશને કારણે તે 'કાઉચ પોટેટો' બની ગયો હતો. પોતાની આ કથળેલી માનસિક અવસ્થા માટે તે મમ્મી-પપ્પાને દોષ દેતો હતો. તેમની સામે થઇ જતો, ખૂબ ગુસ્સો કરતો તો ક્યારેક હિંસક પણ બની જતો. મોબાઈલ ફોન વાપરવાની જો મમ્મી-પપ્પા ના પાડે અને અભ્યાસમાં ધ્યાન આપવાનું સૂચવે તો તેનો ગુસ્સો એટલી હદ સુધી વધતો કે ક્યારેક મોબાઈલ ફોનનો ઘા કરીને પણ તોડી નાંખતો હતો. છેલ્લા એક વર્ષમાં તેણે પાંચ મોબાઇલ ફોન તોડયા હતાં.
ક્યારેક ધૂંધળા ભવિષ્યની ચિંતામાં તે એટલો ચિંતાતૂર થઈ જતો હતો કે જુદા જુદા પ્રકારની વિડીયો ગેમ રમી તે તેનો તનાવ હળવો કરવાની કોશિશ કરતો. ક્યારેક તેને એવું લાગતું કે તેને મેરિટમાં ટોચ પર પહોંચવું છે અને શઈઈ્ ની એક્ઝામ આપી તેને ડોકટર બનવું છે. પણ અભ્યાસમાં તેનું મન લાગતું જ ન હતું. ધીરે ધીરે તેને એહસાસ થતો જતો હતો કે તે ડોકટર તો ક્યારેય નહિ બને પણ કોમર્સ ગ્રેજ્યુએટ બની શકે તો પણ સારું. આવા વિચારો કરી તેને પોતાની જાત પર ગુસ્સો ચડતો હતો. ગુસ્સામાં ને ગુસ્સામાં ક્યારેક પોતાના જ હાથ પર બ્લેડથી કાપા મારી નુકશાન પહોંચાડતો હતો. તો ક્યારેક મોબાઈલ ફોન નો ઘા કરી તોડી નાંખતો હતો પણ ત્યાર બાદ ખૂબ જ કજીયા કરી આત્મહત્યાની ધમકી આપી તે નવો મોબાઈલ ફોન મેળવતો. બે વાર તો તેણે આત્મહત્યાની કોશિશ પણ કરી હતી. સત્ય એ હતું કે મોબાઈલ ફોન વગર તે જીવી શકે તેમ ન હતો. શિવમ રાતનો રાજા હતો. લગભગ આખી રાત તે મોબાઈલ પર વિડીયો ગેમ રમતો. ક્યારેક રમતા રમતા ખૂબ જ ખુશ થઇ જતો અને એક અઠંગ ખેલાડી થવાના સ્વપ્નાં સેવતો. તે એવું દ્રઢ પણે માનતો થઇ ગયો હતો કે 'આ ગેમિંગની કુશળતા જ તેને એક દિવસ કરોડપતિ બનાવશે. એટલે હવે તેને ભણવાની કોઈજ જરૂર નથી.'
શિવમનું 'ગેમિંગ ડીસઓર્ડર'નું નિદાન કરાયું. આ ઉપરાંત તે ચિંતા, હતાશા અને બાયપોલર મૂડ ડીસઓર્ડરનાં કેટલાક લક્ષણો પણ બતાવતો હતો.
