- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- પતિ પોર્નોગ્રાફીના દુરુપયોગ તરાફ ફંટાય છે ત્યારે થતા દામ્પત્ય જીવનના ઝંઝાવાતમાં શું કરવું?
દા મ્પત્ય સંબંધોમાં પરસ્પરમાં વિશ્વાસ હોવો એ દામ્પત્યની ઈમારતનો પાયાનો પથ્થર છે. એટલે જ જ્યારે કોઈ એક જીવનસાથી કોઈપણ સંજોગોમાં આનંદ અને કુતુહલવશ થઈને અથવા પોતાની લઘુતા અને હતાશાની ક્ષતિપૂર્તિ માટે કોઈક એવું કાર્ય કરે કે જેના કારણે સામેના પાત્રનો દામ્પત્ય સંબંધોમાંથી વિશ્વાસ જ ઉઠી જાય ત્યારે દામ્પત્ય જીવનની ઈમારતના પાયા ડગમગવા લાગે છે. આવી દુર્ઘટનાઓ આજકાલનાં ઘણાં યુગલોમાં જોવા મળે છે.
ઘણીવાર એવા પુરુષો કેટલીક સલાહ મેળવવા આવે છે કે 'બેંગકોક પતાયા કે બાકુ મિત્રોના ગ્રુપમાં જવાનું છે. આ વખતે તો જિંદગીનો બધો જ આનંદ મેળવી લેવો છે. પરંતુ આવું કરવા જતાં ક્યાંક લ્લૈંફ કે અન્ય ગુપ્તરોગના શિકાર બની જવાય તો એવી સારવાર કરશો કે જેથી થાયલેન્ડ અને આઝાર્બેજાનમાં જિંદગી જેટલી માણવી હોય તેટલી માણીયે પણ કોઈ ગુપ્તરોગ લઈને પાછા ન આવીએ. કારણ ધંધાકીય અને બાળકોની બહુ મોટી જવાબદારી છે. તેથી એચ. આઈ. વી. જેવા ભયાનક રોગો થાય તે પોષાય તેમ નથી.
જ્યારે આ લોકોને એવું કહેવામાં આવે છે જો મજા જોખમકારક હોય અને મજા પછીની સજા ભયાનક હોવાની શક્યતા હોય તો શા માટે મજા લેવી ?' ત્યારે જવાબ મળે છે, 'સાહેબ, વિજ્ઞાાન જ્યારે આગળ વધ્યું હોય અને ગમે તેવા રોગોને નાથવા માટેની ક્ષમતા ધરાવતું હોય તો જિંદગીમાં આ ઉંમરે મજા શા માટે ન કરીએ?' અમારું કામ મઝા લેવાનું અને તમારું કામ રોગ પ્રતિકારક દવાઓ કરવાનું.
પરંતુ જાતીય મજા લેવાની આ થોડીસી બેવફાઈ જો વૈવાહિક જીવનનાં સુખ અને શાંતિને કાયમ માટે ધરાશાયી કરી દેતી હોય તો આવી મજા શા કામની ?
ભારતમાં પોર્ન વેબસાઈટની દર મહિને લાખો વિઝીટ્સ થાય છે. મોટે ભાગે ૨૫ થી ૪૫ વર્ષની ઉંમર ધરાવતા વ્યક્તિઓમાં આ પ્રવૃત્તિ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેમાં પણ મોટેભાગે મધ્યમ વયનાં પુરુષો પોર્નોગ્રાફીનો ઉપયોગ વારંવાર અને તીવ્ર માત્રામાં કરે છે. મોટાભાગે આનો ઉપયોગ રાત્રીના એકાંતમાં કે પછી દિવસભર કોઈપણ સમયે થાય છે. કેટલીકવાર વધારે પ્રમાણમાં પોર્નોગ્રાફી જોવાની આદત એ ઓબ્સેસન કે વળગણ અથવા વ્યસન કે એડિકશન પણ બની શકે છે.
ઘણાં પરિણીત પુરુષો અને સ્ત્રીઓ પોતાના દામ્પત્ય જીવનમાં શારીરિક કે ભાવનાત્મક અસંતોષના પરિણામે પોર્નોગ્રાફી તરફ આકર્ષાય છે તો ઘણીવાર એકાંતવાસ, ઉંમર અને સેક્સ ન મળવાની સંભાવનાને કારણે આનો ઉપયોગ થાય છે. કેટલાક સંબંધોમાં પોર્નોગ્રાફીનો ઉપયોગ જાતીય જુસ્સો વધારવાના સાધનરૂપે થાય છે. તો કેટલાક કિસ્સામાં છુપીરીતે પોતાના જીવનસાથીની જાણ બહાર પોર્નોગ્રાફીનો દુરુપયોગ જીવનસાથી પ્રત્યેની કામેચ્છા અને કામોત્તેજના ઘટાડવાનું કામ કરે છે અને બંને વચ્ચેનો લાગણીના સંબંધોનો સેતુ કરડભૂસ થઈ જાય છે.
