- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- સકારાત્મક કલ્પનાશક્તિનો વિકાસ થાય તે માટે તમે તમારા રૂમમાં પ્રેરણાદાયી કથન લગાવી શકો છો. પ્રેરણાદાયી વ્યક્તિઓની તસ્વીર મૂકી શકો છો. એમના જીવન ચરિત્ર વાંચી શકો છો. પ્રેરણાદાયી ફીલ્મો જોઈ શકો છો. પ્રેરણાદાયી ગીતો સાંભળી શકો છો
ભ વિષ્ય અનંત સંભાવનાઓથી ભરપૂર છે, જે કંઇક ઘટવાની રાહ જુએ છે. એને પ્રતિક્ષા છે કે માનવ કલ્પના એની સંભાવનાઓને સાકાર સ્વરૂપ આપે. તમારી કલ્પનાઓ ને સાકાર કરવા તમારા માનસ એક કલ્પનિક દ્રસ્યાવલી રચો. સકારાત્મક વિચારોનું માનસિક ચિત્ર કરી અને તમારી તંદુરસ્ત આત્મ છબી મજબૂત બનાવો
કલ્પના શક્તિવિકસાવવાની સરળ ટેકનીક નીચે મુજબ છે
૧. એક માનસિક દ્રશ્ય રચો : કોઈ એક શાંત સ્થળ પર સહજ ભાવથી બેસો. આ સ્થળ કોઈ કુદરતી જગ્યા હોય તો સારું, બાકી તમારા રૂમ કે ઓફીસમાં પણ તમે સહજ ભાવ અને મનની મોકળાશથી બેસી શકો છો. ત્યારબાદ આંખો બંધ કરી તમારા માનસ પટલ પર એક મેન્ટલ સ્ક્રીન બનાવી તમારા વિચારોનું ચિત્રિકરણ કરો. દિવસમાં આ પ્રક્રિયા ઓછામાં ઓછી ત્રણ વાર કરો. તમારા ભવિષ્યના લક્ષ્યના વિચારોનું તમારા માનસ પટલ પર ચિત્રિકરણ થવા દો.
૨. વિચારોનું ચિત્ર સ્વરૂપે ચિત્રણ કરવા માટે માનસિક આધાર મજબૂત બનાવો : તમારો માનસિક સ્ક્રીન જેમ જેમ મજબૂત થશે, તેમ તેમ તમે સરળતાથી માનસિક ચિત્રણ કરી શકશો. તમારા અતીત કે ભવિષ્ય સાથે જોડાયેલી ઘટનાઓને સાંકળી તમે મેન્ટલ સ્ક્રીન પર વધારે સ્પષ્ટ કાલ્પનિક દ્રશ્યાવલી રચી શકો છો.
આ પ્રકારની પ્રેક્ટિસ પડી ગયાં પછી ધીરે ધીરે આંખો ખુલ્લી રાખીને માનસિક દ્રશ્યાવલી રચવાની યોગ્યતા તમે પ્રાપ્ત કરી શકશો. એક વખત તમારો 'મેન્ટલ સ્ક્રીન' તૈયાર થઇ જાય પછી તમે બ્રહ્માંડમાં ફરી રહેલા વિચારોને મેળવવા સક્ષમ બની જશો.
યાદ રહે બ્રહ્માંડ વિચારશીલ, રચનાત્મક તેમજ અનંત ઉર્જાથી ભરપૂર હોવા છતાં સંતુલિત છે. તમે પણ સંતુલિત રહી શકો છો.
તમારી ભીતર જે કંઇ થાય છે તે તમારી સાથે સાથે બ્રહ્માંડને પણ પ્રભાવિત કરે છે. પરંતુ બ્રહ્માંડમાં જે કંઇ થાય છે તે ત્યાં સુધી તમને પ્રભાવિત નહીં કરે, જ્યાં સુધી તમે એને એમ કરવાની અનુમતિ નહીં આપો.
તમારો મેન્ટલ સ્ક્રીન તૈયાર થઇ જાય પછી વર્તમાન ઘટનાઓ વિશે સજાગ બનો. તે તમને કેવી રીતે પ્રભાવિત કરે છે તે નિહાળો. બ્રહ્માંડમાં બનતી કઇ ઘટના તમને કેટલી પ્રભાવિત કરી શકે છે એ પ્રત્યે સજાગ રહી તેની પસંદગી કરવાની આદત પાડો.
