Get The App

રોબોટ નગરીમાં જોઈએ છે માત્ર એક માણસ

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
રોબોટ નગરીમાં જોઈએ છે માત્ર એક માણસ 1 - image

- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- સેંકડો માણસો વચ્ચેની ભીડમાં પણ લોકો એકલતા અનુભવે છે. ઘરમાં અને બેડરૂમમાં જીવનસાથીની ઉપસ્થિતિ વચ્ચે પણ એકલતા અનુભવાય છે

આ જનો જમાનો આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો જમાનો છે. નવા નવા સંપર્કો કેળવવા અને સંબંધો સાચવવા માટે આજના જમાનામાં જેટલા માધ્યમો લભ્ય છે એટલા ક્યારેય નહતા. જોજનો દૂર કોઈની પણ સાથે તાત્કાલિક કનેક્ટ કરવા માટે વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ, ટ્વિટર, થ્રેડ, ટેલીગ્રામ જેવા હાથવગા માધ્યમો છે. છતાં પણ મોટાભાગના લોકો જીવનમાં એકલતા અનુભવવાની ફરિયાદ કરે છે. આવા લોકો સતત અકળામણ, અધુરપ, અસ્વસ્થતા, અજંપો, અધીરાઈ જેવી લાગણીઓ અનુભવતા રહે છે. અને આ બધી નકારાત્મક લાગણીઓના સરવાળારૂપે એકલતા અનુભવતા રહે છે.

કેટલીકવાર તો પ્રિયજન પ્રત્યેક પળ આપણી સાથે હોય તો પણ ઉનાળાનો ધોમધખતો તાપ આપણી માથે જ ફરતો હોય તેવી એકલતા ૨૪ કલાક લાગ્યા કરે છે. આ એકલતાને દૂર કરવા ટેકનોલોજી વ્યક્તિને ઘણો સધિયારો આપી શકે છે. પ્રિયજન સાથે એક જ રૂમમાં બેઠા હોવા છતાં એ જોજનો દૂર હોય એવું અનુભવાય છે. જ્યારે ટેલીફોન અને સોશીયલ મીડિયા જોજનો દૂરનાં વ્યક્તિઓને આપણી સમક્ષ લાવીને ખડા કરી શકે છે. એટલે જ આધુનિક માનવી કોઈકનો સાથ કોઈકનો સંગાથ, કોઈકની હુંફ, કોઈકની ભીની ભીની લાગણી કે કોઈકના સ્નેહનો શીતળ છાયડો મેળવવા માટે ભાત-ભાતના અને જાત-જાતના સંબંધો બનાવે છે. આ નવા સંબંધોના બીજ વાવીને એને સંભાળપૂર્વક ઉછેરીએ છીએ અને થોડાક જ સમયમાં એ બીજ વૃક્ષ બનીને આપણને છાયડો આપવા માટે સક્ષમ થઈ જાય છે. પરંતુ આપણે જ વાવેલું વૃક્ષ કોઈ બીજાને પણ છાયડો આપે છે. એ માત્ર આપણું જ થઈને ન રહે ત્યારે સંબંધોના એ વૃક્ષને એક ઝટકામાં કાપી નાખતા આપણે અચકાતા નથી. આપણે જ માવજત કરીને ઉછેરેલા સંબંધને વેરવિખેર કરવામાં અને જાતે જ વાવેલા સંબંધને જળમૂળથી ઉખેડી નાખવા માટે આપણે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરતા નથી અને ફરી પાછો ભયાનક એકલતાની પીડાને આમંત્રણ આપીએ છીએ. એટલું જ નહીં પણ ફરી એકવાર એકલતાનો ધોમધકતો તાપ સહન કરવા માટે સ્વલાચારી સાથે સુસજ્જ થઈ જઈએ છીએ.

