Get The App

બાળક સમજાવવું એક કળા .

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
બાળક સમજાવવું એક કળા                                 . 1 - image

- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- બાળકને કઈ પણ સમજાવતા પહેલા તે શું ઇચ્છે છે એ સમજવું અત્યંત આવશ્યક છે

બા ળકો સાથે વાત કરવી એ માત્ર શબ્દો બોલવાની પ્રક્રિયા નથી. તે સમજણ, ધીરજ અને પ્રેમથી ભરેલી પ્રક્રિયા છે. ઘણીવાર માતા-પિતા અથવા શિક્ષકો ફરિયાદ કરે છે કે 'બાળક મારી વાત સમજતું નથી.' પરંતુ સાચો પ્રશ્ન એ છે કે શું આપણે બાળકની સમજણ મુજબ વાત કરી રહ્યા છીએ ?

આજે મોટાભાગના માતા-પિતા ઇચ્છે છે કે બાળક હંમેશા સીધી રેખામાં ચાલે, મોટા લોકોની દરેક આજ્ઞાનું પાલન કરે અને ક્યારેય વિરોધ ન કરે. પરંતુ આવા વિચારો ધરાવતા દરેક માતા-પિતાને એક સરળ પ્રશ્ન પૂછવો જોઈએ- શું તમે જ્યારે નાના હતા ત્યારે સંપૂર્ણ આદર્શ બાળક હતા ?

સામાન્ય રીતે આપણે દુનિયાને પોતાની આંખોથી અને પોતાની સમજ પ્રમાણે જ જોતા હોઈએ છીએ. આપણને ઘણીવાર એવું લાગે છે કે બીજાએ પણ આપણું કહેવુ જ માનવું જોઈએ. પરંતુ હકીકતમાં આપણે પણ ઘણી વખત બીજાનું કહેવું માનતા નથી.

પ્રસિદ્ધ માનસશાસ્ત્રી મેકડુગલએ માનવ સહજવૃત્તિઓ અંગેનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. તેમના અનુસાર માણસ જન્મથી જ કેટલીક સહજ વૃત્તિઓ સાથે દુનિયામાં આવે છે. તેમાં પોતાની ઇચ્છા મુજબ વર્તવાની વૃત્તિ પણ સામેલ હોય છે. બાળક જન્મે છે ત્યારે તે સ્વતંત્ર સ્વભાવ લઈને આવે છે અને જેમ જેમ તે મોટું થાય છે તેમ તેમ તેનો સ્વભાવ, વિચારો અને સામાજિક સમજણ વિકસતી જાય છે.

આથી બાળકને સમજાવવું એ એક કળા છે. દરેક બાળક અલગ હોય છે. તેથી તેને સમજાવવાની રીત પણ અલગ હોવી જોઈએ. જ્યારે આપણે બાળકને એક સ્વતંત્ર અસ્તિત્વ તરીકે સ્વીકારીએ છીએ ત્યારે સમજાય છે કે તેની પોતાની માન્યતાઓ, રસ અને પસંદગી હોય છે.

એવા સમયે માતા-પિતાનું કામ બાળકને દબાવવાનું નહીં પરંતુ યોગ્ય રીતે સમજાવવાનું હોય છે. જો બાળક કોઈ સમાજવિરોધી કે નુકસાનકારક કામ કરે તો તેને પ્રેમપૂર્વક અને અસરકારક રીતે સમજાવવું જોઈએ. વાર્તાલાપ કરતી વખતે બાળકની ઉમર અને સમજણ ધ્યાનમાં રાખવી જોઈએ. બાળકને ઠપકો આપવાનો થાય ત્યારે પણ શબ્દો સકારાત્મક હોવા જોઈએ. તેને અપમાનિત કરવાની જગ્યાએ સુધરવા માટે પ્રેરિત કરવું જોઈએ. સાચો ઉછેર માલિકીનો વિષય નથી. પરંતુ માવજતનો વિષય છે. તેથી બાળકને સમજાવતાં પહેલા આપણે એ સમજવું જરૂરી છે કે બાળક શું વિચારે છે અને શું ઇચ્છે છે. બાળકને સમજાવવાની પ્રક્રિયા ઘણી વખત હિમાલય જેટલી ધીરજ માંગે છે. પરંતુ આપણે તરત પરિણામની આશામાં ઘણીવાર ધીરજ ગુમાવી દઈએ છીએ.