આવી જ એક વાત પ્રેમસંબંધોથી લગ્નસંબંધો સુધી પહોંચેલા એક પરિણીત યુગલ કિયાના અને અયાનની છે.
કિયાના અને અયાનનું લગ્નજીવન ૨૦૧૮માં ૪ વર્ષના પ્રેમસંબંધોના પરિણામે શરુ થયું હતું. બંને પ્રેમીઓ યુવાનવયથી જ 'હરેકૃષ્ણ' ચળવળ સાથે જોડાયેલા હતાં અને આધ્યાત્મિક વિકાસ તરફ ઝુકાવ ધરાવતા હતાં. લસણ, ડુંગળી, તંબાકુ, દારુ વગેરેનો ઉપયોગ અધાર્મિક છે એવું તેઓ માનતા હતાં અને જપ, પૂજા અને ઉપવાસ તેમની રોજીંદી આદત હતી. બંને વચ્ચેનો પ્રેમ સંબંધ સારસ બેલડી જેવો હતો.
લગ્નના થોડા સમય પછી કિયાના ગર્ભવતી થઇ અને પ્રસુતિ માટે તે લગભગ ૯ મહિના સુધી પોતાના પિયરમાં ચાલી ગઈ.
પિયરમાંથી પાછા વળીને કિયાના અને અયાન પુત્રને સાથે લઇ શ્રી કૃષ્ણધામમાં આશીર્વાદ લેવા પહોંચ્યા ત્યાંથી પાછા વળ્યા પછી અયાન ખુબ જ અસ્વસ્થ થઇ ગયો અને રાત્રે ઘેર પહોંચી પત્ની કિયાનાને કહ્યું કે મારે તારી સાથે કેટલીક અંગત વાત કરવી છે. તું જ્યારે પ્રસુતિ માટે તારા પિયરમાં ગઈ હતી ત્યારે લગભગ ૯ મહિના સુધી મેં તારી સાથે દગાખોરી કરી છે અને મને ન મળતા સેક્સનો આનંદ મેં બહારથી લીધો છે.
કિયાના આ વાત સાંભળીને હચમચી ગઈ અને તેણીએ અયાનને કહ્યું 'તમે આટલાબધાં ધાર્મિક અને આધ્યાત્મવાદી વ્યક્તિ છો અને મારી સાથે જનમો જનમના પ્રેમસંબંધમાં જોડાયા છો એટલે તમે કોઈજ અજુગતું કાર્ય કરી શકો જ નહીં મને તમારા પર ભરોસો છે અને તમારો મસ્કરો સ્વભાવ પણ મને ખબર છે પણ આ સમયે કંઇક સારી વાત કરો.'
અયાનની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે ગદગદ થઈને બે હાથ જોડી કિયાનાને કહ્યું 'મેં તારો ઘોર અપરાધ કર્યો છે. તારી સાથે દગો કર્યો છે. મને માફ કરી દે.'
કિયાના એ કહ્યું 'પણ વાત શું છે એ તો કહો. તમારી ગમે તેવી ગંભીર ભૂલ હું માફ કરી શકું છું કારણ હું તમને સાચા દિલથી ચાહું છું.'
અયાને કિયાનાને જણાવ્યું 'તું જ્યારે પ્રસુતિ માટે પિયર હતી ત્યારે રાત્રીના એકાંતમાં મેં નિયમિત રીતે પોર્ન વેબસાઇટ વિઝીટ કરી છે. પોતાની જુદી જુદી વેબસાઈટની વિઝીટની હિસ્ટ્રી બતાડતા, એક વેબસાઈટનું લાઈવ સ્ટ્રીમીંગ બતાડી અયાને કિયાનાને કહ્યું કે અહીં આ રીતે ફીમેલ ઓપ્શન પસંદ કરવામાં આવે છે. આના પછી દર્શકો સામેના છેડેની લાઈવ સેક્સ પ્રવૃત્તિઓ જોઈ શકે છે અને મન ફાવે તેવી કોમેન્ટ્સ કરી શકે છે. આ બધાથી ઉત્તેજિત થઈને જો તમે પ્રાઈવેટ શો પરનું બટન દબાવો તો તમારી મનગમતી મોડલ તમારી સામે આવે છે અને પછી તમે તેને નગ્ન થવા, બ્રેસ્ટ બતાવવા કે મુખમૈથુન બતાવવા એમ જે આદેશ આપો એ મુજબ એ જીવતી જાગતો સ્ત્રી પ્રતિભાવ આપે છે.