આજે આપણે 'ગેમિંગ ડીસઓર્ડર' કે 'ઈન્ટરનેટ ગેમિંગ ડીસઓર્ડર'નાં નામે વિશ્વભરમાં ઓળખાતા 'વિડીયો ગેમની લત' વિશે જાણીશું. આ એક આવેગ નિયંત્રણ વિકાર છે. આ વિકારનો મુખ્ય માપદંડ ગેમિંગ પર આત્મનિયંત્રણ નો અભાવ માનવામાં આવે છે. કોઈ વ્યક્તિ પોતાની દૈનિક જવાબદારીઓને પૂરી કર્યા વગર કે તેના નકારાત્મક પરિણામોની પરવા કર્યા વગર બીજાબધાં લાભદાયી કામોને પડતા મૂકી માત્ર ગેમિંગની જ પ્રવૃત્તિઓમાં સામેલ રહે તો તેને ગેમિંગ ડીસઓર્ડર થયો છે એમ કહેવાય. આ એક બિહેવીયોરલ એડીકશન એટલે ચોક્કસ વર્તનનું વ્યસન છે. છેલ્લા દસકામાં યુવાનોમાં આ રોગ પુરઝડપથી વધી રહ્યો છે. તેમાં પણ કોવીડ પછી ગેમિંગ ડીસઓર્ડર વ્યાપક પણે વિસ્તરી રહ્યો છે.
શિવમ અભ્યાસ અને ભાવી કારકિર્દીનાં ભોગે પણ ગેમિંગમાં રચ્યો પચ્યો રહે છે. એટલે તેને તો ગેમિંગ ડીસઆર્ડર થયો જ છે. જો કે દિવસમાં કેટલાં કલ્લાક ગેમ રમો તો તેને ગેમિંગ ડીસઓર્ડર કહેવાય તે હજી સંશોધનોનો વિષય છે. કેટલાંક સંશોધકો પ્રતિદિન કલ્લાકથી વધારે તો કેટલાંક સંશોધન સંસ્થાનો પ્રતિદિન ૨ કલાકથી વધારે ગેમિંગમાં રચ્યા પચ્યા રહેવાના વર્તનને ગેમીંગ ડીસઓર્ડર ગણાવે છે.
દેશ વિદેશમાં ઓનલાઈન ગેમ્સ વધારે લોકપ્રિય થતી જાય છે. આમાની કેટલીક રમતો ખુબજ આનંદદાયક અને લોકોને રસ તરબોળ કરી દે તેવી હોય છે. જેનું વ્યસન પણ થઇ શકે છે. આપણા દેશમાં વિડીયો ગેમ્સનું ચલણ શાળાનાં બાળકો, યુવાનો, ગૃહિણીઓ માં ઝડપભેર વધતું જાય છે એક સંશોધન પ્રમાણે અમેરિકાના ૭૦% ઘરોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ વીડિઓ ગેમ્સ રમે છે. એન્ટરટેઇન્મેન્ટ સોફ્ટવેર એસોસિએશનના અહેવાલ પ્રમાણે ૧૬ કરોડથી વધારે અમેરીકન વયસ્કો ઓનલાઈન ગેમ્સ રમે છે. આમાની કેટલીક રમતો ખુબજ આનંદદાયક અને લોકોને રસ તરબોળ કરી દે તેવી હોય છે. જેનું વ્યસન પણ થઇ શકે છે. આપણા દેશમાં વિડીયો ગેમ્સનું ચલણ શાળાનાં બાળકો, યુવાનો, ગૃહિણીઓમાં ઝડપભેર વધતું જાય છે. અન્ય એક સંશોધન પ્રમાણે અમેરિકા, કેનેડા, બ્રિટન અને જર્ર્મનીમાં ૧૬ થી ૨૪ વર્ષના યુવાનોમાંના ૮૬% અને તેથી મોટા વયસ્કોમાંના ૬૫% લોકો ઓનલાઈન ગેમ્સ રમે છે.
સંશોધનોથી એ પૂરવાર થયું છે કે ગેમિંગની લત વાળા કેટલાક ખેલાડી જીવનની વ્યાપક સમસ્યાઓને અવગણી ગેમિંગ વિષયક વાતચીત કે જીતહારથી વધારે ચિંતિત થઇ જાય છે. તે લાંબો સમય ગેમ રમે છે અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવાનું પણ
તેમને કોઈ ભાન રહેતું નથી. તેમનું વજન વધતું જાય છે, રાત્રે મોડે સુધી જાગી સવારે મોડા ઉઠે છે એ લોકો પોતાના જરૂરી કામ પણ પાછા ઠેલાતાજ જાય છે. મિત્રોના ફોન કોલ પણ ઉઠાવતા નથી અને ખાસ કરીને ગેમિંગ રમવાના કલ્લાકોની બાબતમાં તેઓ જુઠ્ઠું બોલ્યા કરે છે.