અને એકલો પડેલો માણસ ફરી પાછી કોઈ અજાણી વ્યક્તિની લાગણીનો વરસાદ એના પર વરસે એની રાહ જોવામાં વિતાવે છે. ક્યારેક કોઈકની ભીની ભીની લાગણીનો વરસાદ વરસે પણ છે અને ધોમધખતા તાપ જેવી એકલતામાં શીતળતા લહેરાય છે પરંતુ અગમ્ય કારણોસર આ વરસાદ પડવાનો બંધ થાય છે એટલે એકલતાનો બફારો અને ઉકળાટ પાછો જીવનમાં અજંપો અને અકળામણ નોતરે છે. અહીં વાત માત્ર સ્ત્રી-પુરૂષ વચ્ચેના સંબંધની નથી. પણ સંબંધોનાં દરેક સ્વરૂપો વિશેની છે. કારણ જિંદગી મલ્ટીડાયમેન્શનલ છે. કદાચ જિંદગીના અનેક રૂપોને ઓળખવાની, સમજવાની કે માણવાની માણસમાં ધીરજ હોતી નથી.

જિંદગીના વિવિધ સ્વરૂપોને ઓળખવા હોય તો આ મલ્ટીડાયમેન્શનલ જિંદગી કેવી હોય શકે એનો માત્ર વિચાર કરો. ક્યારેક જિંદગી પિતાના ખભા પર માથું મુકીને ઘસઘસાટ ઊંઘતા બાળક જેવી હોય છે તો ક્યારેક માતાનાં ખોળામાં માથું મૂકી જિંદગીના બધાજ ભારથી મુક્ત થતી કિશોરી જેવી હોય છે. ક્યારેક એ ૧૨માં ધોરણમાં સારા માર્કસે પાસ થઈને ઉચ્ચ અભ્યાસ માટે આગળ જતાં વિદ્યાર્થીનાં માથે હાથ મૂકી વિદાય આપતા શિક્ષક જેવી હોય છે. આ પણ એક સંબંધ હતો અને એ પળો માણવાનો પણ આગવો આનંદ હતો એ આપણને સમજાય એ પહેલાં જ આ પળો વીતી જાય છે. પણ જિંદગી એના વિવિધ સ્વરૂપે તમારી એકલતાને પૂરવા સતત મથતી રહે છે.

ક્યારેક દોસ્તો સાથે મોડી રાત સુધી મોજમસ્તી કર્યા પછી પાછા ફરતા દીકરાની રાહ જોતી ભૂખી માં જેવી, ક્યારેક ખડખડાટ હસતા યુવાનોના ટોળા જેવી તો ક્યારેક દફતર ભરાવીને કંટાળા સાથે સ્કૂલે જતાં અને સ્કૂલ છૂટવાની રાહ જોતા બાળક જેવી હોય છે. ક્યારેક જિંદગી અડધી રાત્રે યાદ આવતી કોઈ અંગત ક્ષણ જેવી, તો ક્યારેક કોઈકના વિચારમાત્રથી આંખમાં આવેલા ઝળઝળીયા કે સ્મિત જેવી હોય છે. ક્યારેક જિંદગી સંતાનોની માંગણીને ફરી ક્યારેક પૂરી કરવાનું વચન આપતા મજબુર પિતાની ઉત્સુક ઈચ્છા જેવી હોય છે તો ક્યારેક હોસ્પિટલના બીછાને પતિની સેવા કરતી પત્ની જેવી પણ હોય છે. ક્યારેક જિંદગી બે શરીરો એક થતા હોય ત્યારે હાંફતા શ્વાસમાં છલકાતી સંતૃપ્તિ જેવી તો ક્યારેક ઊંઘમાં નજીક વ્યક્તિને ખભે માથું મૂકી દેતી પ્રેમિકા જેવી પણ હોય છે. આવા તો જિંદગીના અનેક સ્વરૂપો છે. જે આપણે જુદે જુદે સમયે જુદી જુદી વ્યક્તિઓ સાથે માણ્યા હોય છે. તો પછી માણસને એકલતા કેમ અનુભવાય છે ? કોઈકની લાગણી કોઈકના ખભા અને ખોળાનો સથવારો શોધતા માણસને એકલતા એટલા માટે અનુભવાય છે, જિંદગીમાં વિવિધ સ્વરૂપો માણ્યા પછી કોઈક નબળી પળોમાં સંબંધોમાં ઉભી થયેલી કડવાશ આપણે પંપાળીએ છીએ અને વેરની વૃત્તિ કરતા જઈએ છીએ એટલે આજદિન સુધી સંબંધોમાં માણેલી આત્મીયતા, પ્રેમ અને હુંફની પળોને ભૂલી જઈએ છીએ અને જુના સંબંધોને દફનાવી દઈ નવા સંબંધોની શોધમાં નીકળી પડીએ છીએ. આજનાં આ આધુનિક જમાનામાં નવો સંબંધો બંધાવો બહુ આસાન છે. પણ એથી પણ વધારે એ તૂટી જવો એ આસાન બાબત છે.