૩. તમારી કલ્પના પર કાર્ય કરો : તમે જેની કલ્પના કરો છો, જેનું ચિત્રિકરણ કરો છો તે વાસ્તવિક દુનિયામાં આકાર લે છે. તમારા શરીરનું પ્રત્યેક અંગ તમારી કલ્પના પર કાર્ય કરે છે.
દા.ત., આંખો બંધ કરીને તમે માનસિક ચિત્રણ કરો કે તમે પોતાનો હાથ હલાવી રહ્યા છો. હવે તમારી કલ્પના મુજબ તમારા હાથને હલાવો. તમારી કલ્પના મુજબ જ તમે તમારા હાથને હલાવવા શક્તિમાન છો ને ? આનો અર્થ એ થયો કે તમારા મન પાસે શરીરના અંગોને નિયંત્રિત કરવાની શક્તિ છે. તમે તમારી કલ્પના અનુસાર તમારા હાથને હલાવી શકો છો. એટલે શરીરના બીજા અંગો પણ કલ્પના - કર્મનો સિદ્ધાંત અનુસરે છે. જેથી તમારી માનસિક રચનાઓને વાસ્તવિક્તામાં બદલવાની યોગ્યતા વિકસાવવી તમારા હાથમાં જ છે એ તમે બરાબર સમજી શકશો. અને વિકાસની દિશામાં આગળ વધી શકશો.
૪. સકારાત્મક વિચારોનું માનસિક ચિત્રણ કરો.: કલ્પના કરો કે તમે મધદરિયે અટવાયેલું. સાગરના ભયાનક મોજામાં હિલોળા લઇ રહેલું જહાજ છો. આમ તમારા વર્તમાન સંજોગો કઠીન ચે.
હવે તમારા માનસિક 'સ્ક્રીન પર બીજી તસ્વીર લાવો. તમે કલ્પના કરો કે તમે એક શાંત તેમજ મજબૂત જહાજ પર મધદરિયે મુસાફરી કરી રહ્યા છો. આ જહાજ શાંત અને સ્વસ્થ રીતે પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે.'
તમારા સંજોગોને તમે ઉપરોક્ત જણાવ્યા મુજબ બંનેય રીતથી જોઈ શકો છો. જીવનમાં મુશ્કેલ સંજોગોમાં માર્ગ કાઢવા ઇચ્છા ધરાવતા હોવ તો સકારાત્મક રીતથી વિચાર કરો. તમારામાં સકારાત્મક કલ્પનાશક્તિનો વિકાસ થાય તે માટે તમે તમારા રૂમમાં પ્રેરણાદાયી કથન લગાવી શકો છો. પ્રેરણાદાયી વ્યક્તિઓની તસ્વીર મૂકી શકો છો. એમના જીવન ચરિત્ર વાંચી શકો છો. પ્રેરણાદાયી ફીલ્મો જોઈ શકો છો. પ્રેરણાદાયી ગીતો સાંભળી શકો છો. આવા ગીતોની પંક્તિઓ મનમાં ગણગણી શકો છો દા.ત.
''રૂકજાના નહીં તું કહી હાર કે. કાંટો મેં ચલતે મિલેંગે સાથે બહાર કે... ઓ રાહી... ઓ રાહી...''
૫. આત્મછબિ મજબૂત બનાવો. : તમે તમને જ ઓળખો છો? તમારા મનમાં તમારી આત્મછબિ મજબૂત બનાવો. તમારી માનસિક છબીમાં સુધારો લાવી તમે ગમે તેવું મુશ્કેલ કામ તમે કરી શકો છો. કોઈપણ ક્ષેત્રમાં સફળ થઇ શકો છો. જીવનમાં તમે જે પણ કંઇ મેળવવા ઇચ્છો કે જે પણ કંઇ બનવા માંગો એ પ્રકારની તમારી છબીથી જ તમારા મનને ભરી દો. દા.ત., તમે એક સફળ સોલીસીટર બનવા માગો છો તો કાળો ગાઉન પહેરી જજ સાહેબની સામે તમારા ક્લાયન્ટના બચાવમાં ધારદાર દલીલ કરતી તમારી કલ્પનાની મૂર્તિ રચો. ખુદને સફળ થતાં નિહાળો. એના સંબંધિત ચિત્રો તમારા રૂમમાં લગાવો અને મિત્રો સાથે તમારી સફળતા સંબંધિત જ ચર્ચાઓ કરો.
તમારી આત્મછબિમા જેટલો સુધારો લાવશો એટલા ઝડપથી તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો.