આથી વધારે મેં શું કર્યું કદાચ એ જાણીને તું જીરવી નહીં શકે. પણ મારા મનનો અપરાધભાવ હળવો કરવા હું આ કબુલાત કરું છું. મને માફ કરી દે. હું હવે તને પહેલા કરતાં પણ ઘણો વધારે ચાહું છું અને હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય.
કિયાના આ વાત સાંભળી અને સંપૂર્ણપણે ભાંગી પડી. ૯ મહિના પ્રસુતિ માટે તે પિયર ગઈ હતી અને પ્રસુતિ અને બાળસંભાળની પીડા સહન કરી રહી હતી ત્યારે અયાને આવા ધંધા કર્યા...? મને આટલી હદ સુધીનો દગો કર્યો...?
આ ઘટના બની ત્યાર પછી કિયાના દગાખોરી અને વિશ્વાસઘાતની આગમાં ભળભળ બળવા લાગે છે. અયાન પરનો તેનો બધો જ વિશ્વાસ હવે તૂટી ગયો છે. અયાન ફરી પાછું આવું નહીં કરે એની શું ખાતરી જેવા અસલામતીભર્યા વિચાર તેને આવે છે. એને સતત એવા વિચાર આવે છે કે અયાને જે કબુલાત કરી એનાથી વિશેષ પ્રાઈવેટ પ્લેસમાં જઈને શું કર્યું હશે? એને વારંવાર રડવું આવે છે. અકારણ ગુસ્સે થઇ જાય છે અને અયાનને વારંવાર ચેતવણી આપે છે કે જો આવું ફરી થશે તો હું દીકરાને લઈને કાયમને માટે પિયર જતી રહીશ.
અયાન ખાતરી આપે છે કે આવું હું ફરીવાર ક્યારેય નહીં કરું.
અયાન પણ હતાશ છે. અપરાધભાવથી ભરેલો છે. પોતાના ડ્રીમ પ્રોજેકટમાં કરોડો રૂપિયા રોક્યા પછી હવે તે કામ પર જતો નથી. આખો દિવસ રૂમમાં ભરાઈ રહે છે. અને શ્રી કૃષ્ણ શરણમ મમ:ના જાપ કર્યા કરે છે.
આવું ક્યાં સુધી ચાલશે એવું વિચારી થોડા દિવસ પછી બંને જણા કૃષ્ણધામમાં જાય છે પરંતુ ત્યાર પછી પણ નથી કિયાનાના વિચાર અને ગુસ્સો અટકતા કે નથી અયાનનું રડવાનું તથા અપરાધભાવ અનુભવવાનું અને રૂમમાં ભરાઈ રહેવાનું બંધ થતું એટલે મનોચિકિત્સા માટે બંનેની સંમતિથી આવે છે.
બંનેની લાઈફ હિસ્ટ્રી ટૂંકમાં કંઇક આ પ્રમાણે હતી :
ગ્રેજ્યુએશનની ડીગ્રી પછી અયાન સંયુક્ત કુટુંબમાં રહે છે અને પરિવારના ધંધામાં જોડાય છે. પરંતુ તેને સતત એવું લાગ્યા કરે છે કે આ કરોડોની અસ્કયામતમાં એનો તો કોઈ જ ફાળો નથી. તેને સતત એવો વિચાર આવે છે કે મારા ઉચ્ચ અભ્યાસ છતાં પણ મારા પિતા અને ભાઈ જેટલી સફળતા હું ક્યારેય મેળવી શકવાનો નથી. હું એક નિષ્ફળ અને નકામો પુત્ર છું.
પોતાની પત્ની અને માતા વચ્ચેની વિસંવાદિતામાં મુકપ્રેક્ષક બની રહેતો તે એવું વિચારે છે કે હું માત્ર નિષ્ફળ વ્યવસાયી નહીં પણ નિષ્ફળ પતિ અને પુત્ર પણ છું.
આવા આત્મસંશય અને વ્યવસાયના તનાવની વચ્ચે પત્ની જ્યારે પ્રસુતિ માટે પિયર જાય છે ત્યારે તનાવ હળવો કરવા તે પોર્નોગ્રાફી જોવાનું શરુ કરે છે જે એક આદત બની જાય છે. કારણ પોર્નોગ્રાફી જોવાથી મગજમાં જે ડોપામીનનો સ્ત્રાવ થાય છે જે તેને રોજિંદુ કામ કરવા માટેની કિક આપે છે.