અમેરિકન સાઇકીયાત્રિક એસોસિએશન દ્વારા ઈન્ટરનેટ ગેમિંગ વિકાર નક્કી કરવા માટે નીચે જણાવેલ માપદંડ વિકસિત કરાયો છે.
૧. અત્યંત વ્યસ્ત રહેવું. શું તમે ગેમ ન રમતા હોય ત્યારે પણ મોટાભાગનો સમય ઈન્ટરનેટ ગેમિંગ વિશે વિચારતા રહેવામાં અને ભાવી યોજનાઓ બનાવવામાં પસાર કરો છો?
૨. શું તમે ગેમિંગ બંધ કરવાનો પ્રયાસ કરો અથવા ગેમિંગ રમવું અશક્ય હોય ત્યારે મૂડી, બેચેન, ચીડિયા, ક્રોધિત, ચિંતિત કે ઉદાસીન થઇ જાવ છો ?
૩. જરૂરી આનંદ મળતો રહે તે માટે શું તમને વધારે સમય માટે ગેમિંગ ખેલતા રહેવાની જરૂરીયાત લાગે છે કે પછી આધુનિક ઉપકરણોથી ગેમિંગ રમવાની ઈચ્છા થાય છે ?
૪. શું તમને એવું લાગે છે કે રમતનાં કલ્લાકો તમારે ઘટાડવા જોઈએ પરંતુ તેમ કરવા તમે અસમર્થ છો ?
૫. શું તમે ગેમિંગને કારણે અન્ય મનોરંજક પ્રવૃત્તિઓ કરવાનું ઓછું કરતાં જાવ છો ?
૬. શું તમે ગેમિંગનાં નકારાત્મક પરિણામો જેવા કે અપૂરતી ઊંઘ, સ્કૂલ કે નોકરીનાં સ્થળે જવાનું ટાળવું, બીજાઓ સાથે ઉગ્ર ચર્ચામાં ઉતરી જવું, વધારે પડતા પૈસા ખર્ચવા, મહત્ત્વપૂર્ણ કાર્યની ઉપેક્ષા કરવી વગેરે જાણવા છતાં પણ ગેમ રમવાનું ચાલુ રાખો છો ?
૭. શું તમે ગેમિંગમાં કેટલો ટાઇમ આપો છો તે વિશે કુટુંબીજનો કે મિત્રોથી કંઇક છુપાવો છે કે જુઠ્ઠું બોલો છો ?
૮. શું તમે વ્યક્તિગત સમસ્યાઓથી બચવા માટે કે ચિંતા, હતાશા, લઘુતા અને અપરાધભાવ જેવી લાગણીઓને ભૂલવા માટે ગેમિંગ રમો છો ?
૯. શું તમે ગેમિંગને કારણે મહત્ત્વપૂર્ણ સંબંધો, શૈક્ષણિક કેરીયર કે નોકરીનાં અવસરોને જોખમમાં મૂકો છો કે ગુમાવો છો ?