કિશોરાવસ્થામાં ખાસ સમજ જરૂરી : જ્યારે બાળક તરુણાવસ્થામાં પ્રવેશે છે ત્યારે તેને સમજાવવું વધુ નાજુક કાર્ય બની જાય છે. આ ઉંમરે સીધા ઉપદેશ કે કડક સલાહ ઘણીવાર અસરકારક રહેતી નથી. આવી સ્થિતિમાં માતા-પિતાએ પોતાના જીવનના અનુભવ શેર કરવા જોઈએ. બદલાયેલા સમય અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિઓ સમજાવવી જોઈએ. આ રીતે બાળક સાથે સંવાદ વધુ અસરકારક બની શકે છે. બાળપણ-શીખવાનો અને ભૂલથી શીખવાનો સમય: બાળપણ એ શીખવાનો સમય છે. ભૂલો કરીને શીખવાનો સમય છે. બાળક દોડે, રમે, પ્રશ્નો પૂછે અને ક્યારેક ભૂલ પણ કરે- આ બધું તેના વિકાસનો સ્વાભાવિક ભાગ છે. જો બાળકને હંમેશા કડક નિયમોમાં બાંધી દેવામાં આવે તો તેની જિજ્ઞાસા અને સર્જનાત્મકતા ધીમે ધીમે ઓછી થઈ શકે છે.

બાળકની સમજણ મુજબ ભાષા વાપરો : બાળકોનું માનસિક વિકાસ અલગ અલગ સ્તરે થાય છે. મોટા લોકો જ શબ્દો સહેલાઈથી સમજી શકે છે તે બાળક માટે મુશ્કેલ હોઈ શકે છે. તેથી સરળ ભાષા, ટૂંકા વાક્યો અને જાણીતા ઉદાહરણોનો ઉપયોગ કરવો જોઈએ.

દૃષ્ટાંત : જો માતા બાળકને કહે કે 'તારે જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ.' તો બાળક કદાચ તેનો અર્થ સમજશે નહીં. પરંતુ જો માતા કહે- 'રમ્યા પછી તારા રમકડાં પોતાની જગ્યાએ મૂકી દે,'તો બાળક તરત સમજી શકે છે કે તેને શું કરવું છે.

વાર્તા અને ઉદાહરણ દ્વારા સમજાવવું: બાળકોને વાર્તાઓ ખૂબ ગમે છે. વાર્તા દ્વારા આપવામાં આવેલી સમજણ લાંબા સમય સુધી યાદ રહે છે.

દૃષ્ટાંત : જો બાળકને સચ્ચાઈનું મહત્ત્વ સમજાવવું હોય તો સીધું 'ખોટું બોલવું ખરાબ છે' કહેવા કરતાં એક નાની વાર્તા કહી શકાય. જેમ કે એક બાળક વારંવાર ખોટું બોલતો હતો અને પછી કોઈ તેની વાત પર વિશ્વાસ ન કરતું. આવી વાર્તા બાળકને સચ્ચાઈનું મહત્ત્વ સરળ રીતે સમજાવે છે.

દૃશ્ય અને પ્રયોગ દ્વારા સમજાવવું : બાળકો ઘણીવાર જોઈને અને કરીને વધુ સારી રીતે શીખે છે. ચિત્રો, રમકડાં, ચાર્ટ અથવા પ્રયોગ દ્વારા સમજાવવાથી બાળકને વાત ઝડપથી સમજાય છે.