હતાશા અને તણાવની મનોસ્થિતિમાં એને આધ્યાત્મિક વિકલ્પો જેવા કે ડુંગળી, લસણ છોડીવું તથા શ્રી કૃષ્ણ શરણ મમ:ના જાપ જપવા વગેરે અપનાવી તેને પોતાના તનાવને દૂર કરવાનો નિષ્ફળ પ્રયત્ન આખરે તે પોર્નોગ્રાફીના રવાડે ચડી ગયો.
કિયાના બાળપણથી લાગણીશીલ અને અંતર્મુખી છે અને વધારે પડતું વિચારવાની એને ટેવ છે. અયાનને મેળવીને તે ખૂબજ ખુશ છે અને અયાન જેવા સંવેદનશીલ અને આધ્યાત્મિક પતિનો સથવારો એના જીવનનું ભાથું બની જશે એવી તેને ખાતરી થઇ જાય છે. પરંતુ એ સંયુક્ત પરિવારમાં રહે છે અને પરિવારના નિયમ પ્રમાણે પોતે ઉચ્ચ શિક્ષણ ધરાવતી હોવા છતાં નોકરી કે વ્યવસાય કરી શકતી નથી એ વાતથી ઉદાસ છે અને સાસુ સાથેના મતભેદો એનામાં સતત માનસિક તાણ લાવે છે.
આ બધાં સંજોગોમાં પતિની બેવફાઈની વાત એ પચાવી શકતી નથી અને સાવ ભાંગી પડે છે.
દવાઓ દ્વારા ઈલાજની સાથે સાથે આવી સ્થિતિમાં આવી પડેલા દંપત્તિએ શું કરવું એ અંગેની ચર્ચાબેઠકો યોજાય છે. જેની ટૂંકમાં રજૂઆત નીચે મુજબ કરું છું.
ખુલ્લી વાતચીત અને સંવાદ કરવો : ભય, અપરાધભાવ અને ગુસ્સો રાખીને નહીં પણ શાંતિપૂર્વક વ્યથાઓ વ્યક્ત કરવાનું સમજાવાય છે. પતિ પર વિશ્વાસ ફરીથી સ્થાપિત કરવા માટેની મહત્ત્વપૂર્ણ ચર્ચા ત્રણ બેઠકોમાં કિયાના સાથે કરાય છે. આ દરમ્યાન કિયાનાના મનના ભાવો 'મારી સાથે જ આવું કેમ બન્યું' અને હવે જિંદગીમાં કોનો વિશ્વાસ કરવો એ મુદ્દાને ધ્યાનમાં રાખી એના આપોઆપ આવતા નકારાત્મક વિચારોને હેન્ડલ કરવાની મનોવૈજ્ઞાાનિક પદ્ધતિ અને વિચારધારાની ચર્ચા કરાય છે. વિશ્વાસ પ્રસ્થાપિત કરવાની આ સલાહ બેઠકોમાં કિયાનાની માનસિક ઈજા ઘણી હળવી બને છે.
અયાનને પણ એની લઘુતા અને અધૂરપની લાગણીમાંથી બહાર આવવા દવાઓ અને ચર્ચાબેઠક કરાય છે જેમાં સફળતા મળે છે. અયાનનો પોર્નોગ્રાફી જોવાનો અપરાધભાવ દૂર કરવા તેની સાથે મનોવૈજ્ઞાાનિક સિદ્ધાંતો પર આધારિત ચાર ચર્ચાબેઠકો કરાય છે અને એને સમજાવવામાં આવે છે કે
'હૈ કોન વો દુનિયામે, ના પાપ કિયા જિસને? , બિન ઉલઝે કાંટો સે હૈ ફૂલ ચુને કિસને?'.
ધીરેધીરે પતિના પોર્ન જોવાથી ઉઠી ગયેલા વિશ્વાસમાંથી કિયાનાને બહાર લવાય છે અને દામ્પત્ય સેતુ મજબૂત કરવાની ચર્ચા આગળ ચાલે છે.
વાંચકમિત્રો દામ્પત્યજીવન આવા ઘણાં ઝંઝાવાતોનો સામનો આજના જમાનામાં યુગલો કરે છે. આ ઝંઝાવાતોથી થતી પીડા સ્વાભાવિક છે પણ તેને પ્રતિભાવ સમજદારીથી આપવો જરૂરી છે.
દામ્પત્યજીવનમાં ગમે ત્યારે સંબંધ તૂટી ગયો હોય એવું લાગે ત્યારે પણ સમયસરનો ઈલાજ, નિષ્ણાતના સલાહ સૂચન અને દંપત્તિનાં પ્રમાણિક પ્રયત્નો વડે દામ્પત્યજીવનની નવી શરુઆત શક્ય છે.