આમ તો તમામ પ્રકારનાં વ્યસનો, પછી એ દારૂ, વ્યસની પદાર્થ કે વર્તનનું વ્યસન હોય તે જીવનમાં હંમેશાં આનંદ મેળવવાની ઝંખનાનું કારણ હોય છે પરંતુ ધીરે ધીરે તેનો વધતો જતો વપરાશ વ્યક્તિને વ્યસની બનાવી દે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ જૂન ૨૦૧૮માં સૂચિત કરાયેલી રોગોની યાદીમાં ગેમિંગ ડીસઓર્ડરનો ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડીસીઝીસ ૧૧ (ICD 11)માં સમાવેશ કરેલો છે અને આને ઓળખવા માટે જરૂરી માપદંડો પણ વિકસાવ્યા છે. 'ઇન્ટરનેટ ગેમિંગ ડીસઓર્ડર'માં અન્ય કારણોસર કરતો ઇન્ટરનેટનો ઉપયોગ, ઓનલાઇન ગેમીંગ, સોસિઅલ મિડિયા તથા સ્માર્ટફોનના અન્ય કારણોસર કરાતા વધારે વપરાશનો સમાવેશ કરાયો નથી.
ઇન્ટરનેટ ગેમિંગની લત તમામ પ્રકારનાં અન્ય વ્યસનો તરફ પણ વ્યક્તિને ધકેલે છે. આત્મ વિશ્વાસ અને આત્મ સન્માનનો અભાવ અનુભવતા લોકો ઓનલાઇન વાતાવરણમાં પોતાની જાતને વધારે શક્તિશાળી અને સક્ષમ સમજે છે અને લઘુતાની ક્ષતિપૂર્તિ માટે ઓનલાઇન ગેમિંગ રમે છે.
યુવાનો અને પુરુષોમાં વૃદ્ધો અને સ્ત્રીઓ કરતાં ગેમિંગ વિકાર થવાની સંભાવના વધારે હોય છે. સંશોધનોથી એ જણાયું છે કે ગેમિંગ રમનાર વ્યક્તિની સરેરાશ ઉંમર ૩૦ વર્ષ હોય છે. જેમાં ૩૨% થી વધારે ખેલાડીઓ ૧૮ વર્ષથી ઓછી ઉંમરના હોય છે. ગેમિંગ વિડીયો ગેમની લતની સાથે અન્ય મનોરોગ જેવા કે ચિંતા, હતાશા, એકાગ્રતાનો અભાવ અને અતિક્રીયાશીલતા, ભય, બાયપોલર ડીસઓર્ડર અને ઓસીડી જેવાં અન્ય માનસિક રોગો પણ થઇ શકે છે. જો કે ગેમિંગ વિકારમાં મગજની જૈવરાસાયણિક પ્રક્રિયાઓ વ્યક્તિને એ રમવા માટે મજબૂર બનાવે છે. ગેમિંગને કારણે મગજમાં ડોપામીનનો સ્ત્રાવ થાય છે. જેથી અતિઆનંદની અનુભૂતિ વ્યક્તિને વિડીયો ગેમિંગ રમવા મજબૂર બનાવે છે.
વિડીયો ગેમની લતનાં ઉપચાર માટે અન્ય વ્યસનો છોડાવાની જેમ બાર મુદ્દાનો વ્યસન મુક્તિ કાર્યક્રમ હોય છે. આમાં ઇન્ટરનેટથી દૂર રાખવા મો મોબાઇલનો ત્યાગ કરવો જરૂરી હોય છે અને તેનાં કારણે જે માનસિક સમસ્યાઓ ઉભી થાય તેનો સમસ્યાની તીવ્રતા પ્રમાણે હોસ્પિટલમાં બહારનાં કે અંદરના દર્દી તરીકે સારવાર આપવામાં આવે છે.
વિડીયો ગેમની લતની સારવાર માટે ચીન, દક્ષિણ કોરિયા, નેધરલેન્ડ, કેનેડા અને અમેરિકાએ એ માટેનાં ખાસ ચિકિત્સા કેન્દ્રો ઉભાં કર્યા છે.
આપણા દેશમાં શિવમ જેવાં લાખો યુવાનો છે. જેમના ગેમિંગ એડીક્શનને સમયસરની યોગ્ય સારવાર જરૂરી છે.
ન્યુરોગ્રાફ :
ગેમિંગ ડીસઓર્ડરની વ્યાપકતા વિશ્વભરમાં દેશોમાં ૧% થી ૨૭% સુધીની માનવામાં આવે છે.