દૃષ્ટાંત: જો શિક્ષક છોડની વૃદ્ધિ વિશે સમજાવે તો માત્ર પુસ્તકમાં વાંચવા કરતાં વિદ્યાર્થીઓને નાનો છોડ વાવીને બતાવે તો બાળકને વિષય વધુ સારી રીતે સમજાય છે.

ધીરજ રાખવી ખૂબ જરૂરી : બાળક તરત જ બધું સમજી જશે એવું જરૂરી નથી. ઘણીવાર એક જ વાત ફરી-ફરી સમજાવવી પડે છે. માતા-પિતાએ ગુસ્સો કર્યા વગર ધીરજથી સમજાવવું જોઈએ. ગુસ્સાથી બાળક ડરી જાય છે અને શીખવાની પ્રક્રિયા મુશ્કેલ બની જાય છે.

દૃષ્ટાંત : જો બાળક વારંવાર હોમવર્ક કરવાનું ભૂલી જાય તો ગુસ્સો કરવા કરતાં તેને યાદ અપાવવું અને સમયપત્રક બનાવવામાં મદદ કરી વધુ અસરકારક છે.

બાળકને પ્રશ્ન પૂછવા પ્રોત્સાહિત કરો  : બાળક જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે તે શીખવાની પ્રક્રિયામાં સક્રિય બને છે. માતા-પિતાએ અને શિક્ષકોએ બાળકને પ્રશ્ન પૂછવા પ્રોત્સાહિત કરવું જોઈએ.

દૃષ્ટાંત : જો બાળક પૂછે- 'આકાશ નિલું કેમ હોય છે ?'- તો તેને અવગણવા કરતાં સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આથી બાળકની જિજ્ઞાસા અને જ્ઞાન બંને વધે છે.

રમતમાં શીખવાની રીત : રમત દ્વારા શીખવવું સૌથી અસરકારક રીતોમાંથી એક છે.

 ગેમ, પઝલ, અથવા સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાળક સરળતાથી અને આનંદથી શીખી શકે છે.

દૃષ્ટાંત : અક્ષર શીખવવા માટે માત્ર લખાવવું નહીં પરંત અક્ષરોના કાર્ડ, ચિત્રો અને શબ્દોની રમતોનો ઉપયોગ કરવામાં આવે તો બાળક આનંદ સાથે શીખે છે.

પ્રોત્સાહન અને પ્રશંસા : બાળક જ્યારે કંઈક નવું શીખે અથવા પ્રયત્ન કરે ત્યારે તેની પ્રશંસા કરવી જોઈએ. પ્રોત્સાહન મળવાથી બાળકનો આત્મવિશ્વાસ વધે છે.

દૃષ્ટાંત : જો બાળક પોતાનું કામ સ્વયં પૂર્ણ કરે તો 'શાબાશ, તું ખૂબ સારું કર્યું' જેવા શબ્દો તેના માટે મોટી પ્રેરણા બની શકે છે.

નિષ્કર્ષ : બાળકને સમજાવવું એટલે માત્ર વાત કહેવી નહીં, પરંતુ તેની સમજણ, રસ અને ઉંમરને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન આપવું.

બાળક રોબોટ નથી. તે એક જીવંત વ્યક્તિ છે, જેના પોતાના વિચારો, લાગણીઓ અને સપનાઓ હોય છે.

જ્યારે માતા-પિતા અને શિક્ષકો બાળક સાથે પ્રેમ, ધીરજ અને સમજણથી વાત કરે છે ત્યારે બાળક પણ તેમની વાત વધુ સરળતાથી સ્વીકારી લે છે.

ન્યુરોગ્રાફ : 

સાચો ઉછેર એટલે બાળકને ડરથી નહીં પરંતુ સમજ અને પ્રેમથી માર્ગદર્શન આપવું.