૬. કલ્પનાની સાથે આત્મશ્રદ્ધા અને આત્મવિશ્વાસનો સમાવેશ કરો : તમારી જાતમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો તે તમારી કલ્પનાને દ્રઢ બનાવવામાં મદદ કરે છે. આ માટે તમારા અર્ધજાગૃત મનમાં સકારાત્મક વિચારોને સતત ઢંઢોળતા રહો, ઉલેચતા રહો.
કોઈપણ નકારાત્મક વિચારધારા અથવા આત્મશંકા આવતાં જ તેને દૂર કરો. આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધાથી છલોછલ વિચાધારાને અપનાવી લો. સતત અભ્યાસથી તમે આ નકારાત્મક ભાવોથી મુક્ત થવાની કળા શીખી લેશો. જે પણ સકારાત્મક ભાવ તમને સફળતાની કલ્પના કરવામાં મદદરૂપ થાય એનું કાર્યમાં રૂપાંતર કરો. આ પ્રકારે સતત કાર્યરત રહેવાથી કલ્પના એક સકારાત્મક તાકાત બની જશે.
૭. નવી વિચાર પ્રક્રિયા રચો.: નકારાત્મક વિચારપ્રક્રિયા તમારી આદત બની ગઈ હોય ત્યારે એને બદલવી સરળ નથી. જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિઓ આવે છે. જ્યારે નિષ્ફળતા કે નિરાશા સાંપડે છે અને આપણી પીછેહઠ થાય છે. આ સમયે આપણું મન આપણને આપોઆપ નકારાત્મક સ્મૃતિઓને વાગોળવા તરફ ધકેલે છે. એક નિષ્ફળતાની સાથે જ તમારા જીવનની આજદિન સુધીની તમામ નિષ્ફળ પળો તમને યાદ આવે છે. બાળપણમાં કોઈ કવિતાની લાઈન તમે ભૂલી ગયા હતા. ક્લાસમાં હોમવર્ક ભૂલી જવા બદલ તમારી હાંસી ઉડાડવામાં આવેલી. પરીક્ષામાં તમને એક પ્રશ્નો જવાબ શું લખવો તે જરાય યાદ નહોતું આવ્યું. મહત્ત્વની ક્રિકેટ મેચમાં તમે પહેલા બોલે આઉટ થઇ ગયા હતા... તમારાથી કેચ છૂટી ગયો હતો... બસ તમે કેટલા નિષ્ફળ અને નકામા વ્યક્તિ છો એ ઘટનાઓ તમારા ચિત્તના કેન્દ્ર સ્થાને વારંવાર આવતી જાય છે. આના કારણે આત્મવિશ્વાસનું સ્તર ઘટે છે. જે તમને હીનભાવનાના તળીયે લઇ જાય છે અને તમારું પરફોર્મન્સ બગાડે છે. તમે હાર સ્વીકારવા તૈયાર થઇ જાવ છો.
આ સમયે ટકી રહેવા માટે આત્મવિશ્વાસ વધારવા માટે તમે તમારી પાછલી સફળતાઓ અને સિધ્ધિઓની યાદી બનાવો. અસફળતાઓને યાદ કરવાને બદલે તમારા શ્રેષ્ઠ પ્રદર્શનોને યાદ કરો. રોજ તમારી એક બે સફળતાઓ બદલ જાતને બિરદાવો. હજી પણ તમે શ્રેષ્ઠતાના પ્રદર્શન માટે સક્ષમ છો એ સ્વીકારો અને દ્રઢતાપૂર્વક આગળ વધો. તમારી પાછલી સફળતાની દ્રશ્યાવલી રચો.
૮. સતત રીયાઝ કરતાં રહો: કલ્પના શક્તિ વિકસાવવા માટે તમે ઉપર જણાવેલ તમામ ટેકનીકનો નિયમિત અભ્યાસ કરો. રિયાઝ કરો. મનના નકારાત્મક વિચારો, તનાવ અને નબળી આત્મછબીથી દૂર રહેવા નીચે મુજબની ક્રિયા રોજ કરો.
એક શાંત રૂમમાં આરામથી સૂઈ જાવ. પાંચથી દસ વખત ઊંડા ઊંડા શ્વાસ લો અને ધીરે ધીરે શરીરને શીથીલ કરો. ત્યારબાદ આંખો બંધ કરી સામાન્ય રૂપથી શ્વાસ લો. તમે એવું અનુભવો કે તમે પોતાની જાતના સંપર્કમાં છો. હવે કલ્પના કરો કે પ્રકાશનો એક સફેદ બેન્ડ તમારા શરીરની આસપાસ ચમકી રહ્યો છે અને એને શરીરને ઢાંકી દીધું છે.