નવા કે જુના કોઈપણ સંબંધ તૂટે ત્યારે આપણે એ તૂટવાના કારણો શોધીએ છીએ અને એ કારણોમાં કોઈકે આપણને કહેલા કડવા શબ્દો કે દુ:ખ પહોંચાડે એવું કરેલું વર્તન કારણ સ્વરૂપ લાગે છે. 

સંબંધોનું આકાશ વિશાળ હોય છે. આમ તો ધરતી પર જ્યાં ઉભા રહીએ ત્યાં બધેથી આકાશ દેખાય છે પણ આપણે આપણા ઓરડાની બારીમાંથી આકાશનો જે ટુકડો જોઈએ એજ આપણું આકાશ બની જાય છે. એટલે જ કોઈક વ્યક્તિ સાથે આપણે ભૂતકાળમાં ઉત્તમ સમય ગાળ્યો હોય છે, કોઈક વ્યક્તિને હજી થોડા સમય કે થોડા કલાક પહેલા આપણે પુરા હૃદયથી ચાહતા હતા તેજ વ્યક્તિ પર ભારોભાર નફરત થઈ જાય છે. કારણ હવે એ વ્યક્તિનાં સંબંધોનું વિશાળ આકાશ આપણને દેખાતું નથી પણ એ વ્યક્તિથી દૂર થઈ એકલતાના ઓરડાની બારીમાંથી દેખાતો આકાશનો એક ટુકડો જ આપણને એ વ્યક્તિ સાથેના સંબંધોનું આકાશ દેખાય છે. જે આપણને ઘોર એકલતા તરફ ઘસડી જાય છે. પરંતુ એકલતા અનુભવતા આવા દરેક વ્યક્તિએ એક વાત યાદ રાખવી જરૂરી છે કે જે થોડા સમયમાં જ બદલાય જાય એને ''સીઝન'' કહેવાય સંબંધ નહીં. તમે એકલતા અનુભવો છો એનું કારણ એ છે કે તમે જુદી જુદી વ્યક્તિ સાથે જુદા જુદા સંબંધોનાં સ્વરૂપે સીઝન માણી છે સંબંધ નહીં. જો ખરેખર એકલતા પુરવી હોય તો નવા સંબંધો બાંધો એમાં કંઈ જ ખોટું નથી પણ જુના સંબંધોમાં ઉભી થયેલી ગેરસમજોને સમજો, સ્વીકારો અને દૂર કરવાના પ્રયત્નો કરો.

દરેક વ્યક્તિના જીવનમાં કડવી, ન ગમતી કે દુ:ખદ ઘટનાઓ બનતી હોય છે. જો કોઈ માણસ ક્યારેય પણ તમને એમ કહે કે એના જીવનમાં એણે ક્યારેય કડવાશનો અનુભવ કર્યો નથી, તો એ માણસ તમારી સાથે પ્રમાણિક વાતો કરતો નથી પણ માત્ર દંભ રાખવામાં માને છે.

સંબંધોમાં એવા અનુભવ અવારનવાર થાય છે કે ''એ વ્યક્તિએ મારી સાથે જે કંઈ ખોટું કર્યું છે એ વાત હું ક્યારેય નહીં ભૂલું.'' ખરેખર એ વાત ભૂલી જવા જેવી હોય છે અને જીવનમાં માણેલી સારી પળોને યાદ રાખવા જેવી હોય છે. ''એની એ વાત હું ક્યારેય નહિ ભૂલું'' એ વિચારવાથી પારાવાર પીડા થાય છે. એ વાતને ઘૂંટતા રહેવાથી આ જગતનો આપણે એક સ્વીકાર હોઈએ એવી અનુભૂતિ થાય છે પરંતુ આવા કડવાશના પ્રસંગો અને ઘૂંટી ઘૂંટીને અનુભવેલી પીડા જિંદગીમાં ભયાનક એકલતાને નોતરું આપે છે.