હવે તમે કલ્પના કરો કે તમે તમારા શરીરની બહાર નીકળી બાજુમાં ઊભા છો અને તમારા શરીરને આરામથી ત્યાં પડેલું જોઈ રહ્યા છો.
હવે માનસિક ચિત્રણ કરો કે તમે સાવ હળવા ફૂલ થઇને તમારા પોતાના શરીરથી દૂર ધરતીની સપાટીથી ચંદ્ર તરફ આગળ વધી રહ્યા છો. તમે જેમ જેમ અંતરીક્ષમાં ચન્દ્રમાં તરફ આગળ વધવા જાવ છો તેમ તેમ તમને ધરતી વધારે ને વધારે નાની દેખાતી જાય છે. તમે ચમકતા સિતારાઓ અને ચન્દ્રમાની નજીક પહોંચતા જાવ છો.
ચંદ્ર કલ્પના શક્તિનું પ્રતીક છે. તેના પર જતાં જ તમારું મગજ, મન શાંત અને સ્થિર થઇ જાય છે. તમે ચંદ્રમાની શીતળતામાં બેસીને તમારી આસપાસ અનંત સંભાવનાઓના સ્વપ્નાં જોઈ રહ્યાં છો અને તમારી આગળ પડેલા ઉજળા ભવિષ્યને પણ જોઈ રહ્યા છો. ત્યાં થોડો સમય વીતાવો. પૂરે પૂરા રીલેક્ષ થઇ માનસિક ચિત્રણ કર્યા પછી તમે ધરતી પર પાછા ફરવા ઇચ્છો છો અને એ માટે ઉડાન ભરો છો.
ધરતી પર પાછા ફરી તમે ત્યાં પડેલા તમારા શરીરને નિહાળો છો અને એમાં પ્રવેશ કરો છો.
તમે હળવાશ અને મોકળાશ અનુભવી રહ્યા છો. તમારી કલ્પનાશક્તિમાં તમે સુધારો જોઈ રહ્યા છો, હવે તમે સશક્ત સ્વયમ સૂચનાઓથી મનને ભરી દો છો.
૧. ભવિષ્યમાં સફળતા મેળવવાના પ્રત્યેક પાસાંના માનસિક ચિત્રિકરણની યોગ્યતા મારામાં છે. હું સરળતાથી તેમ કરી શકું છું.
૨. મારી કલ્પનાના ''કોષો'' - 'માંસપેશીઓ' દિન પ્રતિદિન મજબૂત થઇ રહી છે. મને ભવિષ્યના હકારાત્મક તેમજ અક્લ્પ્ય સિદ્ધિના મહાન વિચાર ખૂબ તીવ્રતા અને સરળતાથી આવી રહ્યા છે.
૩. હું સફળતાની છબીઓને લાંબા સમય સુધી મગજમાં રાખું છું તેમજ મારાં લક્ષ્યો પર મારૂં ધ્યાન કેન્દ્રિત કરૂં છું.
૪. હું મારા લક્ષ્યો તરફ આગળ વધતાં વધતાં મારાં ઉજ્જવળ ભવિષ્યની કલ્પનાનો આનંદ લઉં છું.
૫. માનસિક સફળતા મેળવવાનો મારો પૂર્વાભ્યાસ એટલો વાસ્તવિક છે કે હું એનો વર્તમાનમાં અનુભવ કરી સફળતાની છબી વધારે સ્પષ્ટ કરી રહ્યો છું.
૬. સફળતાની આ છબિઓને સાકાર કરવા માટે કરવામાં આવતા એક એક કાર્યથી મને આનંદ થાય છે.
૭. હું સફળતાની કોઈપણ તસવીરને વાસ્તવિક્તામાં બદલી નાંખી કલ્પના કરું છું કે સફળ થયા પછી મને કેવો આનંદ થશે.
૮. હું અનંત શક્યતાઓ વચ્ચે જીવું છું. મારૂં જીવન અનેક વિકલ્પોથી ભરપૂર છે. હું જીવનમાં સફળતા મેળવવા અને મહાન કાર્ય કરવા સર્જાયો છું.
બસ હવે આંખો ખોલો અને સફળતા તરફ એક ડગલું આગળ વધો.
ન્યુરોગ્રાફ :
જો તમે હવાઈ કિલ્લા બનાવ્યા છે, તો પણ તમારૂં કામ બેકાર નથી ગયું. તે ત્યાં જ છે. જ્યાં એ હોવા જોઇએ, બસ તમારે એની નીચેના પાયાના પથ્થર લગાવવાના છે.