સંબંધોમાં કોઈને કોઈથી ફરિયાદ ન હોય કે પીડા પહોંચી ન હોય એવું ક્યારેય શક્ય નથી. પણ નવા સંબંધો પાછળ આંધળી દોટ મૂકી જીવનની એકલતા પુરવાની કોશીશ કરવા કરતાં જુના સંબંધોમાં ઉભી થયેલી ગેરસમજોને દૂર કરવી અને ક્યારેક જીવનમાં બનેલા કેટલાક આખેઆખા પ્રસંગ પર ડીલીટ બટન દબાવી દેવાની કળા જીવનની એકલતાને પૂરવાનો રાજમાર્ગ સાબિત થાય છે. એક વાત આપણે પણ સ્વીકારી લેવી પડશે કે આપણે પણ માણસ છીએ. એટલે એક માણસ તરીકે આપણને ખોટું લગાડવાનો કે બીજાને ખોટું લાગે એવું વર્તન કરવાનો પૂરેપુરો અધિકાર છે. એટલું જ નહીં બીજાથી દુ:ખ લગાડવાનો અને બીજાને દુ:ખ પહોંચાડવાનો પણ આપણો અધિકાર છે. ગમે ત્યારે ગુસ્સે થવાનો કે ગમે ત્યારે ગમે તેમ બોલી નાખવાનો આપણો અને સામેવાળાનો બંન્નેનો અબાધિત અધિકાર છે. વગર વિચાર્યું વર્તન કોઈપણ કરી શકે છે. એમાં પણ પ્રિયજન સાથે કે અંગત સંબંધોમાં જો આપણે આપણા આ બધાં અધિકારોનો ઉપયોગ ન કરી શકીએ તો એ સંબંધોને અંગત કેવી રીતે ગણી શકાય.

સંબંધોમાં સવાલ એ નથી કે આપણને કેટલી જલ્દીથી માઠું લાગી જાય છે, કેટલો જલ્દીથી ગુસ્સો આવી જાય છે, કેટલું જલ્દીથી દુ:ખ પહોંચે છે પરંતુ સંબંધોની સૃષ્ટિને સમજવાનો અને સમગ્ર અસ્તિત્વને કોરી ખાતી એકલતા પૂરવા માટેનો એકમાત્ર સવાલ એ છે કે આ બધું જ આપણે કેટલું જલ્દી ભૂલી શકીએ છીએ ?

આ વાત કોઈકને ફિલોસોફીકલ વધારે લાગે અને કોઈક એમ કહે કે (એ તો તમારા પર વીત્યું નથી એટલે આવી બધી સલાહો અપાય છે. જેના પર વીત્યું હોય એને જ ખબર પડે કે એ વીતેલી ક્ષણોને ભૂલી કેવી રીતે જવાય.) કેટલાક કિસ્સામાં આ દલીલો સાચી પણ હોય શકે. પણ જો ભૂલી ન શકાતું હોય તો સંબંધો વિશેની ફરિયાદ કરવાનું બંધ કરી આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને સોશીયલ મીડિયાના આ જમાનામાં એકલતા પુરવાના લભ્ય તમામ રસ્તાઓ અપનાવના પ્રયત્નો ચોક્કસ કરો. શરત એટલી જ કે જૂની ભૂલોમાંથી શીખીને નવા સંબંધો બાંધવા તરફ આગળ વધો. કારણ તમને જરૂર છે એક સાચા દોસ્તની, એક સારા સંબંધની, એક વફાદાર સાથીની. તમારી આ શોધ સફળ નીવડે એની ઈશ્વરને પ્રાર્થના કરવાથી વિશેષ કોઈ યોગદાન હું આપી શકું તેમ નથી.

ન્યુરોગ્રાફ :-

ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને,

એ નથી મારા બન્યાં એનો બનાવ્યો છે મને.

એ બધાના નામ લઈ, મારે નથી થાવું ખરાબ,

સારા સારા માનવીઓએ સતાવ્યો છે મને.